*યોહનકૃત ઈસુની વેદનાનું વર્ણન*

*ભાગ – ૨*

 

*મુખ્ય પ્રસંગો*

 

*(૧) પાસ્ખાપર્વ*

 

‘પ્રભુએ મિસર દેશમાં મોશેને અને અહરોનને કહ્યું, “તમારે માટે આ મહિનો બધા મહિનામાં પહેલા ગણાશે. એ તમારા વર્ષનો પહેલો મહિનો બનશે. ઈઝરાઈલીઓના આખા સમાજને કહેજો કે, આ મહિનાના દસમા દિવસે દરેક માણસે કુટુંબ દીઠ એક ઘેટુ કે બકરુ લેવું. જો કુટુંબ એટલું નાનું હોય કે એક જાનવરને ન ખાઈ શકે તો પડોશના માણસ સાથે ભાગમાં જાનવર લેવું. દરેક માણસ કેટલું ખાઈ શકશે તેનો હિસાબ કરી તમારે જાનવર દીઠ માણસોની સંખ્યા નક્કી કરવી. તમારું જાનવર ખોડખાંપણ વગરનું અને એક વર્ષનું નર જાતિનું હોવું જોઈએ. તમે ઘેટુ લો કે બકરુ લો. તમારે એને આ મહિનાની ચૌદમી તારીખ સુધી રાખવું અને પછી આખા ઇશ્રાયલી સમાજે સંધ્યાસમયે તેનો વધ કરવો. તેનું થોડું લોહી લઈને જે ઘરમાં એ ખાવાનું હોય તે ઘરની બંને બારસાખ ઉપર અને તેના ઓતરંગ ઉપર લગાડવુ. એનું માસ શેકીને તે જ રાતે બેખમીર રોટી અને કડવી ભાજી સાથે ખાવું. એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું, પણ પગ માથું અને આંતરડા સાથે શેકીને ખાવું. એમાંનું કશું સવાર સુધી રહેવા ન દેવું. જે કંઈ સવાર સુધી રહે તેને તમારે બાળી મૂકવું.  તમારે આ રીતે ખાવું : કમર કસીને, પગમાં પગરખા પહેરીને, હાથમાં લાકડી લઈને, ઉતાવળે ઉતાવળે ખાવું. પ્રભુનાં માનમાં આ પાસ્ખા પર્વ છે” (મહાપ્રસ્થાન ૧૨ :૧-૧૧)’

 

પાસ્ખાપર્વ એક અઠવાડિયું ચાલતો પર્વ હતો. અને તેમાં આવતો વિશ્રામવાર વર્ષના બીજા બધા વિશ્રામવારોમાં સૌથી મોટો ગણવામાં આવતો હતો. સામાન્ય રીતે વિશ્રામવાર શુક્રવારે સૂર્યાસ્ત થતાં શરૂ થતો. તે સાંજે પાસ્ખાપર્વનું બલી અર્પણ કરવામાં આવતું. જણાવેલી રીતરસમ મુજબ આ બલીને ખાવામાં આવતો. ભોજનમાં એક વર્ષનું નર ઘેટુ કે બકરું હોય, નવા દ્રાક્ષનો રસ હોય,  નવા ધાન્યથી તૈયાર કરેલ બેખમીર રોટલી હોય અને કડવી ભાજી.  શરત એટલી જ હતી કે આ બધું ખાઈને તે રાત્રે બધુ જ પૂર્ણ કરી દેવું, બીજા દિવસ માટે કશું રાખી શકાય નહીં. શનીવારે  સૂર્યાસ્ત થતાં વિશ્રામવારનો અંત આવતો.


*આપણામાંથી ઘણાને પ્રશ્ન હશે કે જો વિશ્રામવાર શુક્રવારે સાંજે સૂર્યાસ્ત પછી શરૂ થતો હોય અને પાસ્ખાપર્વનું ભોજન તે રાત્રે સાથે લઈ ઉજવવાનું હોય તો ઇસુ શુક્રવારની જગ્યાએ શા માટે ગુરુવારની રાત્રિ પસંદ કરે છે ???*

 

આપણને ખબર છે તે મુજબ પાસ્ખાપર્વનું ભોજન કરવાના નિયમ મુજબ દરેક કુટુંબે એક વર્ષનું નર ઘેટુ  કે બકરુ લઈ તેને બલીદાન તરીકે ઈશ્વરને ચડાવવાનું હતું અને ખાવાનુ હતુ. પરંતુ પૂર્વશરત એ છે કે આમાંથી સવાર સુધીમાં કશું જ બચવુ ન જોઈએ. વિચાર કરો કે કુટુંબ ખૂબ જ નાનું હોય કે જેમા પતિ, પત્ની અને એક નાનું બાળકનો સમાવેશ થતો હોય તો આટલો બધો ખોરાક કેવી રીતે લઈ શકાય ?? તેથી આવા લોકોની સગવડ માટે એક નવો પેટા નિયમ આવ્યો કે જો  કુટુંબ નાનું હોય અને તે સંપૂર્ણ ખાઇ શકે તેમ ન હોય તો તેમણે બે-ત્રણ કુટુંબ ભેગા મળીને બલી ચડાવવો. પ્રથમ પ્રશ્ન હલ થયો અને બે કે ત્રણ કુટુંબો ભેગા મળીને એક બલિ ચઢાવે અને તેને ખાય. પણ હવે પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે તેઓ ભોજન કરીને ઊભા થાય છે ત્યાં તો વિશ્રામવાર લાગી ગયો છે. હવે તમારાથી ચલાય નહીં અને જો તમે ચાલ્યા તો તમે વિશ્રામવારનો ભંગ કર્યો કહેવાય. તમારાથી ફક્ત દોઢ કિલોમીટર જેટલું જ ચલાય. આમ દૂરથી આવેલા કુટુંબીજનો પેલા કુટુંબને ત્યાં શુક્રવારની રાત અને  શનિવારનો આખો દિવસ કાઢી નાખશે. શનિવારે રાત્રિના સમયે મુસાફરી થઇ ન શકે કારણ બહાર ચોર લુંટારૂઓની બીક છે. તેથી આ કુટુંબ રવીવારે સવારે જ પોતાના ધર તરફ પ્રયાણ કરી શકશે. અને આમ આટલો મોટો તહેવાર બીજાના ઘરે રોકાઇ ને જ કાઢવો પડે. ફરીથી નિયમમા બીજો પેટા નિયમ આવ્યો. તમે શુક્રવારની જગ્યાએ આગલા દિવસે એટલે કે ગુરુવારે પાસ્ખાનું ભોજન લઇ શકો છો. જેથી કરીને ભોજન કરી બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે આરામથી પોતાના ઘરે ચાલીને જઈ શકો છો.  

