*તપઋતુનો ૩જો રવિવાર*

  

*ઇશ્વર, હે મુજ ઇશ્વર, ખોજ કરું હું તારી!*

 

મહા પ્રસ્થાન ૨૦:૧-૧૭    ૧ કરિંથ ૧:૨૨-૨૫   યોહાન ૨:૧૩-૨૫

 

 

*બે રમુજી ઘટનાઓ.....*

 

*(૧)*

 

વર્ષો પહેલા વિજ્ઞાનનો એટલો વિકાસ થયો ન હતો. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં ગામમાં લોકોને પાણીની વિશેષ તંગી પડતી. એક બાજુ ઢોરઢાંખર અને નાની એવી ખેતી તો બીજી બાજુ સૌથી મોટી પાણીની ઘર-જરૂરિયાત. ગામના બધા જ લોકો ભેગા થઈને પોતાના લોકફાળાની મજુરીથી ગામમાં એક કુવો ખોદાવતા. હવે જો ડુંગરાળ પ્રદેશ કે પથરાળ જમીન હોય અને તેમાં દિવસો સુધી મહેનત કરી ખોટી જગ્યાએ કૂવો ખોદાય તો લોકોફાળો નકામો જાય. આથી કરીને અમુક ગામડાઓમાં પાણીસુંઘો (એક એવી વ્યક્તિ જે જમીન સુંધી પાણી ક્યા છે તે બતાવે)ને બોલાવવામાં આવતા. જ્યારે પણ ગામમાં આ પ્રકારનું કામ કરવા પાણીસુંઘા ને બોલાવ્યા હોય ત્યારે તેમને ખાસ પ્રકારનું માન અપાતું. ધાર્મિક વિધિ થતી. ખાસ ભોજન તૈયાર થતુ કે જેમાં કંસાર(એક પ્રકારનો સીરો)નો સમાવેશ હોય. પાણી માટેની જમીનની શોધ થતી. અને અંતે પાણીસુંઘાને વિશેષ ભેટ આપી વિદાય કરાતો. ઘણીવાર ઠગ અને ધુતારાઓ આ પ્રકારના ધંધામાં જોડાતા અને અંધશ્રદ્ધા દ્વારા લોકો પાસેથી ખોટા પૈસા પડાવતા.

 

 આવી જ રીતે એક ગામમાં એક પાણીસુંઘો નામે છગનભાઇને બોલાવવામાં આવ્યા. છગનભાઈએ ધાર્મિક વિધિઓ પાછળ મોટો એવા ખર્ચનું લિસ્ટ તૈયાર કર્યું. ગરીબ ગામડાના લોકો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ખર્ચ કરવામાં આવ્યો. બપોરે વિધિ પૂરી થઈ. મધ્યમ વર્ગના એક કુટુંબમાં બધા માટે ભોજનની વ્યવસ્થા કરાઈ. ઘરના બેન પોતાની ચતુરાઈ માટે ગામમાં થોડા આગળ પડતા. પાંચ થાળીઓ પીરસવામાં આવી. સૌપ્રથમ બહેને ચાર થાળીમાં કંસાર કાઢી તેના ઉપર પુષ્કળ ઘી અને ખાંડ નાખ્યા. જ્યારે પાંચમી થાળીમાં થોડું ખાડા જેવું કરી તેમાં ઘી અને ખાંડ નાખી તેને ઢાંકી દીધું. આ પાંચમી થાળી છગનભાઈને પીરસવામાં આવી. જ્યારે બાકીના આવેલા લોકોને પેલી અલગથી તૈયાર કરેલી થાળીઓ. બીજાની થાળીમાં ઘી અને ખાંડ અને પોતાની થાળીમાં કોરો એવો કંસાર જોઈને છગનભાઈ મોં ફુલાવી બેસી ગયા. બધાએ તેમને જમવાનું શરૂ કરવાને કહ્યું. પણ મોં પર થોડી અકળામણ લાવી તેમણે ઘરના બહેનને કહ્યું કે બીજાના કંસારમાં ઘી અને ખાંડ અને મને કાંઈ જ નહીં. તે જ વખતે બહેને તેમને કહ્યું કે *છગનભાઈ અડધો ઇંચ ઊંડા કંસારમાં જો તમને ઘી અને ખાંડ ન દેખાતું હોય તો ૩૦૦ થી ૪૦૦ ફૂટ ઊંડી જમીનમાં પાણી કેમ કરીને દેખાય છે.*

