બેહતી હવા સા થા વો, ઉડતી પતંગ સા થા વો....

 *સામાન્ય કાળનો ત્રીજો રવિવાર*

 

*માર્ક ૧: ૧૪-૨૦*

 *(1)*

 

ગ્રીસ દેશમા  સોક્રેટીસ નામે એક તત્વચિંતક થઈ ગયા. તેમને ઝેરનો પ્યાલો આપીને મૃત્યુદંડ અપાયો હતો. તેઓ પોતાના મૌલિક વિચારો માટે જાણીતા હતા. તે વખતની ગ્રીક માન્યતા પ્રમાણે લોકો માનતા કે વિષ્વમા ઘણા દેવ-દેવીઓ છે. પરંતુ સોક્રેટીસ માનતા કે લોકોની માન્યતા ખોટી છે. એક જ દેવ હોઈ શકે તેથી વધુ નહીં. 

 

સોક્રેટીસ દેખાવમાં એટલા આકર્ષક ન હતા પરંતુ તેમની વાતો ચોક્કસ આકર્ષક હતી. યુવાનો તેમની પાછળ દિવાના હતા. તેમને તેમના વિચારો સાંભળવાની મજા આવતી. સોક્રેટીસના વિચારો સાંભળી તે વખતની ગ્રીક સોસાયટીમાં એક ખળભળાટ મચી ગયો. તે વખતના રાજકર્તાઓને લાગ્યું કે એ વ્યક્તિ તેમની પરંપરા ઉપર પાણી ફેરવી દેશે અને તેઓ તેમના તર્ક સામે ટકી શકશે નહીં.

 

સોક્રેટીસ ઉપર મુકદમો ચલાવવામાં આવ્યો. તે વખતે કાયદો ઘડનાર અને ન્યાય આપનાર બન્ને એક જ વ્યક્તિઓ હતા. તેમણે સોક્રેટીસને મૃત્યુદંડ દીધો.

 

એમ કહેવાય છે કે સોક્રેટિસને પ્લેટો નામનો એક શિષ્ય હતો તેણે ઉચ્ચ અધિકારીઓને ફોડી નાખ્યા. સોક્રેટિસને જેલમાંથી ભગાડી દેવાનો પ્લાન ઘડાયો. પ્લાન મુજબ પ્લેટો જેલના અધિકારીઓને પૈસા આપીને જેલમાં પહોંચી ગયો. તે સોક્રેટિસને મળ્યો અને કહ્યું કે તમારા જેવી મહાન વ્યક્તિને ગ્રીસ સ્વીકારી શકે નહીં. અને તેથી તમારા માટે પૂરતી વ્યવસ્થા કરી છે જેથી તમે અહીંથી ભાગી જાઓ.

 

*સોક્રેટીસે ખૂબ જ સુંદર વાત કરતા કહ્યુ, “જો હું ભાગી ગયો તો મારું શરીર તો બચી જશે, પણ મારા વિચારો મરી જશે. અને નહીં ભાગુ તો શરીર મરી જશે પણ વિચારો જીવતા રહેશે. અને હું શરીર અને વિચારોના મોતની બાબતમાં શરીરના મોતને પ્રથમ પ્રાથમિકતા આપુ છું.” છેવટે સોક્રેટીસને મૃત્યુદંડ દેવાયો અને તે મ્રુત્યુ પામ્યા.*

 

આજના શાસ્ત્રપાઠ મુજબ ઇસુ ગાલીલમાં પાછા આવીને ઈશ્વરના શુભસંદેશની ઘોષણા કરતાં કહે છે, “સમય પાકી ગયો છે. ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભસંદેશની ઉપર શ્રદ્ધા રાખો.” આ શબ્દોને ધ્યાનથી જોઇએ તો તે સ્નાનસંસ્કાર યોહાનના ઉપદેશમાંથી સરી આવતા શબ્દો છે.  ઇસુ પોતાના પ્રથમ ઉપદેશની શરૂઆત યોહાનના શબ્દોને ટાંકીને કરે છે.

