ઈશ્વરનું સરનામું ...

 (કટાક્ષ કથા) 

સૌજન્ય લેખક : વિલ્સન સોલંકી


(લેખક પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ચિયન પંથના છે, ચર્ચની માન્યતાઓ, રિવાજ અને વિધીઓ માં સમય પ્રમાણે સુધારા કરવામાં આવે તેવો આગ્રહ રાખે છે. ખ્રિસ્તીધર્મ ને નામે કેટલાક સ્વાર્થી લોકો સંગઠિત થઈ લોકોને ગુલામ બનાવી રહ્યા છે. તે ધ્યાનમાં રાખીને આ કટાક્ષ લેખ લખવાની જરૂર પડી છે.)


          કેટલાક ઉતાવળિયા વિશ્વાસુઓ કબ્રસ્તાનમાંથી રાત્રે આકાશમાં ચડી ગયા, ત્યાં તેમને સામે બે મોટા દરવાજાઓ દેખાયા. એકની ઉપર "સ્વર્ગ" અને બીજાની ઉપર "નર્ક" એવું મોટા અક્ષરે લખેલું હતું. નરકનો દરવાજો ખુલ્લો જ હતો પણ તે તરફ કોઈ જતું દેખાતું ન હતું, જ્યારે સ્વર્ગ નો દરવાજો બંધ હતો. એ દરવાજે તાળું મારેલું હતું. ત્યાંથી જાણવા મળ્યું કે સ્વર્ગની ચાવીઓ પાઉલ નામના પટાવાળા પાસે હતી અને તે હજી પૃથ્વી પર જ સેવામાં હતો. 


બુકિંગ કન્ફર્મ હોવાના વિશ્વાસ સાથે એક એક આત્મા સ્વર્ગના દરવાજા ખુલવાની રાહ જોતા, લાઈનમાં ઊભા રહેવા લાગ્યા, અને લાઈન લાંબી થતી જતી હતી. 

તે જોઈને લાઈનમાં ઉભેલા કેટલાકને મનમાં થયું કે મારા સિવાય પણ સ્વર્ગની આ લાઇનમાં ઉભા રહેવાનો અધિકાર આટલા બધા ને કેવી રીતે મળી શકે? દરેકને એમ જ લાગતું હતું કે હું જ એકમાત્ર લાયક છું.


ઘણો સમય પસાર થયો એટલે કેટલાકથી ન રહેવાયું તેમાંના એક શખ્સે મૌન તોડ્યું અને પાછળ ઉભેલા બીજાને શંકાથી પૂછ્યું : "શું તારણ પામ્યો છે ?"

બીજાએ જવાબ આપ્યો : "હાસ્તો વળી, એમને એમ આ દરવાજા સુધી પહોંચાય છે?"

પહેલાએ સવાલ કર્યો : "તે઼ં બાપ્તિસ્મા લીધું છે?" બીજાએ કહ્યું : "હા, હા, આ રહ્યું સર્ટીફીકેટ". કહીને સર્ટિફિકેટ બતાવ્યું.

પહેલાએ સર્ટીફીકેટ જોઈને કહ્યું : "આ તો બોગસ સંસ્થાનું સર્ટી છે, આનાથી તને અહીં પ્રવેશ મળવાની શક્યતા નહિવત છે". 

બીજાએ કહ્યું : "ના કેમ મળે? તું જાણે છે મારા બાપ્તિસ્મા સમયે બે હજાર લોકોને જમાડ્યા હતા, અને બિશપ સાહેબે જાતે 'છાંટાનું બાપ્તિસ્મા' આપ્યું હતું.‌ પહેલા એ કહ્યું : "છાંટા નું જ ને ! ?" એની વેલ્યુ કેટલી બીજાએ કહ્યું : "તો, તું તારૂ સર્ટી. તો બતાવ? જોઈએ, કોના સહી-સિક્કા છે. 

પહેલા એ સર્ટિફિકેટ બતાવતા કહ્યું : "લે, જો. મારુ તો ડૂબકી નું બાપ્તિસ્મા છે, સ્વર્ગમાં પ્રવેશતા મને કોઈ રોકી શકે તેમ નથી."

પરદેશથી આવેલા સાહેબે મને બાપ્તિસ્મા આપ્યું હતું, સર્ટી આપતી વખતે જ તેમણે કહ્યું હતું કે 'અત્યારે જ જવાનું થાય તો પણ તને સ્વર્ગ માં પ્રવેશ મળી શકે છે'. પણ મેં સ્વર્ગ જવાનું મોકૂફ રાખી, ચર્ચ- કમિટીમાં થોડા  વર્ષો જમીન ખરીદ વેચાણ કરવાની સેવા આપી".

