*તપઋતુનો ૫ મો રવિવાર*
*એક તરફ સૂકુ રણ છે તો બીજી તરફ હરીયાળુ વન*
ઇર્મિયા ૩૧:૩૧-૩૪ હિબ્રુઓ ૫:૭-૯ યોહાન ૧૨:૨૦-૩૩
કેન્સર પીડિત એક યુવાન પોતાના કીમોથેરાપી અર્થે હોસ્પિટલના ખાટલે બેઠેલ છે. તેના એકાંત મનમાં એક કવિતા સ્ફુરે છે. તે કવિતાને, લખનાર યુવાન દ્વારા નહિ પરંતુ તેના મ્રુત્યુ પછી તેના મિત્ર દ્વારા રજુ કરવામાં આવી. જીવનની ફિલોસોફિને વણી લેતી આ અર્થસભર કવીતા કઈક આ રીતે લખાઇ છે.
આ પાણી આમ ગસડાતું જતુ સારું નથી લાગતું, ઝટપટ દોડવું જોઈએ
બે-ચાર બુંદ ખરી પડે મજા નથી આવતી, શરીર નીચોડાવું જોઈએ
એ તો જિંદગી છે..... અને આ ઉંમરમાં તો તે ઉચિત છે.....
હા થોડી નારાજ છે જિંદગી, પણ મનાવી લઈશું.
ઉધારીની ઉમ્મીદ છે, આશીર્વાદ મુઠ્ઠીભર છે,
જુસ્સો એકાઉન્ટમાં પડેલ છે અને હપ્તા પર બીક છે.
બધાનો હિસાબ ચૂકવવાનું બાકી છે...... તે ચૂકવી દઈશું.........
હા થોડી નારાજ છે જિંદગી, પણ મનાવી લઈશું.
કાગળની ફાઇલો અધુરી છે, કોઈક જગ્યાએ સહી કરવાની બાકી છે.
જીવનની એક ડિઝાઇન બનાવવી હતી, તે બાકી છે.
બાકી તો દિલમાં જે કિસ્સાઓ છે તે લખવાના છે........ કબાટમાં પડેલી એક ફાઇલ બાકી છે.
હા થોડી નારાજ છે જિંદગી, પણ મનાવી લઈશું.
કવિતા ઊપરથી ચોક્કસ લાગે છે કે આ યુવાનના જીવનમાં ઘણા સ્વપ્નો છે. આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે એક જુસ્સો છે. જીવનને ખરા અર્થમાં કેવી રીતે જીવવું તે માટેના પોતાના હકારાત્મક અભિપ્રાયો છે. પણ..... પણ..... પણ..... યુવાનની સામે પોતાનું મૃત્યુ મોં ફાડીને ઉભુ છે. પોતે આ દુનીયામા થોડા જ દિવસનો મહેમાન છે. આવા કઠીન દિવસોમાં પણ યુવાનને એક એવી ધુન લાગી છે કે જીવનના વ્યવ્હારમા જે પણ બાકીના હિસાબ છે તે પૂર્ણ કરવા. જીવનના કબાટમાં રહેલી છેલ્લી ફાઈલ સુધી કાર્ય કરતા રહેવું. યુવાન પોતાના દુઃખદાયક મૃત્યુને ગળે લગાવીને કહે છે કે આ જીવન નારાજ છે પણ મનાવી લઈશું.
આવી જ એક ગડમથલ તેત્રિસ વયના યુવાન ઈસુના દિલોદિમાગમાં ચાલી રહેલી છે. ઇસુ યરુશાલેમમા વિજયપ્રવેશ કરે છે ત્યાંરે આંદ્રીયા અને ફિલિપને સંબોધીને નીચેના શબ્દો દ્વારા આ વાતની રજૂઆત કરતા કહે છે કે,
*“અત્યારે મારો જીવ વલોવાઈ જાય છે. મારે શું એમ કહેવું કે, હે પિતા મને આ ઘડીથી બચાવ? ના, ના એટલા માટે તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે પિતા તારા નામનો મહિમા પ્રગટ કર.” (યોહાન ૧૨:૨૭-૨૮)*
વળી આવા જ એક શબ્દો ઇસુ માથ્થીક્રુત શુભસંદેશમા ફરીથી જૈતુન વાળીમાં ઉચ્ચારે છે.
*પછી થોડે આગળ જઇને, ઊંધે મોઢે પડીને તેમણે પ્રાર્થના કરી, હે મારા પિતા શક્ય હોય તો આ પ્યાલાને મારી આગળથી ખસી જવા દે તેમ છતાં મારી નહીં, પણ તારી ઈચ્છા પૂરી થાઓ.*
એક બાજુ માતાની કાળજી રાખી એક સુંદર જીવન જીવવું છે તો બીજી તરફ ક્રોસ ઉપરનું કારમુ મૃત્યુ ઊભુ છે. આ પરિસ્થીતી યુધ્ધે જતા સૈન્ય જેવી છે કે જે એક એવી મંજિલે આવીને ઊભુ છે જ્યા એક તરફ સૂકુ રણ છે તો બીજી તરફ હરીયાળુ વન છે. કઇ તરફ જવુ. છેવટે સંસારીક રીતે દેખાતા સર્વ લાભોને જતા કરી ઇસુ ક્રુસ ઉપરના કારમા મ્રુત્યુને સ્વીકારે છે. કારણ દિલમા એક જ ભાવના છે - સર્વ મનુષ્યનુ શુભ થાવ.
