તુ ભગવાનને શોધી નહી શકે પણ ભગવાન તને શોધી લેશે

 *સામાન્ય કાળનો પાંચમો રવિવાર*

યોબ ૭ :૧-૪ ૬-૭ ૧            કરિંથ ૯:૧૬-૧૯ ૨૨-૨૩              માર્ક ૧: ૨૯-૩૯  


યોબનો ગ્રંથ જ્ઞાનસાહિત્યમા લખાયેલો પહેલો ગ્રંથ છે. આ ગ્રંથમાં “દુઃખનું મૂળ શું???” એ બાબતને ઊંડાણથી સમજાવવામાં આવેલું છે. યોબ એક પુણ્યશાળી વ્યક્તી છે છતાં એને માથે એક પછી એક દુ:ખ ઉતરે છે.  તે પોતાની માલમિલકત સંપત્તિ બધું જ ગુમાવ્યા પછી એક ભયંકર રોગનો ભોગ બને છે. આ બધી બાબતે ગર્તામા ડુબેલો યોબ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે. જેમકે..... 


*“માણસનું આ પૃથ્વી પરનું જીવન એ સિપાઇગીરી નથી તો બીજું શું છે? એ વૈતરાની જેમ, છાંયડાને માટે ટળવળતા ગુલામની જેમ, વેતનને માટે વલવલતા મજૂરની જેમ સમય ગુજારે છે. શૂન્યતાના મહિનાઓ મારે વિતાવવા પડે છે, અને બેચેનીની રાતો મારે ગુજારવી પડે છે. ઊંઘવા માટે સૂઉં છું અને જાગવા માટે  ઝૂરું છું. જાગુ છું ત્યારથી અંધારું થાય ત્યાં સુધી, સુખચેન વિના, સાંજ ક્યારે પડે તેને માટે તલસુ છું.”*


યોબના સમયમા લખાયેલુ આ જ્ઞાન તે સમય પુરતુ જ સિમીત રહેતુ નથી પરંતુ તે ઈસુના સમયે પણ એટ્લુ જ મહત્વનુ બની રહે છે. લોકો પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી પ્રશ્નોની છણાવટ માટે ઇસુની શોધમા નિકળી પડે  છે.


*“બીજે દિવસે પરોઢિયે હજી અંધારું હતું ત્યાં જ ઈસુ ઊઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઇને પ્રાર્થના કરવા લાગ્યા. પણ સિમોન અને તેના સાથીઓ તેમને શોધવા નીકળી પડ્યા અને મળ્યા એટલે તેઓએ તેમને કહ્યું, “બધા આપને શોધે છે.”*


વર્ષોથી મનુષ્ય પોતાના દુ:ખનુ મુળ શુ છે તે જાણવા “ઈશ્વરની શોધ” ચલાવી રહ્યો છે. ગરીબ વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિને સુધારવા તો બીમારીમાં ત્રસ્ત વ્યક્તિ સાજાપણા માટે ઈશ્વરની શોધ કરી રહ્યું છે. એક બેરોજગાર યુવાન રોજગારી માટે તો એક તુટેલુ કુટુંબ એક સુવ્યવસ્થિત કુટુંબની રચના માટે ઈશ્વરની શોધ કરી રહ્યું છે. કદાચ આ શોધ મનુષ્ય પોતાની જિજ્ઞાસા કે અહંમને સંતોષવા પૂરતી પણ હોઈ શકે.


*એક મુળભુત પ્રશ્ન - શું આ શોધમાં તેઓ સફળ થાય છે ખરા???* 

 

શિકાગોમાં આવેલ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ફાદર જોન પોવેલ દ્વારા આ સત્યઘટના લખાઇ છે. ઉંમરમાં તેઓ ઘણા વૃદ્ધ થયા પણ એ ઘટના મનમાં એટલી જ તરોતાજા છે.


ફાદર જોન પોવેલને મળેલ એક નાસ્તિક ધર્મશાસ્ત્રના વિદ્યાર્થી (જે ઇશ્વરના અસ્તિત્વમા માનતો નથી) વીશેની આ વાસ્તવિક વાત છે. 


