*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી*

*પ્રસ્તાવના*


*હરિનો મારગ છે શૂરાનો*

*નહિ કાયરનું કામ જોને.*

આ પ્રખ્યાત ગુજરાતી ભજનને પોતાના જીવન વડે ચરિતાર્થ કરનાર સ્પેનિશ ઈસુસંઘી ફાધરોના પુનિત ચરણોને લાખ લાખ વંદન. *ગુજરાતમાં સ્પેનિશ મિશનરીઓ આગમનને સો વર્ષ પુરા થાય છે ત્યારે પ્રભુનો ખુબ ખુબ આભાર માનીએ, કારણ કે તેમણે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટ આપી છે.*

 ગુજરાત ખાતે કેથોલિક ધર્મસભાના પ્રારંભમાં સ્પેનિશ મિશનરીઓએ ધર્મસભાના ઘડતર અને પ્રસાર માટે ખૂબ પરસેવો અને લોહી વહાવ્યા છે. *શિક્ષણ, સમાજસેવા, તબીબીસેવા, સામાજિક ઉત્થાન અને માનવ અધિકારો સહિત માનવીને માનવ તરીકે ગૌરવ આપવાની સાથે એની સંસ્કૃતિ અને સામાજિક અસ્મિતાના જતનનું કામ મિશનરીઓએ કર્યું છે.* આજે ગુજરાતનો ઈસુસંઘ ભગવાન ઈસુના શુભસંદેશને ગરવી ગુજરાતની ભૂમિમાં ફેલાવનાર સેવાના સમર્પિત ભેખધારી મિશનરીઓના આગમનના સો વર્ષ ઉજવે છે. ગુજરાત ઈસુસંઘના ઇતિહાસમાં તેમનું યોગદાન બહુમૂલ્ય છે. તેની સૌએ કદર અવશ્ય કરવી જોઈએ. *આપણા પ્રભુ ઈસુ સૌ સ્પેનિશ મિશનરીઓને હજારગણો બદલો આ જીવનમાં અને આવનાર જીવનમાં વાળી આપે એ જ દિલથી પ્રાર્થના.*

  હું આ શ્રેણીમાં ગુજરાત ઈસુસંઘના ભૂતકાળના પાસાંને આવરી લઈ *ભૂતકાળના ઈસુસંઘીઓએ સ્થાપેલા ગુજરાતના મિશનસ્થળોનો ઇતિહાસ આપવાનો પ્રયત્ન કરીશ.* 


ઝળહળતા દિપક ગુર્જરમાં સ્પેન થકી પ્રગટ્યા

ખ્રિસ્તતણા સાધુમંડળના શૂરા સેવકો આવ્યા;

ગામેગામ ફરી વળ્યાં, સહુના દિલ વિષે ભાવ્યા.


ભૂખ, તરસ, ઠંડી ગરમીની પરવા રાજ ના કીધી,

પ્રભુ ઉપરના પૂર્ણ પ્રેમે ખાંધે ધુંસરી લીધી;

દેવાને સૌને સિદ્ધિ, હોમી શક્તિ સર્વ દીધી.


*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૧*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : મધ્ય ગુજરાત*

*ગુજરાતમાં સ્થાનિક કેથોલિક ધર્મસભાની સ્થાપના મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના મોગરી ગામમાં ૧૧મી ડિસેમ્બર, ૧૮૯૩ના દિવસે થઈ.* ગુજરાતની *ધર્મસભાનું બીજ વાવનાર સ્વ. પૂજય ફા. માનુએલ ઝેવીયર ગોમ્સ ૧૮ બાળકોને સ્નાનસંસ્કાર આપે છે.* ગુજરાતની કેથોલિક ધર્મસભા માટે આ એક એતિહાસિક ઘટના હતી, ફા. માનુએલ ઝેવીયર ગોમ્સની વાત કરીએ તો તેઓએ મુંબઈ ખાતે ૧ નવેમ્બર, ૧૮૯૦માં પુરોહિત દીક્ષા ગ્રહણ કરી. પુરોહિત દીક્ષાના ચાર દિવસ પછી તેમની બદલી કરાંચી (હાલ પાકિસ્તાન)માં સંત પેટ્રિક ચર્ચના મદદનીશ સભાપુરોહિત તરીકે થઈ. 


મુંબઈના ધર્માધ્યક્ષ પૂજય થેઓદોર ડાલ્ડોફના આદેશને માન આપીને *ફા. માનુએલ ઝેવીયર ગોમ્સ ૧૮૯૩ના જુલાઈ મહિનામાં ગુજરાત પહોંચ્યા*  તેઓ ૨૮ વર્ષની ઉંમરના થયા હતા ને તેમને દીક્ષા મળ્યે ત્રણ વર્ષ થયાં હતાં. બિનઅનુભવી, ભાષાનું જ્ઞાન નહિ, ક્યાં રહેવું વગેરે પ્રશ્નનો હતા. તેઓ વાંદરામાં સ્નાનસંસ્કાર પામેલ, વતન પાછાં આવેલાં નાપાડ અને મોગરીનાં ધર્મજનોની મુલાકાતે ઊપડયા. *સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હતી કે ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મ લાવનાર પરદેશી ઇસુસંઘી ફાધરો હતા પણ ખરેખર તો ભારતના જ એક ધર્મગુરુ દ્વારા ગુજરાતમાં ધર્મસભાનો પ્રવેશ થયો. આ શુભકાર્યમાં ભાગ ભજવનાર આપણા સમાજના થીઓદોર ફ્રાન્સિસ પણ હતા.*

 

*આ દરમિયાન ૧૮૯૩માં બે ઇસુસંઘી ફાધરો એમની મદદમાં આવી પહોંચ્યા. સ્વિઝર્લેન્ડના વતની ફાધર આલોઈસ ગીર અને જર્મનીના વતની ફાઘર અગુસ્ટિન માર્ટિન.* *ઈસુસંઘી ફાધરોના આગમન પછી ૧૮૯૫માં આણંદ ખાતે મકાન ખરીદી ત્યાં શાળા અને છાત્રાલય શરુ કર્યા.* ૧૮૯૬માં ફાધર માનુએલ ઝેવીયર ગોમ્સની બદલી ભાવનગર થતા આણંદ મિશનનું સુકાન જર્મન ઈસુસંઘીઓના હાથમાં આવ્યું. આ સાથે ગુજરાતી ધર્મસભામાં જર્મન ઈસુસંઘીઓના અનન્ય યોગદાનનો પ્રારંભ થયો. *જેમ જેમ નવા ઈસુસંઘીઓ આવતા ગયા તેમ તેમ નવા મિશનકેન્દ્રો ઉભા થતા ગયાં ને પ્રેષિતક પ્રવૃત્તિ પૂરવેગે આગળ વધતી રહી. શરૂઆતમાં આણંદ (૧૮૮૬), વડતાલ (૧૮૯૭), કરમસદ (૧૯૦૭), અને ત્યારબાદ નડિયાદ (૧૯૧૧) અને આમોદ (૧૯૧૨)માં મિશનકેન્દ્રો સ્થાપાયાં.*


*પ્રભુજી તારા સેવકોને મોકલ દેશવિદેશ,*

*આખા જગમાં એ ફેલાવે તારો શુભસંદેશ,*

*તારો મહિમા ગાતાં તેઓ થાકે નહિ લવલેશ.*


*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ 2*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : મધ્ય ગુજરાત* 

*આણંદ મિશન : મધ્ય ગુજરાતની ધર્મસભાનું કેન્દ્રબિંદુ* 

ફા.ગોમ્સની ભાવનગર  બદલી થતા ફા. માર્ટિનની નિમણુક આણંદ-ગામડી ખાતે થઈ. ફા. ગોમ્સે શરુ કરેલી ફા. માર્ટિને વિકાસ કર્યો. વડતાલ મિશનની શરૂઆત કરવા માટે તેઓ વડતાલ રહેવા ગયા એટલે ફા. એઈનસિડલરે આણંદની જવાબદારી ઉપાડી લઈ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓ ખોલી તથા ગામડીમાં જમીન રાખીને ત્યાં ફ્રાન્સિસ ઝેવીયરને સમર્પિત દેવળ અને બાજુમાં ફાધરોનું રહેઠાણ તેમજ બાળકો માટે છાત્રાલય ઉભા કર્યા. 

*૧૯૦૫માં ફા. ઝુરહાઉસન આણંદ તાબાના સભાયાજ્ઞિક બન્યા.* *૧૯૧૧માં તેમની નિમણુક આણંદ મિશનના સુપિરિયર તરીકે થઈ. તેઓએ 'ઈસુના અતિ પવિત્ર અંતઃકરણનો દૂત; (૧૯૧૧) અને આણંદ કેથોલિક સહકારી મંડળીની સ્થાપના કરી.*  ધર્મપ્રચારકોની તાલીમ માટે તેઓએ 'કનિશિયસ હાઉસ' ની સ્થાપના કરી શ્રદ્ધાઘડતર  માટે એક શિક્ષણપોથી પણ તૈયાર કરી. 

