ઊટ કેરા વાળના કપડા અંગે ચામડાનો પટ્ટો કમરની સંગે
*આગમન ઋતુનો ત્રીજો રવિવાર*
દૂરના એક અંતરિયાળ પ્રદેશમાં દરેક બાબતમાં વિકાસની તંગી વર્તાતી. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક બાબતોમા તો આ પ્રદેશ ખુબ જ પછાત. આ પ્રદેશમાં એક શૈક્ષણિક અને સામાજિક સંસ્થા દ્વારા એક બોર્ડિગ - સ્કૂલ ખોલવામાં આવી. અહીંયા છોકરા- છોકરીઓને ધોરણ ૧ થી ૧૨ સુધી શિક્ષણ અપાતું. બાળકોને દુર દુરના ગામડામાંથી બોર્ડિંગમાં લાવવામાં આવતા. માનવીની પાયાની વિવિધ જરૂરિયાતો છે જેમ કે ખોરાક, કપડાં, અને પાણી બાળકોને મફત પુરા પાડવામાં આવતા. બાળકોને પુરી પડાતી પાયાની આ જરુરીયાત દ્વારા સંસ્થા એક મહત્વનો હેતુ સર કરવા માગતી હતી અને તે હતું શિક્ષણ. આ શિક્ષણ થકી સમાજમાં ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, શિક્ષક અને વિવિધ કાર્યક્ષેત્રના વિદ્યાર્થીઓ પેદા થાય તે માટે તેઓ પુરા તન અને મનથી કાર્ય કરતા.
એક વખત બનેલા આ ઘટના છે. કોઈ પ્રસંગસર સંસ્થાના ઉપરી, શિક્ષકગણ અને લગભગ ૯૦૦ જેટલા બાળકો એક મોટા હોલમાં ભેગા મળ્યા. શિક્ષણના વિવિધ પાસાઓ કે જેમા તેને લગતા પ્રશ્નો અને તેના ઉકેલને લગતી બાબતોની ચર્ચા થઈ. છેવટે સંસ્થાના ઉપરીએ અચાનક તેમની સામે બેઠેલા બાળસમુદાયને જણાવ્યું કે તે તેમને બે મૂળભૂત પ્રશ્ન કરવા માંગે છે. સામે પક્ષે બાળકોમાં પણ પ્રશ્ન સાંભળવા અને તેનો જવાબ આપવા એટલો જ ઉમળકો દાખવવામાં આવ્યો. છેવટે તો સંસ્થા બાળકો માટે અઢળક પૈસા ખર્ચ કરતી હોય તો તેને બે પ્રશ્ન પૂછવાનો હક તો હોઈ શકે ને.
ઉપરી દ્વારા બાળકોને પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તેઓ આ બોર્ડિંગ-સ્કૂલમાં શા માટે છે ? ઉપરી આતુર હતા કે બાળકો તરફથી જવાબ મળે કે તેઓ અહીં સુંદર અભ્યાસ કરી ડોક્ટર એન્જિનિયર કે શિક્ષક બનવા માટે છે. પરંતુ બીજી બાજુ આશરે ૯૦૦ બાળકોના સમુદાય તરફથી કોઇ પ્રત્યુતર નહી. એક ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય એટલે નીરવ શાંતિ. બધા જ બાળકોની આંખો જમીન તરફ મંડાયેલી હતી. તે જ સમયે આ બધામાં એક આંગળી આકાશ તરફ ઊંચી થઈ. તે હતી એક સાત વર્ષની ભાગ્યે જ બોલતી ત્રીજા ધોરણમાં ભણતી છોકરી મંગુની. તેણે સાહેબને કહ્યું કે તે જવાબ આપવા માગે છે. ઉપરી આ બાળાની હિમ્મતને જોઈ ખરેખર ખુશ થયા અને તેને જવાબ આપવા જણાવ્યું. આ બાળાએ જવાબ આપ્યો કે તે આ બોર્ડિંગમાં સારા સારા કપડા પહેરવા અને સારું સારું ભોજન ખાવા માટે છે. પ્રથમ પ્રશ્નના ઉત્તરે ઉપરીને દ્વિગામાં નાખી દીધા. ચારે તરફ હાસ્યની છોળો ઉછડી.