 

યોહાને આ શબ્દો દ્વારા જ લોકો વચ્ચે શુભસંદેશની શરૂઆત કરી હતી. આજના શાસ્ત્રપાઠની શરૂઆત થાય ત્યાં જ આપણને ખબર પડે છે કે યોહાનની ધરપકડ થઈ ગઇ છે. ઇસુને ખબર છે કે યોહાનના શબ્દો જ તેમને માટે મૃત્યુદંડરૂપે પરત આવી રહ્યા છે. પરંતુ ઇસુ હવે એ શબ્દને પોતાના મુખમા ધારણ કરે છે. શરીર મરે તો વાંધો નહીં, પરંતુ વિચારો મરવા ન જોઈએ અને ઈશ્વરના કાર્યને આગળ ધપાવે છે. આપણે જાણીએ છીએ તેમ ઈસુને પણ મૃત્યુદંડની શિક્ષા સહન કરવી પડી. આપણે ઇસુના અનુયાયી તરીકે આ કાર્યને આગળ ધપાવીએ. શરીર મરે તો વાંધો નહિ પણ વિચારો મરવા ન જોઈએ અને તે સાથે ઈસુના શુભસંદેશના વિચારોને આગળ ધપાવીએ.

 

 

*(૨)*

 

આજે તમારી સમક્ષ એક ખૂબ જ રસપ્રદ કિસ્સો રજુ કરવા માંગુ છું. વાત છે માર્ક એલ્બિયન કે જેઓ  વાણિજ્ય વ્યવસ્થાના વિષયના નિષ્ણાત છે. તેમના દ્વારા “મેકિંગ લાઇફ મેકિંગ લિવિંગ” નામનુ એક પુસ્તક લખવામાં આવેલ છે કે જેણે વિષ્વમા સૌથી વધુ વેચાતા પુસ્તકોમાંના એક તરીકે પોતાની નામના મેળવી છે. આ પુસ્તકમાં વાણિજ્ય વ્યવસ્થાને લગતા એક અધ્યયનની વાત છે. વર્ષ ૧૯૫૦ થી  ૧૯૮૦ વચ્ચે દર વર્ષે વાણિજ્ય વ્યવસ્થાના ઉચ્ચ અભ્યાસમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ સમક્ષ બે વિકલ્પો મૂકવામાં આવ્યા.  તેઓ જે વિકલ્પને જીવનમા વધુ અગ્રિમતા આપતા હોય તે વિકલ્પને તેમણે પસંદ કરવાનો હતો.

 

*વિકલ્પ એક....શું તેઓ જીવનમા પ્રથમ પૈસા કમાઇ અને એક આરામદાયક જીવન બનાવવા માંગે છે અને ત્યાર પછી જેમાં તેમને રસ હોય તેવું કાર્ય કરવા માગે છે.*

 

*વિકલ્પ બે....શું તેઓ પ્રથમ તેવી પ્રવૃત્તિ કરવા માગે છે જેમા તેમને રસ હોય અને તેમનુ દીલ તે પ્રવ્રુતિ કરવા કહેતુ હોય. વળી તેઓ માનતા હોય કે તેમ કરવાથી પૈસો તો એની મેળે આવવો હશે તો આવશે.*

 

૮૩ ટકા વિદ્યાર્થીઓએ પ્રથમ વિકલ્પને પસંદ કર્યો કે જેમાં તેઓએ પસંદ કર્યું કે પ્રથમ તેઓ પૈસા કમાશે. એક આરામદાયક પરિસ્થિતિ પોતાની માટે ઊભી કરશે. અને ત્યાર પછી તેઓ એવું કાર્ય કરશે કે જે તેમને પસંદ હોય.

 

૧૭ ટકા વિધાર્થીઓએ બીજા વિકલ્પને પસંદ કર્યો કે જેમા તેઓએ પસંદ કર્યુ કે પ્રથમ તેઓ એવી પ્રવૃત્તિ કરશે જેમાં તેમને રસ હોય. તેમનું દિલ તેમાં રાજી હોય. પૈસો તો એની મેળે જ આવશે.