 

*(૨)*

 

આફ્રિકાના જંગલમાં એક વખતે એક મિશનરીને માનવભક્ષી આદિજાતિ દ્વારા પકડવામાં આવ્યા. તેમને એક ઉકળતા પાણીના વાસણ પાસે બાંધી દેવામાં આવ્યા. હવે થોડા જ સમયમાં આ મિશનરીનો બલી ચડાવવાની વાર હતી. પરંતુ તે આદિજાતિમાં બલીને ચડાવતા પહેલા સમુહમા તેઓ ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરતા. આ માનવભક્ષીઓ સમુહમાં ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરવા લાગ્યા. તેમને આ રીતે પ્રાર્થના કરતા જોઈને મિશનરીએ રાહતનો એક દમ લીધો. તેમને લાગ્યું કે આ તો ધાર્મિક લોકો છે જે તેમને નુકસાન પહોંચાડશે નહીં. મોટા અવાજે તેમણે ઈશ્વરનો પાડ માનતા જણાવ્યું કે હે ભગવાન તમારો આભાર. આ તો ધાર્મિક લોકો છે. તેઓ મને કોઈ નુકસાન કરશે નહિં.  મિશનરીને મોટા અવાજે  બોલતા જોઈને આ માનવભક્ષીમાંના આગેવાન દેખાતા એક જણે તેમને ધમકાવતાં મોં બંધ રાખવાને જણાવ્યુ. તેણે  મિશનરીને કહ્યું કે તમે ચૂપ રહો. તમારો આહાર તરીકે ઉપયોગ કરતાં પહેલાં અમે પ્રાર્થના કરી રહ્યા છીએ.

 

*આ બંને રમૂજી ઘટનાઓ વીસમી સદીમાં જોવા મળે છે. આ ઘટનાઓ સમાજમા ફેલાયેલ આડંબર અંધશ્રદ્ધા, ખોટી માન્યતાઓ અને ખોટા રીતરિવાજો આપણી સમક્ષ રજુ કરે છે.  વિચાર તો કરો કે વીસમી સદીમાં આ બાબતો આટલી ગૂંચવણભરી હોય તો ઈસુના વખતે પહેલી સદીમાં કેટલી તકલીફદાયક હશે.*

 

