"દૂત"સ્વયં સેવક સંમેલન 2022
આગમન ઋતુના પ્રથમ રવિવારે ગુજરાતી કેથોલિક સમાજના એક માત્ર 100 વર્ષ જૂના સામયિક "દૂત" ના સ્વંય સેવકોનું એક સ્નેહ સંમેલન યોજવામાં આવે છે. આ વર્ષે આ સંમેલન તારીખ 12.12.22 ને સોમવારે કોમ્યુનિટી હોલ ગામડી ખાતે યોજવામાં આવ્યું હતું. કામકાજ અને નોકરીનો ચાલુ દિવસ હોવા છતાં લગભગ 75 જેટલાં સ્વંય સેવકો આ સંમેલનમાં હાજર રહ્યાં હતાં. આગમન અને ચ્હા-નાસ્તા બાદ "દૂત"ના પ્રકાશકશ્રી, પૂજય ફાધર ફ્રાન્સિસ પરમાર એસ.જે. તથા "દૂત"ના મુદ્રકશ્રી, પૂજય ફાધર એન્થની પિચાઈની અધ્યક્ષતામાં સવારે 10.00 વાગે યોજાયેલ આ સંમેલનમાં શ્રી માર્ટીનભાઈ(ઓફિસ વ્યવસ્થાપકશ્રી)એ સૌનું સ્વાગત કર્યું હતું. બાદમાં એક સામૂહિક ભજનથી આ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી જયંતીભાઈ.આઈ.પરમારે ( સાગોડપૂરા,આણંદ) શાસ્ત્રપાઠનું વાંચન કર્યું હતું. બાદમાં શ્રી જોસેફભાઈએ (વલાસણ) સૌને પ્રાર્થનામાં દોરીને સંમેલનને ખુલ્લું મૂક્યું હતું. બાદમાં પૂજય ફાધર ફ્રાન્સિસનું શ્રી સિલાસભાઈ વાઘેલા ( આમોદ)એ અને પૂજય ફાધર એન્થનીનું શ્રી પ્રફુલ્લભાઈ પરમારે ( ચાવડાપૂરા ) બુકે આપી સ્વાગત કર્યું હતું. ...