યોહનકૃત ઈસુની વેદનાનું વર્ણન
*ભાગ – ૨*
*મુખ્ય પ્રસંગો*
*(૧) પાસ્ખાપર્વ*
‘પ્રભુએ મિસર દેશમાં મોશેને અને અહરોનને કહ્યું, “તમારે માટે આ મહિનો બધા મહિનામાં પહેલા ગણાશે. એ તમારા વર્ષનો પહેલો મહિનો બનશે. ઈઝરાઈલીઓના આખા સમાજને કહેજો કે, આ મહિનાના દસમા દિવસે દરેક માણસે કુટુંબ દીઠ એક ઘેટુ કે બકરુ લેવું. જો કુટુંબ એટલું નાનું હોય કે એક જાનવરને ન ખાઈ શકે તો પડોશના માણસ સાથે ભાગમાં જાનવર લેવું. દરેક માણસ કેટલું ખાઈ શકશે તેનો હિસાબ કરી તમારે જાનવર દીઠ માણસોની સંખ્યા નક્કી કરવી. તમારું જાનવર ખોડખાંપણ વગરનું અને એક વર્ષનું નર જાતિનું હોવું જોઈએ. તમે ઘેટુ લો કે બકરુ લો. તમારે એને આ મહિનાની ચૌદમી તારીખ સુધી રાખવું અને પછી આખા ઇશ્રાયલી સમાજે સંધ્યાસમયે તેનો વધ કરવો. તેનું થોડું લોહી લઈને જે ઘરમાં એ ખાવાનું હોય તે ઘરની બંને બારસાખ ઉપર અને તેના ઓતરંગ ઉપર લગાડવુ. એનું માસ શેકીને તે જ રાતે બેખમીર રોટી અને કડવી ભાજી સાથે ખાવું. એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું, પણ પગ માથું અને આંતરડા સાથે શેકીને ખાવું. એમાંનું કશું સવાર સુધી રહેવા ન દેવું. જે કંઈ સવાર સુધી રહે તેને તમારે બાળી મૂકવું. તમારે આ રીતે ખાવું : કમર કસીને, પગમાં પગરખા પહેરીને, હાથમાં લાકડી લઈને, ઉતાવળે ઉતાવળે ખાવું. પ્રભુનાં માનમાં આ પાસ્ખા પર્વ છે” (મહાપ્રસ્થાન ૧૨ :૧-૧૧)’
પાસ્ખાપર્વ એક અઠવાડિયું ચાલતો પર્વ હતો. અને તેમાં આવતો વિશ્રામવાર વર્ષના બીજા બધા વિશ્રામવારોમાં સૌથી મોટો ગણવામાં આવતો હતો. સામાન્ય રીતે વિશ્રામવાર શુક્રવારે સૂર્યાસ્ત થતાં શરૂ થતો. તે સાંજે પાસ્ખાપર્વનું બલી અર્પણ કરવામાં આવતું. જણાવેલી રીતરસમ મુજબ આ બલીને ખાવામાં આવતો. ભોજનમાં એક વર્ષનું નર ઘેટુ કે બકરું હોય, નવા દ્રાક્ષનો રસ હોય, નવા ધાન્યથી તૈયાર કરેલ બેખમીર રોટલી હોય અને કડવી ભાજી. શરત એટલી જ હતી કે આ બધું ખાઈને તે રાત્રે બધુ જ પૂર્ણ કરી દેવું, બીજા દિવસ માટે કશું રાખી શકાય નહીં. શનીવારે સૂર્યાસ્ત થતાં વિશ્રામવારનો અંત આવતો.
