*ઈશ્વરની દાસી - માતા મરિયમ
*આગમન ઋતુનો ચોથો રવિવાર*
વર્ષોથી એક પર્શિયન દંતકથા ચાલી આવી રહી છે. આ દંતકથા મુજબ એક દૂરના દેશના રાજાને પોતાના એક મહત્વના કામ માટે બે વિશ્વાસુ કામદારોની જરૂર હતી. તેણે પોતાના નગરમાં ઢંઢેરો પિટાવ્યો. આમ તો ઘણા લોકો આવ્યા પરંતુ રાજાને પોતાના કામ માટે બે માણસો અનુકૂળ લાગ્યા. તેણે પોતાના પ્રધાનને બોલાવી આ બંને કામદારોના વેતન નક્કી કરી કામ પર રાખવાનો હુકમ કર્યો. બંનેને કામની સોંપણી કરાઈ. રાજા દ્વારા બંને કામદારોને કહેવામાં આવ્યું કે તેમણે મહેલની પાછળના ભાગમાં આવેલા કુવામાંથી ડોલ વડે પાણી કાઢી બહાર રાખેલી વાંસની ટોપલીમાં નાખવાનું છે. તે ત્રણ દિવસ પછી સાંજે આવીને તેમનું કામ તપાસશે. પહેલા તો બંને કામદારોને સમજમાં ન આવ્યું કે શા માટે પાણી બહાર કઢાઇ રહ્યુ છે. કારણ બહાર કાઢેલું પાણી તો વાંસની ટોપલીમાં નાખવાનું હતું જે કાણા મારફતે નકામું વહી જવાનું હતું. વળી રાજાનો હેતુ કુવાનું પાણી ખાલી કરવાનો હતો પણ શા માટે તે પણ સ્પષ્ટ ન હતું.
બન્ને કામદારોએ નક્કી કરેલા દિવસ અને સમય મુજબ સવારે આઠ વાગ્યે કામ શરૂ કર્યું. શરૂઆતમાં તો હોંશે હોંશે કામ ચાલુ થયું પણ જેમ જેમ બપોર થઇ તેમ તેમ બેમાંથી એક કામદારે પોતાની સ્વસ્થતા ગુમાવવા માંડી. મહેનત કરી કૂવામાંથી પાણી કાઢવાનું અને વાંસની ટોપલીમાં નાખવાનું પણ છેવટે તો બધું જ પાણી વ્યર્થ વહી જાય. બપોરે ભોજન કરતાં સમયે પોતાના સાથી મિત્રને દિલનો બળાપો કાઢતા પ્રથમ કામદારે કહ્યું કે આ તો કોઈ કામ છે. આ તો એકદમ વ્યર્થની મહેનત કરવા જેવું છે. ત્યારે બીજા કામદારે કહ્યુ કે તેની વાત તો સાચી પણ તેમને તે કામ માટે વેતન તો ચૂકવાય જ છે ને. આપણા કાર્યથી શુ મેળવવાનું છે તે માલિકે વિચારવાનુ. ત્યારે પહેલા કામદારે ડોલને નીચે ફેંકી બીજાને જવાબ આપ્યો કે તે આવા મુર્ખામીભર્યા કામ નહીં કરે. આટલું કહી તે ત્યાંથી વિદાય થયો.
બીજા કામદારે પોતાનું કામ ચાલુ રાખ્યું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ જ્યાં સુધી કુવાનું પાણી ખાલી ન થાય. ત્રીજે દિવસે કુવાનું પાણી ખાલી થયું. ખાલી કૂવામાં તેણે ડોકિયું કર્યું. ત્યાં તેને કઇક ચમકતુ દેખાયુ. તે તરત જ કૂવામાં નીચે ઊતર્યો. તેણે કૂવાના તળિયે એક ચમકતો હીરો જોયો. હવે તેને સમજાયું કે શા માટે રાજા દ્વારા પાણી ભરેલી ડોલને વાંસની ટોપલીમાં ખાલી કરવાનું કહેવાયું હતું. જો પાણી ભરેલી ડોલ પોતાની સાથે હીરો ભરીને લાવે તો તે વાંસની ટોપલીમાં જ અટકી જાય તે મુજબની રાજાની ગોઠવણ હતી.
