*તપઋતુનો બીજો રવિવાર*
*પહાડો ઉપરથી પાછા નીચે ઉતરી જઈએ.*
ઉત્પત્તિ ૨૨:૧-૨, ૯-૧૩, ૧૫-૧૮ રોમ ૮:૩૧-૩૪ માર્ક ૯:૨-૧૦
*“તેણે પોતાના એકના એક પુત્રને સુદ્ધા સાચવી રાખ્યો નહીં. પણ આપણા સૌની ખાતર સમર્પી દીધો.” રોમ ૮:૩૨*
એ ટાપુ ચારેબાજુ દરિયાના પાણીથી ઘેરાયેલો હતો. આમ તો તે એક ઊંચા ડુંગર સમાન હતો. આ ડુંગરની ઉપરની સમથળ જમીન ઉપર આ ટાપુનો માલિક એવો જમીનદાર રહે. ટાપુના નીચેના ભાગે દરિયાઈ સપાટીને લગોલગ આવેલી જમીન ઉપર ટાપુના લોકો રહેતા. આ ટાપુનો જમીનદાર ખૂબ જ પ્રેમાળ હતો. ટાપુ પર થતું સર્વ કાંઈ ઉત્પાદન લોકોના હિતાર્થે વાપરવામાં આવતું હતું. દરેક પોતાની જરૂરિયાત મુજબ વસ્તુ લઈ તેનો વપરાશ કરતા. લોકો પણ એટલા જ જવાબદાર, પોતાના માલિકની ભલમનસાઇનો જરા પણ દુરુપયોગ કરતા નહીં.
શિયાળાની ઋતુની એ શરૂઆત હતી. જમીનના માલિકે ટાપુ પર વસતા બધા જ લોકોને પોતાના ડુંગર ઉપરના નિવાસ્થાને એક મુલાકાત માટે આમંત્રિત કર્યા. આવનાર દિવસોમાં હવે આ જમીન ઉપર કયા પાકનું રોપાણ કરવું તે બાબતેની ચર્ચા હતી. ગામના બધા જ લોકોએ આ વર્ષે મકાઈનું વાવેતર કરવા માટે પોતાની ઇચ્છા દર્શાવી. આ તરફ જમીનદાર માટે તો જે ગણો તે સર્વકાઇ આ ગામના લોકો જ હતા. વળી પોતે જે કમાતા તે સર્વ કાંઈ આ લોકોના હિતાર્થે જ વાપરવામાં આવતું હતું. તે સહહ્રુદયે તેમની સાથે સહમત થયો.
જમીન ઘણી મોટી હતી. વળી આટલા મોટા વિસ્તારમાં મકાઇનુ રોપાણ કરવું એ કંઇ નાનીસુની બાબત તો ન જ હતી. આખું ગામ પતિ-પત્ની, મા-બાપ અને યુવાનો આ ભગીરથ કાર્યમાં જોડાયા. સવાર પડતા જ લોકો પોતાના બળદો અને ખેતીનો સામાન લઈ ડુંગરની ટોચ ઉપર પહોંચી જતા. આખો દિવસ ત્યાં ખેતીમાં કાઢતા અને સાંજ પડતા પોતાના ઘરે પાછા ફરતાં. ખેતરમાં પાકની રોપણી પુરી થઈ. તે વર્ષે ઈશ્વરે વરસાદ પણ ખૂબ સુંદર આપ્યો. વાતાવરણ પણ પાકને એટલું જ અનુકૂળ હતું. ત્રણ મહિનામાં તો આ પાક માણસ સમાણો ખેતરમાં ઉભો થઇ ગયો.
જમીનદાર દરરોજ સવારે પોતાના ઘરની બહાર એક આરામખુરશી મૂકી તેમાં બેસતો. ઈશ્વરે જે પાક આપ્યો છે તેને જોતો અને ખુશ થતો. આ વર્ષે ખરેખર પોતાના લોકોને સારુ એવુ ધાન્ય મળી રહેશે એ બાબત જમીનદારને સાંત્વન આપતી. દૂર દરિયાના પાણીમાં તે નજર નાખતો અને ઇશ્વરની દરેક જગ્યાએ જે દિવ્ય હાજરી છે તેની પ્રતીતિ કરતો. અને આમ ને આમ કલાકો સુધી પોતાનો સમય કુદરતના વખાણ કરવામાં કાઢી નાખતો.