*આપણામાંથી ઘણાને પ્રશ્ન હશે કે જો વિશ્રામવાર શુક્રવારે સાંજે સૂર્યાસ્ત પછી શરૂ થતો હોય અને પાસ્ખાપર્વનું ભોજન તે રાત્રે સાથે લઈ ઉજવવાનું હોય તો ઇસુ શુક્રવારની જગ્યાએ શા માટે ગુરુવારની રાત્રિ પસંદ કરે છે ???*
આપણને ખબર છે તે મુજબ પાસ્ખાપર્વનું ભોજન કરવાના નિયમ મુજબ દરેક કુટુંબે એક વર્ષનું નર ઘેટુ કે બકરુ લઈ તેને બલીદાન તરીકે ઈશ્વરને ચડાવવાનું હતું અને ખાવાનુ હતુ. પરંતુ પૂર્વશરત એ છે કે આમાંથી સવાર સુધીમાં કશું જ બચવુ ન જોઈએ. વિચાર કરો કે કુટુંબ ખૂબ જ નાનું હોય કે જેમા પતિ, પત્ની અને એક નાનું બાળકનો સમાવેશ થતો હોય તો આટલો બધો ખોરાક કેવી રીતે લઈ શકાય ?? તેથી આવા લોકોની સગવડ માટે એક નવો પેટા નિયમ આવ્યો કે જો કુટુંબ નાનું હોય અને તે સંપૂર્ણ ખાઇ શકે તેમ ન હોય તો તેમણે બે-ત્રણ કુટુંબ ભેગા મળીને બલી ચડાવવો. પ્રથમ પ્રશ્ન હલ થયો અને બે કે ત્રણ કુટુંબો ભેગા મળીને એક બલિ ચઢાવે અને તેને ખાય. પણ હવે પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે તેઓ ભોજન કરીને ઊભા થાય છે ત્યાં તો વિશ્રામવાર લાગી ગયો છે. હવે તમારાથી ચલાય નહીં અને જો તમે ચાલ્યા તો તમે વિશ્રામવારનો ભંગ કર્યો કહેવાય. તમારાથી ફક્ત દોઢ કિલોમીટર જેટલું જ ચલાય. આમ દૂરથી આવેલા કુટુંબીજનો પેલા કુટુંબને ત્યાં શુક્રવારની રાત અને શનિવારનો આખો દિવસ કાઢી નાખશે. શનિવારે રાત્રિના સમયે મુસાફરી થઇ ન શકે કારણ બહાર ચોર લુંટારૂઓની બીક છે. તેથી આ કુટુંબ રવીવારે સવારે જ પોતાના ધર તરફ પ્રયાણ કરી શકશે. અને આમ આટલો મોટો તહેવાર બીજાના ઘરે રોકાઇ ને જ કાઢવો પડે. ફરીથી નિયમમા બીજો પેટા નિયમ આવ્યો. તમે શુક્રવારની જગ્યાએ આગલા દિવસે એટલે કે ગુરુવારે પાસ્ખાનું ભોજન લઇ શકો છો. જેથી કરીને ભોજન કરી બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે આરામથી પોતાના ઘરે ચાલીને જઈ શકો છો.
