રોટલી અને દ્રાક્ષરસના સ્વરૂપમાં ઈસુનો સાક્ષાત્કાર...
મધ્ય ગુજરાતના એ નાના નાના ગામડાઓમાં ધર્મના ઊંડા પાયા નાખવામાં મિશનરી ફાધરો, સિસ્ટરો, ધર્મ શિક્ષકો અને તેમના દ્વારા આપવામાં આવતું ધાર્મિક શિક્ષણ તેમજ વિશેષ પ્રવૃત્તિઓનો ફાળો અનન્ય હતો. આ પ્રવૃત્તિઓના એક ભાગરૂપે અમારા નાના એવા મરીયમપુરા ગામમાં દર છ મહિને એક ધાર્મિક ફિલ્મ મોટા પડદા પર બતાવવામાં આવતું. આમ તો ફિલ્મ ઇંગલિશ કે પછી સ્પેનીશ ભાષામાં હોય પરંતુ ફાધર દ્વારા તેનુ ગુજરાતીમાં ભાષાંતર કરી લોકોને રનીંગ કોમેન્ટરી આપવામાં આવતી. છ સાત વર્ષના અમારા જેવા બાળકોને આમ તો આ ભાષામાં વિશેષ સૂઝ પડતી નહીં. અને તેમાં પણ સ્પેનિશ ફાધરનુ ગુજરાતી ભાષાંતર અને ઉચ્ચારણ કંઈક અલગ જ હોય. પરંતુ હા એક બાબત ચોક્કસ હતી કે આ ફિલ્મનો સંદેશો અમારા દિલોદિમાગમાં ખરેખર સોંસરવો ઉતરી જતો.
આવુ જ એક ફિલ્મ જોયાની યાદગીરી હાલમા પણ છે. ફિલ્મનુ નામ હતું “માર્સલીનો પાન યે વીનો”. અમારા જેવા થોડા તોફાની બાળકના જીવનમાં ઈસુ પ્રત્યેના પ્રેમનો અનુભવ આ ફિલ્મ દ્વારા નાનપણથી જ અનુભવાય ગયો. આ ફિલ્મની વાર્તા “માર્સલીનો” નામના પાત્રની આસપાસ ફર્યા કરે છે. માર્સલીનો એક અનાથ બાળક છે કે જે સંન્યાસીઓના એક મઠની બહાર નાનપણમા છોડી દેવામાં આવ્યો હતો. મઠના સન્યાસીઓ દ્વારા આ બાળકનો ઉછેર કરવામાં આવ્યો. થોડા તોફાની એવા આ બાળકને સન્યાસઓ દ્વારા થોડો તો અંકુશમાં રાખવાની જરૂર હતી. માર્સલીનો તો ગમે ત્યા ચાલવા માંડતો. મઠના સન્યાસીઓ તેને મકાનના ઉપર આવેલા મોટા ભંડારિયામાં જવા દેવા માગતા ન હતા. તેઓ તેને કહેતા કે ત્યા ખુબ જ મોટો માણસ છે, જો તુ ત્યા જશે તો તે તને લઈ જશે. ઘણી વાર અમને પણ અમારા મા-બાપ દ્વારા કહેવામાં આવતું કે બહાર આમતેમ રખડશો નહીં. નહીં તો બાવો આવીને પકડી જશે.
બાળકો હંમેશા જિજ્ઞાસુ હોય છે. જે કરવા માટે તમે તેને ના કહો તે કરવા જ તે વધુ આતુંર રહેશે. અહીંયા આ બાળક પણ ગમે તેમ કરીને આ ભંડારિયામાં જઇ ત્યા એ માણસ કેટલો મોટો છે તે જોવા માટે આતુર છે. એક વાર હિંમત કરીને તે ભંડારિયામાં પ્રવેશે છે પણ ખરો પરંતુ બીકનો માર્યો ફરીથી નીચે ઉતરી જાય છે.
