*તપઋતુનો ૪થો રવિવાર*

 *આંધળો પ્રેમ*

 

૨ રાજ વ્રુતાંતો ૩૬:૧૪-૧૬,૧૯-૨૩    એફેસસ ૨:૪-૧૦     યોહાન ૩:૧૪-૨૧

 

 

આમ તો તે ખૂબ જ તોફાની છોકરો. તે પાંચમા ધોરણમાં ભણતો. તેનું નામ હતું ગુણવંત પણ આખા ગામમાં તેને બધા “બુધીયો” કહીને બોલાવતા. બુધીયો નામ તેની કોઇ શ્રેષ્ઠતાનું વર્ણન કરતા શબ્દો ન હતા પરંતુ તેનામાં ભણવા માટેની બુધ્ધીની જે ખોટ હતી તેનું વર્ણન કરતા હતા. દર વર્ષે તે ઉપરપાસ એટલે કે શિક્ષકોના કૃપાગુણથી પાસ થઇ આગલા ધોરણમાં પ્રવેશ  મેળવતો.

 

એક તરફ બુધિયાના તોફાનો વધતા ગયા તો બીજી તરફ ભણવામાં પણ તે વધુને વધુ નબળો પડતો ગયો. મા-બાપ ખરેખર બુધિયાના ભણતર માટે ચિંતિત હતા. આવા સમયે એકવાર બુધિયાના મા-બાપની મુલાકાત તેમના નજીકના એક સંબંધી સાથે થઈ. મા-બાપ દ્વારા બુધિયાના તોફાની સ્વભાવ, ભણતર તેમજ ભવિષ્ય અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી. તે ભાઈએ બધી જ વાતોને ધ્યાનથી સાંભળી બુધિયાના મા-બાપને સલાહ આપતાં કહ્યું કે અહીં નજીકના અંતરે એક કેથલીક સ્કૂલ ખોલવામાં આવી છે. ત્યાં એક સારા ફાધર છે કે જે બાળકોના અભ્યાસ માટે ખુબ જ કાળજી રાખે છે. વળી ત્યાના શિક્ષકો ખુબ જ મહેનતુ છે. આ સંસ્થા દ્વારા એક હોસ્ટેલ પણ ચલાવવામાં આવે છે. ત્યા બાળકોના શિસ્ત અને અભ્યાસની ખૂબ જ કાળજી રખાય છે. આ બધું જ સાંભળી બુધિયાના મા-બાપે બીજી બે ત્રણ વ્યક્તિઓની પાસેથી આ સંસ્થાઓ અંગેનો રિપોર્ટ મેળવ્યો. બધા જ લોકો આ સંસ્થાને તેમના વિસ્તારમાં આવવાથી ખુબ જ ખુશ હતા. છેવટે બુધિયાના મા-બાપ દ્વારા સંસ્થાની મુલાકાત લેવાય. સ્કૂલ અને હોસ્ટેલમાં એડમિશન પણ લેવામાં આવ્યું. અને છેવટે ઊઘડતી સ્કૂલે બુધિયાને સ્કૂલ અને હોસ્ટેલમાં મુકવામાં આવ્યો. પંદર  દિવસ પછી બુધિયાના મા-બાપ દ્વારા સંસ્થાની મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન મા-બાપને બુધિયાના વર્તનમાં ઘણો ફેરફાર દેખાયો.

 

આમને આમ વર્ષ પૂરું થયું. એક પછી એક પરીક્ષાઓ પણ પૂરી થઈ. સ્કૂલના છેલ્લા દિવસે વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. બુધિયો પ્રથમ શ્રેણીમાં પાસ થયો. આ રિઝલ્ટથી મા-બાપ અને તેના ગામલોકો બધા જ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.

 

તે દિવસે સાંજે બુધિયો પોતાના મા-બાપ સાથે બેઠો હતો. ઘરમાં ખરેખર આનંદનો માહોલ હતો. ખૂબ સારું જમવાનું તૈયાર કરાયું હતું. તે બધાના અંતે બુધિયાને તેના મા-બાપ દ્વારા પૂછવામાં આવ્યું કે *તારામાં આટલો બધો ફેરફાર કેવી રીતે આવ્યો???* *જે છોકરો માંડ પાસ થતો હોય તે પ્રથમ શ્રેણીમાં કેવી રીતે પાસ થઈ શકે???*

 

થોડીવાર મૌન રહી બુધિયાએ જવાબ આપ્યો કે પ્રથમ દિવસે મને સ્કૂલમાં મૂકવામાં આવ્યો. મેં મારા વર્ગમાં પ્રવેશ કર્યો અને ત્યાં જ મારી નજર ક્લાસરૂમમાં કાળા પાટિયાની ઉપરની બાજુએ પડી. ત્યા લાકડાના એક ક્રુસ ઉપર એક વ્યક્તિને લટકાવવામાં આવેલા હતા. મને અહીંયાથી જ ખબર પડી ગઈ કે સારો અભ્યાસ નહી કરનાર  વ્યક્તિને આ લોકો કેવી શિક્ષા કરે છે. જો હું પણ સારી રીતે અભ્યાસ નહીં કરું તો મારી હાલત ક્રોસ ઉપર લટકતા આ વ્યક્તિ જેવી જ થશે. હું કાંઈ આવું તો ઈચ્છતો ન હતો. તેથી જ કરીને મેં હવે તોફાન છોડી મહેનત કરવાનું શરૂ કર્યું. અને છેવટે હું પ્રથમ શ્રેણીમાં પાસ થયો.   

