હું તો ઈચ્છું છું કે તું સાજો થા.
*સામાન્ય કાળનો છઠ્ઠો રવિવાર*
કર્મકાંડ ૧૩:૧-૨,૪૪-૪૬ ૧ કરિંથ ૧૦:૩૧-૧૧:૧ માર્ક ૧:૪૦-૪૫
*આજના શાસ્ત્રપાઠમાં ઈસુ અને કોઢિયા વચ્ચે થયેલ વાર્તાલાપનો મુખ્ય સારાંશ*
એક – કોઢિયાએ ઇસુને પગે પડીને કરગરીને કહેવા લાગ્યો કે આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો છો.
બે -ઇસુનું હૈયુ દયાથી ભરાઈ ગયું અને તેમણે હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું છું કે તું સાજો થા
એક બાજુ કોઢિયાએ સાજા થવાની તીવ્ર ઇચ્છા તો બીજી તરફ ઇસુની કોઢિયાને સાજો કરવાની તીવ્ર ઇચ્છા. પણ બંને વચ્ચે એક હકીકત સ્પષ્ટ છે કે તે કોઢિયાએ એકવાર રોગ થતા કર્મકાંડના નિયમ મુજબ પોતાના ઘરબાર છોડી, એક અલગ છાવણીમાં, ગામની બહાર જઇને વાસ કર્યો હશે. ફાટેલા કપડાં પહેરેલા હશે અને વાળ વિખરાયેલા રહેવા દીધા હશે. ઉપલા હોઠ સુધીનો ભાગ ઢાંકી દીધો હશે. અને ચોક્કસ ગામમાં પ્રવેશતા જ અશુદ્ધ છું અશુદ્ધ છું એમ બૂમ પાડી જ હશે. કહેવાય છે કે આપણે જીવતાં જીવ કદી પણ નર્કનો અનુભવ કરી શકે નહીં. પણ અહીં એક વ્યક્તિ છે જે પોતાના બાળકો, પત્ની મા-બાપને છોડીને એક અલગ જ વાસમાં ગામની બહાર સમય કાઢ્યો છે. કોવીડની બિમારીમાં પસાર થતા લોકો કે જે પોતાના કુટુંબીજનોને છોડીને એક અજાણ્યા એવા હોસ્પિટલમાં દાખલ થાય તેવો જ કંઇક આ અનુભવ હશે.
હવે દરેક મનુષ્યના મનમાં પ્રશ્ન થાય (ખાસ કરીને હાલની કોવીડની બિમારીનો ભોગ બનેલ વ્યક્તીને ધ્યાનમા રાખતા) કે *જો એક બાજુ મનુષ્યની ઈચ્છા હંમેશા નિરોગી રહેનાની હોય અને બીજી તરફ ઈશ્વર પણ ઈચ્છતા હોય કે આપણે નિરોગી રહીએ તો પછી આ રોગનું મુળ શુ હોઇ શકે??? શા માટે મનુષ્ય આ પ્રકારના દુ:ખમાથી પસાર થાય છે???સામાન્ય લાગતા આ પ્રશ્નનો જવાબ ખુબ જ ગુઢ છે. ઇસુને મળતા પહેલા તે કોઢિયા ચોક્કસ તે ગડમથલમાથી પસાર થયો જ હશે. એક ન સમજી શકાય તેવી ગડમથલ.*
જંગલમાં રહેતો એક છોકરો નદી ઓળંગી પોતાના ગામ તરફ પાછો ફરી રહ્યો હતો. અને ત્યાં જ તેને પાણીમાં એક દર્દભર્યો અવાજ સંભળાયો. તેણે જોયું તો માનવસર્જિત એક જાળમાં એક મોટો મગર ફસાયો હતો. તેમાંથી નીક્ળવા માટે તે અથાગ પ્રયત્ન કરતો હતો પણ અંતે નિષ્ફળતા. મગરે મદદ માટે પસાર થતા આ છોકરાને બુમ પાડી. પ્રથમ છોકરો ગભરાઇ ગયો પરંતુ મગરને દુઃખી જોઈને તેણે તેને મદદ કરવાનું નક્કી કર્યું. તેણે મગરને પૂછ્યું કે તે તેને છોડાવે તો ખરો પણ તે તેને મારી તો નહિ નાખેને. મગરે તેને વચન આપ્યું કે તે તેને છૂટયા પછી નુકસાન નહીં પહોચાડે. છોકરાએ હિમત કરી મગર પાસે જઇ તેને જાળમાંથી છોડાવ્યો. જાળમાંથી છુટતા જ મગરે તે છોકરાને પકડી લીધો અને કહ્યું કે તે તેને ખાઈ જશે. છોકરાએ કહ્યું કે આ કોઈ સારી બાબત ન કહેવાય તમે મને અભયવચન આપ્યું હતું. પણ મગર પોતાની બાબતમાં તટસ્થ હતો કે તેણે તે છોકરાને ખાઈ જવો. તે જ વખતે છોકરાએ મગરને વિનંતી કરી કે આપણે એક કામ કરીએ. અહીંથી પસાર થતા કોઈપણ વ્યક્તિ કે પશુ-પંખી પાસે આપણો ન્યાય કરાવીએ.