ઇઝરાયેલી ધર્મમાં કર્મકાંડો મુખ્ય હતા. તેઓમા પાંચ પ્રકારના બલિદાન હતા. (૧) પશુનો બાળેલો બલી (૨)અન્ન બલી (૩) શાંતિ બલી (૪) પ્રાયશ્ચીત બલી (૫) દોષ પક્ષાપાલન બલી. આ બલિદાનની સંપૂર્ણ માહિતી કર્મકાંડના ગ્રંથમાં અધ્યાય ૧-૭ માં આપવામાં આવેલી છે. આ બલીઓમાં મોટેભાગે પશુઓ કે ધાન્યનો ઉપયોગ કરાતો. સમાજનો જે વર્ગ ખૂબ જ ધનાઢ્ય છે તેઓ આંખલો કે સાંઢનો બલિદાન તરીકે ઉપયોગ કરતા. પરંતુ બીજી તરફ જે ખૂબ જ ગરીબ વર્ગ છે તેઓ હોલું કે કબૂતરનો ઉપયોગ કરતા. મધ્યમ વર્ગ ઘેટું કે બકરુનો બલિદાન તરીકે ઉપયોગ કરતા. જે બલિદાન સવારે કે સાંજે ચઢાવવામાં આવતું હોય તો તે રાજાના બલી તરીકે ઓળખાતું કે જેમા રાજા બલિદાન ચઢાવતો. પરંતુ તે સમય સિવાય દિવસ દરમિયાન સામાન્ય ભક્તજનો મંદિરમાં બલી અર્પણ કરતા. યરૂશાલેમના મંદિરમાં ખોડખાપણ વગરના પશુ-પક્ષીઓ બલી તરીકે ચઢાવવામાં આવતા. મંદિરની અંદર જ ચોક્કસ દુકાન હોય કે જ્યાંથી તમને ખોડખાપણ વગરના ઘેટા બકરા મળી આવે. હવે એક બાબત ખૂબ જ જાણવી જરૂરી રહી કે આ બધા જ પશુઓ ને પક્ષીઓ રોમન નાણાથી ખરીદી શકાય નહીં. આ નાણાને મંદિરના નાણામાં ફેરવવા પડે. આમ મંદિરની અંદર જ નાણાં ફેરવવાનો એક વ્યવસાય પણ ચાલતો. *સામાન્ય રીતે ઈઝરાયલના મંદિરમાં દરરોજ ૧૦૦૦ થી ૨૦૦૦ ની વચ્ચે પશુ-પક્ષીઓનો બલી ચડાવાતો. પરંતુ પાસ્ખાપર્વમા એક અંદાજ મુજબ આ સંખ્યા દસ ગણી થઈ જતી. વિચાર તો કરો કે આ મંદિર પ્રાર્થના કરવાનું કે પછી વેપાર કરવાનું સ્થળ છે.* અને ત્યાં જ ઈસુ આ બધાની વચ્ચે મંદિરમા હાજર થાય છે.

 

*યહુદીઓનો પાસ્ખાનો તહેવાર પાસે આવ્યો હતો, એટલે ઇસુ યરુશાલેમ ગયા. ત્યાં મંદિરમાં તેમણે બળદ ઘેટાં અને કબૂતરના વેપારીઓ અને શરાફોને બેઠેલા જોયા. ઇસુએ દોરડીઓનો ચાબખો બનાવીને તે બધાને ઢોરો અને ઘેટાં સાથે મંદિરમાંથી હાંકી કાઢ્યા અને શરાફોના સિક્કા વેરી નાખ્યા તથા તેમના ગલ્લા ઉથલાવી પાડ્યા. પછી તેમણે કબુતર વેચનારાઓને કહ્યું, “આ બધું હટાવી લો અહીથી! મારા પિતાના ઘરને તમારે બજાર નથી બનાવી મૂકવાનું.”(યોહાન ૨:૧૩-૧૬)*

 

ઈસુ ઈશ્વરપુત્ર છે. જેવી રીતે ઈશ્વર પ્રેમ, આનંદ અને શાંતિનું સ્વરૂપ છે તે જ સ્વરૂપ ઇસુમાં પણ ઉતરેલ છે. અહીંયા એક સ્પષ્ટ મથામણ ઈસુના મનમાં ચાલી રહી છે કે એક તરફ શ્રદ્ધા છે તો બીજી તરફ કર્મકાંડ. જો કર્મકાંડ લોકો અને ઈશ્વરની મધ્યથી હટાવી લઇએ તો જ લોકોને ઈશ્વરનો અનુભવ આપી શકાય. વળી ઇસુ પોતે કોઇ નવી વાત લોકો સમક્ષ રજૂ કરતા નથી. પરંતુ પોતે જે હોશિયા અને સ્તોત્રસંહિતામાં શીખ્યું છે તે જ લોકોની સમક્ષ રજૂ કરે છે.