 

*વ્હાલા મિત્રો બુધિયો પ્રથમ ક્રમાંકે પાસ થઈ ગયો પરંતુ દિલમાં એક બીક રાખીને. તેણે વિચાર્યુ કે જો હું સારી રીતે અભ્યાસ નહીં કરું તો મારું પણ ક્રોસ પર લટકવાનુ નિશ્ચિત છે. આપણા બધાનું જીવન પણ બુધિયાની વિચારશરણીથી વિપરીત નથી. ઊંડાણથી વિચારતા માલુમ પડે છે કે આપણે બધા જ ઈશ્વરને ખરા અર્થમાં પ્રેમ કરી આપણી દુર્ગુણોનો ત્યાગ કરતા નથી. એક બીકને લઈને એક નકલી જીવન જીવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. જેમ કે નર્કમાં જઈશું તો ??? આ એક ખૂબ જ મોટો પ્રાણપ્રશ્ન છે.*

 

તપઋતુના આ ચાળીસ દિવસ દરમિયાન આપણે ઈશ્વરના પ્રેમમા ઊંડા ઊતરવા પ્રયત્ન કરેલ છે. ભષ્મ બુધવારથી જીવનના દરિયામાં શરૂ કરેલી આપણી યાત્રા હવે તપઋતુના ચોથા રવિવારે મધદરિયે પહોંચી છે. અને ત્યાં જ ઈશ્વર આપણી મધ્યમા આવીને આપણને કંઇક કહેવા માગે છે. મધદરિયામાં આવેલી આ યાત્રામાં આપણા પ્રત્યેના તેમના પ્રેમના ત્રાજવાની બાજુને ઈશ્વર સંતુલિત કરે છે. અને તે આપણને કહે છે કે

 

*“ઈશ્વરે જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઇશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા.” (યોહાન ૩)*

 

જ્યારે મનુષ્યનો ઈશ્વર સાથેનો આટલો અગત્યનો કરાર થયો હોય ત્યારે શું મનુષ્ય ઈશ્વરને બીકને લીધે પ્રેમ કરી શકે??? જવાબ મળશે કે અહીં એક જ વાક્યમાં બીક અને પ્રેમ એમ બન્નેનો સમાવેશ થયો છે કે જે એકબીજાની વિરુદ્ધ જાય છે. અને આમ બીક અને પ્રેમ એક જ તાંતણે ગુંથી શકાય નહીં.

 

વર્ષો પહેલા અરેબિયામા શીબલી નામે એક સુફી સંત થઇ ગયા. તે પોતાની આધ્યાત્મિકતા માટે લોકોની મધ્યે ખૂબ જ પ્રચલિત હતા. તેઓ ઈશ્વર સાથે એક બિનશરતી ગાઢ પ્રેમથી બંધાયેલા હતા. આવો જ એક બિનશરતી પ્રેમ તેઓ ઈશ્વરથી લોકોનો બનાવવા માગતા હતા. પોતાની ઈચ્છાને અમલમા મુકવા એકવાર તેમણે એક અલગ પ્રકારની મશાલ બનાવી કે જેમા તેમણે લાકડાના એક ટુકડાની બંને બાજુએ કાપડના ટુકડા લગાવ્યા. તેના ઉપર તેમણે આગ લગાડી અને અરેબિયાની શેરીઓમાં તે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તે બૂમો પાડવા લાગ્યા કે સ્વર્ગ અને નર્ક બંનેને સળગાવી દો.

 

લોકો તો હેતબાઇ ગયા કે આટલા મહાન સંત આ પ્રકારની વાતો કરે છે. તેમણે લોકોને કહ્યું કે લોકો અલ્લાહની બંદગી બે કારણથી કરે છે. પહેલું કારણ નરકની બીક છે. જો ઇશ્વરની બંદગી નહીં કરીએ તો જેનો અંત ન આવે તેવી નર્કની શિક્ષા થશે અને બીજુ કારણ સ્વર્ગની લાલચ.  જો બંદગી કરીએ તો કાયમને માટે મજા કરીશું. આગળ વધતા તેમણે લોકોને કહ્યુ કે આ બન્ને પ્રકારની વિચારશરણી વ્યર્થ છે. અને તેથી આ બંને વિચારશરણીને સળગાવી દો. જ્યારે તમારા જીવનમા આ પ્રકારની ઘટના ઘટે છે ત્યારે તમે એક નિશ્વાર્થ ભક્તિમાં પ્રવેશ કરશો.

 

*તેથી જ કરીને આપણે એવી ભક્તિ ન કરવી કે જે બીક દ્વારા આવતી હોય, પરંતુ આપણે એવી ભક્તિ કરવી રહી કે જ્યાં માનવામા આવે કે હુ એવા ભગવાનની પૂજા-અર્ચના કરું છું જે પ્રેમાળ છે અને મારા શરીરના કણેકણમાં વ્યાપેલા છે. જ્યારે આ પ્રકારની ભક્તિમાં આપણો પ્રવેશ થાય છે ત્યારે આપણને ભક્તિની મીઠાશનો અનુભવ થાય છે કારણ તે જ આપણા અંતરાત્માનો સ્વભાવ છે. આમીન.*

 

 

 

*જય ઈસુ*

---------------------------------

સૌજન્ય...🙏

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,

નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯

ગુજરાત.  મોબાઇલ : 8469491502 

 

 

 

*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26