આમ ને આમ વળી પાછો એક મહિનો પસાર થઈ ગયો. સમય વીતતો ગયો. છોડવા પર આવેલા મકાઈના ડોળા હવે સુકાવા લાગ્યા. જ્યાં પણ ડોળા ઉપરથી આવરણ ઉતરી જતું ત્યા ખરેખર મકાઈનો પાક સુવર્ણમય લાગતો. ગામના લોકોએ પણ આ વખતના સુંદર પાકને જોઈને વિવિધ આયોજન કરી નાખ્યું હતું. જેમાં દીકરા કે દીકરી ના લગ્ન, નવા પશુઓની ખરીદી વગેરેનો સમાવેશ થતો.
એક દિવસ સવારે દરરોજની જેમ જમીનદાર પોતાની આરામખુરશી નાખીને પોતાના ઘરની બહાર બેઠો છે. એક નજર પાક તરફ તો બીજી નજર દરિયાના પાણી તરફ છે. આ જ સમયે જમીનદારને દરિયાના પાણીમાં કંઈક અજુગતો જ વરતારો દેખાયો. જમીનદારની અનુભવી નજરને તરત જ ખબર પડી ગઈ કે દરિયામાં ભૂકંપ થયો છે અને તેને લીધે દરિયાનું પાણી એક સુનામીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અત્યાર સુધી આરામથી ખુરશીમાં બેઠેલા જમીનદારના મગજમાં હવે ચિંતાથી ગણતરીઓ તેજ બનવા લાગી. તેણે જોયું કે સુનામીના પાણી હવે ઉગ્ર બનવા લાગ્યા છે અને અડધા કલાકમાં જ તે જમીનની સપાટીએ આવીને અથડાશે. આ અથડામણ કાંઈ જેવીતેવી નહિં હોય. આ સુનામીના પાણી ચોક્કસ એક મોટો વિનાશ દરિયાકિનારે લાવવા જઈ રહ્યા છીએ. આ બધી જ ગણતરી પાછળનું મુખ્ય કારણ જમીનદારની પોતાના લોકો માટેની ચિંતા જવાબદાર હતી. પોતાના લોકોને અડધા કલાકમાં જ તેમના ઘરમાંથી હટાવી લેવામાં ન આવે તો બધા જ સુનામીના પાણીમાં મૃત્યુ પામશે. આટલા મોટા જનસમુદાયને થોડા જ વખતમાં પોતાની પાસે કેવી રીતે બોલાવી લેવા. આકુળ-વ્યાકુળ બનેલા જમીન માલિકને કોઇ જ રસ્તો જડતો નથી.
ત્યા જ જમીનમાલિકને ઓચિંતો એક વિચાર આવ્યો. તે દોડતો પોતાના ઘરના રસોડા તરફ ગયો અને ઝડપથી દીવાસળી - કેરોસીન લઇ ઘરની બહાર દોડ્યો. થોડા જ વખતમાં તો તેણે અડધા ખેતરમાં કેરોસીન છાંટી દીધુ અને ઝડપથી પોતાની પાસેની દીવાસળી સળગાવી તે લહેરાતા સૂકા પાક ઉપર નાખી દીધી. થોડી જ ક્ષણોમાં આખું ખેતર ઝળ- ઝળ સળગવા લાગ્યુ. જમીનદાર પોતાના વહાલા પાકને સળગતો જોઈ રહ્યો કે જેને તે છેલ્લા ચાર મહિનાથી ખૂબ જ પ્રેમ કરતો હતો.