 

૨૦ વર્ષના વ્હાણા વીતી ગયા. ઉપર મુજબના બંને વિકલ્પવાળા વિદ્યાર્થીઓના કારકિર્દી પસંદગીના રસ્તાની છણાવટ કરવામાં આવી.  ૨૦ વર્ષ પછીની છણાવટમાં જાણાવામાં આવ્યું કે આ વિતેલા વર્ષોમા કુલ ૧૫૦૦ જેટ્લા  વિદ્યાર્થીઓ દ્વારા વાણિજ્ય વ્યવસ્થામાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી કુલ ૧૦૧ વિદ્યાર્થીઓ કરોડપતિ બન્યા. ચોકાવવા જેવી માહિતી એ જાણવા મળી કે આ ૧૦૧ કરોડપતિઓમાં ૧૦૦ કરોડપતિ દ્વારા બીજા વિકલ્પને અનુસરવાવાળો વર્ગ હતો. નોકરી વ્યવસાયની કારકિર્દીમાં તેઓ માનતા હતા અને નક્કી કર્યું હતું કે પ્રથમ રસ હોય તેવી પ્રવૃત્તિ કરવી, પછી પૈસા તો એની મેળે જ ખેંચાઈને આવવા હશે તો આવશે. ફક્ત એક જ વ્યક્તિ એવો હતો જેણે પ્રથમ વિકલ્પ પસંદ કર્યો હતો અને તે કરોડપતિ બન્યો હતો.

 

છેલ્લે માર્ક એલ્બિયન એ નિષ્કર્ષ પર આવ્યા કે જીવનમાં હંમેશા બે પ્રકારનાં ચિત્રો હોય છે જે ઉપર મુજબ બે વિકલ્પ રૂપે રજુ થાય છે.  જીવનમાં બીજું ચિત્ર હંમેશા પ્રથમ ચિત્ર કરતા ચડિયાતું છે કે જેમાં વ્યક્તિ એ જ કાર્ય કરે છે જેમાં તેને રસ છે. વધુમા તેમણે કહ્યુ કે જો તમે તમારા કાર્યને રસમાં ફેરવી દો તો તમારે કાર્ય કરવાની જરૂર જ નથી.

 

આજના શાસ્ત્રપાઠમાં સિમોન અને તેના ભાઈ આંદ્રિયા તેમજ ઝબદીના ના બે પુત્રો યાકોબ અને તેના ભાઈ યોહાનની વાત થઇ છે. આ ચારેય જણનો મુખ્ય વ્યવસાય માછલા પકડવાનો છે. સવારથી સાંજ સુધી માછલા પકડવા, જાળ સમી કરવી, માછલા વેચવા અને પોતાના કુટુંબનો જીવનનિર્વાહ ચલાવવો. યાકોબ અને યોહાન કે જેઓ ઝબદીના પુત્ર છે તેઓ સિમોન અને આંદ્રિયા કરતા આર્થિક રીતે કદાચ વધારે સુખી સમૃદ્ધ લાગે છે. એક કારણ એ હોઈ શકે કે તેમને તેમના વ્યવસાયમાં એટલું તો કામકાજ છે કે મજૂરો રાખવાની જરૂર પડે છે.

 

આ ચાર વ્યક્તિઓએ પોતાના પિતા કે સગા-સંબંધી પાસેથી એક રીતે માછલીના વાણિજ્ય વ્યવસાયોનો અભ્યાસ કરી લીધો છે.

 

હવે આગળ જતાં માલુમ પડે છે કે ઈસુ આ ચારેય જણને નવા વ્યવસાય ધંધાની હાકલ કરતા કહે છે કે મારી પાછળ પાછળ આવો. હું તમને માછલીને બદલે માણસો પકડતા કરીશ. રોજગાર અધિકારી એવા ઇસુની ફક્ત એક જ લાઈનની જાહેરાત સાંભળી આ ચારેય ઇસુની પાછળ ચાલી નીકળે છે.