*વડતાલ મિશન*

*૧૮૯૭માં ફા. અગુસ્ટિન માર્ટિન આણંદથી વડતાલ કહતે રહેવા આવ્યા.* સ્વામિનારાયણ આશ્રમ અને વડતાલ રેલ્વે સ્ટેશન વચ્ચેના એક ખુલ્લા મેદાનમાં તેઓએ તંબુ બાંધ્યો. કેટલાક અસામાજિક તત્વો દ્વારા થતી હેરાનગતિ વચ્ચે પણ ફા. માર્ટિને એમનું કામ ચાલુ રાખ્યું. ચોમાસુ આવતાં ફાધર એક મકાન ભાડે રાખીને ત્યાં રહેવા લાગ્યા. *ગામડાની મુલાકાત માટે તેઓ એક ઘોડો રાખતા. એક દિવસ કોઈ કામ સારું આણંદ ગયેલા ફાધર વડતાલ પાછા ફર્યા ત્યારે તેમને ખબર પડી કે તેમનો તબેલો સળગાવી દેવામાં આવ્યો હતો અને ભાડાના મકાન પર ચિઠ્ઠી ચોંટાડેલી હતી. એમાં ધમકી હતી -'જો સાહેબ અહીંથી ચાલ્યા નહિ જાવ તો આખો વણકરવાસ સળગાવી દેવામાં આવશે.'* આ ધમકીથી ડર્યા વિના ફાધરે પોલીસને જાણ કરી અને પોતે વડતાલ નહિ છોડે એમ મક્કમપણે જણાવ્યું. 

*ફાધરને કોઈ જમીન આપવા તૈયાર નહોતું એટલે ફાધરે છેક ઈંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાને આ માટે અરજી કરી અને મહારાણીના ફરમાનથી તેઓને જમીન ફાળવવામાં આવી અને ફાધરે સુંદર દેવળ બાંધ્યું.*

 

*આપણે આગળ ધપતા રહેવું ,હોય ભલેને કટંકછાયી વાટ;*

*એકલવીર ઝઝૂમવું ભાઈ, કોઈનો ભલે હોય ના સંગાથ;*

*પ્રભુજી પોતે દોરતા રહેશે, અગમ રીતે આપણો ઝાલી હાથ;*

*ભાઈ-ભાંડુની ભલાઈ ખાતર,  હોડમાં મુકવી આપણે નિજની જાત.*

*હૈયે જોઈએ હામ રે ભાઈ,*

*હાક પ્રભુની ઝીલવાને હો,*

*હૈયે જોઈએ હામ...*


*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૩*


*ગુજરાતની કેથોલિક ધર્મસભા : મધ્ય ગુજરાત*

*કરમસદ મિશન:*

૧૮૯૮માં કરમસદથી ત્રણ જણની ટુકટી પગપાળા આણંદ પહોંચી અને મિશનના ઉપરી ફાધર આલોઈસ ગીર આગળ કરમસદમાં એક નિશાળ શરુ કરવાની અને સાથે સાથે તેમને ધર્મશિક્ષણ આપવાની વિનંતી કરી. ટૂંક સમયમાં *સ્વીઝરલેન્ડના વતની ફાધર ઉમ્બ્રિખત કરમસદના પ્રથમ મિશનરી બન્યા. ૧૯૦૫માં તેઓએ જમીન વેચાતી રાખી અને ૧૯૦૭માં 'પવિત્ર યોસેફ' ના નામે દેવળ, બાજુમાં ફાધરનું રહેઠાણ અને નિશાળ ઊભાં કર્યા.* 

*નડિયાદ મિશન:*

*૧૯૧૧માં નડિયાદ કેન્દ્રની સ્થાપના થઈ. ત્યાં નિષ્કલંક મારિયાના નામનું દેવળ બાંધવામાં આવ્યું. નડિયાદ તાબાના પ્રથમ સભાયાજ્ઞિક તરીકે  સ્વીઝરલેન્ડના વતની ફાધર સીહોલ્ઝર નિમાયા.* તેઓ નડિયાદની નજીક કંજોડા, ઉત્તરસંડા, મરીડા, સલુણ, પીપલગ અને ગુતાલ ગામોની મુલાકાત લેતા અને લોકોને ધર્મશિક્ષણ આપતા.

 *આમોદ મિશન:*

*૧૯૧૨ના ડિસેમ્બરની ૨૮મીએ કરમસદ દેવળમાં ૨૮ અને પંડોળીના ૨૨ યુવાનોએ ફાધર ઉમ્બ્રિખતના હસ્તે સ્નાનસંસ્કાર ગ્રહણ કર્યો.* ૧૯૧૪ના જાન્યુઆરીમાં જર્મનીના વતની ફાધર કાર્લ ઝિપ્પરલીન આમોદ રહેવા આવ્યા. ત્યાં એક ઓરડો ફાધરના નિવાસસ્થાન તરીકે તથા બીજો ઓરડો અઠવાડિયા દરમિયાન પ્રાથમિક  શાળા તરીકે તો રવિવારે પ્રાર્થનાખંડ તરીકે વપરાતો. 

*મિશનમાં કટોકટી :*

*૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતા ગુજરાતમાં કાર્યરત જર્મન  મિશનરીઓને અંગ્રેજ સરકાર દ્વારા એમને અહમદનગરની છાવણીમાં રાજકીય કેદ તરીકે પુરી રાખવામાં આવ્યા હતા.*   ૧૯૧૯માં દુકાળ ફાટી નીકળ્યો ને એની સાથે રોગચાળો ફાટી નીકળ્યો. પરિણામે મિશનરીઓને ખુદને પોતાની સામાન્ય જીવન જરૂરિયાતો પૂરી પાડવામાં પણ મુશ્કેલી પડતી હતી. 


*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૪*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : મધ્ય ગુજરાત*

*સ્પેનિશ મિશનરીઓનું આગમન*

૧૯૧૮માં જયારે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારે સ્પેન દેશના ઇસુસંઘી ધર્મગુરુઓએ ગુજરાતની ધર્મસભાનું સુકાન સંભાળ્યું. *ફિલિપાઇન્સ જતા ધર્મગુરુ રાયમુન્દ ગ્રાઉ કોલંબોથી દરિયાઈ મુસાફરી ટૂંકાવીને ૧૯૨૧ની ડિસેમ્બરની ૧૦મીએ આણંદની ધરતી પર પગ મુકનાર પ્રથમ ઈસુસંઘી મિશનરી હતા.* ફાધર ગ્રાઉએ ખૂબ લાંબા સમય સુધી પોતાના મૃત્યુપર્યંત ભારતમાં જ રહી ધર્મસભાની પ્રગતિ અને વિકાસ માટે ખૂબ ધગશથી કામ કર્યું. 

*૧૯૨૬માં આણંદ પ્રેસની સ્થાપના થઈ. એના પ્રથમ સંચાલક તરીકે બ્રધર એસ્કોફેતે ઘણાં વર્ષો સુધી નોંધપાત્ર સેવા આપી.* ૧૯૩૨માં ફાધર ગ્રાઉએ નવા નિમાયેલા ઉપરી ફાધર કોન્હેતના હાથમાં અમદાવાદ મિશનનું સુકાન સોંપી દીધું. તે સમયે નવા  મિશનરીઓ આવવા માંડ્યા હતા. આમ, ગુજરાતની ધર્મસભાની કટોકટીનો અંત આવ્યો અને અમદાવાદ  મિશનના એક નવા યુગની શરૂઆત થઈ. 

આ અરસા (૧૯૩૨)માં  મિશનરીઓએ શરુ કરેલ શાળાઓનો પ્રભાવ પડ્યો. ત્યાં વણકર સમાજના બાળકોને પ્રેમથી આવકારવામાં આવતાં હતાં. ખ્રિસ્તી શ્રદ્ધા વિશે માહિતગાર કરવા માટે ગામેગામ ધર્મશિક્ષકો આમંત્રાવા લાગ્યા. શરૂઆતમાં ફાધર સૂર્યા અને ફાધર સોલારે આ દિશામાં કામ કર્યું. તે પછી ફાધર ઓરોઝ, ફાધર બાસ્તોન્સ, ફાધર ફીગેરા, ફાધર આઈશલા અને ફાધર સવાલે કામ આગળ ધપાવ્યું. 