આ જ વખતે ડુંગરના નીચેના ભાગના રહેતા લોકોએ જોયું તો ડુંગર ઉપર આગ લાગેલી હતી. જે પાક માટે તેમણે રાત-દિવસ એક કરી દીધું હતું તે પાક સળગી રહ્યો છે. આનાથી પણ વધુ ચિંતા લોકોને પોતાના પ્રેમાળ જમીનદાર પ્રત્યે હતી જે હાલ ડુંગર ઉપર એકલા જ છે. ગામના દરેક વ્યક્તિ પછી સ્ત્રી હોય કે પુરુષ, જુવાન હોય કે ઘરડો કે પછી બાળક પોતાના હાથમાં જે પણ વાસણ આવ્યું તે પાણીથી ભરીને ડુંગરની ટોચ ઉપર દોડવા લાગ્યા. ગામમાં એક પણ વ્યક્તિ રોકાયો નહીં. પંદર મિનિટમાં તો આખું ગામ ડુંગર પર આવીને ઊભું છે.
જ્યારે ગામના બધા જ લોકો ઉપર આવ્યા ત્યારે તેમણે જોયું તો જમીનદાર આંખોમાં આંસુ સાથે બધા જ લોકોનું સ્વાગત કરી રહ્યો છે. આ આંસુ દુઃખના નથી પરંતુ પોતાના સ્વજનને પોતાની નજીક જોતા આવતાં આંસુ છે. ગામલોકો કાંઈ આનાથી અપરિચિત નથી. બધા જ લોકોએ જમીનદારને ટેકો આપી ખુરશીમાં બેસાડ્યા અને મૌનમાં જ તેમના દુઃખ અંગે પ્રશ્ન પૂછયો. જમીનદારે પોતાનો હાથ ઊંચો કરી દરિયા તરફ આંગળી લંબાવતા લોકોને દરિયામા આવતી સુનામીથી ચીંધીત કર્યા. લોકો સમજી ગયા કે તેમને બધાને દરિયાના સુનામીના પાણીથી બચાવવા જમીનમાલિકે પોતાનો પાક સળગાવી દીધો છે.
*આ કંઈ જેવી તેવી વાત નથી જમીનદારે પોતાના લોકો માટે પોતાનો પાક સળગાવી દીધો.*
*આ કાંઈ જેવીતેવી વાત નથી ઈશ્વરે પોતાના લોકો માટે પોતાનો એકનો એક પુત્ર ક્રુસ ઉપર આપી દીધો.*
જેવી રીતે આપણી વાર્તામાં જમીનદાર ડુંગર પર પોતાના પાકની આહુતિ આપે છે તેવી જ રીતે વર્ષો પહેલા આવી જ કંઈક આહુતિ આપવા માટે ઈશ્વર અબ્રાહમને હાક મારે છે. ઈશ્વર અબ્રાહમને કહે છે કે ડુંગર ઉપર જઈને પોતાના એકના એક પુત્રની આહુતી આપે. અબ્રાહમ સર્વ તૈયારી સાથે મોરિયા ડુંગર ઉપર જાય છે. ત્યાં એક વેદી તૈયાર કરે છે. અને પોતાના એકના એક પુત્ર ઇસહાકનો બલી ચઢાવવા તૈયાર થાય છે. ઈશ્વર અબ્રાહમ ઉપર ખુશ થાય છે કારણ ઇસહાક તેને માટે એક લાગણીનું બંધન હતું. તેને ઈશ્વર સમર્પિત કરી પોતાનુ સર્વસ્વ ઇશ્વરને શરણે ધરી દે છે.
આ જ વાતને હવે ઇતિહાસ આગળ ધપાવે છે. અબ્રાહામ ઇસવીસન પૂર્વે ૧૭૭૧માં મૃત્યુ પામે છે. ઇસવીસન ૩૧-૩૨ ની આજુબાજુમાં ફરી ઇતિહાસની ઘટનાનું પુનરાવર્તન થાય છે. ઇસુ પોતાના શિષ્યો પિતર, યાકુબ અને યોહાનને લઇ એક ઊંચા પર્વત ઉપર જાય છે. અહીંયા કેટલીક ઝીણી-ઝીણી બાબતો બને છે કે જેનું વર્ણન કરાયું છે. જેમકે ઇસુનુ સ્વરૂપ બદલાઈ જવું. વસ્ત્ર અત્યંત સફેદ બની જવા, શિષ્યોનુ મોશે અને એલિયાને ઇસુ સાથે વાત કરતા દેખાવુ. આ વર્ણન પછી પિતર ઇસુને કહે છે કે ગુરુદેવ અહીંયા રહીએ તો કેવું સારૂં. અમે અહીં ત્રણ મઢૂલી બનાવીએ. એક આપને માટે, એક મોશે માટે અને ત્રીજી એલીયા માટે.