 

હવે બાઇબલના ચાર શુભસંદેશની છણાવટ કરીએ તો માલુમ પડશે કે ઈસુ દ્વારા થયેલા નવા વ્યવસાયની જાહેરાત કે જેમાં માછલા પકડવાને બદલે માણસો પકડવાની વાત ફક્ત અને ફક્ત ચાર શિષ્યોને થઈ નથી, પણ મોટાભાગે બધાને થઈ છે. ઇસુની હાકલનો ઘણા લોકો નકારમાં જુદા જુદા જવાબ આપે છે. જેમકે તેઓ કહે છે “પહેલાં મને મારા પિતાને દફનાવી આવા દો”  “પ્રભુ હુ આપની પાછળ-પાછળ આવીશ. પણ પહેલા મને ઘરના માણસોની વિદાય લઈ આવવા દો” (લુક ૯ :૫૯-૬૧)

 

*હવે પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે મોટાભાગનાએ ના પાડી ત્યારે પેલા ચારેય જણ ઈસુની પાછળ- પાછળ ચાલી નીકળ્યા???*

 

*કદાચ માર્ક એલ્બિયનનો અભ્યાસ આ પ્રશ્નનો જવાબ આપવા ખૂબ જ મદદરૂપ નીવડશે. આ ચારેય જણ અત્યાર સુધી પ્રથમ વિકલ્પ મુજબ બાપદાદા દ્વારા શિખાડાયેલા કાર્યને કરતા હતા. પરંતુ ખરા અર્થમાં તેઓ બીજા વિકલ્પના વ્યક્તિ તરીકે જીવનારાઓ હતા. તેમને તેમનું કાર્ય જીવનનો ખરો આનંદ આપી શકતું નહોતું. ઇસુ દ્વારા થયેલું આમંત્રણ તેમના અંતરને જગાડી દે છે. આજે ખરેખર લાગે છે કે આ આમંત્રણને નકારી શકાય તેમ છે જ નહી. તેથી જ તેઓ ઈસુની પાછળ પોતાનું સર્વસ્વ છોડીને નીકળી પડે છે. એક એવી પ્રવૃત્તિ કાર્ય કરવા જ્યા તેમનુ દિલ-દિમાગ રહેતું હોય.*

 

થોડા વખત પહેલાં એક સુંદર ફિલ્મો બની ૩ ઇડીયટ્સ. આ ફિલ્મમાં એક સુંદર ગીત છે તેના શબ્દો ઉપરની વાતને ટુકાણમા રજુ કરે છે અને જેના શબ્દો છે,  

 

*“બેહતી હવા સા થા વો, ઉડતી પતંગ સા થા વો......*

*હમકો તો રાહેથી ચલાતી, વો ખુદ અપની રાહ બનાતા,*

*ગીરતા સંભલતા મસ્તી મેં ચલતા થા વો.*

*હમ કો કલ કી ફિકર સતાતિ, વો બસ આજ કા જશ્ન મનાતા,*

*હર લમ્હે કો ખુલકે જિતા થા વો.*

 

આજની યુવા પેઢીએ ઈસુના આ ચાર શિષ્યો પાસેથી એક બાબત શીખવી રહી કે કરો એ જ જે દિલ કહે. આ શિષ્યોની કારકિર્દીની પસંદગી ઘણી જ જોખમી હતી. ઇતિહાસ કહે છે તે મુજબ આ ચાર શિષ્યો કદાચ કરોડપતિ તો ન બની શક્યા પરંતુ પોતાનું જીવન ઇસુની પાછળ સમર્પી દીધું. પરંતુ પોતાના રસના કાર્યને વળગી રહ્યા. શું આપણે પણ ફક્ત અને ફક્ત પૈસા માટે કોઈએ બનેલા માર્ગ પર ચાલીશું કે પછી પોતાની રીતે એક નવો માર્ગ બનાવીશું જ્યાં જીવનને એક ઉત્સવ તરીકે ઉજવી શકાય.

 

*જય ઈસુ*

----------------------------------------

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ન્યુમન હોલ,સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,

નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯

ગુજરાત

મોબાઇલ : 8469491502

 

 

*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*

 

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26