પાસ્ખાપર્વનો રવિવાર...

 *પાસ્ખાપર્વનો રવિવાર*

 

વર્ષો પહેલા મિશન સ્ટેશનોમાં પાસ્ખાપર્વની મીસ થતી. આજુબાજુના ગામડાંના લોકો આ મીસ-પ્રાર્થનામાં ભાગ લેતા. મીસની શરૂઆત અગ્નિ પેટાવવાથી થતી. તેમાંથી પાસ્ખાની મીણબત્તીને સળગાવવામા આવતી. મીસ-પ્રાર્થનામા આખો જનસમુદાય મોટેથી આ ભજન ગાતો.

 

*અહો આ દીપના તેજે ગહનઘન જાય અંધારા,*

*વહે આ તેજની ધારા, પ્રભુના દીપનો જય હો,*

 

*પ્રભુજી હે, તમોને પ્રાર્થીએ આજે મળી ભેળા,*

*તમારે પાય રાખેલી અમે આ દીપ-જ્યોતિનો*

*કરો સ્વીકાર, હે સ્વામી! કરો સ્વીકાર, હે સ્વામી!*

*સદા રાખો સળગતી, હે પ્રભો, આ દીપ જ્યોતિને.*

 

આમ તો સૂરદાસે નાનપણથી જ પોતાની આંખોનું તેજ ગુમાવી દીધું હતું. થોડા વખતમાં સુરદાસે પોતાના મા-બાપને પણ એક પછી એક ગુમાવી દીધા. પોતાનું જે પણ ગણો તે પોતાની એકલતા. પણ સૂરદાસે જીવનમાં કદી પણ હિંમત  ન ગુમાવી. વળી એવું કહેવાય છે કે જ્યારે માણસ પોતાની ઇન્દ્રિયો ગુમાવી બેસે ત્યારે ઈશ્વર આવા માણસની નજીક આવી તેને વિવિધ સ્વરૂપે મદદરૂપ થાય છે. સૂરદાસે પણ અંધ હોવા છતાં ઘરકામ તેમજ બહારના કાર્ય કરવામાં એક આવડત કેળવી લીધી. આમ તો તેને દિવસ કે રાત્રીમાં શું ફરક પડે, પરંતુ પોતાના કાર્ય દિવસ દરમિયાન જ તે પતાવી દેતો.

 

જો કે સૂરદાસને રમણ નામે દૂરનો એક મિત્ર હતો કે જે સૂરદાસની આર્થિક જવાબદારી લેતો. આમ તો તે બાજુના ગામમાં જ રહેતો. બંને મિત્રોના ગામ વચ્ચે એક ગાઢ જંગલ હતુ. સૂરદાસે જ્યારે પણ રમણને ત્યાં જવાનું હોય ત્યારે તે ખુશ થઈ જતો કારણ, તે દિવસે તે બંને વચ્ચે એક આધ્યાત્મિક વાર્તાલાપ થતો. વધારામાં સૂરદાસ જીવનની મુશ્કેલીઓ રમણને જણાવતો તો વળી રમણ પોતાની મુશ્કેલી સૂરદાસ ને જણાવતો. અને આમ બંને વચ્ચે સલાહસૂચનોની આપ-લે થતી. બપોરે રમણની પત્ની દ્વારા સુંદર ભોજન તૈયાર કરવામાં આવતુ. સાંજે ચાર વાગ્યાની આજુબાજુ સૂરદાસ પોતાના ઘરે વિદાય થતો.