 

*હવે ઇસુ આ વ્યવસ્થાનો લાભ લેશે.  પાસ્ખાપર્વનું ભોજન શુક્રવારની સાંજને બદલે ગુરુવારે સાંજે ગોઠવશે. તેનાથી મોટામાં મોટો ફાયદો એ છે કે ઇસુ જાણે છે કે ગુરુવારે મોડી રાત્રે તેમની ધરપકડ થવાની છે. અને શુક્રવારે તો ક્રુસની શિક્ષા થઈ જશે. હવે જો એમ થાય તો પોતાના વહાલા શિષ્યો પાસ્ખાપર્વનું ભોજન લઈ શકે નહીં. આમ આ બધામાંથી નીકાળવાનો એક જ માર્ગ અને તે પાસ્ખાપર્વનું ભોજન ગુરુવારે સાંજે લેવું.*

 

 

*(૨) પગ ધોવા ની વિધિ*

 

યહૂદી માન્યતા પ્રમાણે જ્યારે પણ વ્યક્તિ બીજાના ઘરે મહેમાનગતિએ જાય ત્યારે તે વ્યક્તિને  આવકારતાં સૌપ્રથમ વ્યક્તિના પગ ધોવાની વિધિ કરવામાં આવે. તે ખૂબ જ અગત્યની વિધિ છે જે આપણે લુક અધ્યાય ૭ કડી ૪૪ માં જોવા મળે છે. ઇસુ સીમોનને ફરિયાદ કરતાં કહે છે કે જ્યારે હું તારા ઘરમાં આવ્યો ત્યારે તે મને પગ ધોવાને પાણી પણ ન આપ્યું. આમ યહુદી રિવાજ મુજબ ઘરમાં પ્રવેશ પામતા પહેલા પગ ધોવાની વિધિ ખૂબ જ અગત્યની હતી. પણ બીજી તરફ જોઈએ તો ખબર પડે કે કોઈના પણ પગ ધોવા એ એક હલકા પ્રકારનું કામ હતું. તે વખતે યહૂદી લોકો આ પ્રકારનું કામ મોટે ભાગે ગુલામો જોડે કરાવતા. તેઓ બીન-યહૂદી ગુલામ સ્ત્રીને મહેમાનના  હાથમાં પાણી આપવાનું કામ કરાવતા જેથી મહેમાન જાતે જ પગ ધોઈ નાખે. બીન-યહૂદી ગુલામ પુરુષ ફક્ત પાણી બતાવે કે તે ક્યાં રાખેલ છે પણ હાથમાં પાણી  ન આપે. જ્યારે યહૂદીને તો પાણી વિશે વાત જ કરાય નહીં. તે બતાવે તો ખરું.

 

*આમ પગ ધોવાની વિધિને આટલી નીચી દ્રષ્ટિએ જોવામાં આવતી હોય ત્યારે તેવા વખતે આપણા ઈસુ ગુરુ શિષ્યના પગ ધુએ છે.*

 

*પરંતુ પગ ધોવાની વિધિને ભોજન પહેલાં કરવામાં આવતી ભોજન દરમિયાન તો ક્યારેય નહીં. પરંતુ આજે ભોજન દરમિયાન ઇસુ આ વિધિ કરશે.*

 

*ભોજન પવિત્ર છે તેથી વચ્ચે કદી ઊભું ન થવાય. વળી આ તો પાસ્ખાપર્વનુ ભોજન લેવાની ચોક્કસ એક વિધિ છે. તે તોડાય નહીં. પરંતુ ઇસુ અડધે ભાણે ઊભા થશે અને શિષ્યના પગ ધોશે કારણ તો જ જગત જાણે કે હુ ગુરુ હોવા છતાં તમારા પગ ધોવુ  તો તમારે પણ એકબીજાના પગ ધોવાના છે*

 

*(૩) ઇસુ અને ‘ઉપલી મેડી’*

 

ઇસુ પોતાના શિષ્યોને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ પાસ્ખાપર્વની ઉજવણી માટે યરૂશાલેમ આવે છે. આપણે આગળ જોયું તેમ આ પાસ્ખાપર્વમા આવતો વિશ્રામવાર સૌથી મોટામાં મોટો વિશ્રામવાર ગણાતો, જે ૧૨ વર્ષથી મોટા યહૂદી પુરુષ માટે પાડવો ફરજિયાત હતો. યાદ કરીએ કે  આંકલાવના કે પછી ખંભોળજના મેળામાં ગામેગામથી અને શહેરોથી લોકો બસ કરીને આ મેળામાં પહોંચી જાય છે. આવી જ રીતે ઈસુ પણ પોતાના શિષ્યો સાથે યરૂશાલેમ પહોંચી જાય છે. અહીંયા તેમણે પૂરું એક અઠવાડિયું રહેવાનું છે. હવે આટલો લાંબો સમય આટલા મોટા શિષ્યોના સમુદાય સાથે રહેવાનું હોય તો પછી બહાર ખુલ્લા તમ્બુમાં કે કોઇના ઘરે રહેવાનું પોસાય નહીં. *આથી કરીને ઇસુ  તેમના શિષ્યો સાથે એક મકાન ભાડે રાખે છે - ‘ઉપલી મેડી’.*

 

ઈસુના શિષ્યોમાંના મોટાભાગના ધંધે માછીમાર છે. મોટેભાગે તેમનો ઇતિહાસ એ પ્રકારનો છે કે આખો દિવસ આરામ કરવો અને રાત્રે માછલી પકડવી. હજુ પણ તેમના સ્વભાવમાં આ બાબત જોવા મળે છે.  દિવસે આરામ કરવો અને રાત્રે જાગવુ. ઇસુએ જે મકાન ભાડે રાખ્યું છે તેની પાછળના ભાગે જ વડા પુરોહિત કાયફાનું ધર છે. હવે વિચાર કરો કે જે સમુદાય આખી રાત જાગતો હોય, કદાચ હસી-મજાક પણ કરતો હોય તો રાત્રિની નીરવ શાંતિમાં બીજાને ખલેલ તો પડે જ. અને આ તો વળી કોઈક જેવીતેવી વ્યક્તિને નહીં પણ વડા પુરોહિત કાયફાને ખલેલ પડે તેમ છે.

 

આથી કરીને ઈસુ આખી રાત પોતાના શિષ્યોને લઈ કિદ્રોન ખીણ વટાવી ગેથસેમની વાડીમાં જતા રહે છે. ગેથસેમની વાડી યરુશાલેમ શહેરથી થોડે દૂર આવેલી વાડી છે.  ત્યાં શિષ્યોએ જેટલો અવાજ અને ધમાલ મસ્તી કરવી હોય તો કરી શકે, કોઈ જ વાંધો નહીં. વળી દિવસ થતાં ઇસુ પોતાના ભાડે રાખેલા ઓરડામાં શિષ્યો સાથે પાછા આવી જાય છે, જેથી કરી શહેરમાં ચાલતા પાસ્ખાપર્વની ઉજવણીમા પણ ભાગ લઈ શકાય.

 

હવે આ વાતની જાણ ઈસુના બધા શિષ્યોને છે. પરંતુ ધરપકડ કરવા માંગતાં વડા પુરોહિત અને તેમના સાગરીતો આ વાતથી અજાણ છે. આથી કરીને તેમને એક એવા વ્યક્તિની જરૂર હતી જે ઈસુના રાત્રિના રહેવાનું સ્થળ બતાવી આપે. અને વળી જે ખરેખર ઇસુને ઓળખતો હોય. આ માટેનું કારણ એક જ છે કે ઈસુ અને તેમના બધા જ શિષ્યોનો પોશાક મોટાભાગે એક સરખો જ. વળી બધા જ સરખી ઉંમરના અને દાઢી મૂછવાળા. આવા સમયે યહૂદા ઈસુની ધરપકડ કરવા તેમને મદદ કરે છે.

