*વીસ સદીઓની મુક્તિગાથા*

જૂના કરારનો ઇતિહાસ એટલે ઈશ્વરથી વિખૂટાપડેલા માનવને ઈશ્વર સાથે ફરી સમાધાન કરવાની વાત. એ ઇતિહાસ ઇસુમાં પરાકાષ્ઠાએ પહોચે છે.  જૂના કરારમાં ઈશ્વર માનવ ઇતિહાસમાં કેવી રીતે કાર્યરત છે તેની વાત કરાઈ છે. અહીં એક એવી પ્રજા છે કે જે ચડતી અને પડતીમાં આગળ ધપે છે. એક તરફે સિદ્ધિ છે તો બીજી તરફે પડતી છે. આ ચિત્ર દ્વારા સમગ્ર માનવજાતનું ચિત્ર આપણી આગળ ખડું થાય છે. જૂના કરારના છેંતાલીસ ગ્રંથો કે જે મુખ્યે ચાર ભાગમાં વહેચાયેલા છે ૧)પંચગ્રંથી ૨)ઇતિહાસ ગ્રંથો ૩) પયગંબરો અને ૪)જ્ઞાન-સાહિત્ય,  તે વચ્ચેનો વિશિષ્ટ સંબંધ ઘણોજ તૂટક અને અસ્પષ્ટ લાગતો હોય છે. પરંતુ એક બાબત સ્વીકારવી રહી કે ઈસુને વધુ નજીકથી સમજવા હશે તો  જૂના કરારના ઇતિહાસને જાણવો પડશે. આ લેખ  દ્વારા હું જૂના કરારના ઇતિહાસ પર પ્રકાશ પાડવા માગું છું.


ઇસુના જન્મના ૧૯૦૦ વર્ષ પહેલા મેસોપોતામીયા (આજના ઈરાક )નો વતની અબ્રાહામે ઈશ્વરના આદેશથી પોતાનો દેશ છોડીને કાનાન ભૂમિ (આજના ઈશ્રાયેલ) ભણી પ્રયાણ કર્યું. અબ્રાહામ અને સારાથી તેમને ઈસહાકના નામે એક પુત્રનો જન્મ થયો. આ ઈસહાકનાં લગ્ન રિબકા કે જે ઈરાકની હતી તેની સાથે કરવામાં આવ્યાં. ઈસહાક અને રિબકા દ્વારા તેમને એસાવ અને યાકોબ નામે બે પુત્રો જનમ્યા. યાકોબ કે જે ઈશ્રાયેલને નામે ઓળખાતો હતો, તેણે પોતાના મોટા ભાઈ એસાવને છેતરીને તેની પાસેથી મોટા પુત્ર તરીકેનો જન્મસિદ્ધ હક લઈ લીધો. છેવટે યાકોબને ઈરાકમાં મામા લાબાનને ત્યાં ભાગી જવું પડ્યું. અને ત્યાં તે ચાર સ્ત્રીઓને પરણે છે. લિયા (લાબાનની મોટી દીકરી), ઝિલ્પા (લિયાની દાસી), રાહેલ (લાબાનની નાની દીકરી), બિલ્હા (રાહેલની દાસી). ચાર પત્નીઓ દ્વારા યાકોબ બાર સંતાનોનો પિતા બને છે. બારમાનો એક પુત્ર યોસેફ બીજા દસ ભાઈઓની ઈર્ષાનો ભોગ બને છે. અને તેને મિસર દેશમાં વેચી દેવામાં આવે છે. આ જ યોસેફ પાછળથી મિસરનો હાકેમ બને છે.ઇસ્રાયેલમાં દુકાળની પરિસ્થિતિ સર્જાતાં યોસેફ પિતા યાકોબ અને અગિયાર ભાઈઓને મિસરમાં વાસો કરવા બોલાવે છે. ઈ.સ. પૂર્વે ૧૭૦૦માં યાકોબ અને તેના ૧૧ દીકરાઓ ઇસ્રાયેલથી મિસર દેશમાં સ્થળાંતર કરે છે અને કુટુંબકબીલા સાથે અહીં રહી પડે છે. પિતાના નામ પરથી દીકરાઓ ઇસ્રાયેલીઓ તરીકે  ઓળખાયા. તેઓ નાઇલ નદીને કાંઠે સૌથી ફળદ્રુપ એવા પ્રદેશ ગોશેનમાં સ્થાયી થયા. તેઓની સંખ્યા ૭૦ ની હતી. ( ઉત્પત્તિ ૪૬ :૨૭). અને ઉતરોત્તર તેમની સંખ્યા વધવા લાગી.