આજના આધુનિક સમયમા પણ ઇસુને પગલે ચાલનાર કોઇક ને કોઇક તો મળી જ આવે છે. તેમા એક નામ છે મલાલા યુસુફઝાઇ. મલાલાનો જન્મ ૧૨ જુલાઈ, ૧૯૯૭ ના રોજ પાકિસ્તાનના મિંગોરામાં થયો હતો. બાળકીનું સ્વાગત હંમેશાં પાકિસ્તાનમાં ઉજવણીનું કારણ બનતું નથી- પરંતુ તેના પિતા, ઝિયાઉદ્દીન યુસુફઝાઇએ, છોકરાને અપાતી દરેક તક મલાલાને આપવા માટે નક્કી કર્યુ.
મલાલાના પિતા શિક્ષક હતા અને તેમના જ ગામમાં છોકરીઓ માટેની શાળા ચલાવતા હતા. મલાલાને સ્કૂલ ખૂબ જ ગમતી. પરંતુ જ્યારે તાલીબાનોએ સ્વાટ ખીણમાં મલાલાના શહેરનો કબજો મેળવ્યો ત્યારે બધું બદલાઈ ગયું. ઉગ્રવાદીઓએ ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો -જેમ કે ટેલિવિઝન ધરાવવું અને સંગીત વગાડવું - અને તેમના હુકમોનો ભંગ કરનારાઓને કડક શિક્ષાઓ લાગુ કરવી. વધુમા તેઓએ કહ્યું કે હવેથી છોકરીઓ શાળાએ જઈ શકશે નહી.
જાન્યુઆરી ૨૦૦૮ માં જ્યારે મલાલા ફક્ત ૧૧ વર્ષનીહતી ત્યારે તેની શાળા બંધ કરવામા આવી. મલાલાએ તેના ક્લાસના મિત્રોને વિદાય આપી. તેઓ જાણતા નહોતા કે હવે ક્યારે તેઓ એક્બીજાને ફરીથી જોઈ શકશે.
૨૦૧૨ મલાલાએ છોકરીઓ વતી તેમના ભણવાના અધિકાર માટે જાહેરમાં વાત શરુ કરી. આ માટે તાલીબાનોએ મલાલાને હુમલા માટેનુ લક્ષ્ય બનાવ્યું. ઓક્ટોબર ૨૦૧૨ માં, મલાલા શાળાથી ઘરે જતી હતી ત્યારે એક મહોરુ પહેરેલ બંધુકધારી માણસ તેની સ્કૂલની બસમાં સવાર થયો અને પૂછ્યું કે, "તમારામાથી મલાલા કોણ છે?" તેણે મલાલાના માથાની ડાબી બાજુ ગોળી મારી. આખી દુનિયાએ આ બાબતે નોધ લીધી. બેભાન બનેલી મલાલાને ઇંગ્લેન્ડના બર્મિંગહામની એક હોસ્પિટલમાં ૧૦ દિવસ પછી ભાન આવ્યુ. ડોક્ટરો અને નર્સોએ તેના પર થયેલા હુમલા વિશે તેને જણાવ્યું. વિશ્વભરના લોકો દ્વારા મલાલાની સ્વાસ્થ્યની પુનપ્રાપ્તિ માટે પ્રાર્થના કરાઇ. મહિનાઓની શસ્ત્રક્રિયાઓ પછી મલાલાએ ઇંગ્લેંડમા વસવાટ કર્યો.
*મલાલા કહે છે તે જાણતી હતી કે તેની પાસે બે વિકલ્પ હતા : “હું શાંતીથી ઇંગ્લેન્ડમા જીવન જીવી શકું અથવા મને આપવામાં આવેલા આ નવા જીવનનો હું કઇક વધુ સારો ઉપયોગ કરુ. છેવટે જ્યાં સુધી દરેક છોકરી શાળામાં ન જાય ત્યાં સુધી મારી લડત ચાલુ રાખવાનો મેં નિર્ધાર કર્યો.”*
મલાલાના આ નિર્ધારમા તેના પિતા તેની સાથે રહ્યા જે હંમેશાં તેના સાથી અને પ્રેરણારૂપ રહ્યા. મલાલાએ જનહીતના કાર્ય માટે મલાલા ફંડની સ્થાપના કરી કે જે દરેક છોકરીને તેણેપસંદ કરેલું ભવિષ્ય પ્રાપ્ત કરવાની તક આપતુ હોય. મલાલાને ડિસેમ્બર ૨૦૧૪ માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. મલાલા સૌથી યુવા નોબેલ વિજેતા બની.
*આજે આપણ સૌ કે જે ઉમ્મરથી નહી પરંતુ દિલથી યુવાનો છે તે સર્વને ઇસુ આમંત્રીત કરે છે. ચોક્કસ આપણી પાસે બે નહી પરંતુ ઘણા વિકલ્પો હસે. શુ હુ એક યુવાન ઇસુએ કર્યુ તેમ કે યુવાન મલાલાએ કર્યુ તેમ જનહીતનુ કાર્ય કરવા તૈયાર ખરી કે ખરો. યુવાનો ફરીથી કહુ કે આપણી પરિસ્થીતી એક કાફલા જેવી છે કે જે એક એવી મંજિલે આવીને ઊભો છે જ્યા એક તરફ સૂકુ રણ છે તો બીજી તરફ હરીયાળુ વન છે. એક તરફ સમાજની સેવા છે તો બીજીતરફ સ્વલક્ષી જીવન છે. કઇ તરફ જવુ તે તમારે અને મારે જાતે નક્કી કરવાનુ છે. આમીન.*
*જય ઈસુ*
-------------------------------------------
સૌજન્ય...🙏
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ,સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત
મોબાઇલ : 8469491502
*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*
Comments
Post a Comment