*૧૯૩૪ થી ૧૯૪૮ દરમિયાન બોચાસણ, ખભાંત, પેટલાદ, ખભોળજ જેવા નવા ધર્મવિભાગો અસ્તિત્વમાં આવ્યા.* દક્ષિણ ચરોતરનો પ્રદેશ ( બોરસદ અને મહીકાંઠાના ગામો) છયાસી પરગણા તરીકે ઓળખાય છે. *ફાધર ગોમ્સ. ફાધર ઓરોઝ અને ફાધર સૂર્યા અહીંના ગામોની પગપાળા મુલાકાત લેનારા પ્રથમ ફાધરો હતા. તેમના પ્રયત્નોને પરિણામે બોચાસણ અને આંકલાવ તાબા અસ્તિત્વમાં આવ્યા.*

*નડિયાદ તાલુકાની ઉત્તરના વિભાગોમાં ફાધર ફીગેરા ગામેગામ ચાલીને મુલાકાત લેવા જતા, તેમના પ્રયત્નોને પરિણામે મહેમદાવાદ અને કઠલાલ ધર્મસેવા કેન્દ્રને વેગ મળ્યો. જયારે પૂર્વમાં ફાધર સવાલ, ફાધર ઓરોઝ અને ફાધર સૂર્યાની સેવા ઉલ્લેખનીય છે. *ફાધર ઓરોઝે ૧૯૫૩ થી ૧૯૫૮ દરમિયાન ભૂખ અને આરામ ભૂલી જઈને ૨૫,૦૦૦ માઈલ સાઈકલ ચલાવીને ઉમરેઠ તાબાનું સર્જન કર્યું.*

આરંભમાં સૌ નાના એવા રાઈના દાણા જેવી ગુજરાતની કેથોલિક ધર્મસભા એક ઘટાદાર વૃક્ષમાં રૂપાંતરિત થઈને વિકસી રહી છે. એના વિકાસમાં ધર્મસભા તમામ અંગોનો અનન્ય ફાળો છે એ એક નક્કર હકીકત છે. સન ૧૮૯૩માં જયારે મિશનરીઓ ગુજરાતમાં આવ્યા ત્યારે આપણા સમાજની હાલત ઘણી ખરાબ હતી. આપણો સમાજ બધી રીતે પાંગળો હતો. આવી પરિસ્થિતિમાં મિશનરીઓ ખ્રિસ્ત ઇસુનો મુક્તિસંદેશ લઈને અહીં આવ્યા. અપને સૌએ આનંદ અને ઉલ્લાસથી ખ્રિસ્ત ઈસુને પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકારી લીધા. સમજમાં ચેતનાનો સંચાર થયો. *ગુજરાત ધર્મસભાની સ્થાપનામાં ફાધરો, સીસ્ટરો અને ધર્મપ્રચારકોનો ફાળો અમૂલ્ય છે.* 


*નોંધ: આ માહિતી સાથે મધ્ય ગુજરાતની કેથોલિક ધર્મસભાના ભાગનો અંત આવે છે.*   

        

*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૫* 

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : ઉત્તર ગુજરાત*

*પ્રસ્તાવના*

         *૧૯ જુન,૧૯૬૮ના રોજ ઉત્તર ગુજરાતમાં ખરા અર્થમાં ઈસુના શુભસંદેશનું કાર્ય સક્રિય રીતે શરુ થયું. ફા. મેન્યુઅલ ડી ગારીઝ એસ.જે. ઉત્તર ગુજરાતના પ્રથમ મિશનરી હતા.* તેઓ આ વિસ્તારના મોકાસણ નામના નાનકડા ગામમાં પહોંચ્યા. ધીરે ધીરે ઘણા નાના મોટા પડકારો વચ્ચે અને વિરોધોનો સામનો કરી તેમને શુભસંદેશ ફેલાવવાનું કામ આગળ ધપાવ્યું. તેઓ શરૂઆતમાં એક હિન્દૂ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા હતા. પછી અમુક કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના સભ્યોને અને અમુક કહેવાતા પછાત જ્ઞાતિ (ઓ.બી.સી)ના સભ્યોને સ્નાનસંસ્કાર આપીને અને ધાર્મિક પ્રવુતિઓ શરુ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં શુભસંદેશનું કાર્ય શરુ કર્યું. મોટાભાગના વિશ્વાસીઓએ હિમંત અને વિશ્વાસથી ઈસુના માર્ગમાં ચાલવા પ્રયત્ન કર્યો. *આજે લગભગ ૬૦ વર્ષ દરમિયાન મિશનરી ફાધરોના ઘણા પ્રયત્નો પછી એક ખ્રિસ્તી સમુદાય, જે દસ નાનકડા ગામોમાં વસે છે ત્યાં શરૂઆતથી આજ સુધી સ્થાનિક સંસ્કૃતિના રાહે જ શુભસંદેશના પ્રચાર-પ્રસાર થાય છે.* પરિણામે આજે અત્યાર સુધીના ગુજરાતી ખ્રિસ્તી સમાજથી જુદી એવી પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતો એક વિશિષ્ટ સ્થાનિક ધર્મસમુદાય અસ્તિત્વમાં આવ્યો છે. 

*મોકાસણમાં શુભસંદેશની કામગીરીના આઠ વર્ષ પછી શુભસંદેશની અસરકર્તાને ધ્યાનમાં રાખીને મિશનનું કેન્દ્ર મોકાસણ ગામથી કલોલમાં સ્થાળાંતરિત કરવામાં આવ્યું. આ રીતે કલોલ ઉત્તર ગુજરાતમાં પ્રથમ પેરિશ બન્યું.* 

ત્યારબાદના વર્ષોમાં આ ક્ષેત્રમાં શુભસંદેશના કાર્યની ગતિ વધતી ગઈ અને ધર્મજનો ઉપર શુભસંદેશનો વધુ પ્રભાવ પડતો ગયો. નવા ખ્રિસ્તી સમુદાયો રચાયા. વિવિધ ધાર્મિક પ્રવુતિઓથી મંડળો સ્થાપાયાં અને વિવિધ પ્રકારની સામાજિક અને શૈક્ષણિક પ્રવુતિઓના લીધે શુભસંદેશ ફેલાતો ગયો. *આજે ઉત્તર ગુજરાતમાં ૧૩ તાબાઓની સ્થાપના આ ક્રમમાં થઈ: કલોલ ૧૯૬૮, સાણંદ ૧૯૭૨, મહેસાણા ૧૯૭૬, ડીસા ૧૯૭૯, રાધનપુર ૧૯૮૦, ઊટેશ્વરી ૧૯૮૬, પાલનપુર ૧૯૯૭, પાટણ ૧૯૯૮, ખેરાલુ ૨૦૦૮, વડગામ ૨૦૦૯, સિદ્ધપુર ૨૦૧૨ અને છેલ્લે બાવળા ૨૦૧૩.*


*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૬*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : ઉત્તર ગુજરાત*

*સાણંદ મિશન:*

*મિશનકાર્યની શરૂઆતથી જ ફા. એલેક્સે સાણંદ ખાતે રહેવાનું શરુ કર્યું હતું.*  મિશનનું કેન્દ્ર બનાવવા માટે સાણંદ શહેરની આજુબાજુના ગામોમાં જમીન ખરીદવાના ઘણા પ્રયાસો કર્યા પણ નિષ્ફળતા મળી. કારણ સંઘપરિવાર દ્વારા મિશનરી ફાધરોનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે કોઈ મિશનરી ફાધરોને મિશનકાર્ય માટે જમીન વેચવા તૈયાર નહોતું. બે વર્ષના અથાગ પ્રયત્નો પછી એક ખ્રિસ્તી કુટુંબે પોતાની જમીન આપી. *૮ ડિસેમ્બર,૧૯૭૭ના રોજ નવા 'કેથોલિક આશ્રમ' સાણંદને આશીર્વાદ આપ્યા પછી ફા. એલેક્સ આ આશ્રમમાં રહેવા લાગ્યા.*

ઘણા વર્ષો શુભસંદેશનું કામ કર્યાં પછી આ વિસ્તારોમાં આજે ખ્રિસ્તી લોકસમુદાય લગભગ ૧૬ ગામોમાં છે. જોકે તેમાંનાં ઘણા લોકોની હાજરી સામાજિક કે ધાર્મિક પ્રવુતિઓમાં ઓછી જોવા મળે છે. છતાંય ફાધરો અને મિશનરીઓએ આ વિસ્તારમાં પોતાનું શૈક્ષણિક અને સમાજસુધારણાનું કાર્ય ચાલુ રાખ્યું છે. 

શરૂઆતમાં સાણંદમાં મિશનરીઓએ નળકાંઠા વિસ્તારમાં પ્રથમ ખ્રિસ્તી સમુદાયની સ્થાપના કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જોકે હમણાં વિવિધ કારણોસર આ સમુદાયના સભ્યો સક્રિય તરીકે ધાર્મિક પ્રવુતિઓમાં ભાગ લેતા નથી. હાલની રાજકીય, સામાજિક અને ધાર્મિક પ્રવુતિઓને લીધે સ્નાનસંસ્કાર પામેલા ખ્રિસ્તીઓની સંખ્યા ખુબ જ ઓછી છે. હવે, આજની પરિસ્થિતિમાં સ્નાનસંસ્કાર આપીને નહિ બલ્કે, ઈસુના મૂલ્યોને અનુસરવાના પાઠ શીખવીને એ દ્વારા શુભસંદેશની ઘોષણા આ વિસ્તારમાં થઈ શકશે. 

*કલોલ મિશન :*

*શરૂઆતમાં એ કલોલ મિશન અથવા મોકાસણ મિશન તરીકે ઓળખાતું હતું* અને તે ગુજરાત ઈસુસંઘના શુભસંદેશ ફેલાવવાના કાર્યમાં એક ખાસ ઇતિહાસ ધરાવે છે. કારણ ઈસુસંઘના ફાધરોને આ વિસ્તારના સવર્ણ જ્ઞાતિના હિંદુઓ સાથે કામ કરીને શુભસંદેશની ઘોષણા કરવી હતી. 