મિસરની રાજગાદી પર આવેલ નવો રાજા આ બહારથી આવેલી પ્રજાનું અવલોકન કરે છે.આ રાજાને તેઓ ઉજળા વાનના, ઊંચા, હિબ્રૂ ભાષા બોલનાર અને બધા પર વર્ચસ્વ ધરાવનાર દેખાય છે. આ હિબ્રૂ બોલનારાઓને હેરાન-પરેશાન કરવા રાજા તેમના ત્રણ મૂળભૂત હકો છીનવી લે છે: ૧. માલિકી ધરાવવાનો હક ૨. કમાણી કરવાનો હક અને ૩. પુત્રને જન્મ આપવાનો હક. આવા જ સમયે લેવી કુટુંબમાં મોશેનો જન્મ થાય છે. તે લેવાઈટ તરીકે ઓળખાયો. લેવી એ યાકોબ અને લિયાનો દીકરો હતો. તે વખતે હિબ્રૂઓની મિસરમાં સંખ્યા લગભગ ૬ લાખ પુરુષોની હતી, બાળકો અને સ્ત્રીઓ તો જુદાં.


આવી પરિસ્થિતિમાં મહાપ્રસ્થાન હાથ ધરાય છે.પ્રભુ પોતાનાં લોકોની દુર્દશા જોઈ તેમને મિસરીઓના હાથમાંથી છોડવવા મોશેને મોકલે છે. ઈ.સ. પૂર્વે ૧૨૫૦માં મોશેના નેતૃત્વ હેઠળ ઇસ્રાયેલીઓ મિસરની ગુલામીમાંથી છૂટે છે. મોશે ઇસ્રાયેલીઓને પોતાના નેતૃત્વ હેઠળ કનાનભૂમિ (વચન-ભૂમિ) તરફે દોરે છે. મોશે ઇસ્રાયેલીઓને રાતા સમુદ્રેથી થઇ સિનાઈ પર્વત તરફે દોરી જાય છે. અહીં માર્ગમાં તેમને અમાલેકીઓને હાથે હારનો સ્વાદ માણવો પડે છે. હવે ઇસ્રાયેલીઓ આડકતરો રસ્તો લે છે અને ચાલીસ વર્ષ રણમાં રઝળે છે. આ બધી વાતોનું વર્ણન પંચગ્રંથીમાં કરવામાં આવે છે.


અંતે ઇસ્રાયેલીઓ ઈ.સ. પૂર્વે ૧૨૧૦માં વચન-ભૂમિમાં પ્રવેશ કરે છે. આ પ્રવેશ પહેલાં મોશે યર્દન નદીના પૂર્વ ભાગમાં (મોઆબની ભૂમિમાં) મૃત્યુ પામે છે અને યહોશુઆની  નવા આગેવાન તરીકે નિમણુંક થાય છે. આ નવા આગેવાન સામે મુખ્યત્વે બે પડકારો હતા: ૧. વચનભૂમિ જીતવી ૨. જીતેલી ભૂમિને બાર કુળોમાં વહેંચી આપવી. લેવી કુળને જમીન આપવામાં આવી નહીં. તેની જગ્યાએ યોસેફ્ના બે દીકરાઓ મનાશા અને એફ્રાઈમ વચ્ચે જમીન વહેંચાઈ. આમ અહીં કુલ ૧૨ નો આંકડો જળવાઈ રહે છે. આ બાબતો યહોશુઆના ગ્રંથમાં વર્ણવાઈ છે.