 

એક વખતે અમાસના દિવસે સૂરદાસે પોતાના મિત્ર એવા રમણને ત્યાં જવાનું થયું. સૂરદાસે સવારે નાહીધોઈ પરવારીને રમણના ઘર તરફ યાત્રા શરૂ કરી. એક કલાકની પગપાળા યાત્રા બાદ તે રમણને ત્યાં પહોંચી ગયો. રમણ સુરદાસની રાહ જોઈને જ બેઠો હતો. સૂરદાસ અને રમણ વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. બપોરનું ભોજન પીરસવામાં આવ્યું. ફરીથી બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. તે દિવસે સમય ચાલતો નહોતો પરંતુ જાણે દોડતો હતો. વળી આ તો શિયાળાનો દિવસ ક્યારે અંધારું થઈ જાય કહેવાય નહીં. છેવટે બન્ને વચ્ચેનો વાર્તાલાપ પૂરો થયો. પરંતુ રમણની ચિંતા વધી કારણ હવે સૂરદાસ પોતાના ઘરે પાછો જવા માગતો હતો. સાંજનુ વાળુ પૂરું થયું. રમણે સુરદાસને પોતાના ઘરે જ રોકાઈ જવા માટે આગ્રહ કર્યો, પરંતુ સૂરદાસે પોતાના ઘરે પાછા ફરવાની તિવ્ર ઈચ્છા દર્શાવી. રમણ અને તેના પત્ની સૂરદાસને લઈ તેને વળાવવા ઘરની બહાર નીકળ્યા.

 

તેઓ જેવા વાળો પસાર કરી દરવાજે પહોંચ્યા તેવામાં જ રમણે  પોતાના મિત્ર સૂરદાસને કહ્યું કે, “તું તારી સાથે એક સળગતુ ફાનસ લઈને જાય તો ઘણું સારું. કારણ, બહાર ખૂબ જ અંધારું છે. અને વળી તને દેખાવાનો પણ પ્રશ્ન છે.”

 

તેની વાત સાંભળીને સૂરદાસ ખડખડાટ હસી પડ્યો અને તેણે મિત્ર રમણને પૂછ્યું કે, “સળગતા ફાનસને મારા હાથમાં લઇ ચાલવાનો અર્થ શો??? હું એક આંધળો માણસ છું. મારા માટે સૂર્યથી ભરેલ દિવસ અને ચાંદ વગરની કાળી ડિબાંગ રાત્રી સમાન જ છે. મારા હાથમાં ફાનસ લઈને ચાલવું અર્થસભર બાબત મને દેખાતી નથી.”

 

રમણે પોતાના મિત્રની વાત ધ્યાનથી સાંભળી તેને સરળતાથી જવાબ આપ્યો, “ચોક્કસ ફાનસ તારા હાથમાં હોય કે ન હોય તેનાથી તને તો કોઈ ફરક પડવાનો નથી. પરંતુ જ્યારે તારા હાથમાં ફાનસ હશે તો આ કાળી ડિબાંગ રાત્રિમાં બીજા લોકો તને સરળતાથી જોઈ શકશે. અને જેથી કરીને કોઈ તને અથડાશે નહીં. તને નુકસાન ન પહોંચે તેથી કરીને આ ફાનસ લઈને જાય તો સારું.”

 

સૂરદાસને પોતાના મિત્રની વાત તર્કસંગત લાગી. તેણે પોતાના મિત્રના હાથમાંથી ફાનસ લઈને ચાલવાનું શરૂ કર્યું. થોડા સમયમાં જ સૂરદાસ ગાઢ જંગલમાં પ્રવેશ્યો. તેણે એકધારી રીતે પોતાના ગામ તરફ ચાલવાનું રાખ્યું. આજે જંગલમાં પવન પણ સારો એવો વાતો હતો.

 

આશરે અડધા કલાક પછી અચાનક કોઈ એક વ્યક્તિ સૂરદાસને આવીને અથડાયુ. સૂરદાસ ખરેખર આશ્ચર્ય ચકિત થઈ ગયો. તે હસવા લાગ્યો અને પોતાની જાતને કહેવા લાગ્યો કે આ બધું શું બની રહ્યું છે. તેણે થોડા મોટા અવાજે જે ભાઈ તેને અથડાયો હતો તેને પૂછ્યું, “ભાઈ, તમે મારા હાથમાં એક સળગતી ફાનસ નથી જોતા કે શું??? તમે પણ મારી જેમ આંધળા છો???

 

પેલા માણસે નમ્રતાથી પ્રત્યુત્તર આપતાં જણાવ્યું, “હું આંધળો નથી. પરંતુ તમારા હાથમાં જે સળગતી ફાનસ હતી તે ઓલવાઈ ગઈ છે.