અહીંયા એક ઘટના બને છે કે જેમા વાદળમાંથી એક વાણી સંભળાય છે કે આ મારો પુત્ર છે, મારો પ્રિય પુત્ર છે, એનું કહ્યું સાંભળજો. અને ઘટના આગળ ચાલતા શિષ્ય જુએ છે કે હવે તેમની સાથે ઈસુ સિવાય બીજું કોઈ ન હતું. ઇસુ શિષ્યોને કોઈ પ્રત્યુતર આપતા નથી અને પર્વત ઉપરથી નીચે ઉતરી જાય છે.
*એક પ્રશ્ન મનમા રહીરહીને ઉભો થાય કે ત્યા હાજર રહેલા મોશે અને એલિયા અચાનક દેખાતા બંધ શા માટે થઇ ગયા???*
*પહાડો હંમેશાં ઊંચાઇની પ્રતીતિ કરાવે છે. ઊંચાઈ હંમેશા પોતે મેળવેલ સિદ્ધિઓની પ્રતીતિ કરાવે છે. ઘણી હકારાત્મકતાઓની સાથે આવે છે અહંકાર અને અભિમાન. આવી પરિસ્થિતિમાં જરૂર છે પહાડની ટોચ ઉપર જઈને આવી નકારાત્મક બાબતોનું બલિદાન ચડાવવું. ઈસુ પ્રતિકારાત્મક રૂપે પોતાના ત્રણ શિષ્યોને લઈને પહાડ ઉપર જાય છે કે જેથી પોતાના લાગણીઓના બંધનને બલિદાન સ્વરૂપે ઈશ્વરને ચઢાવી શકે.*
પરંતુ પહાડ પર પહોંચતાં જ જે બાબત કરવા આવ્યા છે તેનાથી વિરુદ્ધ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. શિષ્યોને સર્વ કાંઈ સુંદર લાગે છે. આ બધાની મધ્યમાં પિતર, યાકુબ અને યોહાનને મોશે અને એલિયા દેખાય છે કે જે તેમને પહાડ ઉપર જ રોકાઈ જવા લાગણીશીલ બનાવે છે. આમ જે નકારાત્મક લાગણીઓનો બલી ચઢાવવા આવ્યા હતા તે જ લાગણીઓ અગ્નિમાં ઘી હોમે છે. ફરીથી એ જ નકારાત્મક લાગણીઓના બંધનમા બંધાઇ જવુ.
પરંતુ ત્યાં જ ઘટનાને ફરીથી નવો વળાંક મળે છે. પોતે પહાડ ઉપર બલિદાન આપવા ગયા છે પરંતુ રોકાવા નહીં. અને આમ શિષ્યો ઇસુની સાથે પહાડ ઉપરથી બલીદાન આપી નીચે ઉતરી જાય છે.
*આ તપઋતુમા ઈશ્વર આપણને પણ આવા પ્રકારના દિવ્યદર્શન માટે તૈયાર કરે છે. આપણી પ્રાર્થના, ઉપવાસ અને દાન દ્વારા આપણે પણ આપણા જીવનના પહાડ ઉપર પહોંચી જઈએ. આપણામાં રહેલા નકારાત્મક વલણોને બલિદાન સ્વરુપે ઇશ્વરને ચઢાવીએ.*
*અને એક વાતને ભૂલી ન જઇએ- પહાડો ઉપરથી પાછા નીચે ઉતરી જઈએ.*
*જય ઈસુ*
---------------------------------
સૌજન્ય...🙏
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત. મોબાઇલ : 8469491502
*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*
Comments
Post a Comment