*આ નાનકડી વાર્તા આપણને ત્રણ મહત્વની બાબતો સમજાવી જાય છે*
*(૧)દુન્યવી દૃષ્ટિએ બેવકુફી પણ ઇશ્વરની દ્રષ્ટિએ ડહાપણ*
રાજા દ્વારા એટલે કે ઈશ્વર દ્વારા કામદારોને એટલે કે આપણને બધાને કોઈક ને કોઈક કામ સોંપવામાં આવ્યું છે. ઘણીવાર પરિસ્થિતિ મુજબ આપણને આપણુ કાર્ય નર્યુ મુર્ખામીભર્યું, બિનજરૂરી કે પછી વળતર વગરનું લાગે. પ્રથમ કામદારની જેમ તેને વ્યર્થ ગણી આપણે તેની અવગણના કરીએ છીએ. તો ઘણી વખતે આપણે બીજા કામદારની માફક પૂરી તન અને મનથી કાર્યને કરીએ છીએ. એક બાબત ધ્યાનમાં રાખવી રહી કે ઈશ્વર થકી આપણને સોપાતુ કાર્ય ઘણી વાર દુન્યવી દૃષ્ટિએ બેવકુફી પણ ઇશ્વરની દ્રષ્ટિએ ડહાપણ હોઈ છે.
*(૨)ઈશ્વરીય અંતરાય*
ઇશ્વર આપણા કાર્યમાં હાજર રહેલા ઇશતત્વ આપણાથી છૂટી ન જાય તે માટે વિવિધ અંતરાયો મુકવામા આવે છે. કૌટુબિક પ્રશ્નો,આર્થિક વિટમ્બણાઓ, બેરોજગારી, શૈક્ષણિક પ્રશ્નો વગેરે. છેવટે આ બધી બાબતોથી જ જીવન વધુ અર્થ સભર બને છે. પરંતુ આ બધા અંતરાયો સાચા અર્થમા સમજવા માટે અને તેને ગરણાથી ગાળી લેવા ઈશ્વર દ્વારા એક ગરણી મુકાય છે –પ્રાર્થના. પ્રાર્થના એટલે ઇશ્વરને તન અને મન થકી સાધેલુ મારું સાયુજ્ય.
*(૩)અર્થસભર સમર્પણ*
અર્થસભર સમર્પણની ભાવના થકી એક ડોલ કૂવાના તળિયે જઈ પાણી ભરીને ઉપર આવે છે અને પોતાની જાતને ઉપર આવી સમગ્ર રીતે ખાલી કરી દે છે. આ ડોલ ફરીથી અને ફરીથી તેના તે જ કાર્યમાં જોડાયેલી રહે છે.પોતાના કાર્યમાં સંપૂર્ણ સમર્પણની ભાવના. આજની તુટેલી અને અસ્ત્વ્યસ્ત દુનીયામા અર્થસભર બની જિવવુ ખુબ જ અગત્યનુ છે.
*ઉપરની ત્રણે બાબતોનો ત્રિવેણી સંગમ એટલે માતા મરિયમનુ સમસ્ત જીવન. દેવદુત ગાબ્રિયેલ દ્વારા માતા મરિયમને ઈશ્વરનો સંદેશો પહોંચાડવામાં આવ્યો. પ્રથમ તો તેઓ ક્ષોભ પામ્યા અને વિચારવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. પણ છેવટે માતા મરિયમના મુખમાંથી શબ્દો સરી પડે છે કે હું તો ઈશ્વરની દાસી છું. તારી વાણી મારા વિષે સાચી પડો. ઘણા અંતરાયો જેમકે બેથલેહેમ ગામમા ઇસુના જન્મ માટે જગ્યા ન મળવી – વિવિધ સ્થળોએ સ્થળાંતર – જુવાન વયે પતિ યોસેફના મ્રુત્યુ થકી તેમને ગુમાવવા – તેત્રિસ વયના યુવાન પુત્ર ઇસુને પોતાની નજર સામે ક્રુસ ઉપર મરતા જોવા વગેરે માતા મરિયમના જીવનમા આવ્યા. આ બધા વચ્ચે દૂરંદેશી રીતે ઈશ્વરની યોજનાને જોવી, તે માટે હા પાડવી અને તેના સફળ પ્રત્યારોપણ માટે કાર્યશીલ બનવુ માતા મરિયમનુ કેંદ્રસ્થાન બન્યુ. આ ઘટનાએ સમગ્ર માનવ ઇતિહાસને બદલી નાખ્યો. વિશ્વને ઇસુરુપી ઉત્તમ ભેટ મળી.*