*હવે ઇસુ આ વ્યવસ્થાનો લાભ લેશે. પાસ્ખાપર્વનું ભોજન શુક્રવારની સાંજને બદલે ગુરુવારે સાંજે ગોઠવશે. તેનાથી મોટામાં મોટો ફાયદો એ છે કે ઇસુ જાણે છે કે ગુરુવારે મોડી રાત્રે તેમની ધરપકડ થવાની છે. અને શુક્રવારે તો ક્રુસની શિક્ષા થઈ જશે. હવે જો એમ થાય તો પોતાના વહાલા શિષ્યો પાસ્ખાપર્વનું ભોજન લઈ શકે નહીં. આમ આ બધામાંથી નીકાળવાનો એક જ માર્ગ અને તે પાસ્ખાપર્વનું ભોજન ગુરુવારે સાંજે લેવું.*
*(૨) પગ ધોવા ની વિધિ*
યહૂદી માન્યતા પ્રમાણે જ્યારે પણ વ્યક્તિ બીજાના ઘરે મહેમાનગતિએ જાય ત્યારે તે વ્યક્તિને આવકારતાં સૌપ્રથમ વ્યક્તિના પગ ધોવાની વિધિ કરવામાં આવે. તે ખૂબ જ અગત્યની વિધિ છે જે આપણે લુક અધ્યાય ૭ કડી ૪૪ માં જોવા મળે છે. ઇસુ સીમોનને ફરિયાદ કરતાં કહે છે કે જ્યારે હું તારા ઘરમાં આવ્યો ત્યારે તે મને પગ ધોવાને પાણી પણ ન આપ્યું. આમ યહુદી રિવાજ મુજબ ઘરમાં પ્રવેશ પામતા પહેલા પગ ધોવાની વિધિ ખૂબ જ અગત્યની હતી. પણ બીજી તરફ જોઈએ તો ખબર પડે કે કોઈના પણ પગ ધોવા એ એક હલકા પ્રકારનું કામ હતું. તે વખતે યહૂદી લોકો આ પ્રકારનું કામ મોટે ભાગે ગુલામો જોડે કરાવતા. તેઓ બીન-યહૂદી ગુલામ સ્ત્રીને મહેમાનના હાથમાં પાણી આપવાનું કામ કરાવતા જેથી મહેમાન જાતે જ પગ ધોઈ નાખે. બીન-યહૂદી ગુલામ પુરુષ ફક્ત પાણી બતાવે કે તે ક્યાં રાખેલ છે પણ હાથમાં પાણી ન આપે. જ્યારે યહૂદીને તો પાણી વિશે વાત જ કરાય નહીં. તે બતાવે તો ખરું.
*આમ પગ ધોવાની વિધિને આટલી નીચી દ્રષ્ટિએ જોવામાં આવતી હોય ત્યારે તેવા વખતે આપણા ઈસુ ગુરુ શિષ્યના પગ ધુએ છે.*
*પરંતુ પગ ધોવાની વિધિને ભોજન પહેલાં કરવામાં આવતી ભોજન દરમિયાન તો ક્યારેય નહીં. પરંતુ આજે ભોજન દરમિયાન ઇસુ આ વિધિ કરશે.*
*ભોજન પવિત્ર છે તેથી વચ્ચે કદી ઊભું ન થવાય. વળી આ તો પાસ્ખાપર્વનુ ભોજન લેવાની ચોક્કસ એક વિધિ છે. તે તોડાય નહીં. પરંતુ ઇસુ અડધે ભાણે ઊભા થશે અને શિષ્યના પગ ધોશે કારણ તો જ જગત જાણે કે હુ ગુરુ હોવા છતાં તમારા પગ ધોવુ તો તમારે પણ એકબીજાના પગ ધોવાના છે*
*(૩) ઇસુ અને ‘ઉપલી મેડી’*
ઇસુ પોતાના શિષ્યોને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ પાસ્ખાપર્વની ઉજવણી માટે યરૂશાલેમ આવે છે. આપણે આગળ જોયું તેમ આ પાસ્ખાપર્વમા આવતો વિશ્રામવાર સૌથી મોટામાં મોટો વિશ્રામવાર ગણાતો, જે ૧૨ વર્ષથી મોટા યહૂદી પુરુષ માટે પાડવો ફરજિયાત હતો. યાદ કરીએ કે આંકલાવના કે પછી ખંભોળજના મેળામાં ગામેગામથી અને શહેરોથી લોકો બસ કરીને આ મેળામાં પહોંચી જાય છે. આવી જ રીતે ઈસુ પણ પોતાના શિષ્યો સાથે યરૂશાલેમ પહોંચી જાય છે. અહીંયા તેમણે પૂરું એક અઠવાડિયું રહેવાનું છે. હવે આટલો લાંબો સમય આટલા મોટા શિષ્યોના સમુદાય સાથે રહેવાનું હોય તો પછી બહાર ખુલ્લા તમ્બુમાં કે કોઇના ઘરે રહેવાનું પોસાય નહીં. *આથી કરીને ઇસુ તેમના શિષ્યો સાથે એક મકાન ભાડે રાખે છે - ‘ઉપલી મેડી’.*
ઈસુના શિષ્યોમાંના મોટાભાગના ધંધે માછીમાર છે. મોટેભાગે તેમનો ઇતિહાસ એ પ્રકારનો છે કે આખો દિવસ આરામ કરવો અને રાત્રે માછલી પકડવી. હજુ પણ તેમના સ્વભાવમાં આ બાબત જોવા મળે છે. દિવસે આરામ કરવો અને રાત્રે જાગવુ. ઇસુએ જે મકાન ભાડે રાખ્યું છે તેની પાછળના ભાગે જ વડા પુરોહિત કાયફાનું ધર છે. હવે વિચાર કરો કે જે સમુદાય આખી રાત જાગતો હોય, કદાચ હસી-મજાક પણ કરતો હોય તો રાત્રિની નીરવ શાંતિમાં બીજાને ખલેલ તો પડે જ. અને આ તો વળી કોઈક જેવીતેવી વ્યક્તિને નહીં પણ વડા પુરોહિત કાયફાને ખલેલ પડે તેમ છે.