*આ લોકો વચ્ચે શુભસંદેશની ઘોષણા કરવા માટે ફા. બ્રિગેન્ઝાએ ફા. ગારીઝની નિમણુક કરી.* તેઓ આ વિસ્તારમાં ચાર વર્ષ રહ્યા. *તેમના ચાર વર્ષના શરૂઆતના તબક્કામાં તેઓ સ્વામિનારાયણ મંદિરના સાધુ સાથે રહ્યા, જમ્યા. તેઓ પ્રાર્થના કરતા, ઘરોની મુલાકાત લેતા, લોકો સાથે વાતો કરતા અને વિધાર્થીઓના જૂથને ભણાવતા.* *ગામના બીજા એક સાધુને તેમના મંદિરમાં રહેવા સામે વાંધો હોવાના કારણે પછી તેઓ એક પટેલના ઘરે રહેવા લાગ્યા.*  ફા. ગારીઝે ગામમાં સ્કુલ શરુ કરી અને સ્કુલ સરળતાથી શરુ થયા પછી એનું સંચાલન ગામના સભ્યોને સોંપી દીધું. તેઓ છોકરાઓને આગળ ભણવા માટે આણંદ બોર્ડિંગમાં મોકલતા હતા. *હવે આ મિશન મોકાસણથી કલોલ વિસ્તારમાં શરુ કરવામાં આવ્યું. આ સમયગાળામાં તેઓ ઘણા રાવળ અને ઠાકોર લોકોના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે તેમને પોતાના કાર્યથી પ્રભાવિત કરી દીધા હતા. આ લોકો મિશનરી ફાધરોને મળવા ઇચ્છતા હતા પણ સ્થાનિક જ્ઞાતિવ્યવસ્થાને કારણે તેઓ ડરતા હતા. લોકો આપણને મળે અને ડર કે સંકોચ વિના સંપર્ક સાધે આ વાત ધ્યાનમાં રાખીને તેઓ કલોલ વિસ્તારમાં આવ્યા.* 

 

*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૭*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : ઉત્તર ગુજરાત*

*ઊટેશ્વરી મિશન:*

*શરૂઆતના દિવસોથી ફા. ગારીઝ સામે અમુક હિન્દૂ સાધુઓને અને ગ્રામજનોને વાંધો હોવાના કારણે તેમણે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો.* પણ આ બધા પડકારોનો હિમંતથી અને પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને ફા. ગારીઝ અને પ્રથમ ઈસુપંથી વિકટ પરિસ્થિતિમાં મક્કમ રહ્યા. આખરે *જૂન ૧૯૬૯માં કડી શહેર નજીક, બુડાસણ ગામમાં માતા મરિયમની ભક્તિ કરવા માટે એક નાની દેરી બાંધવામાં આવી.* સૌપ્રથમ સ્નાનસંસ્કાર પામેલા અહીંયા ભક્તિ અને પૂજા કરવા ભેગા મળવા લાગ્યાં. *આ વિસ્તારમાં વેપારીઓ અને માલધારીઓ માલની હેરફેર માટે મોટાભાગે ઊંટનો ઉપયોગ કરતા એટલે આ દેરી ઊટેશ્વરી માતાના નામે સમર્પિત કરવામાં આવી હતી. જે આ વિસ્તારની સંસ્કૃતિને એ ધર્મ સાથે યોગ્ય રીતે સાંકળે છે.* હાલનું, મંદિર ગુજરાતના સોલંકીકાળની શૈલીના સ્થાપત્યનો સુંદર નમૂનો છે. *આ વિસ્તારના લોકો પોતાને ઈસુપંથી એટલે ઈસુના માર્ગમાં ચાલનારાં તરીકે ઓળખાવે છે. તેઓ તેમના જીવનમાં અને સમાજમાં એક અમૂલ્ય ભાગ તરીકે ઈસુને 'સદ્ ગુરુ' તથા માતા મરિયમને 'કુળદેવી' તરીકે પૂજે છે.*

હાલમાં ઊટેશ્વરી માતા મરિયમ મંદિરના તાબામાં સામાજિક અને ધાર્મિક પ્રવુતિઓમાં એક નવી દિશા મળી છે. અહીંયા શુભસંદેશની ઘોષણા, શિક્ષણ, વૈદ્યકીય સેવા દ્વારા તથા વૃદ્ધ લોકો માટે સંધ્યાવિશ્રામ તથા માનસિક વિકલાંગ છોકરાઓ માટે 'માધુર્ય ભવન' જેવી સંસ્થાઓ દ્વારા ઈસુના સંદેશનો પ્રસાર કરવામાં આવે છે. 

*મહેસાણા મિશન:* 

*હાલનો મહેસાણા તાબો એ ફા. ગારીઝ દ્વારા શરુ કરાયેલ કલોલ મિશનનું બીજું કેન્દ્ર છે. તે ૧૯૭૬માં એક સ્વત્રંત કેન્દ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું.* આ કેન્દ્રમાં મહેસાણા, ખેરાલુ, વિસનગર, સિદ્ધપુર અને પાટણ તાલુકાઓનો સમાવેશ થયો. *પછી હાલમાં ખેરાલુ અને મંડાલી બે અલગ મિશન તરીકે સ્થાપવામાં આવ્યા છે.* આ મિશનક્ષેત્રમાં રાવળ અને ઠાકોર સમુદાયોમાં શુભસંદેશનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. *આ મિશનના ઈસુસંઘી ફાધરોએ આશરે ૩૩ વર્ષે શુભસંદેશ ફેલાવવાનું કાર્ય કર્યું. પછી ૨૦મી જુલાઈ ૨૦૦૮ના રોજ ધર્મપ્રાંતીય (ડાયોસીસ) પુરોહિતોને આ મિશનનું શુભસંદેશનું કાર્ય સોંપી દેવામાં આવ્યું.* 

  

*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૮*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : ઉત્તર ગુજરાત*

*ડીસા મિશન:*

*૧૯૩૬માં ફા. ગદેઆ એસ.જે. રાજકોટના સભાપુરોહિત હતા. તેઓ ડીસા, રાધનપુર, મહેસાણા, પાલનપુરની મુલાકાત લેવા આવતા. જ્યાં ત્યાં તેમણે ખ્રિસ્તીધર્મ પાળતા રેલ્વે અને અન્ય સરકારી અધિકારીઓ માટે પરમપૂજા કરવાનું શરુ કર્યું. અહીંથી જ ઈસુના શુભસંદેશની શરૂઆત થઈ ગઈ.* ૧૯૪૭માં ભારત સ્વત્રંત થતાં પાકિસ્તાનથી પાછાં આવેલા લોકોને ભારત સરકારે ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં જગ્યા આપી. આમાં, માજીરાણા સમુદાયના લોકો હતા . આમાં કેટલાક લોકોએ સિંધમાં નવાબશાહ મિશનમાં સ્નાનસંસ્કાર લીધો હતો. નવા વિસ્તારમાં આગમન થયા પછી તેઓએ ધર્મસભા સાથેનો સંપર્ક ગુમાવ્યો અને તેઓ ધાર્મિક પ્રવુતિથી વિખુટા પડ્યા. આ વિસ્તારમાં કાર્યરત પુરોહિતને આ સમુદાયના એક ખ્રિસ્તી રેલ્વે અધિકારીને મળવાનું થયું. એના પગલે રાધનપુર અને ડીસા તાલુકાના ગામોમાં ફેલાયેલા ખ્રિસ્તી લોકસમુદાયની ભાળ મળી.

આજે આ તાબામાં ૧૨ ખ્રિસ્તી ગામો છે અને આ ગામોમાં ઈસુના શુભસંદેશની ઘોષણા સક્રિય રીતે ચાલે છે. મિશનરી ફાધરોના અથાગ કાર્યોને લીધે માજીરાણા સમાજને ઘણો ફાયદો થયો છે. 

