*પાસ્ખાજાગરણ*

        *અસત્યો માંહેથી,*

        *પ્રભુ પરમ સત્યે તું લઇ જા.*

        *ઊંડા અંધારેથી પરમ તેજે તું લઇ જા*


આજે પાસ્ખાજાગરણ છે : પાસ્ખા એટલે અભયનો ભય પર, સત્યનો અસત્ય પર અને અહિંસાનો હિંસા પર વિજય. પાસ્ખા જાગરણની ઉપાસના વિધીઓ ખૂબ જ સુંદર, અર્થસભર અને  પ્રતીકોથી ભરપૂર છે. પાસ્ખાના માર્મિક અને ગહન અર્થ અને મહત્વને પ્રતીકો સુંદર રીતે અને અસરકારક રીતે પ્રગટ કરે છે.  પાસ્ખા જાગરણની ઉપાસનાના ચાર તબક્કાઓ અને મુખ્ય ચાર પ્રતીકોની સમજ કેળવીએ.


*1. અગ્નિ*


બધાજ ધર્મોમાં અગ્નિ એક શક્તિ, તેજસ્વરૂપ, અને દિવ્ય હાજરી તરીકે જોવામાં આવે છે. અગ્નિ ઈશ્વરની હાજરી અને શક્તિનું પ્રતીક છે.


શનિવારની રાત્રે,  પાસ્ખાની ઉપાસના-ઉજવણીનો, અંધકારમય વાતાવરણમાં આરંભ થાય છે. અંધકાર, બાઈબલના પ્રારંભીક શબ્દોની યાદ અપાવે છે, "પ્રારંભમાં પૃથ્વી અસ્તવ્યસ્ત હતી ને સર્વત્ર અંધકાર છવાયેલો હતો." 


દેવળની બહાર અગ્નિ પ્રગટાવવામાં આવે છે. જાણેકે સર્જનની કથાનું પ્રતીકાત્મક નિરૂપણ! ઉત્પતિગ્રંથમાંની સર્જનની કથા અનુસાર,  "અસ્તવ્યસ્ત, શૂન્ય અને અંધકારમય" એવી પૃથ્વીમાં ઈશ્વરે કહ્યું," પ્રકાશ પ્રગટો!" અગ્નિનું/પ્રકાશનું પ્રગટવું એ સર્જનનું પહેલું પગલું. 


ઉપાસનાની શરૂઆતમાં અગ્નિનો આશીર્વાદ કરવામાં આવે છે,  જાણે કે, " મુક્તિ તરફનું પહેલું પગથિયું -અસ્તવ્યસ્ત અને અંધકારમય જીવનમાંથી શુભ, મંગલ, કલ્યાણકારી, જીવનતરફી, હકારાત્મક, ઉર્ધ્વગામી ગતિપ્રયાણ.


આશીર્વાદીત કરેલા અગ્નિમાંથી મોટી મીણબત્તી- જે ઇસુનું પ્રતીક છે, પ્રથમ તેને સળગાવવામાં આવે છે અને તેમાંથી બધા ભક્તો પોતાની મીણબત્તી પ્રજજવલ્લીત કરે છે. અર્થાત, "ઈસુ જ સાચો પ્રકાશ છે અને એના પ્રકાશથી પ્રકાશીત થઈને મુક્ત જીવન અમારો સંકલ્પ છે". 


*2. શબ્દ*


શબ્દ શક્તિશાળી છે. ઈશ્વરનો શબ્દ જીવન સર્જે છે. મુક્તિની કથાને શબ્દ જીવંત રાખે છે.