આથી કરીને ઈસુ આખી રાત પોતાના શિષ્યોને લઈ કિદ્રોન ખીણ વટાવી ગેથસેમની વાડીમાં જતા રહે છે. ગેથસેમની વાડી યરુશાલેમ શહેરથી થોડે દૂર આવેલી વાડી છે. ત્યાં શિષ્યોએ જેટલો અવાજ અને ધમાલ મસ્તી કરવી હોય તો કરી શકે, કોઈ જ વાંધો નહીં. વળી દિવસ થતાં ઇસુ પોતાના ભાડે રાખેલા ઓરડામાં શિષ્યો સાથે પાછા આવી જાય છે, જેથી કરી શહેરમાં ચાલતા પાસ્ખાપર્વની ઉજવણીમા પણ ભાગ લઈ શકાય.
હવે આ વાતની જાણ ઈસુના બધા શિષ્યોને છે. પરંતુ ધરપકડ કરવા માંગતાં વડા પુરોહિત અને તેમના સાગરીતો આ વાતથી અજાણ છે. આથી કરીને તેમને એક એવા વ્યક્તિની જરૂર હતી જે ઈસુના રાત્રિના રહેવાનું સ્થળ બતાવી આપે. અને વળી જે ખરેખર ઇસુને ઓળખતો હોય. આ માટેનું કારણ એક જ છે કે ઈસુ અને તેમના બધા જ શિષ્યોનો પોશાક મોટાભાગે એક સરખો જ. વળી બધા જ સરખી ઉંમરના અને દાઢી મૂછવાળા. આવા સમયે યહૂદા ઈસુની ધરપકડ કરવા તેમને મદદ કરે છે.
