ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ.

 *સામાન્ય કાળનો ચોથો રવિવાર*

અનુસંહિતા ૧૮: ૧૫-૨૦    ૧ કરિંથ ૭:૩૨-૩૫     માર્ક ૧:૨૧-૨૮ 


તે પ્રસંગને સાતેક વર્ષ વીતી ગયા છતાંય આજે પણ મનમા એટલો જ તરોતાજા છે. વાત છે મારા બાઇબલ અંગેના અભ્યાસની. બે વર્ષ અમારે બરોડાના સેવાસી મુકામે આવેલ ગૂજરાત વિદ્યા દિપમાં જ્યારે ત્રીજુ વર્ષ પુનામા રહીને અભ્યાસ કરવો પડતો. 


કાર્યક્રમ મુજબ અમે પુનાની જ્ઞાનદીપ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે પહોંચ્યા. ઘણા વિષયો ભણાવવામાં આવતા. તેમાંનો એક વિષય હતો “પયગંબરો”. આ વિષય ભણાવવાનું શરૂ થયો તે પહેલાં અમારા વિદ્યાર્થીગણમાં તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. ઘણી બધી વાતો થકી તે વિષય અંગે હકારાત્મક વાતાવરણ ઊભું થયું, જેમકે ‘ખૂબ જ સુંદર વિષય છે.’ ‘જુના કરારમાં પયગંબરની પ્રથા કેમની શરૂ થઇ’ ‘દરેક પયગંબરે એ વખતની સમાજ વ્યવસ્થામાં પોતાનો શો ફાળો આપ્યો છે’ વગેરે વગેરે. સાથે સાથે અમને ભણાવવા આવનાર પ્રોફેસર અંગે પણ ચર્ચા થઈ. મોટાભાગના કહેતા કે, “પ્રોફેસર પર ખૂબ જ જ્ઞાની છે. તેમની પાસે આ વિષય અંગે વિશાળ માહિતી છે” “વળી આ એક જ સમય છે જ્યાં કોઈપણ વિદ્યાર્થી તેમના ક્લાસ છોડીને જતું નથી કારણ તેનું શિક્ષણ ખૂબ જ રસપ્રદ છે.”  પણ પણ પણ......”આ પ્રોફેસર ખૂબ જ શિષ્તપ્રેમી છે. વળી ગુસ્સો તેમના નાક પર જ બિરાજમાન હોય છે. ક્યારે કોની સાથે ગુસ્સે થઈ જશે તે કહેવાય નહીં.” 


ટાઈમ-ટેબલ મુજબ પયગમ્બરોના પુસ્તકોનો અભ્યાસ શરૂ થયો. પ્રથમ લેક્ચરમાં પ્રોફેસર આવ્યા. આખો ક્લાસ ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલો છે. પ્રોફેસરે આવીને પયગંબર આમોસના ગ્રંથને ખોલ્યો. તેમણે પ્રથમ અધ્યાયમાંથી વાંચવાનું શરૂ કર્યું. ‘ભરવાડ આમોસને ઇસ્રાયલને લગતી દિવ્યદર્શનમાં સંભળાયેલી વાણી  તેણે કહ્યું, “પ્રભુ સિયોનમાથી ગર્જના કરે છે, યરુશાલેમમાંથી હાક પાડે છે. ભરવાડોના ચરા સુકાઈ જાય છે અને કાર્મેલ પર્વતનું શિખર કરમાઈ જાય છે.” તેમના મુખે ઉચ્ચારાયેલા આ શબ્દો સિંહની ગર્જનાથી કમ તો ન જ હતા. પયગમ્બરોના વિવિધ ગ્રંથો અમારી આગળ વિવિધ રીતે રજુ થયા. જ્યારે જ્યારે  પ્રોફેસર અમને ભણાવતા ત્યારે તેમના અવાજમાં એક પ્રકારે સિંહની ગર્જના અમને સમ્ભળાતી. 