તેવામાં ત્યાંથી એક ગધેડો પસાર થતો હતો. છોકરાએ તેને ન્યાય તોડવા માટે વિનંતી કરી. ગધેડો ખરેખર મનુષ્યના અનુભવોથી દાઝ્યો હતો. તેણે કહ્યું કે માણસ હંમેશા નકામા જ હોય છે, તેમની પર વિશ્વાસ ન કરી શકાય. મે આખી જિંદગી તેમની સેવા કરી અને અત્યારે વૃદ્ધ થતાં તેમણે મને કાઢી મૂક્યો. મગર છોકરા ને ખાવા તૈયાર થયો ત્યા છોકરાએ ફરી વિનંતી કરી કે હજુ એક-બે જણને પૂછી લઈએ. મગર તેની સાથે સહમત થયો.
તેવામા ત્યાંથી એક ગાય પસાર થતી હતી. તેણે પણ માનવ થકી થયેલા દુખદ અનુભવોની કથા કહી સંભળાવી. છોકરાએ કહ્યું કે હવે છેલ્લે એક કામ કરીએ કે જે પણ આવે તેની પાસે ન્યાય કરાવીએ. અને જો તે કહે તો તુ મને ખુશીથી ખાઇ શકે છે.
તેવામા ત્યાંથી એક સસલું પસાર થતું હતું. છોકરાએ સસલાને પોતાની આપવીતી કહી ન્યાય તોળવા વિનંતી કરી. સસલાએ આખી વાત સાંભળી. તેને મગરની લુચ્ચાઈની ખબર પડી ગઈ. તેણે મગરને વિનંતી કરી કે મારે આખો પ્રસંગ પૂરતી માહિતી સાથે જાણવો પડશે. અને તે માટે તો પ્રથમ એક કામ કર કે આ છોકરાના પગને છોડી દે અને મને ફરીથી બતાવ કે તું જાળમાં કેવી રીતે ફસાયેલો હતો. મગરને એ વાતની ખાતરી હતી જ કે તેને છોકરો ખાવા મળવાનો જ છે. થોડો વખત નાટક કરી લઇએ. તેણે છોકરાનો પગ છોડી દીધો અને પોતે ફરીથી જાળમાં ફસાઈને બેસી ગયો. તે જ વખતે સસલાએ છોકરાને બુમ પાડી કે ભાગ. અને છોકરો દોડીને પાણીની બહાર નીકળી ગયો.
હવે સસલાએ છોકરાને પૂછ્યું કે શું તને મગરનું માંસ ખાવાનું ગમશે. છોકરા એ હા પાડી. એટલે સસલાએ કહ્યું કે તું હમણાં જ ગામમા જઈને લોકોને બોલાવી લાવ. છોકરો તો દોડતો ઘરે ગયો અને લોકોને બોલાવી લાવ્યો. ગામના લોકોની સાથે તેમના કેટલાક શિકારી કૂતરા પણ આવ્યા. તેમણે નદીની બાજુમાં છોકરાની સાથે બેઠેલા સસલાને જોયુ. તેમણે દોડિને તે સસલાને પકડીને મારી નાખ્યુ. *છોકરો ઊંડા દુઃખમાં સરકી ગયો કે પોતાનો જીવ બચાવનાર સસલાએ આ રીતે મૃત્યુ પામવુ પડ્યું. તેને ચોક્કસ સમજાયું નહીં કે આવું કેમ થર્યું.* જીવનના ઘણા પ્રશ્નો પણ એટલા જ અટપટા છે કે તે જોઈ તો શકીએ છે પણ તેને સમજી શકતા નથી.
*પણ વાત આટલેથી અટકતી નથી .......ખરી વાત તો હવે શરુ થાય છે.*
બાઇબલ કહે છે તે મુજબ તે જ ક્ષણે તેનો કોઢ મટી ગયો અને તે સાજો થઈ ગયો. વધુમાં તે સાજો થયેલો કોઢિયો પોતાને ઇસુ તરફથી સાજાપણુ મળ્યું છે તે વાત કરી કરીને સમાચાર એટલા તો ફેલાવી દીધા કે ઈસુ માટે હવે શહેરમાં દાખલ થવું પણ અશક્ય થઈ પડ્યું
મુનીબા મઝારીનો જન્મ ૩ માર્ચ, ૧૯૮૭ ના રોજ થયો હતો. તેણીની ઉંમર ફક્ત ૨૮ વર્ષની છે. તે મુળે બલોચ સંસ્ક્રુતીમાથી આવે છે અને તેમનું વતન રહીમ યાર ખાન છે. તેમણે ફાઇન આર્ટ્સમાં સ્નાતક્નો અભ્યાસ પુર્ણ કરેલ છે. મુનીબા ૨૦૦૭ મા એક દુ:ખદ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા અને જીવનભર વ્હીલચેરથી બંધાઈ ગયા. આ દુ:ખદ માર્ગ અકસ્માતમાં તેમનું સંપુર્ણ જીવન બદલાઈ ગયું.