બાઇબલમાં આ પ્રસંગનું જ્યારે વર્ણન થાય છે ત્યારે *ઈસુ અને તેમના શિષ્યોને મંદિરના સૈનીકો દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારામાંથી નાજરેથના ઇસુ કોણ છે ?? અને તે સમયે ઈસુ આગળ આવીને કહે છે કે તે છે નાજરેથના ઇસુ. આ સાભળતા જ ઇસુને પકડવા આવેલા મંદિરના સૈનિકો ભોયસમાણા પડી જાય છે. શા માટે આમ બન્યું હશે ?? કદાચ આજે પ્રથમવાર આ સૈનિકો માટે પ્રસંગ બન્યો હશે કે જેમાં તેઓ જેની પૂછપરછ કરે છે તે સામે આવીને પોતાની ઓળખ આપે છે. આ બાબત તેમને એક ઉંડા આશ્ચર્યમાં નાખી દે છે અને તેઓ ભોયસમાણા પડી જાય છે.*
વળી આ ઘટના બને છે તે પહેલા વળી બીજી એક અગત્યની ઘટના બને છે અને તે એ કે ઇસુ જૈતુન વાડીમાં પ્રાર્થના કરે છે. ઇસુને ખબર છે કે હવે તેમણે એક ભયંકર ક્રુસની વેદનામાંથી પસાર થવાનુ છે. નાનપણથી જ ઇસુ પાસ્ખાપર્વની ઉજવણી કરવા યરૂશાલેમ આવતા હતા. રોમન રાજાઓ લોકોને પોતાની ક્રુરતાનો પાઠ ભણાવવા માંગતા હતા. આથી કરીને તેઓ દર વર્ષે પાસ્ખાપર્વને ટાણે યરૂશાલેમ આવતા શહેરના માર્ગો પર ગુનેગારોને ક્રુસની શિક્ષા કરતા. આ શિક્ષા એટલી તો ક્રુર હતી કે જોનાર ખરેખર કંપી ઊઠે અને બોલી ઉઠે કે કદી પણ રોમન સામ્રાજ્ય સામે અવાજ ઉઠાવવો નહીં. ઈસુએ આવા દુઃખ વેઠતા અને રિબાઈ રિબાઈને મરતા ગુનેગારોને નજરે જોયા હતા. પોતે પણ હવે આ જ માર્ગે ચાલી નીકળેલા છે. પરંતુ ફરક એટલો જ છે કે પોતે નીરઅપરાધી છે. પોતે ક્રુસની શિક્ષા સહન કરવા કોઇ જ ગુનો કર્યો નથી.
*ઈસુ હવે ક્રુસની શિક્ષાના ભૂતકાળ અને ભવિષ્યમા જઇને આ શિક્ષાથી વધુને વધુ જાગૃત બને છે. એક પ્રકારની બીક અને ચિંતાનુ કિરણ આખા શરીરમાંથી પસાર થઈ જાય છે. જે ઇસુ હાલ સુધીમાં ખૂબ જ મક્કમ હતાં તેમાં થોડી નરમાશ આવી જાય છે. શા માટે ૩૩ વર્ષ જેવી યુવાન વયે ક્રુસ ઉપર નિર્દોષ મરી જવું. અંતે મુખમાંથી પરમપિતાને પ્રાર્થના સરી પડે છે કે હે પરમપિતા જો શક્ય હોય તો આ દુઃખનો પ્યાલો મારી આગળથી હટાવી લો. આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી ગયું છે. વિજ્ઞાનના કહેવા મુજબ જ્યારે આ રીતે લોહીનુ પરિભ્રમણ વધી જાય ત્યારે શરીરની નસોમાંથી લોહી પસીના રુપે બહાર નીકળવા લાગે છે અને વ્યક્તીને લોહીનો પસીનો થાય છે. વળી ઇસુના મનમા કદાચ એમ પણ આવ્યુ હોય કે રાત્રિના આ અંધકારમાં ભાગી જવું. વળી તેમના મિત્ર લાજરસનું ગામ બેથની અહીથી માત્ર દોઢ કિલોમીટર જ દૂર છે કે જેને તેમણે થોડા દિવસ પહેલાં સજીવન કર્યો હતો. વળી જો ઇસુ લાજરસના ગામમાં ભાગી જાય તો પછી તે કોઈના પણ હાથમાં આવી શકે નહીં. પુરોહિતો, મુખ્યપુરોહિતો અને તેમના મડતીયાઓએ ઇસુને પકડવા માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડે.*
મારુ શ્રધ્ધાથી માનવું છે કે ઇસુ પોતાના માતા મરિયમ સાથે દર વર્ષે અહીંથી પસાર થતાં હશે. કદાચ માતા મરિયમ દર વર્ષે ઇસુને ક્રુસ બતાવી કહ્યું હશે કે એક દિવસ તારે પણ તારા લોકો માટે આ ક્રુસ ઉપર મરી જવાનું છે. કદાચ આ બાબત ઇસુને નિર્ણય લેવા ખૂબ જ મદદરૂપ થાય છે. હવે ઇસુ પોતાની પ્રાર્થના બદલે છે અને કહે છે કે હે પરમપિતા મારી નહીં પરંતુ તમારી ઈચ્છા પૂરી થાઓ. અને આમ ઈસુ પોતાની જાતને સૈનિકોને સમર્પિત કરે છે.