ગુજરાતની કેથલિક ધર્મસભાની વિકાસ યાત્રાનો પ્રથમ તબક્કો પણ કાંઈક આ મુજબનો જ હતો. “વિકાસના હમસફર” નામના પુસ્તકમાં ફા. જોસેફ મંગલમ લખતા જણાવે છે કે મહાધર્મધ્યક્ષના આદેશને માન આપીને ૨૮ વર્ષની વયના મૂળ ગોવાના વતની ફાધર માનુએલ ઝેવિયર ગોમ્સ ૧૮૯૩ના જુલાઈ મહિનામાં ગુજરાત પહોંચ્યા. ચાર મહિના સુધી ગુજરાતીનો અભ્યાસ કર્યા પછી ફાધર ગોમ્સ વાંદરા ખાતે સ્નાનસંસ્કાર પામેલા ખ્રિસ્તીઓના મૂળ ગામો મોગરી અને નાપાડની મુલાકાત માટે નીકળી પડ્યા. ક્યાય આશરો નહીં મળતાં કરમસદ દેવળની બાજુના એક વડ નીચે તેમણે બે દિવસ અને બે રાત વિતાવ્યા. પછી તેઓ પેટલાદની આજુબાજુના ગામડાઓમાં ઘૂમી વળ્યા. આ દરમિયાન ૧૮૯૩માં બે જેસ્યુઇટ ફાધરો એમની મદદમાં આવી પહોંચ્યા. સ્વિઝર્લેન્ડના વતની ફાધર આલોઇસ ગાઈર નવા મિશનના ઉપરી તરીકે અને બીજા જર્મનીના વતની ફાધર અગુસ્તીન માર્ટિન ગુજરાતી શીખવા માટે અમદાવાદ રોકાયા. આ દરમિયાન થીયોદોરની મદદથી ફાધર ગોમ્સે મોગરી ગામમા ૧૮ બાળકોને સ્નાનસંસ્કાર માટે તૈયાર કર્યા અને ૧૮૯૩ના ડિસેમ્બરની ૧૧મી તારીખે તેમને સ્નાન સંસ્કાર અપાયો. ૧૮૯૫ના ચોમાસા પછી ગુજરાતીનો અભ્યાસ પૂરો કરીને ફાધર અગુસ્તીન માર્ટિન આણંદ પહોંચ્યા. આજુબાજુના ગામડાઓમાં ફરીને ફાધરે છાત્રાલય માટે છોકરાઓને ભેગા કર્યા. જેમાંથી ઘણાખરા નાસી ગયા. જયારે કેટલાક છોકરાઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ પૂરો કરવામાં સફળ રહ્યા. નવા જેસ્યુઇટ ફાધરો આવતા ગયા તેમ નવા મિશન કેન્દ્રો ઉભા થતા ગયા ને પ્રેષીતીક પ્રવૃત્તિ પૂરવેગે આગળ વધતી રહી. શરૂઆતમાં આણંદ(૧૮૯૬), વડતાલ(૧૮૯૭), કરમસદ(૧૯૦૭), અને ત્યારબાદ નડિયાદ(૧૯૧૧) અને આમોદ(૧૯૧૨)મા મિશનકેન્દ્રો સ્થાપ્યા. આણંદ ગુજરાતની ધર્મસભાનું મુખ્ય કેન્દ્ર બની ગયું. અહી એક બાબત આખે ઉડીને વળગે તેવી એ રહી કે ઉજ્જડ એવી ધરણીમા શ્રધ્ધાના બિજ નખાયા જે આજે ગુજરાતી માતાધર્મસભારુપિ વિશાળ વટવૃક્ષ
બનીને ઊભુ છે.
આજે આપણે માતા મરિયમ અને માતા ધર્મસભાની જેમ દૂરંદેશી રીતે ઈશ્વર યોજનાને જોવી, તે માટે હા પાડવી અને તેના સફળ પ્રત્યારોપણ માટે કાર્યશીલ બનવુ તે માટે તૈયાર થઇએ. આમીન.
*જય ઈસુ*
-------------------------------------------
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ,સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત
મોબાઇલ : 8469491502
*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*
Comments
Post a Comment