રણમાં આપનું સ્વાગત છે...

*તપઋતુંનો પ્રથમ રવીવાર*

 

ઉત્પત્તી ૯:૮-૧૫       ૧પીતર ૩:૧૮-૨૨           માર્ક ૧:૧૨-૧૫

 

 

એક ગામડામાં એક મોટો આશ્રમ કે જ્યાં આધ્યાત્મિક રીતે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ગુરુ રહે. તેમનું જીવન જોઈ ઘણા બધા તેઓના જેવું જીવન જીવવા પ્રેરિત થાય. ઘણીવાર યુવાનો તેમની પાસે આવતા અને તેમના આશ્રમમાં રહીને તેમના જેવું જીવન જીવતા શીખવાડવા માટે વિનંતી કરતા. ગુરુ આ યુવાનોને રાખતા પણ ખરા. ઘણાંને એક મહિનો, તો ઘણાંને છ મહિના, તો ઘણાંને વરસ. આમને આમ આશ્રમમાં સંખ્યા ધીરેધીરે વધીને ૧૦૦ ની ઉપર પહોચી ગઈ. ચોક્કસ દરરોજ સો જેટલા યુવાનો માટેનું ભોજન બનતું હોય અને વળી યુવાનોને ખોરાક અંગેના ગમા અણગમાના પ્રશ્ન હોય ત્યારે દુવીધાઓ તો આવે જ. પરંતુ ગુરુ પોતાના શિસ્તબદ્ધ જીવનથી દરેક વિઘ્નોને યોગ્ય પ્રત્યુત્તર આપતા. 

 

એક વખત રાતના બાર વાગ્યેની આ ઘટના છે. આશ્રમના બધા યુવાનો, કર્મચારીઓ અને ગુરુ ભરનિદ્રામાં હતાં. એવામા આશ્રમના એક યુવાનને રાત્રે બાર વાગ્યે ખુબ જ કકડીને ભુખ લાગી. આ ભુખ કાઇ જેવી તેવી ન હતી પરંતુ ચોક્કસ ખાવાની વાનગી સાથેની ભુખ હતી. તેને આ મધરાતે બે ઈંડાની એક સુંદર આમલેટ બનાવી ખાવાની ઈચ્છા થઈ આવી. દિલમાં ચોક્કસ એક બીક પણ હતી કે આમલેટ બનાવતા જો ગુરુજી આવી જશે તો શું થશે. પરંતુ આમલેટ ખાવાની ઈચ્છાથી તેને અત્યારે કોઈ રોકી શકે તેમ ન હતું. તે દબાતે પગલે ખાટલામાંથી ઉભો થયો અને રસોડા તરફ પ્રસ્થાન કર્યું. રસોડું ખુલ્લું હતું. ત્યાથી તેણે બે ઈંડા, ફ્રાયપેન, તેલ, મરચું-મસાલા વગેરે કબાટમાંથી બહાર કાઢ્યુ. દસ મિનિટમાં તો તેણે ખૂબ જ સુંદર આમલેટ બનાવી.   તેણે ખાવાની તૈયારી આરંભી ત્યા જ તેને ગુરુજીનો અવાજ સંભળાયો. પ્રથમ તો તેને ભાષ થયો હોય તેમ લાગ્યુ. પણ ફરીથી ગુરુજીનો અવાજ સાંભળી બેબાકળો બનીને તે પાછળ ફરીને જોવા લાગ્યો. ગુરુજી આખી વાત સમજી ગયા. ગુરુજીએ તે યુવાનને કહ્યું કે તું આટલો સારો યુવાન છે. તુ થોડો સમય કુટુંબ-મિત્રોનો ત્યાગ કરી અહીં અમારી સાથે રહે છે જેથી તુ શિસ્તબદ્ધ જીવન જીવતા શીખી શકે અને દુન્યવી ઇચ્છાશક્તિ પર પણ વિજય મેળવી શકે. પણ અહીં તો તે સઘળું ઉંધુ જ કરી નાખ્યું. ગુરુજીએ યુવાનને આમલેટ ખાઈને સુઇ જવાની સુચના આપી. વળી કોઇને વધુ પડતુ શર્મીંદા કરવુ ગુરુજીને યોગ્ય લાગ્યુ નહી. તે યુવાન પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. તે દિવસે ગુરુજીને આ બાબત સારી લાગી નહીં. અહીં યુવાનો શિષ્ત અને ઇચ્છાશક્તિ ઉપર વિજય મેળવવા આવતા હોય અને આવી નાની બાબતોને લીધે તેઓ મુશ્કેલીમાં પડે તે યોગ્ય ન કહેવાય. તેમણે બીજે દિવસે રસોડામાં કામ કરતા રસોયાને રસોડાને લગતી બધી સામગ્રી અંદરના કબાટમાં મુકવા જણાવ્યું.  