 

બાઇબલમાં આ પ્રસંગનું જ્યારે વર્ણન થાય છે ત્યારે  *ઈસુ અને તેમના શિષ્યોને મંદિરના સૈનીકો દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારામાંથી નાજરેથના ઇસુ કોણ  છે ??  અને તે સમયે ઈસુ આગળ આવીને કહે છે કે તે છે નાજરેથના ઇસુ. આ સાભળતા જ ઇસુને  પકડવા આવેલા મંદિરના સૈનિકો ભોયસમાણા પડી જાય છે. શા માટે આમ બન્યું હશે ??  કદાચ આજે પ્રથમવાર આ સૈનિકો માટે પ્રસંગ બન્યો હશે કે જેમાં તેઓ જેની પૂછપરછ કરે છે તે સામે આવીને પોતાની ઓળખ આપે છે. આ બાબત તેમને એક ઉંડા આશ્ચર્યમાં નાખી દે છે અને તેઓ ભોયસમાણા પડી જાય છે.*

 

વળી આ ઘટના બને છે તે પહેલા વળી બીજી એક અગત્યની ઘટના બને છે અને તે એ કે ઇસુ જૈતુન વાડીમાં પ્રાર્થના કરે છે. ઇસુને ખબર છે કે હવે તેમણે એક ભયંકર ક્રુસની વેદનામાંથી પસાર થવાનુ છે. નાનપણથી જ ઇસુ પાસ્ખાપર્વની ઉજવણી કરવા યરૂશાલેમ આવતા હતા. રોમન રાજાઓ લોકોને પોતાની ક્રુરતાનો પાઠ ભણાવવા માંગતા હતા. આથી કરીને તેઓ દર વર્ષે પાસ્ખાપર્વને ટાણે યરૂશાલેમ આવતા શહેરના માર્ગો પર ગુનેગારોને ક્રુસની શિક્ષા કરતા. આ શિક્ષા એટલી તો ક્રુર હતી કે જોનાર ખરેખર કંપી ઊઠે અને બોલી ઉઠે કે કદી પણ રોમન સામ્રાજ્ય સામે અવાજ ઉઠાવવો નહીં. ઈસુએ આવા દુઃખ વેઠતા અને રિબાઈ રિબાઈને મરતા ગુનેગારોને નજરે જોયા હતા. પોતે પણ હવે આ જ માર્ગે ચાલી નીકળેલા છે. પરંતુ ફરક એટલો જ છે કે પોતે નીરઅપરાધી છે. પોતે ક્રુસની શિક્ષા સહન કરવા કોઇ જ ગુનો કર્યો નથી.

 

*ઈસુ હવે ક્રુસની શિક્ષાના ભૂતકાળ અને ભવિષ્યમા જઇને આ શિક્ષાથી વધુને વધુ જાગૃત બને છે. એક પ્રકારની બીક અને ચિંતાનુ કિરણ આખા શરીરમાંથી પસાર થઈ જાય છે. જે ઇસુ હાલ સુધીમાં ખૂબ જ મક્કમ હતાં તેમાં થોડી નરમાશ આવી જાય છે. શા માટે ૩૩ વર્ષ જેવી યુવાન વયે ક્રુસ ઉપર નિર્દોષ મરી જવું. અંતે મુખમાંથી પરમપિતાને પ્રાર્થના સરી પડે છે કે હે પરમપિતા જો શક્ય હોય તો આ દુઃખનો પ્યાલો મારી આગળથી હટાવી લો. આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી ગયું છે. વિજ્ઞાનના કહેવા મુજબ જ્યારે આ રીતે લોહીનુ પરિભ્રમણ વધી જાય ત્યારે શરીરની નસોમાંથી લોહી પસીના રુપે બહાર નીકળવા લાગે છે અને વ્યક્તીને લોહીનો પસીનો થાય છે. વળી ઇસુના મનમા કદાચ એમ પણ આવ્યુ હોય કે રાત્રિના આ અંધકારમાં ભાગી જવું. વળી તેમના મિત્ર લાજરસનું ગામ બેથની અહીથી માત્ર દોઢ કિલોમીટર જ દૂર છે કે જેને તેમણે થોડા દિવસ પહેલાં સજીવન કર્યો હતો. વળી જો ઇસુ લાજરસના ગામમાં ભાગી જાય તો પછી તે કોઈના પણ હાથમાં આવી શકે નહીં. પુરોહિતો, મુખ્યપુરોહિતો અને તેમના મડતીયાઓએ ઇસુને પકડવા માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડે.*

 

મારુ શ્રધ્ધાથી માનવું છે કે ઇસુ પોતાના માતા મરિયમ સાથે દર વર્ષે અહીંથી પસાર થતાં હશે. કદાચ માતા મરિયમ દર વર્ષે ઇસુને ક્રુસ બતાવી કહ્યું હશે કે એક દિવસ તારે પણ તારા લોકો માટે આ ક્રુસ ઉપર મરી જવાનું છે. કદાચ આ બાબત ઇસુને નિર્ણય લેવા ખૂબ જ મદદરૂપ થાય છે. હવે ઇસુ પોતાની પ્રાર્થના બદલે છે અને કહે છે કે હે પરમપિતા મારી નહીં પરંતુ તમારી ઈચ્છા પૂરી થાઓ. અને આમ ઈસુ પોતાની જાતને સૈનિકોને સમર્પિત કરે છે.

 

*(૪) ઈસુને સેનહેડ્રિન (વડી-સભા) ની પાસે લઈ જવાય છે.*

 

ઈસુની ધરપકડ પછી ઇસુને વડાપુરોહિત કાયફાના મહેલમાં લઈ જવામાં આવે છે. અહીં ઇસુને  કયા ગુના હેઠળ મૃત્યુદંડ આપી શકાય તે માટે સેનહેડ્રિન બોલાવવામાં આવે છે. આ સેનહેડ્રિન ૭૦ સભ્યોની બનેલી એક સભા હતી. જેનો વડો પુરોહિત કાયફા હતો.  પ્રથમ ૭૦ સભ્યો પોતાનો મત જે તે ગુનેગાર માટે રજુ કરતા. છેલ્લે વડો પુરોહિત આ કેસની તરફેણમાં કે વિરુઘ્ધમાં પોતાનું મતદાન કરતો. નોધનીય બાબત છે કે આ સેનહેડ્રિન કદી પણ રાત્રે બોલાવી શકાય નહીં. જ્યારે પણ કોઈ વ્યક્તિનો ન્યાય તોડવાનો હોય ત્યારે તે માટે દિવસ થતાં સુધી રાહ જોવી પડે. ઈસુના કેસમાં આ સેનહેડ્રિન રાત્રે જ બોલાવવામાં આવે છે. હાજર સભ્યો તરફથી કોઇપણ જાતનો વિરોધ કરવામાં આવતો નથી. શરૂઆત જ ખોટા નિર્ણયથી કરવામાં આવે છે.

 

યહૂદી સમાજમાં વ્યક્તિને બે કારણોસર મૃત્યુદંડ આપી શકાય (૧) વ્યભિચાર કરવા બદલ અને (૨) ઈશ્વરનિંદા કરવા બદલ. પરંતુ અહી સત્તાનો દુરુપયોગ થતો. રાજકારણીઓ અને પુરોહિતો પોતાના અંગત સ્વાર્થને કારણે લોકો સામે આ કાયદા થકી શોષણ કરતા. તેમને મૃત્યુદંડની શિક્ષા કરાવતા. ઈરાનમાં બનેલી ફિલ્મ ‘સ્ટોનિંગ ઓફ સુરૈયા’ આ બાબતને જાણવામાં મદદરૂપ થાય છે.