*(૪) ઈસુને સેનહેડ્રિન (વડી-સભા) ની પાસે લઈ જવાય છે.*
ઈસુની ધરપકડ પછી ઇસુને વડાપુરોહિત કાયફાના મહેલમાં લઈ જવામાં આવે છે. અહીં ઇસુને કયા ગુના હેઠળ મૃત્યુદંડ આપી શકાય તે માટે સેનહેડ્રિન બોલાવવામાં આવે છે. આ સેનહેડ્રિન ૭૦ સભ્યોની બનેલી એક સભા હતી. જેનો વડો પુરોહિત કાયફા હતો. પ્રથમ ૭૦ સભ્યો પોતાનો મત જે તે ગુનેગાર માટે રજુ કરતા. છેલ્લે વડો પુરોહિત આ કેસની તરફેણમાં કે વિરુઘ્ધમાં પોતાનું મતદાન કરતો. નોધનીય બાબત છે કે આ સેનહેડ્રિન કદી પણ રાત્રે બોલાવી શકાય નહીં. જ્યારે પણ કોઈ વ્યક્તિનો ન્યાય તોડવાનો હોય ત્યારે તે માટે દિવસ થતાં સુધી રાહ જોવી પડે. ઈસુના કેસમાં આ સેનહેડ્રિન રાત્રે જ બોલાવવામાં આવે છે. હાજર સભ્યો તરફથી કોઇપણ જાતનો વિરોધ કરવામાં આવતો નથી. શરૂઆત જ ખોટા નિર્ણયથી કરવામાં આવે છે.
યહૂદી સમાજમાં વ્યક્તિને બે કારણોસર મૃત્યુદંડ આપી શકાય (૧) વ્યભિચાર કરવા બદલ અને (૨) ઈશ્વરનિંદા કરવા બદલ. પરંતુ અહી સત્તાનો દુરુપયોગ થતો. રાજકારણીઓ અને પુરોહિતો પોતાના અંગત સ્વાર્થને કારણે લોકો સામે આ કાયદા થકી શોષણ કરતા. તેમને મૃત્યુદંડની શિક્ષા કરાવતા. ઈરાનમાં બનેલી ફિલ્મ ‘સ્ટોનિંગ ઓફ સુરૈયા’ આ બાબતને જાણવામાં મદદરૂપ થાય છે.
હવે આવા સમયે ઇશ્રાયેલમા રોમન સામ્રાજ્ય અસ્તિત્વમા આવે છે. આમ તો રોમનો પોતાના ન્યાયપ્રિયતા માટે પ્રખ્યાત હતા. તેમણે જોયું કે ઘણા નિર્દોષ લોકોને આ માટે સહન કરવું પડે છે. આથી તેઓએ સેનહેડ્રિન પાસેથી મૃત્યુ દંડ આપવાની સત્તા પાછી ખેંચી લીધી. તમે નાની શિક્ષાઓ કરી શકો પરંતુ મૃત્યુદંડ નહીં. આથી કરીને ઈસુના કેસમાં સેનહેડ્રિન મૃત્યુદંડ આપી ન શકે. ફક્ત ગુનો ઘડી શકે અને ગુનેગારની રજૂઆત રોમન ગવર્નરને કરી શકે. રોમન ગવર્નરને યોગ્ય લાગે તો તે મૃત્યુ દંડ આપે નહીં તો તે વ્યક્તિને મુક્ત કરવા સંપૂર્ણ સ્વતંત્ર.