વર્ષ ૨૦૦૭ માં મુનિબા તેના વતન તરફ જઇ રહી હતી ત્યારે તેણીને એક ભયાનક અકસ્માત થયો જેણે તેને આખી જીંદગી માટે લકવાગ્રસ્ત બનાવી. વાહન ચલાવતા સમયે તેના પતિ ખુરમ શાહજાદની આંખ ઊંઘને લીધે મિંચાઇ ગઇ, જેના કારણે આ અકસ્માત સર્જાયો. મુનીબા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને તેના પગની સંવેદના અનુભવવા અસમર્થ હતી. તેણીને જીપમાં લઇ જવામાં આવી, કારણ કે શહેરના તે ભાગમાં કોઈ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી. તેણે આખા ૨ વર્ષ સુધી હોસ્પિટલના પલંગમાં જ રહેવું પડ્યું. પછી તેણીને વ્હીલચેર પર મુકવામા આવી જે આખી જિંદગી માટે તેની સાથી હતી.
તેના જીવનના ખરાબ દિવસો દુર્ઘટનાના પ્રસંગ પછી શરૂ થયા, જ્યારે મુનિબાના પતિએ તેની અપંગતાને કારણે તેને છૂટાછેડા આપ્યા. અને હવે તે દત્તક લીધેલ પુત્ર નીલ સાથે એકલી રહેવા લાગી. ફક્ત તેના પતિ જ નહીં, પરંતુ તેના પિતાએ પણ તેમના પરિવારને આવી પીડામાં છોડી દીધા.
તેણે ૨ વર્ષ હોસ્પિટલના પલંગમાં વિતાવ્યાં અને તે તેણીનાં જીવનનાં સૌથી મુશ્કેલ વર્ષ હતાં. તેને જીવન જીવવું લાચાર લાગ્યું. તે હતાશામાં તેના વાળ કાપી નાખતી, જ્યારે તેના વાળ બ્રશમાં અટવાઇ જતા. પરંતુ તેણે બહાદુરીથી એ બધી દુ:ખદાયક લાગણીઓ ઉપર પોતાનુ વર્ચસ્વ સ્થાપવાનુ શરુ કર્યું.
*મુનીબા મઝારીના જણાવ્યા મુજબ, તેની સાચી શક્તિ હંમેશાં તેની માતા જ હતી જેણે તેને સતત પ્રેરણા આપી અને તેની હકારત્મક ભાવનાઓને પ્રોત્સાહિત કર્યા.*
વ્હીલચેરથી તે બંધાયેલ છે તેમ છતાં તેની ભાવના અને કલાત્મકતાને કોઈ બંધનો નડતા નથી. હકીકતમાં તે કરોડરજ્જુની ઇજાના દુ:ખને એક પડકાર તરીકે લે છે અને તેના કલાકાર્ય દ્વારા તેની ભાવનાઓ વ્યક્ત કરવા માટે વધુ સંકલ્પબદ્ધ છે.
હાલમાં તે ‘મુનીબાઝ કેનવાસ’ નામથી ‘તમારી દિવાલોને રંગો પહેરાવો’ ના નારા સાથે પોતાનુ કાર્ય ચલાવી રહી છે. મુનિબા મઝારીને ૨૦૧૫ મા બીબીસી દ્વારા વિષ્વની શ્રેષ્ટ ૧૦૦ મહિલા સૂચિમાં સ્થાન મળ્યું છે.
*જીવનના પ્રશ્નો સમજી ન શકાય ચોક્કસ પરંતુ તેને પૂરતો પ્રત્યુત્તર તો આપી જ શકાય. કોઢીઓ કર્મકાંડમાં આપેલા નિયમોને નેવે મૂકીને ઇસુની પાસે દોડી જાય છે. સાજા થવાની એક ગજબની હકારાત્મકતા હશે. તેના માટે ગામને ખૂણે પડી રહેવું અગત્યનું નથી જેટલું અગત્ય સાજાપણુ મેળવી ઉભા થવામાં છે. ઈસુ તો તમને અને મને મદદ માટે કોઈકને કોઈક સ્વરૂપે હાજર રહેશે જ પછી તે માતા-પિતા ભાઈ-બહેન સગા-સંબંધી કે રસ્તે ચાલતા વટેમાર્ગુના રૂપમાં પણ હાજર હોઈ શકે. જેમ મુનીબા મઝારીના જીવનમા ઇસુ તેની માતા બની તેને સતત પ્રેરણા આપી અને તેની હકારત્મક ભાવનાઓને પ્રોત્સાહિત કર્યા, આપણા જીવનમા પણ આવા લોકોને જોવા આપણે પ્રયત્નશીલ બનીએ. આમીન.*
કોઢિયાને સાજાપણુ આપતા ઇસુ - https://www.youtube.com/watch?v=41J7ZUZahJk
મુનીબા મઝારી- https://www.youtube.com/watch?v=SisDIbiaLRI
*જય ઈસુ*
---------------------------------
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ,સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત
મોબાઇલ : 8469491502
*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*
Comments
Post a Comment