ઈસુના પૂજ્ય હ્રદય 💝 નું પર્વ...

વ્હાલા સ્વજનો, 

આપણે છેલ્લા નવ દિવસથી *ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ* કરી છે. આજે એના ક્લાઈમેક્ષ સ્વરૂપે આપણે ઈસુના પૂજ્ય હ્રદય 💝 નું પર્વ ઉજવીશું. માનો કે ના માનો ઈસુ ખ્રિસ્તે આપણને ઘણી બધી આશિષો આપી છે. 

આવો પ્રસ્તુત લેખના વિચારોના માધ્યમથી ઈસુના પૂજ્ય હ્રદયને સમજીએ અને ઈસુના પૂજ્ય હ્રદયનો તહેવાર ખરી શ્રદ્ધાથી ઉજવીએ. 

*ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર - મૂળ સ્તોત્રની પુન: શોધ*

ત્યાર પછી ઈસુ નાઈન નામના ગામે ગયા. તેમના શિષ્યો અને પુષ્કળ માણસો પણ તેમની સાથે હતાં. તેઓ ગામના દરવાજા નજીક પહોંચ્યા. ત્યાં કોઇ વિધવાનો એકનો એક દીકરો મરી ગયો હતો. તેને લઈને આવતા લોકો તેમને સામે મળ્યા. ગામના પુષ્કળ લોકો તે બાઈની સાથે હતા. 

👉 *તે જોઈને ઈસુના દિલમાં 💝 દયા આવી.* (લુક : ૭)

એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા. પણ ઘણા લોકોએ તેઓને જતા જોયાં અને ઓળખી કાઢ્યા. પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા ઉતાવળા જમીનમાર્ગે તેમના કરતાં પહેલા આવી પહોંચ્યા. કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ.

👉 *લોકોને ભરવાડ વગરના ઘેટાં જેવા જોઈને તેમનું હૈયું 💝 દયાથી ભરાઈ આવ્યું.*(માર્ક : ૬)

એવામાં રસ્તાની ધારે બેઠેલા બે આંધળા, ઈસુ ત્યાં થઇને જાય છે એમ સાંભળતા, બૂમ પાડી ઊઠ્યા, “ઓ પ્રભુ, ઓ દાવિદના પુત્ર અમારા ઉપર દયા કરો". ટોળાના લોકોએ ધમકાવીને તેમને મૂંગા રહેવા કહ્યું. પણ તેઓ ઉલ્ટા વધારે જોરથી બૂમો પાડવા લાગ્યા, “ઓ પ્રભુ, ઓ દાવિદના પુત્ર, અમારા પર દયા કરો.” ઈસુએ ઊભા રહીને તેને બોલાવીને પૂછ્યું, “તમારી શું ઈચ્છા છે? તમારે માટે હું શું કરું?” તેમણે કહ્યું, “પ્રભુ અમે દેખતા કરો.” 

👉 *આથી ઈસુના દિલમાં 💝 દયા આવી.*(માથ્થી : ૨૦)

ઉપરના ત્રણ શાસ્ત્ર પાઠો આપણને ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર “પ્રેમ અને કરુણા” ખરા અર્થમાં શું છે તે વિશે ચિંતન કરવા પ્રેરિત કરે છે. આપણા સર્વનુ નિર્માણ ઈશ્વરમાંથી જ થયેલું છે. ઈશ્વરનું બીજું સ્વરૂપ એટલે કે પ્રેમ અને કરુણા. આ પૃથ્વી ઉપર આપણે જરૂરથી જુદાં-જુદાં પાત્રો ભજવીએ છે.પરંતુ છેલ્લે દરેક પાત્રની રજૂઆત આપણ સર્વને આપણા મૂળ તરફ લઈ જાય છે અને તે છે પ્રેમ અને કરુણા સભર હ્રદય. ઉપરના ત્રણે ઉદાહરણો ત્રણ જુદાં-જુદાં શુભસંદેશકારોના ગ્રંથમાંથી લેવામાં આવેલા છે. *ત્રણેય શુભસંદેશકારોમાં એક વાત ખૂબ જ સ્પષ્ટ જોવા મળે છે અને તે એ કે લોકોના ટોળાંને  ભરવાડ વિનાનાં ઘેટાં જેવાં અસહાય અને નિરાધાર જોઈને ઈસુના દિલમાં દયા પ્રગટે છે. આ દયા અને કરુણા ફક્ત શબ્દ પુરતી મર્યાદીત ન રહેતા કાર્યમા પરિણમે છે. કાર્ય માટે જરુરથી તેની કિંમત પણ ચુકવવી પડતી હોય છે. લોકોના હિતાર્થે કાર્યમગ્ન બનેલા ઈસુ છેલ્લે પોતાનુ જીવન ક્રૂસ ઉપર સમર્પિત કરે છે.*

“યલોસ્ટોન નેશનલ પાર્ક” નામના જંગલમાં આગ લાગી. આગ હોલવાઈ ગયા બાદ વન સૌરક્ષણ અધિકારીઓ દ્વારા જંગલને થયેલા નુકસાનની આકારણી કરવા માટે એક પર્વતની યાત્રા શરૂ કરવામા આવી.