*રાધનપુર મિશન:*

તમે રાધનપુર મિશનની વાત કરો તો કોઈને પણ પાકિસ્તાનનો વિચાર આવે. કારણ કે રાધનપુર પાકિસ્તાનની સરહદથી માંડ ૧૦૦ કી.મી. દૂર છે. *આ વિસ્તારમાં પ્રથમ ખ્રિસ્તી સમુદાય પાકિસ્તાનથી આવ્યો હતો.* આઝાદી વેળા ભારત અને પાકિસ્તાન એમ વિભાજન થયું ત્યારે આ બંને દેશના રમખાણથી બચી ગયેલા આ લોકો અહીં આવીને વસ્યા. *ભાગલાના હત્યાકાંડમાંથી બચી ગયા પછી તેઓ નવા વિસ્તારમાં ગોવાળ વિનાના ઘેટાં જેવાં બની ગયા હતાં. આ વિસ્તારમાં યોગ્ય રસ્તાઓ કે પરિવહનના સાધનો ના હોવાને કારણે તેઓ જે ભાષા કે લિપિ જાણતાં હતાં એમાં પોસ્ટકાર્ડ લખીને તેમણે તે અમદાવાદના મુખ્ય દેવળમાં મોકલ્યા હતાં. પરંતુ અમદાવાદના ફાધરોને તેમણે લખેલી ભાષા ખબર ન પડવાને કારણે કાંઈ ધ્યાન આપવામાં આવ્યું નહિ. છતાં જોસેફભાઈ જે ધર્મશિક્ષક હતા તેમના નેતૃત્વ હેઠળ તેઓ ધાર્મિક પ્રવુતિઓમાં ભાગ લઈને શ્રદ્ધામાં મક્કમ રહ્યા. પુરોહિત વિના પણ તેઓ પોતાની શ્રદ્ધામાં અડગ રહ્યા.*

આજે આપણે જોઈ શકીએ છીએ કે માજીરાણા સમુદાયને ખ્રિસ્તીમિશન, ફાધરો અને સીસ્ટરો પર ખુબ જ વિશ્વાસ છે. તેઓ ઇચ્છે છે કે તેમના છોકરાઓ મિશન સ્કૂલમાં ભણે. તેઓએ પોતે સ્નાનસંસ્કાર ન લીધો હોય તો પણ તેઓ પોતાના બાળકોને સ્નાનસંસ્કાર અપાવવા માંગે છે. (કેવી ગજબની શ્રદ્ધા!)   


*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૯*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : ઉત્તર ગુજરાત*

*ભિલોડા મિશન:*

*૧૯૬૨માં ગોમતીપુર તાબાના સભાપુરોહિત ફા. એસ્પાસાની નીમણુક આ વિસ્તારમાં શુભસંદેશ ફેલાવવા માટે થઈ.* ત્યાંથી ભિલોડા મિશનની શરૂઆત થઈ એમ કહી શકાય. *તત્કાલીન મહાધર્મગુરુ એડવિન પિન્ટોએ શુભસંદેશ ફેલાવવાનું કાર્ય ફા, એસ્પાસાને સોંપ્યું હતું.* તે પહેલા ફ્રેન્ચ કાપુચીન ફાધરો જે લોકોના સબંધીઓ પોતાના વિસ્તારમાં હતા તેમને મળવા રાજસ્થાનના  ડુંગરપુર તાબેથી વિજયનગર અને ભિલોડા તાલુકામાં આવતા હતા.

*ફા. એસ્પાસાએ ભિલોડા ખાતે એક ઓરડો ભાડે લઈ શુભસંદેશ ફેલાવવાના માર્ગ શોધવાનું આરંભ્યું. તેઓ આખા અઠવાડિયા દરમિયાન ભિલોડાના ગામડામાં રહેતા. ગાબ્રિયલ ડામોર નામના ધર્મશિક્ષકે તેમને બે વર્ષ સુધી ખુબ મદદ કરી. શરૂઆતના તબક્કામાં તેઓએ ઉબસલ, નાના કંથારીયા, ડોડીસરા ગામની મુલાકાત લીધી. *સૌ પ્રથમ ૧૯ ડિસેમ્બર, ૧૯૬૪ના રોજ ૯૨ લોકોએ સ્નાનસંસ્કાર લીધો હતો.*

*મોડાસા મિશન:*

મોડાસા એ એક મહત્વપૂર્ણ શિક્ષણકેન્દ્ર છે. ત્યાં વૈદ્યકીય શિક્ષણ આપનારી શિક્ષણસંસ્થા સિવાય બીજા બધા જ ક્ષેત્રની શિક્ષણસંસ્થાઓ છે. *૧૯૮૦ના સમયગાળામાં તત્કાલીન બિશપ ચાર્લ્સ ગોમ્સ અહીં ઈસુની શ્રદ્ધાઘોષણા કરવા ઉત્સુક હતા. ફા. વિલિયમ પીયૂષે મોડાસા શહેરમાં એક મકાન ભાડેથી લીધું અને ત્યાં રહેવાંનું શરુ કર્યું. આખરે ૧૯૮૮માં તેમણે 'સગાંથ' નામની સંસ્થા શરુ કરી ને એમ ચાર સહકાર્યકરો સાથે કામ કરવાનું શરુ કર્યું.*

મોડાસામાં ખ્રિસ્તી લોકોનો સમુદાય હવે મોટેભાગે બહારથી રહેવા આવેલા લોકોનો છે. સ્થાનિક ખ્રિસ્તીઓ બહુ ઓછા છે. પરંતુ દર રવિવારે પરમપૂજા અને અઠવાડિયા દરમિયાન સમાજસુધારણાનું કાર્ય સક્રિય રીતે થાય છે.


*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૧૦*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : ઉત્તર ગુજરાત*

*વિજયનગર મિશન:*

*ફા. લુઈસ એસ્પાસા* ભિલોડાથી વિજયનગરના લોકોની મુલાકાતે જતા હતા. બાદમાં તેમણે ત્યાં રહેવાનું શરુ કર્યું. શરૂઆતમાં તેઓ એક માટીના મકાનમાં રહેતા હતા. એ ઘર બસસ્ટેન્ડ અને બજારની નજીક હતું. *૨૯ માર્ચ, ૧૯૯૬માં જયારે શુભસંદેશની ઘોષણા શરુ કરી ત્યારે તેની સાથે બે સ્થાનિક સભ્યો જોડાયા હતા.*  તેમાંથી એક ખોખરા ગામનો અને બીજો કેલાવા ગામનો વતનીહતો. *થોડા મહિનામાં ફા.એસ્પાસાએ 'કેથોલિક ચર્ચ વિજયનગર' ટ્રસ્ટની સ્થાપના કરી. આ નવી સ્થાપના કરાયેલ સંસ્થાનું નામ 'દીનજનોના માતાનું થાનક' હતું. બાદમાં એ નામ બદલીને 'બાળપ્રેમી ઈસુનું થાનક' રાખવામાં આવ્યું.* આ સમયગાળામાં *ફા. દોમીન્ગો લારુમ્બે* એસ.જે, ની નિમણુક વિજયનગર ખાતે થઈ. તેઓ ઝઘડીયા તલકુમા સભાપુરોહિત તરીકે કાર્યરત હતા. તેઓ *૭ જૂન, ૧૯૮૦ના રોજ વિજયનગર આવ્યા અને ફા. એસ્પાસા સાથે કામ કરવા લાગ્યા.*

*૧૯૮૭ની સાલમાં ફા. પીટર ડિસોઝા આ મિશનમાં જોડાયા.* તેઓએ ધાર્મિક તથા શૈક્ષણિક કાર્યો કરવાનું શરુ કર્યું. તેઓએ આ મિશનમાં ઘણા સારા કામો કર્યા. 

*પોશીના મિશન:*

શ્રી કાલાસ્વા વિજયનગરના ફાધરોને મળવા આવતા હતા. તેઓ એક સરકાર કર્મચારી હતા અને આદિવાસી વિભાગના વરિષ્ઠ અધિકારી તરીકે સેવા આપતા હતા. તેઓ આદિવાસીઓને વેઠવી પડતી મુશ્કેલીઓથી સભાન હતા. એટલે પોશીના વિસ્તારમાં આદિવાસીઓ માટે કોઈ સેવા કરવા આવે એવી એમને વિનંતી કરી. *૨૦૦૭માં ફાધર પીટરે આ વિસ્તારમાં કામ કરવાનું શરુ કર્યું. આદિવાસી વિસ્તારમાં અન્ય કાર્યકર્તાઓ ખ્રિસ્તી મિશનનો સખત વિરોધ કરતા હતા, તેથી તેઓ પોતાની ઓળખ સંતાડીને સમાજસેવાના કામ કરવા લાગ્યા. ૭ એપ્રિલ, ૨૦૦૭ના રોજ તેઓ એક મુસ્લિમ કુટુંબમાં રહેવા આવ્યા.* ૨૦૦૯ની સાલમાં તેમણે શહેરથી દૂર જમીન ખરીદીને ત્યાંથી સમાજસેવા કાર્ય કરવા માંડ્યું. શરૂઆતમાં દેવળ, ઓફિસ અને ભોજનાલય એ સૌ આંબાના ઝાડ નીચે ખુલ્લા મેદાનમાં. ધીરે ધીરે ત્યાં ત્રણ છાત્રાલયો ખોલવામાં આવ્યા અને લગભગ ૧૭૦ જેટલા છોકરાંઓને માટે રહેવા-જમવાની સુવિધા શરુ કરવામાં આવી. 

આ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને આદિવાસી અધિકારોની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એના પાયામાં આ વિસ્તારમાં પહેલ કરનારા સ્પેનિશ ફાધરોની લગની, ધગશ અને શ્રદ્ધાનો મોટો ફાળો છે. 