હવે ૨૦૦ વર્ષનો કાજીઓનો સમયગાળો શરુ થાય છે. આ સમયગાળા દરમ્યાન ઇસ્રાયેલનાં ૧૨ કુળો એકબીજાથી વિખૂટા પડીને સ્વતંત્ર રીતે જીવવા લાગ્યા. જ્યારે પણ પાડોશી દેશ સાથે અથવા પાડોશી જાતિ સાથે વિખવાદો ઉભા થાય ત્યારે એક આગેવાન ઉભો થતો અને યુધ્ધની આગેવાની કરતો. અને જયારે આંતરિક વિખવાદ ઉભો થતો ત્યારે આગેવાનો મધ્યસ્થીનો કે શાંતિનો ઉકેલ લાવતા. આ આગેવાનો ધાર્મિક વ્યક્તિત્વવાળા હતા કે જેઓ કાજીને નામે ઓળખાતા હતા. જો શમુએલને એક કાજી તરીકે  ગણીએ તો ઇસ્રાયેલમાં ૧૩ કાજીઓ થઇ ગયા કહેવાય. 


ઇસ્રાયેલીઓ જુએ છે કે પાડોશી રાજ્યો પાસે પોતાનો રાજા છે. રાજાશાહી હોવાને લીધે તે પ્રજા પોતાને સુરક્ષિત માને છે અને વિકાસ સાધે છે. ઇસ્રાયેલીઓ છેલ્લા કાજી શમુએલ પાસે રાજાની માગણી કરે છે જે તેમના ઉપર રાજ્ય ચલાવે. શમુએલ બેન્જામીન કુળમાંથી શાઉલને પ્રથમ રાજા તરીકે ઈ.સ. પૂર્વે ૧૦૩૦માં વરણી કરે છે. શાઉલ અમાલેકી રાજા અને તેની સંપત્તિનો નાશ ઈશ્વરની આજ્ઞા હોવા છતાં કરતો નથી, તેથી કરીને શાઉલને  રાજ્યગાદી ઉપરથી ઉતારી પાડવામાં આવે છે. હવે ઇસ્રાયેલીઓને એક નવો રાજા,દાવિદ મળે છે, જે યહૂદા કુળનો છે. તેને શાઉલની જગ્યાએ ઈ.સ. પૂર્વે ૧૦૧૦માં  રાજા બનાવવામાં આવે છે. રાજા દાવિદ લશ્કરી તાકાતની દ્રષ્ટિએ સૌથી બળવાન રાજા બને છે. તેણે યબુસીઓને હરાવીને તેમના હાથમાંથી યરૂશાલેમ શહેર જીતી તેને મુખ્ય શહેર તરીકે વિકસાવ્યું. તે યરૂશાલેમમાં ઈશ્વર માટે મંદિર બનાવવા માગતો હતો, પરંતુ પયગંબર નાથાન દ્વારા તેને ગાદી ઉપરથી નીચે ઉતારી પાડવામાં આવ્યો.મંદિરનું બાંધકામ તેના સમયગાળા બાદ તેના પુત્ર  શલોમોન દ્વારા હાથ ધરવામાં આવ્યું.