વડો પુરોહિત કાયફા અને તેનો સસરો આન્ના ઈસુને મૃત્યુદંડ આપવા બધા જ પાસા નાખી જુએ છે. પણ છેવટે તેમને એક જ ગુનો ઇસુ માટે મળી શક્યો અને તે ઈશ્વર નિંદાનો. (માથ્થી ૨૬:૬૫)
(૫) *ઇસુ રોમન રાજાના દરબારમાં*
(સમય - સવારના છ અને દિવસ શુક્રવાર)
*વર્ણન - સંત યોહાનના શુભસંદેશ મુજબ*
*સીન ૧ (યોહાન ૧૮ :૨૮-૨૯)*
*“પછી તેઓ ઈસુને કાયફાને ત્યાંથી રાજભવનમાં લઇ ગયા. પરોઠ થઇ ગયું હતું. એ લોકો જાતે રાજભવનમાં દાખલ ન થયા, જેથી પોતે અભડાય નહીં અને પાસ્ખાનુ ભોજન લઇ શકે. આથી પિલાત તેમને મળવા બહાર ગયો.”*
અહીં મુખ્ય બાબત ઉડીને આખે વળગે એ તે છે કે લોકો અભડાવાની બીકે રાજમહેલમાં પ્રવેશતા નથી. અને તેથી પિલાતે જાતે તેમને મળવા બહાર આવવું પડે છે. દુનિયાનો સૌથી મોટો અને ક્રૂર શાસક પ્રથમ ઉદાહરણમાં ગભરાયેલો જોવા મળે છે. તે ટોળાથી ગભરાયેલો છે અને તે મુજબ પોતાની વર્તણુંક નક્કી કરે છે. હવે આવા ગભરાયેલા શાશક પાસે ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકાય.
*સીન ૨ ( યોહાન ૧૮ :૩૩ )*
*“પછી પિલાતે રાજભવનમાં પાછા જઈને ઇસુને બોલાવી ને પૂછ્યું ‘તું યહુદીઓનો રાજા છે??’*
અહીંયા પિલાત ખોટી તર્કસંગત બુદ્ધિનો વિચાર કરીએ ઇસુને પ્રશ્ન પૂછે છે કે શુ તે યહુદીઓનો રાજા છે?? શરૂઆત જ ખોટા પ્રશ્નથી કરવામા આવે છે. ઇસુને ખબર છે કે પુરોહિતો, વડાપુરોહિત અને લોકોએ તો તેમને ઈશ્વરનિંદાના આરોપસર મૃત્યુદંડ અપાવવા માટે અહીં લઇને આવેલાં છે. જ્યારે પિલાત તો કંઈ અવળુ જ પૂછે છે. આથી કરી ઈસુ સામેથી પિલાતને પુછે છે કે આ તમે પોતે કહો છો કે બીજાઓએ તમને મારે વિશે કહ્યું છે. જોકે પિલાતના આ પ્રશ્ન પૂછવા પાછળ એક મેલી મુરાદ હતી કે જો ઈસુ યહુદીઓનો રાજા છે એમ સાબિત થાય તો કેસની શરૂઆતમાં જ આરામથી રોમન બાદશાહ વિરુદ્ધના કાવતરા હેઠળ ઈસુને મૃત્યુદંડ આપી શકાય.
*સીન ૩ ( યોહાન ૧૮ :૩૮ )*
*પિલાત બોલ્યો, “મને આ માણસમાં કોઇ દોષ દેખાતો નથી.”*
આજે પ્રથમવાર ઘણા બધા આરોપો હેઠળ દબાયેલા ઇસુને જોઈને પિલાત કહે છે કે મને તેમનામાં કોઈ દોષ દેખાતો નથી. આ વાક્ય કોઈ સામાન્ય વ્યક્તિનું નથી પરંતુ દુનિયાનો સૌથી મોટો શાશક કહે છે. પરંતુ આ મોટો શાશક હાલમાં બહારના દબાણ હેઠળ કાર્ય કરી રહ્યો છે. અને તેથી જ પોતાની પાસે સત્તા હોવા છતાં બરબ્બાસ નામના લૂંટારાને છોડી મૂકે છે. અને ઈસુને ચાબખાના મારની શિક્ષા કરાવે છે.