 

આમને આમ બધું સારી રીતે ૧૫  દિવસ ચાલ્યું. એવામાં એક દિવસ અચાનક રાત્રે બાર વાગ્યે પેલો યુવાન ફરીથી ઊંઘમાંથી જાગી ગયો. ફરીથી એ જ પ્રકારની ઇચ્છા કે બે ઈંડાની આમલેટ બનાવીને ખાવી. મનને ખૂબ જ સમજાવ્યુ. પણ દિલ હે કી માનતા નહીં ની જેમ છેલ્લે ઇચ્છાશક્તિઓનો વિજય થયો. ખાટલામાંથી બેઠો થયો અને દબાતે પગલે રસોડામાંપ્રવેશ્યો. જરુરી વસ્તુઓની ગોઠવણ કરવા માડી. પરંતુ ન તેલ મળે કે ગેસની સગડી મળે. મળ્યું મળ્યું તો બે ઈંડા અને ફ્રાયપેન. પણ આટલી વસ્તુથી આમલેટ કેવી રીતે બનાવી શકાય???  થોડીવાર બેસીગયો અને વિચારવા લાગ્યો કે શું જુગાળ કરી શકાય.

 

અંતે તેને એક ગજબની યુક્તિ મગજમાં આવી. તે બે ઈંડા અને ફ્રાયપેનને લઈને ભગવાનની પૂજા માટેની સામગ્રી રાખવામાં આવતા રૂમમાં ગયો. ત્યાથી તેણે એક મોટી મીણબત્તી કાઢી અને તેને દિવાસળીથી સળગાવી. વળી દીવીઓ માટે બરણીમાં રખાતુ તેલ તેણે ફ્રાયપેનમા કાઢ્યુ. મીણબત્તી ઉપર ફ્રાયપેન રાખી હળવેકથી આમલેટ બનાવવા લાગ્યો. આમલેટ તૈયાર થઈ ગઈ. અને યુવાન ખાવાની તૈયારી કરવા લાગ્યો. ત્યાં જ ફરીથી ગુરુજીનો પ્રવેશ. ગુરુજીએ પૂજાની રૂમમાં કંઈ સળગતું જોઈ ત્યાં આવી પહોંચ્યા.

 

યુવાનને મીણબત્તી ઉપર દીવીના તેલથી આમલેટ બનાવતા જોઈએ ગુરુજી તો પ્રથમ આશ્ચર્યચકિત થઈ ગયા. આટલી બધી ઈચ્છાશક્તિ!!! વ્યક્તિ આટલો બધો બુધ્ધીનો ઉપયોગ કરીને પોતાની ઇચ્છાશક્તિઓને સંતોશી શકે!!! તેમણે ઠપકાના રૂપે યુવાન તરફ નજર કરી. યુવાન તેમની નજર સમજી જઈને તરત જ કહ્યું કે ગુરુજી આ કામ મારુ નહી. ખરેખર તો રસોડામાં તેલ અને ગેસની સગડી ન મળતા હું મારા રૂમમાં પાછો જતો હતો. પરંતુ રસ્તામાં મને શેતાન મળ્યો અને તેણે મને ફસાવ્યો. તેણે જ મને આ બધી બુધ્ધી આપી કે જેથી કરી હું આ રીતે આમલેટ બનાવી શકુ.

 

આ જ વખતે એક અદ્ભુત ઘટના બની અને જેના પર દોષનો ટોપલો નાખવામાં આવ્યો હતો તે શેતાન ત્યાં પ્રગટ થયો. તેણે ગુરુજી અને યુવાનની વચ્ચે ઉપસ્થિત થઈ ગુરુજીને કહ્યુ કે આ આખા પ્રસંગમાં મારો કોઈ ભાગ જ નથી. આટલું જીણવટ અને ઊંડાણથી તો હું પણ વિચારી શકું નહીં.