ફાધર પ્રસંગ લખતા જણાવે છે “આજથી ૧૨ વર્ષ પહેલા યુનિવર્સિટીના વર્ગખંડમાં બેસી વિદ્યાર્થીઓની ફાઈલ તપાસતો હતો. તે પ્રથમ દિવસ હતો કે જે દિવસે મેં ટોમને જોયો હતો. સુંદર એવા મખમલી વાળ કે જે તેના ખભા સુધી લટકી રહ્યા હતા. મારા ધર્મશાસ્ત્રના ક્લાસ દરમિયાન અને ટોમી સાથેના વ્યવહારમાં મને માલૂમ પડ્યું કે તે એક નાસ્તિક વિદ્યાર્થી છે. તે ઇશ્વરના બિનશરતી પ્રેમ અંગે હંમેશા મારી સાથે વાંધો ઉઠાવતો. તેનો નકારાત્મક અવાજ ક્લાસમાં અમને સૌને ખલેલ પહોંચાડતો. જો કે હુ અંતરથી દુઃખી થતો.


આમને આમ વર્ષ પૂરું થયું. ટોમ પરીક્ષા આપવા આવ્યો. *યુનિવર્સિટીની વિદાય લેતા પહેલા તે મારી પાસે આવ્યો. સહેજ વિચિત્ર સ્વરે તેણે મને પૂછ્યું, “શું તમે મને કહી શકો કે  હું ક્યારેય પણ ભગવાનને શોધી શકીશ.”  મેં થોડીવાર વિચાર કરી તેને ભારપૂર્વક કહ્યું, “ના.” મારો જવાબ સાંભળી તેણે તરત ક્લાસ બહાર પોતાના પગલાં ઉપાડ્યા. પણ પાછળથી મે વળતા સ્વરે કહ્યું, “મને નથી લાગતું કે તું ભગવાનને શોધી શકશે, પણ મને એ બાબતની ચોક્કસ ખાતરી છે કે ભગવાન તને શોધી લેશે.”* તેણે મારો જવાબ સાંભળી વર્ગખંડ છોડ્યો.


થોડા સમય પછી મેં સાંભળ્યું કે ટોમે પોતાનો સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાં વળી થોડા વખતમાં મને એક દુ:ખદ સમાચાર મળ્યા કે ટોમને ફેફસાનું કેન્સર થયેલ છે. હું તેને શોધીને મળી શકું તે પહેલા તે મને મળવા આવ્યો. તેનું શરીર ઘણું દુબડું થઈ ગયું હતું. કિમો-ચિકિત્સાને લીધે તેના લાંબા મખમલી વાળ ઉતરી પડ્યા હતા. આ બધામાં તેની આંખોમાં એક તેજ હતું અને અવાજમાં એક મક્કમતા હતી.


વાતમાં ને વાતમાં મે ટોનીને પૂછ્યું કે ફક્ત ૨૪ વર્ષની વયે તને મરી જવું ગમશે. તેણે કહ્યું કે હું ખૂબ જ બીમાર છું અને મને બંને ફેફસાંમાં કેન્સર છે. મારું જીવવું એ અઠવાડિયાઓની વાત છે. પણ પરિસ્થિતિ તેથી પણ વિપરીત હોઇ શકે છે. 


ટોમીએ મને કહ્યુ કે કૉલેજના છેલ્લા દિવસે મેં તમને પૂછ્યું હતું તે તમને યાદ છે કે શું હું ક્યારેય ભગવાનને શોધી શકીશ. અને તમે કહ્યું હતું ના. જેનાથી મને ખુબ જ આશ્ચર્ય થયું હતુ. પછી તમે કહ્યું હતુ કે પણ ઇશ્વર તને શોધી નાખશે. અને તે વિશે મે ખૂબ ઊંડાણથી વિચાર્યું. ભલે તે સમયે મારી ભગવાન માટેની શોધ ખૂબ તીવ્ર ન હતી. પરંતુ જ્યારે ડોક્ટરોએ કેન્સરની ગાંઠ કાઢતા મને કહ્યું કે આ ખુબ જ જીવલેણ છે ત્યારે હું ભગવાનને શોધવા ગંભીર બન્યો. આ જીવલેણ રોગ મારા મહત્વપૂર્ણ અંગોમાં ફેલાવવા લાગ્યો ત્યારે ખરેખર સ્વર્ગના એ સુવર્ણ દરવાજાઓ સામે  લોહિયાળ મુઠીયા મારવાનું મે શરૂ કર્યું. પણ ભગવાન બહાર ન આવ્યા. તમે કેટલો સમય પ્રયાસ ચાલુ રાખશો. છેવટે કંટાળીને તમે પ્રયત્ન કરવાનો છોડી દો. 