 

હવે આવા સમયે ઇશ્રાયેલમા રોમન સામ્રાજ્ય અસ્તિત્વમા આવે છે. આમ તો રોમનો પોતાના ન્યાયપ્રિયતા માટે પ્રખ્યાત હતા. તેમણે જોયું કે ઘણા નિર્દોષ લોકોને આ માટે સહન કરવું પડે છે. આથી તેઓએ સેનહેડ્રિન પાસેથી મૃત્યુ દંડ આપવાની સત્તા પાછી ખેંચી લીધી. તમે નાની શિક્ષાઓ કરી શકો પરંતુ મૃત્યુદંડ નહીં. આથી કરીને ઈસુના કેસમાં સેનહેડ્રિન મૃત્યુદંડ આપી ન શકે. ફક્ત ગુનો ઘડી શકે અને ગુનેગારની રજૂઆત રોમન ગવર્નરને કરી શકે.  રોમન ગવર્નરને યોગ્ય લાગે તો તે મૃત્યુ દંડ આપે નહીં તો તે વ્યક્તિને મુક્ત કરવા સંપૂર્ણ સ્વતંત્ર.

 

વડો પુરોહિત કાયફા અને તેનો સસરો આન્ના ઈસુને મૃત્યુદંડ આપવા બધા જ પાસા નાખી જુએ છે. પણ છેવટે તેમને એક જ ગુનો ઇસુ માટે મળી શક્યો અને તે ઈશ્વર નિંદાનો. (માથ્થી ૨૬:૬૫)

 

 

 (૫) *ઇસુ રોમન રાજાના દરબારમાં*

 

‌(સમય - સવારના છ અને દિવસ શુક્રવાર)

 

*વર્ણન - સંત યોહાનના શુભસંદેશ મુજબ*

 

 

*સીન ૧ (યોહાન ૧૮ :૨૮-૨૯)*

 

*“પછી તેઓ ઈસુને કાયફાને ત્યાંથી રાજભવનમાં લઇ ગયા. પરોઠ થઇ ગયું હતું. એ લોકો જાતે રાજભવનમાં દાખલ ન થયા, જેથી પોતે અભડાય નહીં અને પાસ્ખાનુ ભોજન લઇ શકે. આથી પિલાત તેમને મળવા બહાર ગયો.”*

 

અહીં મુખ્ય બાબત ઉડીને આખે વળગે એ તે છે કે લોકો અભડાવાની બીકે રાજમહેલમાં પ્રવેશતા નથી. અને તેથી પિલાતે જાતે તેમને મળવા બહાર આવવું પડે છે. દુનિયાનો સૌથી મોટો અને ક્રૂર શાસક પ્રથમ ઉદાહરણમાં ગભરાયેલો જોવા મળે છે. તે ટોળાથી ગભરાયેલો છે અને તે મુજબ પોતાની વર્તણુંક નક્કી કરે છે. હવે આવા ગભરાયેલા શાશક પાસે ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકાય.

 

*સીન ૨ ( યોહાન ૧૮ :૩૩ )*

 

*“પછી પિલાતે રાજભવનમાં પાછા જઈને ઇસુને બોલાવી ને પૂછ્યું ‘તું યહુદીઓનો રાજા છે??’*

 

અહીંયા પિલાત ખોટી તર્કસંગત બુદ્ધિનો વિચાર કરીએ ઇસુને પ્રશ્ન પૂછે છે કે શુ તે યહુદીઓનો રાજા છે?? શરૂઆત જ ખોટા પ્રશ્નથી કરવામા આવે છે. ઇસુને ખબર છે કે પુરોહિતો, વડાપુરોહિત અને લોકોએ તો તેમને ઈશ્વરનિંદાના આરોપસર મૃત્યુદંડ અપાવવા માટે અહીં લઇને આવેલાં છે. જ્યારે પિલાત તો  કંઈ અવળુ જ પૂછે છે.  આથી કરી ઈસુ સામેથી પિલાતને પુછે છે કે આ તમે પોતે કહો છો કે બીજાઓએ તમને મારે વિશે કહ્યું છે. જોકે પિલાતના આ પ્રશ્ન પૂછવા પાછળ એક મેલી મુરાદ હતી કે જો ઈસુ યહુદીઓનો રાજા છે એમ સાબિત થાય તો કેસની શરૂઆતમાં જ આરામથી રોમન બાદશાહ  વિરુદ્ધના કાવતરા હેઠળ ઈસુને મૃત્યુદંડ આપી શકાય.

 

*સીન ૩ ( યોહાન ૧૮ :૩૮ )*

 

*પિલાત બોલ્યો, “મને આ માણસમાં કોઇ દોષ દેખાતો નથી.”*

 

આજે પ્રથમવાર ઘણા બધા આરોપો હેઠળ દબાયેલા ઇસુને જોઈને પિલાત કહે છે કે મને તેમનામાં કોઈ દોષ દેખાતો નથી. આ વાક્ય કોઈ સામાન્ય વ્યક્તિનું નથી પરંતુ દુનિયાનો સૌથી મોટો શાશક કહે છે. પરંતુ આ મોટો શાશક હાલમાં બહારના દબાણ હેઠળ કાર્ય કરી રહ્યો છે. અને તેથી જ પોતાની પાસે સત્તા હોવા છતાં બરબ્બાસ નામના લૂંટારાને છોડી મૂકે છે. અને ઈસુને ચાબખાના મારની શિક્ષા કરાવે છે.

 

*સીન ૪ ( યોહાન ૧૯ :૧ )*

 

*“એટલે પછી પિલાતે ઇસુને લઈ જઇને તેમને ચાબખાં મરાવ્યા”*

 

 રોમન સામ્રાજ્યમાં જ્યારે પણ વ્યક્તિને મૃત્યુદંડ આપવાનું હોય ત્યારે ચાબુકની શિક્ષા કરવામાં આવતી. રોમન મહિલા, સૈનિકો અને રાજકારણીઓને મુક્તિ અપાતી. વળી જો વ્યક્તિ એ રોમન કર ન ભર્યો હોય તો તેને પણ ચાબુકની શિક્ષા કરવામાં આવતી. પરંતુ શુભસંદેશ મુજબ આપણે જાણીએ છીએ કે ઇસુ પોતાના શિષ્ય પીતર દ્વારા કરવેરો તો નિયમિત ભરતા આવ્યા છે.(માથ્થી ૧૭:૨૪-૨૭) વળી લોકોને પણ એ જ સલાહ આપે છે કે જે ઈશ્વરનુ છે તે ઈશ્વરને આપો અને જે રોમન રાજાનું છે તે રોમન રાજાને આપો.(માથ્થી ૨૨:૨૧) અને છતાં પણ નિર્દોષ ઇસુને વગર ગુને રોમન સામ્રાજ્ય દ્વારા ચાબખાંની સજા કરાય છે કે  જે પોતાની ન્યાયપ્રિયતા માટે પ્રખ્યાત હતુ.