ઉપરી હવે મુજાયા કે બીજો પ્રશ્ન પૂછવો કે કેમ. વળી બીજા પ્રશ્નમાં પણ આવો જ કોઈ આળો જવાબ નીકળે તો શું કરવું. પરંતુ પહેલેથી જ મુકેલા નિવેદન અનુસાર ઉપરીએ બાળકોને બીજો પ્રશ્ન પૂછયો કે બાળકો તમે મોટા થઈને શું બનવા માંગો છો ? ઉપરીને અપેક્ષા હતી કે બાળકો દ્વારા જવાબ મળશે કે તેઓ મોટા થઈને ડોક્ટર, એન્જિનિયર કે પછી બીજું કંઈક બનવા માગે છે. આ વખતે પણ ફરીથી એ જ ટાંકણી પડે તો પણ અવાજ આવે તેવી નીરવ શાંતિ. એ જ રીતે બાળકોની જમીન તરફ મંડાયેલી આંખો. એક મિનિટ થવા આવી પણ હજી સુધી કોઇપણ પ્રત્યુત્તર આપવા તૈયાર નથી. તે વખતે ફરીથી તે જ નાની બાળા મંગુએ પોતાની આંગળી ઊંચી કરી. તેનો આડો જવાબ મળે તે પહેલા ઉપરીએ થોડી રાહ જોઈ કે કોઈ હિંમત કરી હાથ ઊંચો કરે. પરંતુ આ વખતે પણ એ જ નિષ્ફળતા. છેવટે તેમણે તેને જવાબ આપવા કહ્યુ. તે બાળએ ઉભા થઇ પોતાની કાલીઘેલી ભાષામાં જણાવ્યું કે હું મોટી થઈને ડોશી બનવા માંગુ છું.
ઘણા વર્ષો પહેલા સાંભળેલા આ પ્રસંગને મે ઘણી વાર યાદ કર્યો. નાની બાળા મંગુના નિર્દોષ જવાબ ઉપર ઘણુય હસી લીધું. પરંતુ જેમ-જેમ આ પ્રસંગને વધુને વધુ યાદ કર્યો તેમ તેમ ઉપરના પૂછાયેલા બે પ્રશ્નોએ જીવનમાં ગંભીરતા પણ આદરી. ઉપરી એટલે કે ઈશ્વર દ્વારા બાળકોને એટલે કે મને અને તમને પૂછાતા આ પ્રશ્ન આપણને વધુ ને વધુ જીવનના ઊંડાણમાં લઈ જાય છે. શુ હું પણ તે નાની બાળાના જવાબની જેમ સારા સારા વસ્ત્રો પહેરીને કે સારું સારું ભોજન લઈને છેવટે એક વૃદ્ધનુ સ્વરુપ ધારણ કરી આ પૃથ્વી પરથી વિદાય લેવાને જ આવ્યો છું કે પછી કંઈક વિશેષ.
સંત યોહાનક્રુત શુભસંદેશના ૧ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરનો મોકલેલ એક માણસ આવ્યો હતો તેનું નામ યોહાન હતું. તે માણસ સાક્ષી તરીકે, પ્રકાશની સાક્ષી પૂરવા આવ્યો હતો જેથી બધા માણસો એની મારફતે શ્રદ્ધા ધરાવતા થાય. શું મને પણ યોહાનની જેમ મોકલવામાં નથી આવ્યો કે જેથી હું પ્રકાશની સાક્ષી પૂરુ અને બધા માણસો મારા મારફતે શ્રદ્ધા ધરાવતા થાય?? આ પ્રશ્ન ઘણો ઊંડા ચિંતનનો વિષય છે. પરંતુ આજે ફરીથી સ્નાનસંસ્કારક યોહાનના જીવન પર ફરી ધ્યાન કેન્દ્રિત કરીએ. તેમના બાહ્ય અને આંતરિક જીવન ઉપર એક ચિંતન કરતા બે બાબતો આપણને આંખે ઊડીને વળગશે.
*(૧)સ્નાનસંસ્કારક યોહાનનું બાહ્ય જીવન*
માથ્થીક્રુત શુભસંદેશમાં કહેવાયુ છે કે યોહાન ઊટના વાળના કપડા પહેરતા, ચામડાનો પટ્ટો બાંધતા અને તીડ અને રાની મધનો આહાર કરતા. પ્રશ્ન ઊભો થાય કે શા માટે આટલું ઝીણવટથી તેમના વસ્ત્ર અને ભોજનનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. જો યોહાનનું ભોજન અને વસ્ત્ર તે વખતના લોકોની જેમ જ હોય તો તેનો બાઇબલમાં ઉલ્લેખ કરવો ઉચિત ન હતું. પરંતુ અહીં ભોજન અને વસ્ત્ર ત્યાંના સ્થાનિક લોકોથી વિપરીત છે અને તેથી તેનો ઉલ્લેખ છે. યોહાન સ્થાનિક વસ્ત્ર અને ખોરાકનો પોતાના જીવનમાં નિષેધ કરી નવા પ્રકારના ખોરાક અને વસ્ત્રનુ પરિધાન કરે છે. શું છે આ નવા વસ્ત્રો અને ખોરાક ??