 

આ એક હાસ્યાસ્પદ વાર્તા એક બાબતને ખુબ જ સ્પષ્ટતાથી રજૂ કરે છે કે માનવી પોતાની સાથે તેમજ  શેતાની સાથે એક સતત ઘર્ષણમાં ડૂબેલો છે. બની શકે તે તેમા શેતાનને પણ હરાવી દે અને તેનો પણ નાયક બની જાય. આ એક યુદ્ધસર્જીત પરિસ્થિતિ છે. એક બાજુ શેતાન પણ પોતાના દાવપેચોથી બધી જ રીતે મનુષ્યને તોડી નાખવા પ્રયત્નશીલ છે. તેથી મનુષ્યએ આ યુદ્ધને એવી રીતે જીતવુ જ રહ્યુ જેથી મનુષ્ય ઈશ્વર સાથે પોતાનો સુમેળ સાધી શકે.

 

આપણે સર્વ જાણીએ છીએ તેમ યુદ્ધ કદી પણ ભીડભાળવાળા વિસ્તારોમાં ખેલાતા નથી. પરંતુ યુદ્ધમાં હંમેશા બંને પક્ષની સેના પોતાના શહેરથી દુર એવા વેરાન રણના પ્રદેશમાં જઈને લડતા હોય છે. તેના માટેના ઘણા કારણો હોઈ શકે. જેમ કે યુદ્ધમાં સામાન્ય જનતા મારી ન જાય તો વળી સૈનિકો પણ સરળતાથી યુદ્ધ જીત્યા વગર પાછા ન પડે.

 

*પવિત્ર આત્મા તેમને અરણ્યમાં લઈ ગયો. ચાળીસ દિવસ સુધી તેઓ અરણ્યમાં રહ્યા તે દરમિયાન શેતાને તેમની કસોટી કરી. તેઓ ત્યાં રાની પશુઓ ભેગા રહેતા હતા, અને દેવદુતો તેમની સેવા કરતા હતા. (માર્ક ૧:૧૨-૧૩)*

 

*આમ ઇસુ પવિત્ર આત્માની પ્રાપ્તિ પછી રણમાં ચાલ્યા જાય છે. આવું જ એક યુદ્ધ જીતવા - પોતાની જાત સામેતો બીજું શેતાની સામે.*

 

રણમાં આપણે આપણી જાતને, આપણી શક્તિઓ અને નબળાઇઓને, આપણા દૈવી ગુણોને જાણી શકીએ છીએ. રણમાં ઈસુએ રાની પશુઓનો સામનો કર્યો અને દૂતોની સાથે ઇશ્વરિય જ્ઞાનની વ્હેચણી. આપણા દરેકમાં પણ રાની જાનવરો અને દુતો મોજુદ છે. કેટલીકવાર, આપણા વધારે પડતા ઘમંડ,  દુન્યવી જ્ઞાનને લીધે  આપણે આપણામાં રહેલા જંગલી જાનવરોને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ, અને સ્વકેંદ્રીત જીવનને વધુ મહત્વ આપી દઇએ છે.  અથવા આપણે આપણામાં રહેલા દેવદૂતને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ અને આત્મતિરસ્કારને વધુ મહત્વ આપી દઇએ છે. 

 

પરંતુ રણના મૌન અને ચિંતનમાં આપણે આપણી જાત સાથેની ખરી પરિસ્થિતિમાં આવીએ છીએ. અહી આપણી જીંદગીમાંના જંગલી પશુઓ અને દુતો સાથે સમાધાન થાય છે. અને પછી આપણે પ્રથમ વખત શાંતિનો અનુભવ કરવાનું શરૂ કરીએ છીએ.

 

*આપણે બધા રણ તરફ જવાનું પોષી શકતા નથી. પરંતુ આપણે બધાં આપણા ભીડભાડવાળા જીવનમાં રણની જગ્યા બનાવી શકીએ છીએ. આપણે ભગવાન સાથે દરરોજ એકલા રહેવા માટેનું સ્થળ અને સમય નક્કી કરી શકીએ છીએ. દરરોજ આપણા જીવનમાં બોમ્બ ધડાકા કરનારા ઘણા અવાજો અને અવાજોથી પોતાને દૂર કરવાનો સમય નક્કી કરીએ,  ભગવાનનો શબ્દ સાંભળવાનો અને આપણે ભગવાન સમક્ષ કોણ છીએ તે શોધવાનો સમય નક્કી કરીએ. ઈસુએ કહ્યું તેમ ભગવાનને હા અને શેતાનને ના કહેવાનો એક સમય નક્કી કરીએ, પણ આ સમય શોધવો જ રહ્યો.*


તપઋતુંમા આપનું સ્વાગત છે!


*રણમાં આપનું સ્વાગત છે!*



*જય ઈસુ*

---------------------------------

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,

નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯

ગુજરાત.  મોબાઇલ : 8469491502  

 

 

 

*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*

 

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26