 

 સામાન્ય રીતે ચાબુક ચામડાના એક સીધા ગુથેલા પટ્ટા કે પછી ચામડાની નાની-નાની પટ્ટી ભેગી કરી લાકડાના એક હાથ સાથે બેસાડવામાં આવતા. તે ચામડાના પટ્ટાની સાથે લોખંડની કરચો કે પછી ઘેટાના હાડકાના તિક્ષણ ટુકડાઓ અમુક અંતર જાળવી લગાડવામાં આવતા.

 

જે માણસને ચાબુકની શિક્ષા કરાતી તેના કપડાં કાઢી લેવામાં આવતા. ઘણીવાર તેના હાથ ને એક ઉંચી જગ્યાએ તો પગને નીચેથી બાંધી દેવામા આવતાં. અને ખુલ્લી પીઠ પર ચાબખાનો માર મારવામા આવતો. ઘણીવાર બે થી ત્રણ ફૂટના પથ્થરના સ્તંભ ઉપર વ્યક્તિને ખુલ્લી પીઠ રાખી અદુગડો કરી બાંધવામાં આવતો અને તેના પીઠ ઉપર ચાબખા મારવામા આવતા. રોમન સૈનિકો વારંવાર પીડિતની પીઠ ઉપર સંપૂર્ણ તાકાતથી ચાબખા વડે હુમલો કરતાં. છેવટે ઘઉંવર્ણો વ્યક્તિ  લોહીવર્ણો બનવા લાગતો. ચાબુક મારવા માટે ક્રુર સૈનિકોને કામગીરી સોંપાતી. મોટાભાગના સૈનિકો ઘણીવાર ગુનેગારને  ચાબુકનો માર મારતા ભાન ભૂલી જતા. પછી ગણતરી તો કોને યાદ જ હોય. વધારે ચાબૂકના ફટકા મરાય નહી તે માટે ગણતરી રાખવા માટે ચોક્કસ સૈનિકોની નિમણૂક કરવામાં આવતી. એમ કહેવાય છે કે ઇસુને ૩૯ ચાબૂકના ફટકાનો માર મારવામાં આવ્યો હતો.


*(વધુ વિગત ૩ જા ભાગમા)*

 

 

*જય ઈસુ*

---------------------------------

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,

નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯

ગુજરાત.  મોબાઇલ : 8469491502 

 

 

 

*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*


*ભાગ – ૩*

 

*સીન ૫ (યોહાન ૧૯:૬)*

 

*“તમે જ એને લઇ જાવો, અને ક્રુસે ચડાવો, કારણ, મને તો એનો કંઈ દોષ દેખાતો નથી.”*

 

રોમન ગવર્નર નિર્દોષ ઇસુને કોરડાનો માર મરાવે છે. એક તરફ રોમન ગવર્નરને ખબર છે કે તેની પાસે જે ઈસુને લાવવામાં આવ્યા છે તે બિલકુલ નિર્દોષ છે. પરંતુ શરૂઆતમાં જોયું તે મુજબ આ ક્રૂર શાસક આજે ગભરાયેલો છે, ધુંધવાયેલો છે. પોતે એક પછી એક એવા નિર્ણય લઈ રહ્યો છે કે જેમાં તેની પોતાની લાચારી જ રજૂ થાય. પરંતુ કદાચ આ રોમન ગવર્નરના અંતરમાં, કોઈક ખૂણે, ઈસુ માટે થોડીક કૂણી લાગણી છે. એક બાજુ લોકોનું મોટું ટોળું જામ્યું છે. મુખ્ય પુરોહિતો અને તેના ખાંધિયાઓ એક જ બૂમ પાડી રહ્યા છે કે ઇસુને ક્રુસે જડાવો, ઇસુને ક્રુસે જડાવો. આવા નિર્દયી લોકોમાં ઈસુ માટે કંઈક કૂણી લાગણી જગાડવા રોમન ગવર્નર ઈસુને ક્રૂર રીતે ચાબખાનો માર મરાવી, માથે કાંટાળો મુગટ અને કિરમજી જભ્ભો પહેરાવીને લોકો સમક્ષ રજૂ કરે છે. ફરીથી વિશ્વનો મહાન અને શક્તિશાળી ગવર્નર  ઈસુ માટે પોતાનો અભિપ્રાય જણાવતા કહે છે કે તેને ઇસુમાં કોઈ જ દોષ દેખાતો નથી. તે ઇસુને છોડી દેવા માંગે છે.

 

*સીન ૬ (યોહાન ૧૯:૭)*

 

*“ત્યારે યહુદીઓએ જવાબ આપ્યો, ‘પણ અમારામાં એક કાયદો છે, અને તે કાયદા મુજબ એને દેહાંતદંડ થવો જોઈએ, કારણ, એણે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.’”*

 

યહૂદીઓ જવાબ આપે છે કે ઈસુને મૃત્યુદંડ આપવા માટે તેમનામાં એક કાયદો છે. આ કાયદા મુજબ ઈસુને દેહાંતદંડ થવો જોઈએ, કારણ ઇસુએ ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.

 

તપઋતુમાં પ્રવેશતા પહેલા આપણે ફરીથી રવિવારના શાસ્ત્રપાઠોને યાદ કરીએ. દર રવિવારના શાસ્ત્રપાઠમાં આપણને જોવા મળે છે કે વિશ્રામવારના દિવસે પણ ઇસુ પોતાની ભલાઈના કાર્યો ચાલુ રાખતા. કાં તો તે લુલા-લંગડાને ચાલતો કરતા કે પછી આંધળાને દેખતો કરતા કે અસ્થિર મગજના લોકોને સ્થિરતા આપતા. દર વખતે ચમત્કાર પછી ઇસુને યહૂદી સમાજના ધાર્મિક વહીવટીકર્તા સાથે  દલીલમાં ઊતરવું પડતું. ધાર્મિક વહીવટીકર્તાઓની દલીલ હતી કે આજે તો વિશ્રામવાર છે, આ દિવસે કાંઈ જ કામકાજ ન થાય. તમે શા માટે આવા ચમત્કારો કરો છો???  ઇસુ જવાબમા કહેતા કે જો મારા સ્વર્ગીય પિતા પોતાનુ સારુ કામ ચાલુ રાખતા હોય તો પોતે પણ શા માટે પોતાનુ સારુ કામ અટકાવે. (યોહાન ૫:૧૭)

 

આપણે જાણીએ છીએ તે મુજબ વિશ્રામવારના દિવસે માણસે ફરજિયાત આરામ કરવો પડે. પરંતુ જે વ્યક્તિ કામ કરતો પકડાય તે  વિશ્રામવારના દિવસનો ભંગ કરે છે. તે પોતાની જાતને ઇશ્વરની સમકક્ષ મૂકે છે. તે પોતે ઈશ્વરપુત્ર હોય તે રીતે વર્તન કરે છે. અને તેને માટે એક જ શિક્ષા હોઈ શકે મૃત્યુદંડ.