 

*પ્રભુ કહે છે, “મારે તો ભક્તિ જોઈએ છે નહીં કે બલિદાન. ઈશ્વરનું જ્ઞાન જોઈએ છે નહીં કે આહુતિ. (હોશિયા ૬:૬)*

 

*“નથી યજ્ઞ-નૈવેધ તુ માગતો રે, નથી માંગતો પ્રાયશ્ચિતના બલિઓ. ઉઘાડા કર્યા કાન મારા જ તે તો, સુણી શકું જેથી તારી જ વાણી.” (સ્તોત્રસંહિતા ૪૦:૬)*

 

અહીંયા જાનના જોખમે પણ મોટો પડકાર ઈસુએ ઉઠાવવો જ રહ્યો. અને તેથી જ અત્યાર સુધી આકાશમાં રહેલા ઈશ્વરને લોકોના દિલમાં ઉતારવા ઇસુ જી-જાનની બાજી લડી નાખે છે. તે વેપારીઓને મંદિરમાંથી બહાર હાંકી કાઢે છે. આ એક એવો પ્રયત્ન છે કે જેના થકી ઇસુ લોકોને મંદિરમાં અને વિશ્વની સમગ્ર જગ્યાએ ઈશ્વરના દર્શન કરાવવા માંગે છે.

 

૧૬મી સદીમાં પણ આવી જ એક ઉત્ક્રાંતિ લોયેલાના સંત ઇગ્નાસ દ્વારા હાથ ધરાઈ. કદાચ....... તેઓ સંત અગસ્તીન કે થોમસ એક્વિનાસ જેવા મોટા જ્ઞાની પુરુષ ન હતા.  તેઓ સંત પીતર કે સંત પાઉલ જેવા શહીદ પણ ન હતા. તેઓ અવિલાના સંત ટેરેસા કે સંત પાઉલ જેવા મહાન લેખક પણ ન હતા. તેમની પાસે પોપ ફ્રાંસિસ જેવુ પ્રભાવશાળી વ્યક્તિત્વ પણ નહોતું. *પરંતુ.......... તેમણે ઇશ્વરને પ્રેમ કર્યો અને સાથે-સાથે આ વિશ્વને માટે પણ એટલો જ પ્રેમ દર્શાવ્યો. આ બન્ને વસ્તુઓ તેમણે કંઈક અલગતાથી રજુ કરી. તેથી જ કરીને તેઓ ઈશ્વરને દરેક બાબતમાં શોધી શક્યા પછી તે ગરીબાઇ હોય કે પ્રાર્થના, મિસ-પ્રાર્થના હોય કે પછી પોતાના સાથીદાર હોય, કે પછી તેમનું પોતાનુ કામ હોય.....દરેકમા ઇશ્વરના દર્શન કરવા.*

 

ઇસુ દ્વારા ધખાવેલી આ ધુણીનો ધુમાડો હજી પણ વિશ્વમા ફેલાયેલો છે. જ્યાં ઈશ્વરની અવિરત શોધ ચાલી રહી છે તેવા દરેકે દરેક શ્રદ્ધાળુના દિલમાં ઈસુ પોતાના પરમપિતા એટલે કે ઈશ્વરના દર્શન કરાવવા મદદરૂપ થયા જ કરે છે. આજે પણ જયંતીલાલ આચાર્ય જેવા શ્રદ્ધાળુઓના દિલમાંથી નીચે લખાયેલા કાવ્યના સ્વરુપે એક ધીમો સાદ નીકળ્યા જ કરે છે. આ થકી આપણને લાગે છે કે ઇશ્વર આખા વિશ્વના કણ કણમા ફેલાયેલો છે. આવો આપણે પણ આ દ્રષ્ટિથી ઇશ્વરના દર્શન કરવા પ્રયત્નશીલ થઇએ. ઇશ્વરના પ્રેમ, આનંદ અને શાંતિને ચોમેરે ફેલાવીએ.

 

*મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે.*

*પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.... મંદીર તારું*

 

*નહિ પૂજારી, નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે.*

*નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.... મંદીર તારું*

 

*વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે*

*મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે.... મંદિર તારું*     *આમીન*

 

 

 

*જય ઈસુ*

---------------------------------

સૌજન્ય...🙏

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,

નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯

ગુજરાત.  મોબાઇલ : 8469491502 

 

 

 

*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26