એક દિવસ હું સવારે ઉઠ્યો. તે કંઈક અલગ જ દિવસ હતો. મેં હવે કંઈક વધુ નફાકારક કામ કરવાનું નક્કી કર્યું અને તેમા જ મારો સમય પસાર કરવાનું નક્કી કર્યું. મેં તમારા વિશે  અને તમારા એ ભણવવાના વર્ગો વિશે વિચાર્યું. મને તમારા એ શબ્દો યાદ આવ્યા કે *જીવનમાં જો કોઈ ખરેખર દુઃખની બાબત હોય તો એ કે તમે કોઇને પ્રેમ કર્યા વિના આ જીવન પસાર કરી દો. પરંતુ તેનાથી પણ વધુ દુઃખદાયક એ છે કે તમે લોકોને કીધા વગર પ્રેમ કરો છો અને આ જીવન પસાર કરી દુનિયા છોડી દો છો.* 


આ બાબત કહેવી સૌથી મુશ્કેલ હોય તેવી વ્યક્તિ જો કોઇ હતા તો તે મારા પિતાજી. વર્ષોથી અમારી વચ્ચે અબોલા હતા. ફકત સાથે રહેવાનો જ સબંધ. મને યાદ નથી કે ક્યારે અમે પિતા અને પુત્ર તરીકે સાથે બેસીને વાતો કરી હસે. તે દિવસે હું તેમની પાસે ગયો ત્યારે તે સમાચાર પત્ર વાંચતા હતા. 

“પિતાજી” 

“શું છે ?” તેમણે સમાચારપત્ર નીચુ કર્યા વિના જ પૂછ્યું. 

“હું તમારી સાથે વાત કરવા માંગુ છું.” મે કહ્યુ.

તેમણે કહ્યુ, “સારું બોલ.” 

“મારો મતલબ....... તે ખરેખર મહત્વપૂર્ણ વાત છે.” 

સમાચારપત્ર ત્રણેક ઇંચ જેટલું નીચું આવ્યું અને પિતાજીએ પૂછ્યું, “શું થયું???”  


“પિતાજી હું તમને પ્રેમ કરું છું. હું ઇચ્છું છું કે તમે તે જાણી અને અનુભવો.” ટોમે મારી તરફ હસીને વાત આગળ ધપાવી. મારા પિતાએ તરત જ એ સમાચારપત્ર નીચે છોડી દીધું. અને પછી મારા પિતાજીએ બે કાર્યો કર્યા કે જે એમણે ક્યારે કર્યા હશે તે હું યાદ કરી શકતો ન હતો. એક *તે રડ્યા* અને બે *તેમણે મને ગળે લગાડ્યો.* 


તે દિવસે અમે આખી રાત વાતો કરવામાં ગાળી. મારા પિતાજીની નજીક રહેવું, તેમના આંસુ જોવા, તેમના આલીંગનનો અનુભવ કરવો અને મારા પિતા પણ મને પ્રેમ કરે છે એમ કહેતાં સાંભળવું ખૂબ જ સારું લાગ્યું. મારી માતા અને નાના ભાઈ સાથે સરળ હતું. અમે એકબીજાને ગળે લાગ્યા અને સાથે ઘણો સમય ગાળ્યો.


*અને આમ અંતે એક દિવસ હું પાછો ફર્યો. મેં જોયું કે ભગવાન ત્યાં જતા. ભગવાન દરેક પ્રસંગો  પોતાની રીતે અને તેમની પોતાની ઘડીએ કરે છે.  પણ મહત્ત્વની વાત એ છે કે ઇશ્વર ત્યાં જ હતા અને તેમણે મને શોધી કાઢ્યો.*


આપણે બધા જ કોઈકને કોઈક રીતે ટોમના જેવા જ છીએ જે ઈશ્વરની શોધમાં નીકળેલા છે. બીજી બાજુ આપણા ઈશ્વર પણ આપણી અવિરત શોધમાં નીકળેલા જ છે. તે જરૂર કોઈક ને કોઈક માર્ગે આપણને  શોધી કાઢશે. આમીન. 





*જય ઈસુ* 

---------------------------------

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ન્યુમન હોલ,સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,

નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯ 

ગુજરાત 

મોબાઇલ : 8469491502



*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26