*સીન ૪ ( યોહાન ૧૯ :૧ )*
*“એટલે પછી પિલાતે ઇસુને લઈ જઇને તેમને ચાબખાં મરાવ્યા”*
રોમન સામ્રાજ્યમાં જ્યારે પણ વ્યક્તિને મૃત્યુદંડ આપવાનું હોય ત્યારે ચાબુકની શિક્ષા કરવામાં આવતી. રોમન મહિલા, સૈનિકો અને રાજકારણીઓને મુક્તિ અપાતી. વળી જો વ્યક્તિ એ રોમન કર ન ભર્યો હોય તો તેને પણ ચાબુકની શિક્ષા કરવામાં આવતી. પરંતુ શુભસંદેશ મુજબ આપણે જાણીએ છીએ કે ઇસુ પોતાના શિષ્ય પીતર દ્વારા કરવેરો તો નિયમિત ભરતા આવ્યા છે.(માથ્થી ૧૭:૨૪-૨૭) વળી લોકોને પણ એ જ સલાહ આપે છે કે જે ઈશ્વરનુ છે તે ઈશ્વરને આપો અને જે રોમન રાજાનું છે તે રોમન રાજાને આપો.(માથ્થી ૨૨:૨૧) અને છતાં પણ નિર્દોષ ઇસુને વગર ગુને રોમન સામ્રાજ્ય દ્વારા ચાબખાંની સજા કરાય છે કે જે પોતાની ન્યાયપ્રિયતા માટે પ્રખ્યાત હતુ.
સામાન્ય રીતે ચાબુક ચામડાના એક સીધા ગુથેલા પટ્ટા કે પછી ચામડાની નાની-નાની પટ્ટી ભેગી કરી લાકડાના એક હાથ સાથે બેસાડવામાં આવતા. તે ચામડાના પટ્ટાની સાથે લોખંડની કરચો કે પછી ઘેટાના હાડકાના તિક્ષણ ટુકડાઓ અમુક અંતર જાળવી લગાડવામાં આવતા.
જે માણસને ચાબુકની શિક્ષા કરાતી તેના કપડાં કાઢી લેવામાં આવતા. ઘણીવાર તેના હાથ ને એક ઉંચી જગ્યાએ તો પગને નીચેથી બાંધી દેવામા આવતાં. અને ખુલ્લી પીઠ પર ચાબખાનો માર મારવામા આવતો. ઘણીવાર બે થી ત્રણ ફૂટના પથ્થરના સ્તંભ ઉપર વ્યક્તિને ખુલ્લી પીઠ રાખી અદુગડો કરી બાંધવામાં આવતો અને તેના પીઠ ઉપર ચાબખા મારવામા આવતા. રોમન સૈનિકો વારંવાર પીડિતની પીઠ ઉપર સંપૂર્ણ તાકાતથી ચાબખા વડે હુમલો કરતાં. છેવટે ઘઉંવર્ણો વ્યક્તિ લોહીવર્ણો બનવા લાગતો. ચાબુક મારવા માટે ક્રુર સૈનિકોને કામગીરી સોંપાતી. મોટાભાગના સૈનિકો ઘણીવાર ગુનેગારને ચાબુકનો માર મારતા ભાન ભૂલી જતા. પછી ગણતરી તો કોને યાદ જ હોય. વધારે ચાબૂકના ફટકા મરાય નહી તે માટે ગણતરી રાખવા માટે ચોક્કસ સૈનિકોની નિમણૂક કરવામાં આવતી. એમ કહેવાય છે કે ઇસુને ૩૯ ચાબૂકના ફટકાનો માર મારવામાં આવ્યો હતો.
*(વધુ વિગત ૩ જા ભાગમા)*
*જય ઈસુ*
---------------------------------
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત. મોબાઇલ : 8469491502
*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*
Comments
Post a Comment