આજની પ્રાર્થના પર મનન ચિંતન

*તમે દુનિયાના દીવા છો અને ધરતીનું લૂણ છો.*

ઈસુએ એક વખત પોતાના શિષ્યોને પૂછ્યું હું કોણ છું? તમે શું કહો છો?

આજે આપણે ઈસુના અનુયાયીઓ તરીકે ઈસુને પૂછીએ. ઈસુ અમે કોણ છીએ? તમે શું કહો છો?

ઈસુ રૂપક અલંકાર વાપરીને આપણને જવાબ આપે છે ‘તમે ધરતીનું લૂણ છો’. ઈસુએ તો ગાગરમાં સાગર ભરી થોડામાં ઘણું કહ્યું. રૂપક અલંકાર. લૂણ એટલે મીઠુ (Salt).

આ મીઠાના ગુણધર્મો કયા? સૌથી પહેલો (1) દેખાવમાં શુદ્ધ- સફેદ. (2) મીઠાના ફાકા ના મારી શકાય. ચોખા ચવાય. મીઠું એટલું ન ખવાય. (3) જ્યાં સ્વાદ નથી ત્યાં સ્વાદ આપે. ખીચડીમાં, રોટલીમાં, શાકમાં, કચુંબરમાં મીઠું નથી ઉમેરી દો સ્વાદ આવી ગયો. (4) ગુણધર્મ – સ્વાદ વધારે. તરબુચ કાપ્યું, સફરજન કાપ્યુ મીઠું ભભરાવો. સ્વાદ વધી ગયો. (5) ઉષ્ણતાપમાન ઘટાડે – ભૂતકાળમાં કોઠીમાં આઇસ્ક્રીમ બનાવતા અને આઇસ્ક્રીમ માટે કોઠીમાં બરફ ભર્યો હોય એમાં મીઠું નાખીએ. બરફ જ શૂન્ય ડીગ્રી સેન્ટીગ્રેડ છે ને તેમાં મીઠુ નાખીએ એટલે ઉષ્ણતાપમાન ઘટતુ જાય. મીઠુ ઉષ્ણતાપમાન ઘટાડે (6) મીઠુ સાચવી રાખે - કેટલી બધી બાબતો આપણે મીઠા દ્વારા સાચવી રાખીએ છીએ. મીઠાના પાણીમાં આમળુ વગેરે.. (7) મીઠુ સ્વાસ્થ્ય બક્ષે - દાંત દુઃખે છે ડોક્ટરો કહેશે મીઠાના પાણીના કોગળા કરજો. ગળામાં દુઃખે છે મીઠાના પાણીના કોગળા કરજો. પગ મચકોડાઈ ગયો હળદરમાં થોડુ મીઠુ પાણીમાં ગરમ કરી લગાવી દેજો. રસાયણ શાસ્ત્રીઓ કહેશે મીઠુ એટલે NACL – સોડીયમ ક્લોરાઇડ. મારું જ્ઞાન એટલુ પાકુ નથી પણ એટલું સાંભળ્યું છે કે શરીરમાં સોડીયમની ખૂબ જરૂર છે અને સોડીયમ મગજને સ્થિરતા આપે છે. મગજનું સંતુલિતપણું જાળવી રાખે છે. આટલા બધા મીઠાના ગુણધર્મો છે. એટલે જ ઈસુએ મારી, તમારી, આપણી અસ્મિતા જાહેર કરવા શબ્દ વાપર્યો - ‘તમે ધરતીનું લૂણ છો’ ચાલો ગોઠવી જોઈએ.

મીઠુ શુદ્ધ :- ઈસુનો અનુયાયી શુદ્ધ હોવો ઘટે. આ એની અસ્મિતા માત્ર બાહ્ય રીતે નહી આંતરિક રીતે. બાહ્ય દેહ શુદ્ધિ નહી પણ અંતર શુદ્ધિ, દેહ શુદ્ધિ.