મિસરની ગુલામીમાંથી મુક્તિ તરફ ઇસરાયેલીઓના, ઈશ્વરપ્રેરિત  મહાપ્રસ્થાનની યાદગીરીમાં ઉજવાતું પર્વ એટલે યહૂદીઓની પાસ્ખા. યહૂદીઓના પાસ્ખાપર્વમાં  ઈસુનું પુનરૂસ્થાન એક નવો અર્થ ઉમેરે છે/અર્થને ગહનતા બક્ષે છે - મૃત્યુમાંથી પુનરૂસ્થાન એટલે પાસ્ખા, અસત્યમાંથી સત્ય તરફની ગતિ એટલે પાસ્ખા, અંધકારમાંથી પકાશ તરફનું મહાપ્રસ્થાન એટલે પાસ્ખા!


પાસ્ખાપર્વે, યહૂદી કુટુંબનો વડીલ, ઇસરાયેલીઓની મુક્તિઇતિહાસની કથા સંભળાવે/સમજાવે છે. ખ્રિસ્તીપાસ્ખા ની ઉપાસના વિધિના આ તબક્કામાં પણ પહેલા જુના કરારમાંથી, મુક્તિઇતિહાસની કથાનું વાંચન-શ્રવણ થાય છે: ઉત્પતી/ સર્જનની કથા, આદ્યપિતા અબ્રાહમનું બલિદાન, મોશેની આગેવાનીમાં ઇસરાયેલીઓનું મહાપ્રસ્થાન, યશાયાએ સમજાવેલી ઇશ્વરની શાંતિયોજના, હઝકીયેલનો પ્રભુના સનાતન પ્રેમનો ભરોસો, બારૂખનું જ્ઞાનને માર્ગે ચાલવાનું આહવાન.


ઇઝરાયેલી મુક્તિઇતિહાસના પાઠવાંચન પછી, ઉપાસના એક નવો પ્રતીકાત્મક વળાંક લે છે. 


ઈસુના વધસ્થંભ અને મૃત્યુ પછી શમી ગયેલો ઘંટારવ, ફરીથી મંદિરમાં ગુંજી ઉઠે છે. શાંત થયેલા "આલેલુયા- ઈશ્વરનો જયકાર" ના પોકાર ફરી પોકારવામાં આવે છે, ઈશ્વરની સ્તુતિગાન દ્વારા  ખુશી આનંદ વ્યક્ત થાય છે. દુઃખને, પુનરુસ્થાન પામેલ ઇસુ અનુભવ સુખમાં પલટાવી દે છે. 


પ્રતીકાત્મક રીતે, જુના કરારમાંથી નવા કરારમાં પ્રયાણ થાય છે. ઇસુમાં વિશ્વાસ ધરાવતા ઇસરાયેલીઓને નવી ઓળખ મળે છે- નવું ઇઝરાયેલ, પવિત્ર કોમ, પુરોહિતપ્રજા. આ ઘટનાને  સાર્થક કરતા અને સમજાવતા નવા કરારમાંથી વાંચન-શ્રવણ થાય છે/સમજૂતી અપાય છે. 


"શબ્દ"  જીવનનું સર્જન કરે છે

"શબ્દ" જીવનનું નવ સર્જન કરે છે.


*3. પાણી.*


માત્ર આપણી પોતાની માનવીય શક્તિઓ જ  આપણને નવજીવન આપવા સામર્થ્ય ધરાવતી નથી. આપણને સામર્થ્ય આપતી, અને, પ્રારંભથી કાર્ય કરી રહેલી દિવ્યશક્તિ મળેલી જ છે. ઉપાસનાના ત્રીજા તબક્કે, આપણી જૂની વૃત્તિઓ વિરુદ્ધ લડવા માટે અને ઇસુમય જીવન જીવવા માટે ,સંતોની મદદ યાચવા, પરમશક્તિના સંચાર માટે અર્ચના કરીએ છીએ. 