દાવિદના મૃત્યુ બાદ ઈ.સ. પૂર્વે ૯૭૦માં દાવિદપુત્ર શલોમોન રાજા બને છે કે જે બાથશેબા ને રાજા દાવિદ દ્વારા જનમ્યો હતો. ખરેખર જોવા જઈએ તો શલોમોનનો રાજ-સિહાંસન પર કોઈ હક હતો નહીં. તેની માતા  બાથશેબા પયગંબર નાથાન અને પુરોહિત સાદોકની મદદ લઈ શલોમોનને રાજા બનાવડાવે છે. શલોમોન યરૂશાલેમમાં ભવ્ય મંદિર બનાવડાવે છે કે જેની ખ્યાતિ વિદેશોમાં ફેલાય છે. સરહદો ઉપર શાંતિ જળવાઈ રહે તે અર્થે તે પાડોશી દેશોની રાજકુમારીઓ સાથે લગ્ન કરે છે. મંદિરની કાળજી રાખવા માટેનાં ખર્ચને પહોંચી વળવા તે લોકો પર ભારે કરવેરો નાખે છે. પોતાની રાણીઓને અર્થે તે વિદેશી દેવોના મંદિરો બનાવે છે.  વિદેશી દેવોના મંદિર બાંધતાં શલોમોને ઈશ્વરની પ્રથમ આજ્ઞાનો ભંગ કર્યો. વળી શલોમોનને  ઘણી વખત પોતાની રાણીઓ સાથે આ મંદિરોમાં જઈ ધૂપ અને બલીઓ ચડાવવા રાણીઓ દ્વારા મજબૂર કરવામાં આવ્યો.  આમ કરતાં શલોમોને બીજી આજ્ઞાનો ભંગ કર્યો. ભારે કરવેરો અને વિદેશી દેવોના મંદિરો સામે ઇસ્રાયેલી પ્રજા આધાર વિનાની બને છે.


શલોમોનના મૃત્યુ બાદ ઈ.સ. પૂર્વે ૯૩૦માં તેનો દીકરો રહાબામ રાજા બને છે. પરંતુ ઈશ્રાયેલનાં દસ કુળો યરોબામ ૧ જે એફ્રાઈમ કુળનો છે તેની નેતાગીરી હેઠળ રહાબામ સામે બંડ પોકારે છે અને પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરે છે. રહાબામ યહૂદા અને બેન્જામીન કુળના લોકોની સાથે રહે છે. ઉત્તરનું રાજ્ય ઇસ્રાયેલ, જેની રાજધાની સમરિયા હતી, જેમાં દસ વંશો અને દક્ષિણનું રાજ્ય યહૂદા, જેની રાજધાની યરૂશાલેમ હતી, જેમાં બે વંશો રહેતા હતા.  ઉત્તરનું રાજ્ય ઇસ્રાયેલ પાડોશી દેશોની સરખામણીએ વધુ ધનાઢ્ય, શક્તિશાળી, અને અસરકારક બન્યું. જ્યારે દક્ષિણનું રાજ્ય યહૂદા ગરીબ, નાનું અને આછું અસરકારક બન્યું. ઉત્તરના રાજાએ બે પવિત્ર સ્થાનો સ્થાપ્યા જે યરુશાલેમના મંદિરને મળતા આવતા હોય. જેથી કરી ઉત્તરના રાજ્યના દસ કુળના લોકો તે મંદિરથી  આકર્ષાઈને યરૂશાલેમ જવાનું માંડી વાળે. આ બે પવિત્ર સ્થાનો એક ઉત્તરમાં - દેન અને બીજું બેથેલ, જે ઉત્તરનાં રાજ્યની દક્ષિણે હતું.