*નોંધ: આ માહિતી સાથે ઉત્તર ગુજરાતની કેથોલિક ધર્મસભાના ભાગનો અંત આવે છે.*             

*આવતા ભાગમાં આપણે દક્ષિણ ગુજરાતની કેથોલિક ધર્મસભા વિશે માહિતી મેળવીશું.*


*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૧૧*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : દક્ષિણ ગુજરાત*

*પ્રત્યેક પરિસ્થિતિમાં પૂર્ણપણે પાંગરવાની પ્રકૃતિ ધરાવતા ઈસુસંઘીઓને ૧૯૬૦ના દાયકામાં પહેલ કરી અને યાહોમ કરીને દક્ષિણ ગુજરાતની આદિવાસી ભૂમિમાં ઝંપલાવ્યું.* દક્ષિણ ગુજરાત મુખ્તવે આદિવાસીઓનો પ્રદેશ રહ્યો છે. અહીંના વસાવા, ચૌધરી, ગામીત, કોંકણી, ડાંગી વગેરે *આદિવાસી સમાજોમાં ફાધર સમાદા, ફાધર ઝુબેલ્દયા, ફાધર કારિકાસ, ફાધર અરાના, ફાધર ગાલદોસ, ફાધર મોરેતા, ફાધર વેલી, ફાધર બેરેચી, ફાધર નવારો વગેરે ઇસુસંઘી મિશનરીઓ દ્વારા કેથોલિક ધર્મસભાનો પાયો નંખાયો.*  એ સમયનું ભરૂચ શહેર ઈસુસંઘીઓના પ્રેષિતક કાર્યનું એપી-સેન્ટર હતું. કારણ ત્યાંથી કેથોલિક ધર્મગુરુઓએ પ્રભુ ઈસુનો શુભસંદેશ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ ફેલાવ્યો. 

*કેથોલિક મિશનરીઓ દક્ષિણ ગુજરાતમાં આવ્યા તે પહેલા પ્રોટેસ્ટન્ટ મંડળીઓના પગરણ કયારનાય મંડાઈ ચુક્યા હતા.* 

*ભરૂચ મિશન:*

*૧૮૧૬માં ભરૂચનું દેવળ બાંધવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં કોઈ ધર્મકાર્ય થયું નહોતું. લગભગ ૧૯૪૫થી બોમ્બે મિશનના ઈસુસંઘી ફાધરો ભરૂચમાં મિશનરી પ્રવૃતિઓ કરતા. ભરૂચમાં મિશનકાર્ય માટે કોઈ સ્થાનિક રહેઠાણ નહોતું. *૧૯૫૩માં ફા. સમાદાની નિમણુકથી ભરૂચને પ્રથમ સભાપુરોહિત મળ્યા. તેમણે ૮૦ વિદ્યાર્થીઓ માટે ત્રણ કર્મચારીઓના સહયોગથી પ્રાથમિક શિક્ષણ માટે સંત એન્થોની શાળાની સ્થાપના કરી.* ફા. સમાદાએ અહીં થોડા વર્ષ કામ કર્યું હતું. પરંતુ તેઓ આદિવાસી વિસ્તારના સંપર્કમાં આવી શક્યા નહોતા.

*ભરૂચ મિશન વિષે જાણવા જેવી રસપ્રદ વાત:*

*રેવ. ડૉ. આર.એચ. બોયડના પુસ્તક 'ગુજરાતની ખ્રિસ્તી મંડળીનો ઇતિહાસ' (અનુ. શ્રી માઈકલભાઈ પરમાર) અને ફા. કાર્લોસ સૂર્ય એસ.જે. ના પુસ્તક ‘History of the Catholic Church in Gujarat’ માં કેથોલિક ધર્મસભાના પ્રારંભ વિશેની એક રસપ્રદ બાબત ચર્ચવામાં આવી છે.*

*ગુજરાતમાં ધર્મસભાનો પ્રારંભ ભરૂચથી થયો હતો. ધર્મસભાનું પ્રથમ કેન્દ્ર ભરૂચ હતું. તેનું પ્રાચીન નામ 'ભારુકચ્છ' કે 'ભરૂકચ્છ' હતું. 'બારીગાઝા' (Barygaza) તરીકે પણ તેનો ઉલ્લેખ થયો છે. ગ્રીક અને ઇટાલિયન ભાષામાં તે 'બરોચી' (Barochi) તરીકે ઓળખાતું.* પ્રાચીન ભારતના પચ્છિમ કાંઠાનું તે એક સમુદ્ર બંદર હતું. તેની વેપારી સમૃદ્ધિને કારણે દેશ-વિદેશના અનેક લોકો અહીં આવતા હતા. *સંત થોમાસ દક્ષિણ ભારત જવા માટે વાયવ્ય ખૂણેથી સ્થળ માર્ગે ભારત આવીને અહીંથી વહાણમાં બેઠા હોવાની શક્યતા ફાધર હેરાસે તેમના પુસ્તક ‘St. Thomas, the Apostle of India’માં દર્શાવી છે. ફાધર વાથ પણ ‘La Mission de Bombay’ પુસ્તકમાં પ્રેષિત થોમસ મલબાર જવા ભરૂચથી વહાણમાં બેઠા હોવાની શક્યતા દર્શાવે છે.* 


*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૧૨*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : દક્ષિણ ગુજરાત*

*અંકલેશ્વર મિશન:*

ONGCની અંકલેશ્વરમાં ઘણી શાખાઓ અને કારખાનાઓ હતા. ONGCના સંચાલકો માનશક્તિ માટે મિશનરીઓ પર આભારી હતા. કારણ, એમને મિશનરીઓ પર વિશ્વાસ હતો. મિશનરીઓ દ્વારા મોકલેલ મજૂરો વિશ્વસનીય, પ્રામાણિક અને વિશ્વાસુ હતાં. અમુક સમય બાદ *ONGCના જનરલ મેનેજર, શ્રી ટારિયને મિશનરીઓની વિનંતી કરી કે કારખાનામાં કામ કરતા મજૂરોને તાલીમ એવી જરૂરી છે. મિશનરીઓને એ ઉચિત જણાયું ને મજૂરોને તાલીમ મળે એ હેતુથી ૧૯૮૬માં ફા. માનુએલ હેરેદરોએ ઝેવીયર ટેકનીકલ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરી.* આ તાલીમકેન્દ્ર ઘણા બેરોજગાર મજૂરો અને યુવાનોના ભાવિ માટે આધારસ્તભં બન્યું. 

*રાજપીપળા મિશન:*

*ગુજરાતમાં માનવ અધિકાર અને સામાજિક ન્યાયની વાત આવે ત્યારે ફાધર જોસેફ ઈદિયાકુનેલનું નામ સહુ કોઈને સાંભરી આવે. ગરીબ અને વંચિત સમુદાયના લોકો માટે કામ કરનાર પ્રખર અને પ્રથમ ઇસુસંઘી મિશનરી ગણાવી શકાય.* અજ્ઞાનતા, ગરીબાઈ, અન્યાય જેવી નિઃસહાય સ્થિતિ જોઈને *૧૯૭૦ની સાલમાં ફાધર ફાધર જોસેફ ઈદિયાકુનેલે આદિવાસી ઉત્થાન અને વિકાસનું ભગીરથ કાર્ય આદર્યું.* તેમનું સ્વપન  આદિવાસીઓને સશક્ત અને આત્મનિર્ભર કરવાનું હતું. આથી તેમણે ફક્ત કાનૂની સહાયનો અભિગમ અપનાવ્યો અને પૂરા દિલથી સૌની સહાય કરી. એમની સાથે ફા. મેથ્યુ કલત્તિલ પણ જોડાયા. આજે રાજપીપળા સામાજિક સેવા સંસ્થા તેમના પ્રયાસોને કારણે એક વટવૃક્ષ થઈને વિકસી છે. *ફા. જોસેફ અને ફા. મેથ્યુના મૃત્યુ પછી અનેક ઇસુસંઘીઓ આ કાર્યમાં જોડાઈ આદિવાસીઓને ન્યાય અને અધિકારોની લડત માટે તૈયાર કરી રહ્યા છે.*

                   

*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૧૩*

  

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : દક્ષિણ ગુજરાત*

*ઝંખવાવ મિશન:*

*આદિવાસી લોકોને દિલથી ચાહનાર અને આદિવાસી લોકોના દિલમાં રાજ કરનાર એવા ફાધર ગાલદોસ ઝંખવાવ મિશનના અગ્રણી મિશનરી છે. જૂન ૧૯૬૫માં તેમને છોકરાઓ માટે બોર્ડિંગ બંધાવી.* ફાધર સ્વભાવે પ્રેમાળ, ખુશમિજાજ અને હરકોઈના દિલ સહેલાઈથી જીતી લેતા. લોકોના દિલ જીતી લેવાની રુચિથી મિશનના પાયા નાંખવામાં સફળતા મળી. ત્યાંના *સ્થાનિક શાંતિલાલ શાહે ફાધરથી પ્રભાવિત થઈને ૮ એકર જમીન વિદ્યાર્થીઓની બોર્ડિંગ માટે, ૩ એકર જમીન દવાખાના માટે અને ૪ એકર જમીન કેથોલિક ચર્ચ માટે ખુલ્લા દિલે દાન કરી. એમની ઉદારતાથી ઈસુસંઘીઓએ ઝંખવાવ મિશન ઊભું કર્યું.* ૧૯૬૪માં કુલ ૨૪ શ્રદ્ધાળુઓને પ્રથમવાર સ્નાનસંસ્કાર આપ્યો. *ફાધર વિન્સેન્ટ મૂકને ઝંખવાવમાં શિક્ષણથી વંચિત વિધાર્થીઓ માટે બાલવાડી પ્રોજેક્ટની શરૂઆત કરી. ૧૯૮૩ સુધીમાં ઝંખવાવ ખાતે ૨૪ જેટલા ગામોમાં બાલવાડીઓ હતી.*