 

*સીન ૭ (યોહાન ૧૯:૮-૯)*

 

*“આ સાંભળીને પિલાતને ધ્રાસકો પડ્યો, અને તેણે ફરી રાજભવનમાં જઈને ઇસુને પૂછ્યું, ‘તું ક્યાં નો છે ???’”*


અહીં યહૂદીઓ ઇશ્વરનિંદાના કાયદાને આગળ ધરીને ઇસુ માટે મૃત્યુદંડ માંગે છે. આપણે આગળ જોયું તે મુજબ રોમન બાદશાહે સેનહેડ્રિન (વડી-સભા) પાસેથી મૃત્યુદંડ આપવાની સત્તા પાછી ખેંચી લીધી છે. હવે જો મૃત્યુદંડ માટેનો ચુકાદો આપવાનો હોય તો રોમન ગવર્નરે  આપવો પડે. જેને માટે થોડી લાગણી છે અને જે ઇસુને રોમન ગવર્નર બચાવવા માગે છે તેને હવે યહુદીઓની વાત સાંભળી ખરેખર ધ્રાસકો પડે છે. તે હવે ચિંતાગ્રસ્ત બને છે. તરત જ બેબાકળો બનેલો ગવર્નર ઈસુને જઈને મળી અને પૂછે છે કે તુ ક્યાંનો છે. આ પ્રશ્ન દ્વારા તે ઇસુ પાસેથી જાણવા માગે છે કે તું રોમન નાગરિક છે??? કારણ રોમન સામ્રાજ્યમાં રોમન નાગરિકત્વ ધરાવતા લોકોને ક્રુસની શિક્ષા થઈ શકે નહીં. ઈસુ આ બાબતે કોઈ જવાબ આપતા નથી.

 

*સીન ૮ (યોહાન ૧૯:૧૫)*

 

*“મુખ્ય પુરોહિતોએ જવાબ આપ્યો, ‘બાદશાહ સિવાય અમારે કોઈ રાજા નથી.’”*

 

યહૂદીઓને ખબર પડી જાય છે કે રોમન ગવર્નરના દિલમાં ઇસુને માટે એક કૂણી લાગણી જાગી છે. પોતાની સત્તાનો ઉપયોગ કરીને ગમે ત્યારે તે ઇસુને છોડી દઈ શકે તેમ છે. રોમન ગવર્નર પાસે મોટું લશ્કર અને ગમે તેવા બળવાને ક્રુરતાથી દબાવી દેવાની શક્તિ છે.

 

હવે યહૂદીઓ પોતાની છેલ્લી રાજરમત રમે છે. તેઓ રોમન ગવર્નરને કહે છે કે તમે જો આ માણસને છોડી મૂક્યો તો તમે બાદશાહના વફાદાર નહીં. હવે જો તમે ઇસુને છોડી દો તેનો મતલબ તમે ઇસુની તે રાજા હોવાની વાતનો ટેકો કરો છો. જે કોઈ રાજા હોવાનો દાવો કરે છે તે રોમન બાદશાહનો વિરોધી છે. હવે રોમન ગવર્નર ઈસુને બહાર લઈ આવી ફરસબંધી કે જેને યહૂદીઓની ભાષામાં ગબ્બથા નામે ઓળખાતી જગ્યાએ જઇ ન્યાયાસન ઉપર બેસે છે. ફરીથી તે ઈસુની કરુણ હાલત લોકોને બતાવી પૂછે છે કે શું હું તમારા રાજાને ક્રુસે ચડાવું ??? અને યહૂદીઓ એક સાથે બોલી ઉઠ્યા કે ઇસુને ક્રુસે ચઢાવો.

 

મુખ્ય પુરોહિતો પોતાના હાથમાં આવેલી બાજીને આમ નિષ્ફળ જતી રહે તેમ ઇચ્છતા ન હતા. તેમના તરફથી એક છેલ્લું વાક્ય રોમન ગવર્નરને બોલાય છે કે બાદશાહ સિવાય અમારે કોઈ રાજા નથી.

 

વિચાર તો કરો કે જે યહૂદી પ્રજાનો અત્યાર સુધી એક જ રાજા હતો અને તે તેમનો ઈશ્વર. પરંતુ આજે આ બાબતને પણ તેઓ નકારી કાઢે છે. યહૂદીઓ ઈશ્વરને પોતાના રાજા તરીકે નકારી કાઢી એક દુન્યવી  શાસકને પોતાનો રાજા બનાવે છે. હવે રોમન ગવર્નર પાસે કોઇ જ રસ્તો બાકી રહેતો નથી. જો પોતે ઈસુને છોડી મૂકે તો એમ કહેવાય કે તે રોમન બાદશાહ સામેની ચળવળમાં સામેલ છે. પોતાની પદ-પ્રતિષ્ઠા કોને વ્હાલી ન હોય. રોમન ગવર્નર ઝૂકી જાય છે. ઈસુને મૃત્યુ દંડની શિક્ષા થાય છે.

 

 માર્ગ કંટકછાયો છે. માર્ગમાં કુરેને ગામનો વતની સિમોન ઇસુને ક્રુસ ઉપાડવામાં મદદ કરે છે. વળી ઈસુને માર્ગમાં માતા મરિયમ, વેરોનિકા અને રડતી સ્ત્રીઓ એમ જુદા જુદા ત્રણ પ્રસંગે સ્ત્રીઓનો ભેટો થાય છે. આ બધામાં દરેકને આશ્વાસન આપતા ઇસુ પોતાની યાત્રા આગળ ધપાવે છે.

 

*સીન ૯ (યોહાન ૧૯:૧૭)*

 

*“એટલે તેઓએ ઈસુનો કબજો લઈ લીધો અને ઈસુ પોતાનો ક્રુસ ઉપાડીને ‘ખોપરી’ (યહૂદીઓની ભાષામાં ‘ગુલગથા’)ના નામે ઓળખાતી જગ્યાએ જવા નીકળ્યા.”*

 

ઈસુ પોતાનો ક્રોસ ઉપાડી ખોપરી  કે જે યહૂદીઓની ભાષામાં ‘ગુલગથા’  ના નામે ઓળખાતી હતી તે જગ્યાએ જવા ચાલી નીકળે છે. આ જગ્યાનો આકાર ખોપરીને મળતો આવતો હોવાથી તે ખોપરીના નામે ઓળખાતી. આ એક એવી જગ્યા હતી કે જ્યાથી યરુશાલેમમા બંધાતા ઘરો માટે જરૂરી પથ્થર અહીંથી લેવામાં આવતા હતા. સંત યોહાન જણાવ્યા મુજબ આ જગ્યા ‘શહેરથી નજીક’ હતી. હિબ્રુના ગ્રંથ મુજબ આ જગ્યા ‘શહેરના દરવાજાની બહાર હતી’. જ્યારે સંત માર્થ્થી  અને સંત માર્કના  મુજબ આ જગ્યા ‘ત્યાંથી જતા આવતા લોકો’ એટલે કે મુખ્ય રસ્તા પર હતી.

 

રોમનો ઇસ્વીસન પુર્વે ૬૬ માં યરૂશાલેમ પર પોતાની સત્તા જમાવે છે. અને ઇસ્વીસન પુર્વે ૪૩ માં આ જગ્યામાંથી બે તૃતીયાંશ ભાગ ખરીદી લે છે. એમ કહેવાય છે કે રોમનોએ આ ભાગ ગુનેગારોને ક્રુસે ચડાવવા માટે ખરીદેલો હતો. રોમનોની આ જમીનની ખરીદી કરવા માટે એક કારણ હતું. જ્યારે તમે ગુલગથા કે જ્યાં ઇસુને ક્રુસની શિક્ષા થઈ હતી ત્યાં ઊભા રહો એટલે સામે જ યહૂદીઓનું પવિત્ર મંદિર દેખાતુ હતું. રોમનો માનતા હતા કે જ્યારે પણ યહૂદી લોકો મંદિરમાં પ્રાર્થના કરવા આવે ત્યારે તેમની સીધી નજર આ જગ્યા પર પડવી જોઈએ. જેથી કરીને પ્રાર્થના કરતી વખતે પણ યહૂદીઓને રોમન સત્તાની પ્રતીતિ થાય. જમીનનો બાકીનો એક તૃતિયાંશ ભાગ ઈસુના દફન માટે વપરાય છે.

