સંત ઈગ્નાસ વર્ષની ઉજવણી...
*સંત ઈગ્નાસ વર્ષ*
*૨૦મી મે ૨૦૨૧ થી ૩૧મી જુલાઈ ૨૦૨૨*
ઈસુસંઘ (Society of Jesus) આ વર્ષે ઈગ્નાસ વર્ષની ઉજવણી કરે છે. *ઈગ્નાસ વર્ષની શુભ શરૂઆત ૨૦મી મે ૨૦૨૧ એટલે કે આજના શુભદિનથી થાય છે અને તેની ભવ્ય પૂર્ણાહુતિ ૩૧મી જુલાઈ ૨૦૨૨ના રોજ થશે.* હવે, તમારા મનમાં પ્રશ્ન ઉદ્દભવતો હશે કે, શા માટે ૨૦મી મે ના શુભદિને ઈગ્નાસ વર્ષની શરૂઆત કરવામાં આવે છે?
૨૦મી મે ૧૫૨૧ એટલે કે બરાબર ૫૦૦ વર્ષ પહેલા નવાર પ્રાંતના મુખ્ય શહેર પામ્પલોના પર ફ્રેન્ચ સૈન્ય આક્રમણ કરે છે. આ યુદ્ધ સ્પેનિશ સૈન્યને જીતવું હતું અને કોઈપણ ભોગે પામ્પલોના બચાવવું હતું. એટલે નવાર પ્રાંતના રાજવીનો શૂરવીર ઈગ્નાસ આગળ આવે છે. આ યુદ્ધભૂમિમાં આગેવાની કરી રહેલા ઈગ્નાસના બંને પગને ગંભીરપણે ઘાયલ કરતો ફ્રેન્ચ સૈન્યનો તોપનો ગોળો વાગે છે. આ તોપનો ગોળો પરાક્રમી ઈગ્નાસના પગના ચૂરેચૂરા કરી નાખે છે. આ ઘટના ઈગ્નાસનો જીવનપલટો કરી નાખે છે. લોયોલાના કિલ્લામાં પથારીવશ ઈગ્નાસ ઈસુને અનુસરવાનો નિર્ણય લે છે. ઈગ્નાસના જીવનમાં આ પરિવર્તનથી અને ઇતિહાસસર્જક નિર્ણયથી ઈસુસંઘ અસ્તિત્વમાં આવ્યો. એટલે *ઇસુસંઘની સ્થાપનાનું બીજ ૨૦મી મે ૧૫૨૧માં તોપના ગોળાને કારણે રોપાયું એ કહેવામાં અતિશયોક્તિ નહિ હોય. *ઈગ્નાસ વર્ષ દરમિયાન ૧૨મી માર્ચ ૨૦૨૨નો દિવસ પણ ખુબ મહત્વનો છે. કારણ આ શુભદિને બરાબર ૪૦૦ વર્ષ પહેલાં એટલે કે ૧૨મી માર્ચ ૧૬૨૨ ના રોજ ધર્મસભાએ ઈગ્નાસને સંત જાહેર કર્યા હતા.* ઈગ્નાસ વર્ષનો મુદ્રાલેખ છે: *'ખ્રિસ્તમાં સઘળું નવી દ્રષ્ટિએ નિહાળવું' (To see all things new in Christ).*


Comments
Post a Comment