 

 

વ્હાલા મિત્રો, આપણે બધા પણ ભરવાડ વિનાના ઘેટા જેવા અહીં-તહી રખડતા હતા. જીવનનો કોઈ માર્ગ આપણને દેખાતો ન હતો. ખરા અર્થમાં કહીએ તો આપણે પણ પેલા સુરદાસની જેમ અંધ જ હતા. *ચોક્કસ સૂરદાસે પોતાનું જીવન ચાલી જાય તે માટે નાની નાની બાબતો જીવનમાં શીખી લીધી હતી. તેવી જ રીતે આપણે પણ નાની-નાની બાબતો જરૂરથી શીખી લીધી, પરંતુ એક સામાન્ય મનુષ્યની ઓળખ સાથેની.*

 

પરંતુ આ બાજુ આપણા દયાળુ અને પ્રેમાળ ઈશ્વર જે આપણા પિતા છે તે ખરેખર ઈચ્છે છે કે આપણે એક સામાન્ય મનુષ્ય તરીકેનું જીવન વીતાવી આ પૃથ્વી પરથી વિદાય ન લઈએ. *ઈશ્વર તો હંમેશા ઈચ્છે છે આપણે તેના પુત્ર તરીકે એક રાજકુમાર તરીકેનું જીવન જીવીએ.*

 

પરંતુ આપણામાં એ ઓળખ છતી કરવી કેવી રીતે???

 

ઈશ્વરને જગત પર એટલો પ્રેમ હતો કે પોતાના એકના એક પુત્રને જગત અર્થે આપી દીધો. આ પુત્ર એટલે ઇસુ ભગવાન. ઇસુ પણ પોતાના પિતાનું કાર્ય આગળ ધપાવતા કહે છે, “હું આવ્યો છું જ એટલા માટે કે તમને જીવન મળે અને ભરપટ્ટે મળે.” સૂરદાસને તેના મીત્ર દ્વારા એક સળગતી ફાનસ આપવામાં આવી. *પાસ્ખાપર્વે માતા ધર્મસભા મીણબત્તિના સ્વરૂપમાં સજીવન થયેલા પ્રભુ ઈસુને આપણા હાથમાં આપે છે, જેથી કરીને દુન્યવી અનીષ્ટો જેવા કે સત્તા, ઘન અહંકાર આપણને અથડાઈને નુકસાન ન પહોંચાડે.*

 

પરંતુ દુન્યવી બાબતો જેવી કે કૌટુમ્બીક, સામાજીક મુશ્કેલીઓ અને  પરીક્ષણોમા ઘણીવાર આપણા હાથમાંની મીણબત્તી ઓલવાઈ જાય છે. કઠિન પરીસ્થીતીમા ખબર જ પડતી નથી કે આ મીણબત્તી સળગે છે કે હોલવાઈ ગઈ.

 

આપણા હાથમાં મીણબત્તી સળગે છે કે હોલવાઇ ગઇ તે ખબર શી રીતે પડે???

 

*વ્હાલા મિત્રો સળગતી મીણબત્તી હંમેશા એક હુંફ આપતી હોય છે. આપણા પ્રભુ ઈસુ પણ એક સળગતી મીણબત્તી સમાન છે જે આપણને જીવનમાં હુંફ આપ્યા કરે છે. અને તે આપણને પ્રાર્થનારૂપી માધ્યમથી મળે છે. જ્યારે પણ આ હુંફની કમી વર્તાય ત્યારે પ્રાર્થનારૂપી માધ્યમથી ઇશ્વરની હુંફને ફરી મેળવી લઇએ. આમીન.*

 

*સર્વને પાસ્ખાપર્વની શુભેચ્છાઓ.*



💐💐💐💐💐💐💐💐




*જય ઈસુ*

---------------------------------

સૌજન્ય...🙏

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,

નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯

ગુજરાત.  મોબાઇલ : 8469491502 

 

 

 

*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26