આ આકારણીમા એક કર્મચારીને એક મૃત પક્ષી મળી આવ્યું જે રાખમાં ઘેરાયેલું હતુ. આ કર્મચારીએ કંઈક વિશિષ્ટ લાગતા તે પક્ષીની નજીક જઈને તપાસ કરવા લાગ્યો. જ્યારે તેણે હળવેથી તે પક્ષીને પોતાના હાથમાં ઉચક્યું ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે ત્રણ નાના બચ્ચાંઓ આ મૃત માતાની પાંખોની નીચેથી મળ્યાં. પ્રેમાળ માતા પોતાના ઉપર તોળાઈ રહેલી દુર્ઘટના પ્રત્યે ખૂબ જાગૃત હતી. આગની શરુઆત થતાં જ તે તેના સંતાનોને ઝાડના થડની બાજુમાં લઈ ગઈ હતી. આગ લાગતા જ ઝેરી ધૂમ્રપાન થશે તેવું સહજતાથી જાણીને તેણે તેની પાંખો એકઠી કરી તેની હેઠળ પોતાના બચ્ચાંઓને લઈ લીધા. તે પક્ષી જરુરથી પોતાની સલામતી માટેની ઉડાન ભરી શક્યું હોત, પરંતુ તે તેના બચ્ચાઓને છોડી દેવા તૈયાર ન હતું. પછી જંગલમા લાગેલી જ્વલંત આગ તેની નજીક આવી તેના આખા શરીરને દઝાવી ગઈ, પરંતુ માતા અડગ રહી..... કારણ એક જ હતું કે તે તો જરુર આ આગમાં મૃત્યુ પામશે પરંતુ તેની પાંખોની નીચે આવનારાઓ જરુર જીવશે.

થોડા સમય પહેલા નેશનલ જ્યોગ્રાફિક ચેનલ ઉપર એક ડોક્યુમેન્ટરી જોવા મળી. તેનું ટાઈટલ કંઈક “Rediscovering the original root” એટલે કે “મૂળ સ્તોત્રની પુન: શોધ” ને મળતું આવતું હતું. વાત હતી ‘સલોમોન’ કરીને માછલીઓની. “સલોમોન-રન" એક એવો સમય છે જ્યારે સલોમોન માછલી સમુદ્રમાંથી નદી તરફ સ્થળાંતર કરે છે. તેઓ જ્યાં તેમનો જન્મ થયો હતો તે તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં ચોક્કસ ઘણી મુશ્કેલીઓ છે, એક તરફ નદીનું છીછરું પાણી અને પથ્થરથી ખરબચડો બનેલો દુર્ગમ માર્ગ તો બીજી તરફ રીંછ અને ગરુડ જેવા પશુ પક્ષીઓનો ભય. પરંતુ આ બધામાં અડગ રહીને આ માછલીઓ પોતાના જન્મ સ્થળ પર પહોંચી ઈંડા મૂકે છે. અને અંતે ત્યાજ તેઓ મૃત્યુ પામે છે. જ્યાં તેમના જીવનચક્રની શરૂઆત થઈ હતી ત્યાં જ તેમનો અંત આવે છે.

ઈસુના પૂજ્ય હૃદયના તહેવારે આપણે પણ આપણા પ્રેમ અને કરૂણાસભર હૃદયની પુન: મુલાકાત લેવી જ રહી. જરુર છે મૂળ સ્તોત્રની પુન: શોધ. એ જ આપણને આપણા જીવનનો ખરો મર્મ સમજાવે છે અને તેમાં જ આપણુ અસ્તિત્વ સમાયેલું છે. આમીન.

*જય ઈસુ*

---------------------------------

 *તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*

ઈસુનું પૂજ્ય હ્રદય 💝 આપના હ્રદયને એમનાં હ્રદય જેવું પવિત્ર અને પૂજ્ય બનાવે એવી શુભકામનાઓ...🙏🙏🙏





 


Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26