ઈ.સ. પૂર્વે ૭૨૨માં મહાસામ્રાજ્ય અશૂર(આજનું ઈરાક)ના લશ્કરે ઉત્તરનાં  રાજ્ય ઇસ્રાયલ  ઉપર આક્રમણ કરી તેને ખેદાનમેદાન કરી નાખ્યું. તે વખતે અશૂરમાં સાર્ગોન-બીજો રાજ્ય કરતો હતો. તે બધા ઇસ્રાયલી પુરુષોને અશૂર લઈ  ગયો અને તેમની ખાલી પડેલી જગ્યાએ અશૂર પુરુષોને લાવી વસાવવામાં આવ્યા.  ઇસ્રાયલી સ્ત્રીઓને અશૂરના પુરુષો સાથે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવી અને આમ નવો વંશ ઇસ્રાયલી સ્ત્રીઓ અને અશૂર પુરુષો દ્વારા ઊંભો થયો. દક્ષિણના રાજ્ય યહૂદા દ્વારા તેમને વર્ણસંકર પ્રજા તરીકે ઓળખવામાં આવી અને તેમને “શમરૂની” એવું  અપમાનિત નામ આપવામાં આવ્યું, કે જે તેમના પાટનગર શમરૂન પરથી આવતું હતું. દક્ષિણનું રાજય આ શમરૂનીઓ સાથે રોટીબેટીનો  કે પછી અડવાનો પણ સંબંધ રાખતા નહીં. અહીં ઉત્તરના રાજ્ય કે જ્યાં દસ વંશો  રહેતા હતા તેનું કાયમ માટે નામોનિશાન મટી ગયું . જ્યારે દક્ષિણના રાજયમાં  યહૂદાના વંશ દ્વારા સ્વતંત્ર રીતે ૧૪૦ વર્ષ રાજ્ય ચલાવવામાં આવ્યું.

હવે અશૂરને સ્થાને ઉદય પામેલા બાબિલ (હાલનું ઈરાક) સામ્રાજ્યના લશ્કરને હાથે ઈ.સ. પૂર્વે ૬૧૫માં  દક્ષિણના રાજય યહૂદાને પણ હરાવવામાં આવ્યું. બાબિલોનના રાજા નબુખ્ખ્દનેઝરે યરૂશાલેમ ઉપર હુમલો કર્યો અને ૧) મંદિરને લૂટી લીધું ૨) મંદિરનો વિનાશ કર્યો ૩) રાજમહેલને સળગાવી મૂક્યો ૪) શહેરની દિવાલો તોડી પડાવી ૫) યરુશાલેમના હોશિયાર ગણાતા લોકોને બાબિલોનમાં દેશવટો આપ્યો. યરૂશાલેમમાંથી દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિને નબુખ્ખ્દનેઝર પોતાની સાથે લઇ ગયો. આમ ૨૦ % વસ્તી દેશવટે ગયી. આ દેશવટામાં પુરોહિતો, પયંગબરો જેમકે પયંગબર હઝકીયેલ અને પયંગબર યશાયાનો અને રાજવંશીઓનો સમાવેશ થતો હતો. જે લોકો દેશવટામાં ગયા તેઓ દુઃખી થઇ ગયા હતા. આ નિરાશાના સમય દરમ્યાન પયંગબર હઝકીયેલ અને પયંગબર યશાયા વિશ્રામવારના દિવસે તેમને બોધ આપતા. જે લોકો  યરૂશાલેમમાં હતા તેમને પયંગબર ઈર્મિયા આશ્વાસન આપતા હતા.


ઈ.સ. પૂર્વે ૫૩૮માં પારસ (આજનો ઈરાન દેશ)નો રાજા સાયરસ બાબિલના રાજાને હરાવીને તેના રાજ્ય ઉપર કબજો મેળવે છે. જયારે સાયરસ ઇસ્રાયેલીયોને બાબિલોનમાં દેશવટે જુએ છે ત્યારે તે પરદેશી પ્રજા પ્રત્યે ઉદાર નીતિ અખત્યાર કરે છે. ઇસ્રાયેલીયોને પાછા સ્વદેશ જવાની તે રજા આપે છે. તે તેમને નવું નામ “યહૂદી” (જ્યુ) આપે છે. યહૂદીઓને પોતાના રાજ્યની તિજોરીમાંથી રાજા સાયરસ મંદિરનો જીર્ણોધ્ધાર કરવા પરવાનગી આપે છે. અને આમ પયંગબર હઝીકીયેલ, યશાયા અને ઈર્મિયા દ્વારા દેશવટાના અંત અંગે કરાયેલી અગમવાણી સાચી પડે છે. યહૂદીઓને યહૂદા પ્રાંતમાં મંદિર બાંધી પોતાનો ધર્મ પાળવાની  છૂટ આપવામાં આવી. પરંતુ તેમને રાજકીય છૂટછાટ આપવામાં આવી નહીં.