બીજાએ કહ્યું : "એ કમિટીમાં? તો તો તારું સર્ટિફિકેટ નક્કામું. કેમકે અમારા સાહેબ, એક વાર કહેતા હતા કે કમિટીમાં આગેવાની કરવાથી પ્રભુને રાજી કરી શકાય નહીં". 


આજુબાજુ લાઈનમાં ઉભેલા બધા આ વાતો સાંભળતા હતા, તેથી પહેલા માણસનો ઈગો હર્ટ થયો. 

તેણે કહ્યું : "જા બે જા,  તું કોણ ન્યાય કરવાવાળો" ? એમ કહી તેણે પેલા બીજાને ધક્કો માર્યો. 

બીજો ગુસ્સે થઈ બોલ્યો "લે માર મને". આ ગાલ ધર્યો. પહેલાએ સટ્ટાક કરીને ગાલ ઉપર ચોપડી દીધી. 

બીજાએ બીજો ગાલ ધર્યો પહેલા એ ફરીવાર બીજો ગાલ પણ લાલ કરી દીધો. 


લાઈનમાં અફરાતફરી મચી ગઈ, લાઈન તૂટી જતા ઘણા પાછળ ઉભેલા આગળ ઘૂસી ગયા. વાતાવરણમાં ગરમી આવી ગઈ.


આ જોતાં લાઈનમાં ઉભેલા એક 'સભાન આત્મા'એ વિચાર્યું કે "સાલું, આ બંને જણ તો બાપ્તિસ્મા લીધેલા છે, અને સર્ટિફિકેટ વાળા હોવા છતાં ઝઘડી રહ્યા છે". "મારા ચર્ચમાં તો કોઈ બાપ્તિસ્માને માનતું જ નથી તો સર્ટીફીકેટ હું લાવીશ ક્યાંથી ?"


એટલે તેને આ આખી વ્યવસ્થા પર શંકા ગઈ, તે નજર ચુકાવી લાઇનમાંથી સરકી જઈ અને બાજુના રસ્તે 'નરક' લખેલા ખુલ્લા દરવાજાના રસ્તા પર આગળ પહોંચી ગયો, દરવાજા માં તે ડોકિયુ કરી અંદર પ્રવેશ્યો, ત્યાં પ્રકાશિત વાદળમાં તેણે પ્રભુને ઊભેલા જોયા, તે અચરત પામ્યો. પ્રભુ તેની જ રાહ જોઈ રહ્યા હતા.


તે માણસ આ આત્મિક ઘટના સમજી શક્યો નહીં, તેને નવાઈ લાગી. 

તેણે પ્રભુ ને પૂછ્યું : "પ્રભુ તમે અહીં નરકમાં."

પ્રભુ બોલ્યા : "હા, હા સ્વર્ગ- નર્ક ના હોર્ડિંગ બોર્ડ જગતના લોકો ની રીત છે પણ મારું નિવાસસ્થાન તો તમારા હૃદયમાં જ છે, જે શોધે છે એને જ મળે છે, જે ઠોકે છે માટે ઉઘાડવામાં આવે છે."

"તમે જેને સ્વર્ગ નો દરવાજો માનો છો તે કદી ખુલવાનો નથી, તેનું તાળું તો જો, કટાઈ ગયું છે અને મેં આપેલી કુંચીઓ સાથે પાઉલ અહીં મારી સાથે જ રહે છે."


તે માણસ આનંદિત થયો. પ્રભુએ તેને કહ્યું કે  "ભૂખ્યાને અન્ન, ગરીબોને મદદ , દર્દીઓને સહાય તથા જેલમાં ગુનેગારોની મુલાકાત લેવાનું કામ તો તમારા જેવા જ લોકો કરે છે. ભલે તેઓ ચર્ચના સભ્ય ન હોય પણ મેં જોયું છે કે જે નિયમો ને વળગી રહેનાર જ અસભ્ય જીવન જીવે છે. હોર્ડિગ બોર્ડ, સર્ટીફીકેટ, વિધીઓ તો જગતના માલિક શેતાનની યોજના છે. મારા સાચા  અનુયાયીઓએ છેતરાવું જોઈએ નહીં."

પ્રભુ તેનો આવકાર કરતાં બોલ્યા : "આવ, મારા દીકરા, મારી સાથે સ્વર્ગમાં રહે અને આનંદ કર."

- તા. ૬/૧૨/૨૦.

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26