 

ક્રુસની શિક્ષાની શોધ રોમનોએ કરી ન હતી. પરંતુ આ સજામાં કેવી રીતે સૌથી વધુ ત્રાસ આપી સજાને વધુ પરિપૂર્ણ કરી શકાય તેમા તેમનું ચોક્કસ યોગદાન છે. ક્રુસની શિક્ષામા મહત્તમ દુખ અને વેદનાથી વ્યક્તિનુ ધીરે ધીરે મૃત્યુ લાવવામાં આવતું. ક્રુસની શિક્ષા મ્રુત્યુદંડમા સૌથી અપમાનજનક અને ક્રૂર પદ્ધતિમાંની એક હતી. સામાન્ય રીતે ગુલામો, વિદેશી ક્રાંતિકારીઓ અને ગુનેગારો માટે આ સજા કરાતી હતી. રોમન કાયદો રોમન નાગરિકોને આ શિક્ષાથી બચાવતો હતો, એટલે કે રોમન નાગરિકોને ક્રુસની શિક્ષા થઈ શકે નહીં.

 

ક્રુસની શિક્ષામાં એક ઊંચું સીધું અને જાડુ લાકડાનો અને બીજું એક આળું લાકડાનો સમાવેશ થતો. આખા ક્રુસનુ વજન સામાન્ય રીતે ૧૩૦ થી ૧૪૦ કિલોગ્રામ જેટલું હોય. ગુનેગારોએ જે લાકડું વહન કરવાનું છે તેનું વજન આશરે ૪૦થી ૬૦ કિલોગ્રામ જેટલું હોય. જે વ્યક્તિને ક્રુસની શિક્ષા થઈ છે તેને ખભે આડું લાકડું મુકી  શહેરની દિવાલની બહાર નિશ્ચિત સ્થળે લઇ જવાતો. સામાન્ય રીતે આ વ્યક્તિને અર્ધનગ્ન હાલતમાં લઇ જવાતો. વ્યક્તિના બે હાથ ખભા સુધી ઊંચા કરાવીને આ આડું લાકડું તે વ્યક્તિના ખભે બાંધી દેવામાં આવતું. આ આખી પ્રક્રિયા એક સરઘસના સ્વરૂપે કાઢવામાં આવતી. તેનું સંચાલન રોમન સૈનિકો દ્વારા કરવામાં આવતું. આ સમગ્ર બાબતનું માર્ગદર્શન સેન્ચુરિયન એટલે કે મુખ્ય સુબેદાર કરતા. આ સૈનિકોમાં એક સૈનિકના હાથમા એક પાટિયુ આપવામા આવતુ. આ પાટિયા ઉપર ગુનેગારનું નામ અને તેનો ગુનો દર્શાવવામાં આવતો. આ બાબતને હિબ્રુ, ગ્રીક અને લેટિનમાં લખવામા આવતુ. યરુશાલેમ એ હવે વિદેશીઓથી પણ ભરેલી ભુમી હતી જેમા હિબ્રુ, ગ્રીક અને લેટિન ભાષાને વાચનારો વર્ગ હતો. તેમની જાણકારી માટે ત્રણ ભાષાનો ઉપયોગ થતો હતો. એક વખત વ્યક્તિને ક્રુસે લટકાવી દેવામાં આવે એટલે આ પાટિયું વ્યક્તિના માથા ઉપર ક્રુસ ઉપર ટીંગાડી દેવામાં આવતું. રોમન સૈનિકો આ જગ્યા ત્યાં સુધી ના છોડતા જ્યાં સુધી ગુનેગાર મૃત્યુ ન પામે.

 

શહેરની દિવાલની બહાર જ્યા ક્રુસની શિક્ષા થતી ત્યાં ઊભુ લાકડું હંમેશા જમીનમાં જડેલું રાખવામાં આવતું. સામાન્ય રીતે વ્યક્તિના હાથ પગ ક્રુસ ઉપર બાંધવામાં આવતા કે પછી ખીલે જડી દેવામાં આવતા. રોમનો મોટાભાગે ખીલા જડવાનું વધુ પસંદ કરતા કારણ તેમા પણ ક્રુરતા હતી. આ ખીલા લગભગ પાંચથી સાત ઇંચ જેટલા લાંબા રખાતા. ખીલા મોટાભાગે હથેળીની જગ્યાએ નહી પરંતુ કાંડા પર લગાવવામા આવતા હતા.

 

ઘણીવાર ક્રુસ ઉપર જડેલો વ્યક્તિ લાંબું જીવી વધુ વેદના વેઠે તેવા હેતુથી જે તે વ્યક્તિના પગ નીચે એક નાનો લાકડાનો ટુકડો મૂકવામાં આવતો.  લાકડાનો આ ટુકડો ક્રુસની શિક્ષાને હળવી કરવાની પ્રક્રિયાના ભાગરુપે ન હતો. પરંતુ આ પ્રક્રિયા ગુનેગારને વધારે હંફાવી દેનાર અને ધીમા મૃત્યુને આવકારનારી પ્રક્રિયા હતી. ક્રુસ ઉપર લટકાયેલો વ્યક્તિ થાકેલો છે. આખું શરીર નંખાઈ ગયું છે. હવે એક એવી ક્ષણ આવે છે જ્યારે વ્યક્તિ ક્રુસ ઉપર જ ફસડાઈ પડે છે. તેના ફેફસા દબાઈ જાય છે. હવે ખરેખર શ્વાસ લેવાની તકલીફ ઊભી થાય છે. આવી વખતે વ્યક્તિને પગ આગળ મુકેલ લાકડાનો ટુકડો કામે લાગે છે. તે પોતાના પગ ઉપર શરીરનું વજન લાવી લાકડાના ટુકડાને સહારે ઊંચો થાય છે. જેવો ઊંચો થાય છે તેવો જ તેના ફેફસા ફરીથી શ્વાસ લેવા માટે મુક્ત બને છે. એક કે બે ઊંડા શ્વાસ લે છે પણ ફરીથી પાછું અશક્તિને કારણે વ્યક્તિ ક્રુસ ઉપર જ ફસડાઈ પડે છે. આમ વ્યક્તિ જીવશે તો લાંબુ પણ રિબાઈ રિબાઈને. જો આ પ્રક્રિયા લંબાઈ જાય તો સૈનિકો હથોડા વડે જે તે ગુનેગારના પગ ભાંગી નાખતા. હવે ગુનેગાર પગ ઉપર શરીરનું વજન લાવી લાકડાના ટુકડાને સહારે ઊંચો થઇ શ્વાસ લઈ શકે નહીં. અને આમ થોડા જ વખતમાં તે મૃત્યુ પામશે. સૈનિકો ઇસુની આજુબાજુના ગુનેગારના પણ આ જ રીતે પગ ભાંગી નાખે છે. પરંતુ જ્યારે તેઓ ઈસુ પાસે આવે છે ત્યારે માલૂમ પડે છે કે ઇસુ તો ક્યારનાય મૃત્યુ પામી ચૂક્યા છે. અને તેથી સૈનિકો ઈસુના પગ ભાંગતા નથી પરંતુ પોતાની પાસેનો ભાલો લઇ તેમના હૃદયમાં ખોશી દે છે. ઘણીવાર વ્યક્તિ મૃત્યુ પામે છે કે નહીં તે જાણવા તેમની છાતી ઉપર ભાલાથી પ્રહાર કરાતો. આ ભાલાની લંબાઈ આશરે પાંચથી સાત ફૂટ જેટલી લાંબી રહેતી.