*ડેડીયાપાડા મિશન:*

*૧૯૬૦માં ડીસકાલકેડ મંડળના સીસ્ટરો ડેડીયાપાડા આવ્યા. ઈસુસંઘે ૧૯૬૫માં ડેડીયાપાડા મિશન માટે જમીન ખરીદી.* મિશનરી ફાધરો અને સીસ્ટરોના સહિયારા કામથી ત્યાં ધર્મપ્રચાર  થયો. *લોકોની શ્રદ્ધા ઊંડી બને એ અર્થે આદિવાસી સ્થાપત્યકલાથી ભરપૂર 'પરમકૃપાળુ મંદિર' ની સ્થાપના થઈ અને ૧૯૮૨માં એ દેવળનું ઉદ્દઘાટન થયું. ફ. ઇનાકી બેરેચીએ લોકોની ઊંડી શ્રદ્ધાથી પ્રભાવિત થઈ કોરવી ધામની સ્થાપના કરી.* માતા મરિયમનું આ પવિત્ર ધામ આજે આદિવાસીઓનું અગત્યનું ધામ પુરવાર થયું છે. માત્ર આદિવાસી લોકો જ નહિ, પણ દેશભરના શ્રદ્ધાળુઓ અહીં માતા મરિયમના દર્શને આવે છે.

*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૧૪* 

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : દક્ષિણ ગુજરાત*

*સુરત મિશન:*

*સેંટ. ઝેવિયર્સ સ્કુલ, સુરત*

*ફા. વેલેન્ટાઈન ડિસોઝાની પહેલથી ૧૯૬૩માં સેંટ. ઝેવિયર્સ સ્કુલની સ્થાપના થઈ. ૧૯૬૫માં ફા. જોકીમ મોરેએ સ્કૂલની જવાબદારી સંભાળી. શરૂઆતમાં વર્ગો લુર્ડસ કોન્વેન્ટ કેમ્પસમાં ચાલતા હતા. ૧૯૬૫માં શાળાના વર્ગો નવા પટાંગણમાં  શરુ થયા.* ફા. મોરે સંપૂર્ણતાવાદી હતા. શાળાની શિસ્તતા અને શાળાનું પરિણામ ઊંચું આવે એનો ખાસ આગ્રહ કરતા અને એટલી મહેનત પણ કરતા. ૧૯૬૯માં બ્રઘર માલ્કમ ફાધર મોરે સાથે જોડાયા. તેમણે પોતાના મિત્રભર્યા સબંધોથી અને પરામર્શથી ઘણા વિદ્યાર્થીઓના દિલ જીત્યા. *સુરતની ઝુપડપટ્ટીઓમાં રહેતાં ગરીબ અને દિનદુઃખીયારાઓની વહારે આવવા ફા. વિન્સેન્ટ મૂકને ૧૯૮૩માં 'નવસર્જન' ની સ્થાપના કરી અને નવસર્જનના પ્રથમ ડાયરેક્ટર તરીકે જવાબદારી પણ નિભાવી.*

*ઊનાઈ અને બરડીપાડા મિશન:*

*ઊનાઈ મિશનની શરૂઆત ફા. ફ્રાન્સિસકો ઝુબેલદીયાએ કરી હતી. ૧૯૬૨માં ફાધર આલ્બર્ટ ઈનુરેતેગીએ ઊનાઈ મિશનની જવાબદારી માથે લીધી. તેમણે ૧૯૬૨માં ખાભાલિયા ખાતે કુમાર છાત્રાલય સ્થાપ્યું. આમ, ૧૯૬૭-૬૮માં ફા. ફ્રાન્સિસકો ગબ્બારે, ૧૯૬૯-૭૯માં ફા, જે.એમ. નવારો અને ૧૯૮૦-૨૦૦૧માં ફા. ગાલદોસ ઊનાઈ મિશને આવ્યા. ફા. ગાલદોસ ખાભાલિયા ખાતેના છાત્રાલયને ઊનાઈ કેન્દ્રમાં લાવ્યા અને મિશનને એક નવી દિશા આપી. આદિવાસી કલા અને સંસ્કુતિને ધર્મ સાથે સમન્વય સાધી સુંદર સૃષ્ટિ-ગાન મંદિર ૧૯૯૨માં બંધાવ્યું.* હાલ ઊનાઈ કેન્દ્રમાં ફાધરો, સીસ્ટરો અને ધર્મશિક્ષકો ધાર્મિક, શૈક્ષણિક, મહિલા જાગૃતિ અને તબીબી ક્ષેત્રે કાર્યરત છે. બરડીપાડા મિશન ઊનાઈ કેન્દ્રનો જ એક ફાંટો છે. *૧લી જૂન, ૨૦૦૧માં બરડીપાડા પેરિશ અસ્તિત્વમાં આવ્યું.*

                      

*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૧૫*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : દક્ષિણ ગુજરાત*

*વ્યારા - સોનગઢ મિશન:*

ફા. ઝુબેલદિયાએ લગભગ સાત વર્ષ સુધી સુરત અને વલસાડ જેવા જિલ્લાઓમાં બળદગાડામાં બેસીને ઠેર ઠેર લોકોની મુલાકાત કરતા. મુસાફરી દરમ્યાન તેમણે વ્યારા અને સોનગઢ વિસ્તારોના ગામડાની ખાસ મુલાકાતો લીધી. આ વિસ્તારોમાં પ્રોટેસ્ટન્ટ મંડળીના ઘણા મિશનરીઓ સાથે ફાધરનો ભેટો પણ થયો. *૧૯૬૧માં ફા. વેલેન્ટાઇનની નિમણુક વ્યારા ખાતે થઈ. આમ, ઈસુસંઘી ફાધરો અને ત્રણ સીસ્ટરોએ ઝાંખરી ગામ તરફ પ્રથમ પ્રવાસ કર્યો. અનેક લોકોના સંપર્કમાં આવ્યા બાદ ઘણાને સ્નાનસંસ્કાર અપાયો અને સાથે સાથે પ્રાથમિક શાળાઓ પણ સ્થાપાઈ.* ૧૯૬૨માં ફા. ઝુબેલદિયા વડપાડામાં સ્નાનસંસ્કાર આપતા હતા એ સમયે *માંડળથી આવેલ મગનભાઈએ પણ સ્નાનસંસ્કાર લેવાની તૈયારી બતાવી. એમણે સ્નાનસંસ્કાર લીધો અને ફાધરે એમને માંડળ મિશન તરફ ધર્મપ્રચારક તરીકે નીમ્યા. આમ, માંડળ તરફ ધર્મપ્રચાર થયો અને ધર્મસભામાં લોકોની સંખ્યા વધતી ગઈ.*

*ડાંગ મિશન:*

*ઊનાઈ મિશનના સામાજિક વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈ શ્રી. રામુભાઈ ઠાકરે ફા. નવારોને ડાંગમાં આવવા આમંત્રણ આપ્યું. ફાધરે આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું. આમ, ડાંગના પ્રથમ ઈસુસંઘી મિશનરી તરીકે તેઓ ડાંગ આવ્યા.* ડાંગમાં ગરીબી,નિરક્ષરતા, અજ્ઞાનતા જેવા અનેક પ્રશ્નો હતા. ડાંગના *આદિવાસીઓને આત્મનિર્ભર કરવા ફા. નવારોએ ૧૯૭૪માં દૂધ સહકારી મંડળી સ્થાપી. ૧૯૭૫માં આહવા-ડાંગની દીપદર્શન શાળાની સ્થાપનામાં ફાધરે અગત્ત્યની ભૂમિકા ભજવી.* ૧૯૮૪ સુધી ડાંગમાં માત્ર પાંચ જ કુટુંબો કેથોલિક હતા. આખરે ફા. ટોની, ફા, રાફાએલ અને ફા. થોમસના આગમનથી ડાંગમાં ધર્મનો પાયો નંખાયો અને ધર્મસભા વધારે મજબૂત બની. ડાંગ જિલ્લામાં ઈસુસંઘી ફાધરો જુદાજુદા ત્રણ કેન્દ્રોમાં પુરી નિષ્ઠાથી કામ કરે છે: પીંપરી, સુબીર અને શામગહાન. *ડાંગના આદિવાસી શ્રધાળુઓની ભક્તિ અને ધર્મની ભૂખતરસ ઠારવા ઈસુસંઘે સાપુતારા ખાતે 'ગિરીમાતા' ધામની સ્થાપના કરી. ડાંગની કેથોલિક ધર્મસભાના હિતમાં વેંદ્રુના અને સંત આન્ના મંડળના સાધ્વી બહેનોનો પણ ફાળો ખુબ જ અગત્યનો રહ્યો છે.*


*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી ભાગ ૧૬*

*ગુજરાતની કેથોલિક ધર્મસભા : દક્ષિણ ગુજરાત*

*ફૂલવાડી (ધરમપુર) મિશન*

*ફા. સીપ્રિયાન મેન્ડોન્સા ફૂલવાડી મિશનની સ્થાપના માટેના અગ્રણી મિશનરી હતા. ૧૯૭૪માં ફા. ઓબ્રી ડીસોઝાની અહીં નિમણુક થઈ.* મિશનરી ઉત્સાહ અને ધગશથી એમણે ખુબ જ સારી રીતે ધર્મસભાની સેવા કરી હતી.