મીઠાના એકલા ફાકા ન મરાય :- ઈસુનો અનુયાયી કદી એકલપટો, એકલપંડો અને એકલવાયો નથી. ભળી જાય. સમગ્ર સમાજમાં ઓગળી જાય.

સ્વાદ આપે :- જેનું જીવન નિરસ થઈ ગયું છે જેનું જીવન શુષ્ક થઈ ગયું છે. તેને ખીલવી આપે. સ્વાદ ઉમેરે. 

ઉષ્ણતાપમાન ઘટાડે :- બે વિગ્રહમાં સંડોવાયા છે. આ ઈસુનો અનુયાયી આ બંનેના ઉષ્ણતાપમાનને ઘટાડતા જ જાય. વિગ્રહ આખરે બંધ થઈ જાય.

સાચવી રાખે :- કોઈ નિરાશ થઈ ગયો છે. જીવન ટૂંકાવી દેવાનો વિચાર કરી રહ્યો છે. ઈસુનો અનુયાયી વાત કરે ને પેલું જીવન સચવાઈ જાય.

સ્થિરતા :- જેમ સોડીયમ શરીરને સ્થિરતા આપે છે. ઈસુનો અનુયાયી જ્યાં હોય ત્યાં સ્થિરતા Constancy – steadfastness.

ઈસુનો અનુયાયી જ્યાં હોય ત્યાં તેણે ધરતીનું લૂણ બનવાનું છે. એ ધરતીનું લૂણ અહીં હોય કે ત્યાં, દેશમાં હોય કે પરદેશમાં. આ વૈશ્વિક અસ્મિતા છે.

બીજુ રૂપક ‘તમે દુનિયાના દીવા છો’ દીવાના બે મુખ્ય કાર્ય – અંધાર ઉલેચે અને પ્રકાશ પ્રસારે. ઈસુનો અનુયાયી અજ્ઞાન, અંધશ્રદ્ધા, અંધકાર દૂર કરે અને સત્ય અને પ્રેમનો પ્રકાશ પ્રસારે. આ દીવો અને આ લૂણ બંનેમાં કયો તફાવત – લૂણ ભળી જશે. ક્યાંય નજરે નહી પડે. ચાખવું પડશે. – ખીચડી ચાખીએ કે લીંબુનું મીઠાવાળું પાણીનું શરબત ચાખીએ. ચાખવાથી ખબર પડશે. જ્યારે દીવો સીધે સીધુ આંખે જોઈ શકે આ તફાવત છે. એક અદ્રશ્ય છે. બીજુ દ્રશ્ય છે. બંનેમાં શક્યતા ઈસુ રજૂ કરે છે. લૂણ કદાચ સલૂણુ ન કરી શકાય. આ ટોપલા નીચેનો દીવો કદાચ ટોપલા નીચે જ રહી જાય. પણ જો ઈસુનો અનુયાયી ભૂલેચૂકે અલુણો થઈ ગયો તો તેણે સલુણો થવાનું છે. જો એ ટોપલા નીચે ઢંકાઈ ગયો તો તેણે દીવી પર આવવાનું છે.

પ્રભુએ આપેલી એક ઓળખાણ દુનિયાના દીવા, પ્રકાશના સંતાનો, પ્રકાશને અનુસરનારાઓ એમ પ્રભુએ પોતે કરાવી છે. આ ઓળખાણ ઢાંકી રાખવા કે અંધકારમાં અથડાઈને જીવન વ્યર્થ કરવા માટે નથી. આપણે તો પ્રભુના પ્રકાશથી પ્રકાશવાનું છે. મીણબત્તી બની દિવ્ય પ્રકાશમાં સમાઈ જવુ પડશે, ધૂપ બની સુગંધ દઈ નષ્ટ થવાનું છે. એ જ રીતે ઈસુના શિષ્યએ શૂન્યવત બનવાનું છે. દાસનું સ્વરૂપ ધારણ કરવાનું. તો ચાલો, આપણા વાણી, વિચાર, વર્તન દ્વારા દુનિયાને બતાવીએ કે, અમે ધરતીનું લૂણ અને દુનિયાના દીવા છે.

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26