વર્ષોથી આપણે આપણા આ શરીર ઉપર નામ, કપડા, અભિમાન, અહંકાર, નાત-જાત, વર્ણભેદ, વગેરે જેવા વસ્ત્રો પહેરેલા છે. આપણે એવો ખોરાક લઈ આવ્યા છીએ જે આપણા ખોટા અહંકારને પુષ્ટ કરતો હોય છે. યોહાન આપણને આવા ખોરાક અને વસ્ત્રોનો ત્યાગ કરી પ્રેમ, આનંદ અને શાંતિના વસ્ત્રો ધારણ કરવા અને અહંકારને દુર કરતો હોય તેવો ખોરાક લેવા આમંત્રિત કરે છે. આ આમંત્રણનુ એક જ કારણ છે કે આપણા શાંતિના રાજા ઇસુ પધારી રહ્યા છે.
*(૨)સ્નાનસંસ્કારક યોહાનનું આંતરિક જીવન*
એક વખતે સ્વર્ગમાં ઈશ્વર પોતાના દેવદુતો સાથે ભોજન લઇ રહ્યા હતા. અચાનક ઇશ્વરે અડધે ભાણે પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈને ચાલવા માડયુ. તેમના દૂતો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ઈશ્વરને અડધે ભાણે ઉભા થઇ ચાલતા જોઈ એક દુતે તેમને તેનું કારણ પૂછ્યું. ઈશ્વરે તેના તરફ વળીને તેને જણાવ્યું કે હાલમાં મારો એક સેવક પૃથ્વી ઉપર એક મુસિબતમાં આવી પડ્યો છે. લોકો તેને ઘેરીને તેને મારવા પથ્થર ઉપાડેલા છે. મારે ત્યાં જઈ તેને બચાવવો જોઈએ. આટલું કહીને ઈશ્વરે ત્યાંથી વિદાય લીધી. થોડી જ ક્ષણમાં ઈશ્વર પરત ફર્યા. દુતોએ તેમને તરત પાછા ફરેલા જોઈ પૂછ્યું કે તમે તમારા સેવકને બચાવ્યા વગર પાછા ફર્યા. ઈશ્વરે કહ્યું કે જેને બચાવવા હું ગયો હતો તેણે હવે પોતાના હાથમાં પથ્થર લઈ લીધો છે. મારે હવે કંઈ કરવાનું રહેતું નથી.
આજના શાસ્ત્રપાઠમાં પુરોહિતો દ્વારા યોહાનને પૂછવામાં આવે છે કે તમે કોણ છો, એલીયા કે પયગંબર ?? યોહાન તેમને સ્પષ્ટ શબ્દોમાં ના કહે છે. પરંતુ યોહાન એક બાબતે સ્પષ્ટ છે કે તે તેમની પાછળ આવનાર એટલે કે ઈશ્વરપુત્ર ઇસુનાં પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી. તેમને માટે ઈસુ એ સ્વામી અને પોતે તેમના દાસ છે. દાસનું સંપૂર્ણ રીતે પોતાના સ્વામીના હાથમાં થયેલું સમર્પણ. હવે તો સ્વામી જ્યાં લઇ જાય છે ત્યાં જવાનું. ઈશ્વરનો સેવક કે જેણે હાથમાં પથ્થર લઈ લીધો છે જે ઇશ્વરને કહે છે કે હવે મારે તમારી સહાયની જરૂર નથી અને યોહાન વચ્ચે આ જ ફરક છે, પોતાની જાતનું સમર્પણ. હું અને તમે પોતાની જાતને સમર્પણ કરવાની કઠિન પ્રક્રિયામાંથી પસાર થઈએ અને ઈસુ રાજાનુ સ્વાગત કરીએ.
*જય ઈસુ*
_________________________
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ,સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત
મોબાઇલ : 8469491502
*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*
Comments
Post a Comment