આમ ને આમ તેમના ૩૦ ક્લાસ કેમના પુરા થયા તે ખબર જ ન પડી. દરેક વિષય પૂર્ણ થતાં બે મહિના પછી તેની પરીક્ષા લેવાતી, લેખિત કે પછી મૌખિક. અમારે પણ આ વિશેની લેખીત પરીક્ષા આપવાની હતી. એક બાબતે સંતોષ હતો કે મૌખિક પરીક્ષા ન હતી, નહીં તો સિંહ જેવા આ  પ્રોફેસરને જવાબ કેમ કરી આપવો. પરંતુ ૩૦મા વર્ગને અંતે પ્રોફેસરે અમને જણાવ્યું કે તે અમારી સાથે પરીક્ષા બાબતે થોડી ચર્ચા કરવા માંગે છે. તેમણે જણાવ્યું કે ચોક્કસ કારણોસર આ વખતે લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. પણ બધાએ ૧૦ મિનિટની મૌખિક પરીક્ષા આપવી પડશે. આ ૩૦ ક્લાસમાં શું ભણાવ્યુ તે બધું તૈયાર કરવાનુ અને દસ મિનિટમાં પ્રોફેસરે આ વિષયમાં ગમે તે ખૂણે જઇને પ્રશ્ન પૂછી શકે. 


નિયત દિવસે પરીક્ષા શરૂ થઈ. પરીક્ષા માટે એક મોટો વર્ગ હોય જ્યા એક ટેબલ અને બે ખુરશીઓ ગોઠવાઇ હોય. એક પ્રોફેસરને માટે તો બીજી વિદ્યાર્થી માટે. પાછળની બાજુએ ખુબ મોટી સંખ્યામાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ બેઠેલા હોય. 


મારો પરીક્ષાનો સમય સાંજનો હતો. સવારે દસ વાગ્યે હુ રૂમમાં બેસીને વિષય વાંચન કરી રહ્યો હતો. તે વખતે બાજુની રુમમાં રહેતા એક બ્રધરે મારો દરવાજો ખટખટાવ્યો. પરીક્ષા અંગે ચોક્કસ તેમના મોં પર એક વ્યાકુળતા હતી. તેમણે મને પ્રથમ દિવસ યાદ કરાવ્યો અને કહે પ્રથમ દિવસે પ્રોફેસરે સિંહની જેમ ત્રાડ પાડીને આપણને ભણાવ્યુ હતું અને આપણે બધાએ બકરી બનીને સાંભળ્યું હતું. આજે હુ સિંહની જેમ ત્રાડ પાડીશ અને તે મારા જવાબો સાંભળશે. બ્રધરે ત્યાંથી વિદાય લીધી. 


એક કલાક પછી તે પરીક્ષા આપી પરત ફર્યા. તે સીધા મારા રૂમમાં આવ્યા. તે નિ:શબ્દ હતા.  તેમના મો પરથી મને ખબર પડી ગઈ કે તેમની પરીક્ષા કેવી ગઇ હશે. મેં પૂછ્યું, “ગર્જના કેવી રહી.” તેમણે કહ્યું, “કોની?” તેમણે આગળ જવાબ આપ્યો, “પ્રોફેસરનો પ્રથમ પ્રશ્ન જ સિંહ જેવા હતો તે સાંભળી હુ બકરી બની ગયો. દસ મિનિટ સુધી બકરી બનીને તેમને સાંભળતો રહ્યો છે.” 


*મુખ્ય હાર્દ પ્રશ્ન – કહેવાય છે તેમ જુના કરારમા પયગંબરો સિંહ જેવો પડઘમ અવાજ કરી સમાજના વિવિધ પ્રશ્નો માટે બોલતા હતા. શુ આજે પણ પયગંબર બનવા માટે સિંહ જેવો પડઘમ અવાજ કરી બોલવુ જરુરી છે???*


આ બાબતે વધારે ઉંડાણથી સમજતા પહેલા બે ઉદાહરણો સમજી લઇએ.