ઈ.સ. પૂર્વે ૩૩૩ માં ચોવીસ વર્ષનો ગ્રીક ચક્રવર્તી બાદશાહ કે જેનું નામ સિકંદર હતું તેણે ઇસ્રાયેલ ઉપર કબજો મેળવ્યો. તે જ્યારે ૩૨ વર્ષની ઉમરે સૈન્ય સાથે હિન્દુસ્તાનની સરહદે પહોંચ્યો ત્યારે કુદરતી મૃત્યુ પામ્યો. તેનું વિશાળ સામ્રાજ્ય ૪ લશ્કરી સેનાપતીઓ  વચ્ચે વહેંચવામાં આવ્યું. એક સેનાપતિ કે જેનું નામ ટોલોમી હતું તેણે  ઈજીપ્તનું રાજ્ય સંભાળ્યું, જેમાં ઇસ્રાયેલનો પણ સમાવેશ થતો હતો.  હવે ચારમાંથી બીજો સેનાપતિ સેલ્યુંસીડ, જે સિરીયામાં આવેલા દમાસ્કસમાં રાજ્ય ચલાવતો હતો, તેણે  ટોલોમી પર હુમલો કરીને તેને હરાવ્યો. સેલ્યુંસીડ યહુદીઓને અપાયેલી ધાર્મિક છૂટછાટ પાછી ખેચી લે છે. તે યહૂદીઓ પર ગ્રીક ભાષા, ગ્રીક રીત-રીવાજો અને ગ્રીક ધર્મ લાદે છે. આ ગ્રીકીકરણ સામે સમાજના બે વર્ગો આગળ આવે છે: ૧) ફરોશીઓ જે જૂના કરારની ૬૧૩ આજ્ઞાઓને ઝીણવટથી પાડનાર વર્ગ હતો. ૨) મક્કાબીઓ (અહીં મક્કાબી એ અટકની જેમ છે જેનો અર્થ હથોડી થાય છે). આ મક્કબીઓના નેતૃત્વ હેઠળ યહૂદીઓ ગ્રીક શાસકો સામે બળવો પોકારે છે અને તેમને હરાવે છે. ૭૦ વર્ષ સુધી યહૂદા પ્રાંત રાજકીય અને ધાર્મિક સ્વતંત્રતા  ભોગવે છે. ફરીથી  ઈ.સ. પૂર્વે ૬૩ માં રોમન સૈન્ય દ્વારા ઇસ્રાયેલને હરાવવામાં આવે છે. ફરીથી અહીંયા ધાર્મિક છૂટ આપવામાં આવી. પરંતુ રાજકીય છૂટછાટ નહીં. આ સમયે એન્ટીપેટર બીજો સત્તા મેળવવા સફળ થાય છે.  ઈ.સ. પૂર્વે ૩૭ માં તેના દીકરા હેરોદને રાજા તરીકે રોમન ગવર્નર માર્ક એન્થોની નિયુક્ત કરે છે અને રોમન રાજા અગસ્તસ મંજૂરીની મહોર મારે છે. હેરોદ લોકોમાં અપ્રિય છે કારણ તે રોમન સામ્રાજ્યને સહકાર આપે છે. વળી તે યહુદીઓના ઊંચા કુળમાંથી આવતો નથી કારણ તેની માતા બિનયહૂદી છે.


*ઈ.સ. ની પહેલી સદીમાં યહૂદા પ્રાંતના એક નાનકડા ગામ બેથલેહેમમાં ઈસુ અવતરે છે અને મુક્તિનો એક નવો જ ઇતિહાસ સર્જાય* 


------------------------------------

સૌજન્ય...🙏

*ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.*

ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,

નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯

ગુજરાત.  મોબાઇલ : 8469491502 

 

તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે.

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26