પાણી વગર જીવન નથી: પાણી મલિનતા/અશુદ્ધતા દૂર કરે છે,  શરીરના કોષો જીવંત રાખે છે, એટલે કે જીવન જીવતું રાખે છે. આપણે, પાણીનું  ધાર્મિક મહત્વ દર્શાવતા પ્રસંગોથી પરિચિત છીએ જ-મહાપ્રસ્થાની પ્રજાને અવરોધરૂપ સમુદ્ર વચ્ચે દિવ્યશક્તિ માર્ગ કરી આપે છે, યર્દનનદીમાં ઈસુ સ્નાનસંસ્કાર લે છે વગેરે.


જાગરણની રાત્રે, પાણીના કુંડને, ઈસુના પ્રતીક એવા મુખ્ય દીવાને ડબોળતા, પાણીમાં ઈશ્વરના સામર્થ્યના સંચાર માટે પ્રાર્થવામાં આવે છે. આ પાણી ઈસુની શક્તિનું પ્રતીક છે. આ પાણીનો, નવજીવન  સાધકો, ખ્રિસ્તીધર્મમાં પ્રવેશ ઇચ્છુક દિક્ષાર્થીઓ, અને, એકત્ર સર્વ શ્રદ્ધાળુઓ ઉપર છન્ટકાવ થાય છે. જાણે કે ઇસુમાં આપણો નવો જન્મ થયો છે : ઇસુમાં અને ઈસુ માટે, ઇસુમય જીવનતરફી જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ કરીએ છીએ! જીવન વિરોધી અને અનિષ્ટમય જીવનનો  ત્યાગ કરવાનું મક્કમ વચન આપીએ છીએ. 


*4. રોટલો અને દ્રાક્ષાસવ*


ખોરાક અને પીણાં વગર જીવન નથી તેમ  દિવ્યભાથું/શક્તિ વગર અર્થસભર અને ફળદાયી જીવન શક્ય નથી.


*"લો અને ખાઓ, આ મારું શરીર છે."*


*"લો અને પીઓ  આ મારું લોહી છે. નવા કરારનું લોહી છે. મારા સ્મારક તરીકે એ કરતા રહેજો".*


પુનરુસ્થાન પામેલા ઇસુનો સાક્ષાત્કાર પામેલ શિષ્યો અને અનુયાયીઓ, રવિવારે ભેગા થતાં. રવિવારની સવારે ઈસુ જીવતા ઉઠ્યા હતા, એટલે રવિવાર પ્રભુવાર તરીકે ઓળખાયો. આ દિવસે, શ્રદ્ધાળુઓ ઈસુના મૃત્યુ અને પુનરુસ્થાનને પ્રભુભોજન દ્વારા યાદ કરતા. પ્રભુભોજનમાં, ઇશ્વરકેન્દ્રીત અને લોકસેવા અર્થે જીવન સમર્પણ માટે શક્તિ મેળવતા. તેઓ એક જ પિતાના સંતાનો તરીકે, ઐક્યમાં જીવવાને પ્રયત્નશીલ રહેતાં.


આજની વિધિના છેલ્લા તબક્કામાં ખોરાક પ્રતીકરૂપ બને છે. ઈસુ જ આપણો આહાર છે. ઇસુમાં જ આપણે સામર્થ્યવાન અને અર્થપૂર્ણ અને ફળદાયી બનીએ છીએ. પરંપરાથી મળેલી શ્રદ્ધા મુજબ પાલટવિધિ પછી, રોટલી અને દ્રાક્ષાસવ ઈસુના શરીર અને લોહીમાં પલટાઈ જાય છે. આ ખોરાક એ આપણી આત્મિકશક્તિ!


 આજની ઉપાસના વિધિ અને પ્રતીકો સ્પષ્ટ અને સુંદર રીતે પાસ્ખાના અર્થ અને મહત્વને સમજાવે છે:


-  પાસ્ખા એટલે  અભયનો ભય પર વિજય.

  - પાસ્ખા એટલે સત્યનો અસત્ય પર વિજય

  - પાસ્ખા એટલે અહિંસાનો હિંસા પર વિજય.


સૌજન્ય...ફા. નિલેશ મેકવાન 

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26