હવે આવામાં એક ઘટના બને છે કે જેમાં શહેરના મેયર માર્સલીનો દ્વારા બનેલી એક ઘટનાનો ઉપયોગ કરી સંન્યાસીઓના મઠને તાળા મારી બંધ કરવા માટે પ્રયત્ન કરે છે. સન્યાસી દ્વારા માર્સલીનોને મઠમા જ રહી મૌન વ્રત ધારણ કરવાનુ કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આ બાળક ફરીવાર મકાનના ઉપરના ભાગમાં આવેલા ભંડારિયામાં જવાની હિંમત મેળવે છે અને હળવેક્થી ઉપર પહુચે છે. ત્યાં તે ક્રુસ ઉપર લટકાવેલા ઈસુની એક સુંદર પ્રતિમાને જુએ છે. માર્સલીનોને લાગે છે કે ઈસુ ક્રુસ ઉપર ભૂખ્યા અને તરસ્યા છે. તે તરત જ નીચે જઇને રોટલી અને દ્રાક્ષારસને સંતાડીને ઉપર લઈ આવે છે. પોતાના હાથ ઉચા કરીને તે ઇસુની પ્રતિમાને ખાવા માટે આપે છે. અને ખરેખર ઈસુ ક્રુસ ઉપરથી આ બાળક દ્વારા જે પણ લાવવામાં આવ્યું છે તે રોટલી અને દ્રાક્ષારસ ખાય છે -પીવે છે પણ ખરા. ઇસુની પ્રતિમા માર્સલીનોની શ્રેષ્ઠ મિત્ર બને છે. ધીરે ધીરે માર્સલીનોને અનુભવ થાય છે કે આ પ્રતિમા નથી પરંતુ ઇસુ ખ્રિસ્ત છે. બીજી તરફ મઠના સન્યાસીઓને દરરોજ રોટલી અને દ્રાક્ષારસ ગુમ થયાનું માલૂમ પડે છે. અને તે માટે તેઓ હવે માર્સલીનો ઉપર ચાપતી નજર રાખે છે.
હવે એક વખત ઇસુની પ્રતિમા જુએ છે કે માર્સલીનો ખુશ રહેવાને બદલે ચિંતામાં ડૂબેલો છે. ઇસુની પ્રતિમા તેને કહે છે કે હું તારા પ્રેમ, દયા અને કરુણા બદલ ખુશ છું અને હુ તને તેનો બદલો આપીશ. તે જ વખતે અનાથ માર્સલીનો કહે છે, “હું ફક્ત અને ફક્ત મારી માતાને જોવા માગું છું. અને ત્યારબાદ હું તમારી માતાને પણ જોવા માગું છું.” ઈસુની પ્રતિમા માર્સલીનોને તેમના પ્રેમાળ હાથોના પારણામાં સૂઈ જવા માટે કહે છે. અને માર્સલીનો ઇસુના પ્રેમાળ હાથોમા કાયમ માટે સુઈ જઇ એક સુંદર મૃત્યુને ભેટે છે.
ઈસુએ રોટલી અને દ્રાક્ષારસના રૂપમાં પોતાનું શરીર અને લોહી ક્રુસ ઉપર અર્પી દીધું તેવી જ રીતે આ એક નાના બાળકે પણ રોટલી અને દ્રાક્ષારસ રુપે પોતાના પ્રેમ, દયા અને કરુણા ઇસુને અર્પણ કરીને પોતાનું જીવન તેમના હાથમાં સમર્પી દીધું. આવો હતો આ પ્રેમાળ સંબંધ.