*(૧.)૧૦૦૦ સંતાનોના માતા – પિતા*


 રેહાના અને જીતુ . આ એક એવું યુગલ છે જે પોતાના માટે નહીં પણ સમાજ માટે જીવે છે . રાજકોટની જુદી જુદી ઝુપડપટ્ટીઓમાં રહેતા અને પ્રેમ - હૂંફના અભાવમાં જીવતા ૧૦૦૦થી વધુ બાળકો માટે રેહાના અને જીતુ માં - બાપ બનીને એમના માટે કામ કરે છે. ચાની લારીએ કામ કરીને કે કચરો વીણીને થોડા પૈસા કમાઇ લેતા અને પછી ગુનાખોરીના રસ્તે ભટકી જતા આ બાળકો માટે આ દંપતીએ માર્ગદર્શકનું કામ કર્યું છે . એમણે ‘ વિશ્વનીડમ ’ નામની સંસ્થા શરૂ કરી અને ઝુપડપટ્ટીના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું . શરૂઆતમાં સાવ નાના પાયા પર કામગીરી શરૂ કરી પણ આજે ૧૦૦૦થી વધુ બાળકોને અભ્યાસની સેવાઓ પૂરી પાડે છે . રાજકોટની ૭ ઝુપડપટ્ટી ઉપરાંત હવે તો એમની સેવા રાજકોટના સીમાડાઓની બહાર પણ વિસ્તરી છે . અનેક યુવાનો આ સેવાકીય પ્રવૃતિમાં જોડાઇને રેહાના - જીતુના હાથ મજબૂત કરી રહ્યા છે . સમાજના આર્થિક રીતે સદ્ધર ઘણા દાતાઓ આર્થિક મદદ પણ કરી રહ્યા છે અને કોલેજના યુવાનો શિક્ષક બનીને આ સેવાયજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યા છે. ઝુપડપટ્ટીના આ બાળકોને શિક્ષણની સાથે સાથે વ્યવસાયિક તાલીમ આપીને એને જુદા જુદા પ્રકારની આર્થિક ઉપાર્જનની પ્રવૃતિમાં જોડવામાં આવે કે જેથી ભણવાની સાથે સાથે થોડી કમાણી પણ કરી શકે. આ બાળકો માટે હવે તો ‘ કેડીકોમ ' નામની હોસ્ટેલ પણ શરૂ કરી છે જયાં બાળકો કોઈપણ જાતના ચાર્જ વગર રહી શકે કે જાણે કે પોતાનું ઘર હોય એવી રીતે. અનેક સંઘર્ષો અને મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ દંપતિએ પોતાની સેવાની જયોત જલતી રાખી છે.  કોઈ પ્રસિદ્ધીની ઈચ્છા નહીં કે પોતાના કાર્યની કોઇ જાહેરાત નહિ. 


*(૨) ઓટો રાજા* 


“મારા લોકો ભીખ માંગે તે હું ઇચ્છતો નથી, પરંતુ હું ઇચ્છું છું કે મારા લોકો માટે હુ જ ભીખ માંગું.” આ શબ્દો છે ઓટો રાજા નામે ઓળખાતા સામાજીક કાર્યકરના. વધુમાં તેઓ કહે છે કે, “આપણે બીજા એક મધર ટેરેસાની રાહ ન જોઈએ, પરંતુ આપણા દેશના લોકો માટે આપણે પોતે જ મધર ટેરેસાનું બીજું સ્વરૂપ ધારણ કરીએ. ઓટો રાજા પોતાની જીવનકથા વર્ણવતા કહે છે કે તેઓ ગરીબ અને બીમાર લોકોની સેવા કરી રહ્યા છે કે જેઓ ઝુપડપટ્ટીમાં અને આમતેમ રોડ ઉપર પોતાનું જીવન વ્યતીત કરે છે. શરૂઆતમાં તેઓ રિક્ષા ડ્રાઇવર હતા. અને તે પહેલા તેઓ એક ચોર ગુંડાની જિંદગી જીવી રહ્યા હતા. તેમણે ફક્ત ત્રીજા ધોરણ સુધી જ અભ્યાસ કરેલ છે. તેમણે તેમના મમ્મીના મંગળસૂત્ર અને મોંઘી સાડીઓ ચોરી લઈ વેચી માર્યા. આથી કરીને તેમના મમ્મી પપ્પાએ તેને ઘરમાંથી હાંકી કાઢ્યા.  તેઓ શેરીઓમાં એક ગુંડાની જેવી રખડતી જિંદગી જીવતા. પાછળથી તેમને તેમના ખરાબ કાર્યો બદલ બાળકોની જેલમાં પુરવામાં આવ્યા. જેલમાં તેમનું હૃદય પરિવર્તન થયું. ઘરે પરત ફરતા રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ તેમણે એક ગરીબ માણસને  રોડ પર બીમાર હાલતમાં નગ્ન સૂતેલો જોયો. આપણે તેના શરીરના બધા જ હાડકાં ગણી શકીએ. અને જ્યારે તેમણે આ માણસને જોયો ત્યારે નક્કી કર્યું કે તેમણે આવા લોકોની મદદ કરવી જોઈએ. આવા તરછોડાયેલા લોકોને તેમણે ઘરે લાવી તેમની સેવા કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે એક મકાન ભાડે રાખી ૧૩ જેટલા તરછોડાયેલા લોકો માટે કાર્ય શરૂ કર્યું. એક દેવળ દ્વારા તેમને અડધો એકર જમીન અને એક મકાન આપવામાં આવ્યું. છેલ્લા ૨૦ વર્ષોથી તેમના થકી બાર હજાર લોકોને બચાવવામાં આવ્યા. હાલમાં તેમના સેન્ટરમાં ૭૦૦ જેટલા દર્દીઓ  છે.


મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,  “પયગંબરો”ના વિષયે મારા જીવનમાં  ખૂબ જ ઉંડી અસર નાખી. સમય વીતતો ગયો.  ફાધર બન્યો. મિસન સ્ટેશન અને ગામડામાં કામ કરતો થયો. અને હવે ધીરે ધીરે સમજાયુ કે  પયગંબર એટલે શું. પયગંબર બનવું એટલે સિંહની જેમ ગર્જના જ નથી કરવાની પરંતુ સમાજના દરેક વર્ગ, જાતિ અને ધર્મના લોકોના દુઃખ દર્દને સમજવા. પછી તે શિક્ષિત બેરોજગારી ને લગતા હોય કે યુવાનોના વિવિધ પ્રશ્નો હોય. લગ્ન વિષયક પ્રશ્ન હોય કે પછી સમાજ-વ્યવસ્થાને લગતા પ્રશ્ન હોય. દરેક્ને અંતરના ઊંડાણથી સાંભળવા અને તેને યોગ્ય પ્રત્યુત્તર આપવો. ઉપરના ઉદાહરણો  રેહાના અને જીતુ તેમજ ઓટો રાજા આધુનિક સમયના પયગંબરો છે જે પોતાના કાર્યો થકી આપણ સર્વને પડકારરુપ કાર્યમા આમંત્રિત કરી રહ્યા છે. 


*કફરનહુમમા ઇસુનો ઉપદેશ સાંભળી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેવામા અશુદ્ધ આત્મા વળગેલા એક માણસે ચીસ પાડીને ઇસુને કહ્યું, “તારે ને અમારે શું?  શું તુ અમારો નાશ કરવાને આવ્યો છે?.”  ઇસુએ તેને કહ્યુ, “ચૂપ રહે અને અને એનામાંથી બહાર નીકળ” આજે પણ આપણે સમાજમા જીતુ, રેહાના અને ઓટો રાજા જેવા લોકોને કામ કરતા જોઈને ખુશ થઈએ છે. પરંતુ ઇસુ આવી જ્યારે આવા કામ માટે મને કે તમને આમંત્રિત કરે ત્યારે આપણે કદાચ બોલી ઉઠીએ છે કે હે ઇસુ તારે ને મારે શું?  શું તમારે અમારા કુટુંબજીવનનો નાશ કરવાનો છે. અમારે તો કુટુંબ છે, બાળકો છે, ઘર અને નોકરીની જવાબદારી છે, વગેરે વગેરે. મને લાગે છે તેમ ઇસુએ મારા અને તમારા જીવનમાં આવી આપણા આવા સેતાનિક અને સ્વાર્થી વિચારોને કહેવું જ રહ્યું, “ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ.” આમીન.* 



(“પયગંબરો” અંગેની થોડી સમજૂતી : જૂના કરારમાં પયગંબરો વિશે જે લખાયું છે તેને બે રીતે વ્હેચી શકાય (૧)  જેમનું લખાણ બાઇબલમાં છે, જેમકે આમોસ, યસાયા, ઇર્મિયા દાનિયેલ વગેર. અને (૨) જેમનું લખાણ બાઇબલમાં નથી પરંતુ તેમના વિશે લખાયું છે દાખલા તરીકે મોશે, એલીયા, એલિસા વગેરે. લખાણ કર્યું છે તેવા પયગંબરો માટે ૧૮ પુસ્તકો રચાયા અને તેમાં ૨૧ પયગમ્બરોનો સમાવેશ થાય છે. મલાખી છેલ્લો પયગંબર છે. સ્નાનસંસ્કારક યોહાન સંધિકાર પયગંબર તરીકે ઓળખાય છે કે જે નવા અને જુના કરારને જોડે છે. નવા કરારમાં ઈસુને  ત્રણ દ્રષ્ટિએ જોઈ શકીએ ૧.પુરોહિત  ૨. પયગંબર અને ૩. રાજવી)


*જય ઈસુ* 

-------------------------------------------

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ન્યુમન હોલ,સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,

નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯ 

ગુજરાત 

મોબાઇલ : 8469491502



*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26