 

*સીન ૧૦ (યોહાન ૧૯:૨૮-૨૯)*

 

*“ત્યાર પછી, હવે બધું પૂરું થયું છે એમ જાણતા હોય ને શાસ્ત્રની વાણી સાચી પાડવા ઈસુએ કહ્યું, ‘મને તરસ લાગી છે.’ ખાટો દ્રાક્ષારસ ભરેલી એક બરણી ત્યાં પડેલી હતી, એટલે તેમા એક વાદળી બોળી ભાલામા ખોસી તેમના મોઢા આગળ ધરવામાં આવી.”*

 

જ્યારે પણ વ્યક્તિને ક્રુસની શિક્ષા કરાય ત્યાં એક સરકો ભરેલું એક વાસણ પડેલું હોય. આ એક પ્રકારની ઘેનની દવાનું કામ કરતું. વળી જે તે વ્યક્તિને ક્રુસના દુઃખમાંથી થોડું હળવું પણ કરતું. ઘણીવાર સરકો પીધેલી વ્યક્તિ બે ત્રણ દિવસ સુધી ગાંડા જેવો બનીને  ચીસો પાડી પાડીને મૃત્યુ પામતો.

 

*સીન ૧૧ (યોહાન ૧૯:૩૦)*

 

*”ખાટો દ્રાક્ષાસવ લીધા પછી ઇસુ બોલ્યા, ‘પૂરું થયું!’  આમ કહીને માથું નમાવીને તેમણે પ્રાણ સોંપી દીધા.”*

 

ગુજરાતીમા આપણે કહીએ છીએ ‘પૂરું થયું’.  ઇંગલિશ ભાષામાં આપણે કહીએ છીએ It is finished.  પરંતુ ગ્રીક ભાષામા તે માટે શબ્દ આપેલો છે *Tetelestai (તેતેલેસ્તાઇ).*   આ શબ્દના મુળ અર્થને સમજવા પ્રયત્ન કરીએ.

 

થોડા વખત પહેલાં કેટલાક પુરાતત્વવિદોએ પવિત્ર ભૂમિ યરૂશાલેમમાં ખોદકામનુ કામ હાથ ધર્યું. આ ખોદકામમાં તેમને કરવેરો ઉઘરાવતી એક ઓફિસ હાથમાં લાગી. શોધખોળ કરતાં કર ઉઘરાવવાને લગતા કેટલાક દસ્તાવેજો તેમના હાથમાં લાગ્યા.  ઘણા બધા દસ્તાવેજોને અંતે આ શબ્દ Tetelestai (તેતેલેસ્તાઇ) લખવામાં આવ્યો હતો. તેનો અર્થ એવો થતો હતો કે કાગળમાં દર્શાવેલ લોકોએ કરવેરાની ચુકવણી કરી દીધેલી છે.  હવે આ લોકોએ કોઈ કરવેરાની ચૂકવણી કરવાની બાકી રહેતી નથી.

 

*ઈસુ પણ આ જ શબ્દ બોલ્યા હતા Tetelestai (તેતેલેસ્તાઇ).   તેનો શો અર્થ થતો હશે ??? ઇસુએ  કહ્યું સમાપ્ત થયું, પૂર્ણ થયું.  પરંતુ આપણા મનમાં પ્રશ્ન થાય શું સમાપ્ત થયું ??? શું પૂર્ણ થયું ???*

 

*બાબત એ જ સાબિત થાય છે કે ઇસુએ આપણા સર્વ માટે ક્રોસ પર મરી જઇને આપણા માટે સંપૂર્ણ ચુકવણી કરી દીધી છે. હવે આપણે કોઈ ચૂકવણી કરવાની રહેતી નથી.*

 

*ઇસુની દફનવિધિ*

 

“નાજરેથના ઇસુ યહૂદીઓના રાજા” ના પદ, પ્રતિષ્ટા અને સંપૂર્ણ સન્માન સાથે ઈસુ શુક્રવારે ત્રણ વાગ્યે ક્રુસ ઉપર મૃત્યુ પામ્યાં.

 

સામાન્ય રીતે વ્યક્તિના ક્રુસના મૃત્યુ પછી જે તે વ્યક્તિની લાશ ક્રુસ ઉપર ટીંગાઇ રહેતી. પરંતુ ઘણીવાર જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તેના કુટુંબીજનો દ્વારા તેની લાશ માગવામાં આવતી. રોમન કાયદા મુજબ જે તે સગાસંબંધીની આ પ્રકારની માંગણીને ધ્યાનમા રાખી લાશ સોંપવામાં આવતી.

 

હવે સાંજે સૂર્યાસ્ત થતાં વર્ષનો સૌથી મોટો વિશ્રામવાર શરૂ થવાનો છે. જો સૂર્યાસ્ત પહેલાં વ્યક્તિના શબને ક્રુસ ઉપરથી ઉતારી લેવામાં ન આવે તો પછી શબ આખો શનિવાર ક્રુસ ઉપર જ રહે. શબો ક્રુસ ઉપર રહે એમ યહુદીઓ ઈચ્છતા નહોતા. વળી, એ વિશ્રામવાર તો મોટા પર્વનો દિવસ હતો. આથી તેઓએ પિલાતને  વિનંતી કરી કે પગ તોડીને શબોને ઉતરાવી લો. સૈનિકો પ્રથમ ઇસુની સાથે જડાયેલા બે જણાના એક પછી એક કરીને પગ તોડી નાખે છે. જ્યારે તેઓ ઇસુ પાસે આવે છે ત્યારે માલૂમ પડે છે કે એતો મરણ પામી ચૂક્યા છે.

 

આરિમથાઇનો યોસેફ અને  નિકોદેમસ ઇસુને ક્રુસ પરથી ઉતારી લેવા પિલાતની રજા માગે છે. રોમન કાયદા મુજબ તેમને રજા મળે છે. ઇસુના દફન માટે તેઓ આશરે અઢી મણ બોળ અને અગરુંનુ  મિશ્રણ લઇ આવે છે. યહૂદીઓની દફન વિધી અનુસાર સુગંધી દ્રવ્ય સાથે  ઇસુના શબને શણના કાપડમા વિંટાળવામા આવે છે. આપણને જાણ છે તે મુજબ ખોપરીની જગ્યાએ એક તૃતિયાંશ ભાગ હજુ પણ વણવપરાય રહેતો હતો. અહીંયા એક વણવપરાયેલી કબર હતી. ઇસુને પૂરા સન્માન સાથે આ કબરમાં દફનાવવામાં આવે છે. આમીન.

 

 

*જય ઈસુ*

---------------------------------

સૌજન્ય...🙏

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,

નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯

ગુજરાત.  મોબાઇલ : 8469491502 

 

 

 

*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26