*હવે ભોજન દરમિયાન ઈસુએ રોટી લીધી, ઈશ્વરની સ્તુતિ કરી, અને તેના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, “લો, આ મારું શરીર છે.”*
*ત્યાર પછી તેમણે એક પ્યાલો લીધો અને ઈશ્વરનો આભાર માની તે શિષ્યોને આપ્યો, અને બધાએ તેમાંથી પીધું. ઈસુએ તેમને કહ્યું, “આ મારું લોહી છે. કરારનુ લોહી છે. તે સૌની ખાતર રેડાવાનું છે.*
પ્રભુ ઈસુના શરીર અને લોહીનો આત્મસાત કરવો એટલે શું???
*રોટલી અને દ્રાક્ષરસના સ્વરૂપમાં ઇસુના શરીર અને લોહીનો આત્મસાત કરવો એટલે ઇસુએ પોતાના જીવન થકી આપણને જે પણ શીખવ્યુ છે તે શીખવાનો આપણો પ્રયત્ન. જીવનમાં ધીરે ધીરે આપણા મન, વિચાર અને દ્રષ્ટિ દ્વારા ઇસુ જે રીતે જીવ્યા તે પર ચાલવાનો એક પ્રયાસ.... આ પ્રયાસ એવો હોય કે અમુક વર્ષના અનુભવ બાદ આપણને પણ તે સંત પાઉલની જેમ બોલતા શીખવે કે ખ્રિસ્તની ખાતર હું પણ ક્રુસ ઉપર જડાયેલો છું. એટલે હવે જે જીવે છે તે હું નથી જીવતો પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. આ નશ્વર દેહે હું જે જીવું છું તે મારા ઉપર પ્રેમ રાખનાર અને મારા ખાતર પોતાની જાત સમર્પી દેનાર ઈશ્વરપુત્ર ઉપરની શ્રદ્ધાને આધારે જીવું છું. (ગલાતિયા અધ્યાય ૨ )શાઉલથી પાઉલ સુધીની યાત્રામાં એક જ બાબતે મહત્વનો ફાળો ભજવ્યો અને તે એ છે ઇસુની વિચારસરણી મુજબનુ જીવન. આ વિચારસરણી એટલે ઈસુના માનવજાત માટેના સપનાઓ.*
ઈટાલીના બિશપ ટોની બોલો કેન્સરની બીમારીમા ૫૮ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. ૧૯૯૩માં પવિત્ર ગુરુવારે જ્યારે તેઓ મૃત્યુ શય્યા પર હતા ત્યારે પોતાના પલંગ પર સૂતાં સૂતાં તેમણે પોતાના ધર્મપ્રાંતના પુરોહિતોને ઉદ્દેશીને એક ધર્મપત્ર લખ્યો. તેમના સંદેશમા તેઓએ પોતાના ધર્મપ્રાંતના પુરોહિતને હાકલ આપતા જણાવ્યું કે એક પુરોહિત તરીકે આપણે બધા જ સ્ટોલ (ખ્રિસ્તયજ્ઞ દરમિયાન પુરોહિત પોતાના ખભા ઉપર ખેસ સ્વરૂપે ધારણ કરે છે તે પટ્ટો) અને અંગુછાથી જોડાયેલા અને બંધાયેલા છીએ. સ્ટોલ એ આપણું ઈસુખ્રિસ્ત સાથેના જોડાણનું પ્રતિક છે તો અંગુછો એ સેવા દ્વારા માનવતા સાથેના બંધાણનું પ્રતીક છે. અને આથી જ કરીને દરેક પુરોહિત એક તરફ એક ખ્રિસ્તયજ્ઞ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથે એકરૂપતામા અને બીજી તરફ લોકોના સેવક તરીકેની તૈયારીમાં પોતાની જાતનુ સમર્પણ આગળ ધરે છે.
આ શબ્દોમા પુરોહિતની જગ્યાએ દરેક ઇસુપંથીને મુકીએ. જરુર આ પ્રુથ્વી કાઇક અલગ જ હશે. આમીન.
*જય ઈસુ*
---------------------------------
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત. મોબાઇલ : 8469491502
*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*
Comments
Post a Comment