*૧૯૭૪થી ૧૯૯૪ સુધી ફૂલવાડી મિશન ડાયોસીઝન ફાધરોના હાથમાં હતું. ૧૯૯૪માં ફૂલવાડી મિશન ઈસુસંઘ ને સોંપવામાં આવ્યું.*

ગીચ ઝાડી-જંગલ અને અંતરિયાળ આ આદિવાસી વિસ્તાર ભૌગોલિક રીતે સમૃદ્ધ અને નયનરમ્ય હતો. પણ ધાર્મિક, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ખુબ જ પછાત વિસ્તાર હતો. *૧૯૬૬થી ૧૯૬૮ના દુકાળમાં અનેક આદિવાસીઓ ભૂખમરાના શિકાર બન્યા. લોકો અન્ન માટે આમતેમ વલખાં મારતા હતા. એ સમયે ધર્મસભાના મિશનકાર્યમાં ધર્મ નહિ, પણ માનવસેવા કેન્દ્રમાં હતી.* પ્રેમ, દયા, અનુકંપા અને સેવાથી મિશનરીઓએ અનેકના આસું લૂંછ્યા. *આદિવાસી લોકો પોતે સ્વનિર્ભર, સક્ષમ અને ઉજાગર બને એ અર્થે મિશનરીઓએ અનેક યોજનાઓ ચલાવી. 'આજનો યુવાન કાલનું ભવિષ્ય' એ સૂત્રને મિશનરીઓએ જીવનમંત્ર બનાવ્યો.* આદિવાસી વિધાર્થીઓમાં શિક્ષણ દ્વારા આશા જગાવી. આદિવાસી લોકો પોતે આગળ આવે અને આદિવાસી સમાજનો ઉદ્ધાર કરે એ અર્થે મિશનરીઓએ અથાગ પ્રયત્ન અને પરિશ્રમ કર્યો. *મિશનરીઓની સમર્પણ ભાવના, ઉદારતા અને સેવાથી ઘણા આદિવાસીઓનું જીવન પ્રકાશમય બન્યું છે.* આદિવાસીઓને મુખ્યપ્રવાહમાં લાવવા અનેક ઇસુસંઘી મિશનરીઓ, ખ્રિસ્તી મંડળોના સાધ્વી બહેનો અને પ્રોટેસ્ટન્ટ મંડળીઓનો અમૂલ્ય ફાળો છે. આદિવાસીઓના જીવન ઉજાળનાર આ દરેક મહાનુભવોને આદિવાસીઓ પ્રેમસહ સંભારે છે. 

*નીચે માહિતી પુરી પાડનાર પુસ્તકોના નામ આપેલ છે.*

*૧. ફા. કાર્લોસ સૂર્યા એસ.જે. - History of the Catholic Church in Gujarat*

*૨. ફા. ગારીઝ એસ.જે. - History of North Gujarat* 

*૩. ફા. વર્ગીસ પોલ - વિકાસના હમસફર*

સાથે સાથે *બ્ર. રમણ દળવી એસ.જે.નો આભાર જેમણે દક્ષિણ ગુજરાતની ધર્મસભા પર ઊંડાણથી અને સચોટ રીતે અભ્યાસ કરીને આપણને માહિતી પુરી પાડવામાં ખુબ મદદ કરી છે.* બ્ર. રમણ દળવી હાલમાં રાધનપુર ખાતે હોસ્ટેલના ઇન્ચાર્જ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. પ્રભુ તેમને તેમના મિશન કાર્યમાં સહાય કરે એવી પ્રાર્થના.

*નોંધ: આ માહિતી સાથે દક્ષિણ ગુજરાતની કેથોલિક ધર્મસભાના ભાગનો અંત આવે છે.*  

           

*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી ભાગ ૧૭*

*સૌરાષ્ટ્ર અને કચ્છની કેથોલિક ધર્મસભા*

ગુજરાતના વિવિધ મિશન કેન્દ્રોની જેમ સૌરાષ્ટ્રમાં પણ ઈસુસંઘનું સેવાકાર્ય મુખ્યત્વે શિક્ષણ ક્ષેત્રે જ રહેલું હતું. સૌરાષ્ટ્રમાં ઈસુસંઘના સેવાકાર્યને સમજવા સૌરાષ્ટ્રની ધર્મસભાના ઇતિહાસ પર નજર દોડાવવી પડે. *સૌરાષ્ટ્રના ઈતિહાસને આપણે ત્રણ તબક્કામાં વિભાજીત કરીશું.*

*૧. ઈસુસંઘ પહેલાનો ઈતિહાસ (ઈ.સ. ૧૯૩૫ સુધી)*

*૨. ઈસુસંઘનો પ્રથમ તબક્કો (ઈ.સ. ૧૯૩૫થી ૧૯૫૨ સુધી)*

*૩. ઈસુસંઘનો બીજો તબક્કો (ઈ.સ. ૧૯૫૨થી ૧૯૭૬)*

*૧. ઈસુસંઘ પહેલાનો ઈતિહાસ:*

*લેખિત દસ્તાવેજો પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં પહેલું દેવળ ૧૮૩૬માં ભુજ ખાતે સ્થપાયું.* પરંતુ તે પહેલા પણ આ વિસ્તારમાં કેથોલિક ધર્મમંડળી હશે એવું અનુમાન લગાવી શકાય. *ભાવનગરના મહુવા ખાતે આજે 'ફિરંગી દેવળ' તરીકે ઓળખાતા એક નાના દેરાના અવશેષો છે. પરંતુ. 'ફિરંગી દેવળ' વિશે ગૂગલ સર્ચ કરતા એવું જાણવા મળે છે કે આ દેવળ એક મંદિર કે સૂર્યમંદિર હતું! તેથી સમુદ્રતટ પર આવેલા આ દેવળની સાચી માહિતી પ્રાપ્ય નથી.* પણ આ દેવળ પરથી અનુમાન લગાવી શકાય કે પાસે આવેલા પોર્ટુગીઝ કિલ્લા 'દીવ'માંથી ઈસુસંઘી કે બીજા ફાધરો સૌરાષ્ટ્ર આવતા હશે. પરંતુ ઉપર જણાવ્યા મુજબ, ૧૮૩૬માં જયારે અંગ્રેજી સૈન્યની ટુકટીને ભુજ મોકલવામાં આવી ત્યારે તેમની સાથે એક 'ચેપલીન' મોકલવામાં આવ્યા હતા. તે જ રીતે ૧૮૫૧માં બીજી એક ટુકટી રાજકોટ આવી. તેમાંના કેથોલિક સૈનિકો માટે રાજકોટમાં બીજું એક નાનું દેવળ બાંધવામાં આવ્યું. ભુજમાં નિમાયેલા ચેપલીન જ રાજકોટ સંભાળતા અને ભુજ-રાજકોટ વચ્ચે અવરજવર કરતાં. ઈ.સ. ૧૮૬૩ના વર્ષમાં ખ્રિસ્તી ધર્મસભા ૨૦૦ લોકોની હતી. જેમાં ૮૦ લોકો વિદેશી હતા. ૧૮૭૦માં જામનગરમાં બીજું એક નાનું દેવળ બાંધવામાં આવ્યું અને ૧૮૮૧માં ભાવનગર ખાતે બીજા ચેપલીનની નિમણુક થઈ. આ બંને ફાધરો મોરબી, ગોંડલ, વાંકાનેર, જૂનાગઢ, ધ્રાંગધ્રા જેવા સ્થળો પર ધર્મજનોની મુલાકાત લેતા. 

*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી  ભાગ ૧૮*

*સૌરાષ્ટ્ર અને કચ્છની કેથોલિક ધર્મસભા*

*ઈસુસંઘનું આગમન- પ્રથમ તબક્કો (૧૯૩૫-૧૯૫૨):*

*ઇ.સ. ૧૯૩૫માં ઇસુસંઘને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી.* શરૂઆતમાં ફા. બાસતોન્સ અને ફા. મોનેનીની નિમણુક અનુક્રમે રાજકોટ અને ભાવનગરમાં થઈ હતી. પરંતુ, ૧૯૭૨માં ફાધર ગદેઆ અને ફા. રોમાનીએ તેમની જગ્યા સંભાળી. 

*ફા. ગદેઆ રેલ્વે દ્વારા પોતાના ધર્મજનોની મુલાકાત લેતા.* તેઓ દર નાતાલ પર કેલેન્ડર છપાવતા અને તેમાં તેઓ ક્યારે કયા ગામમાં જવાના છે તેનું વાર્ષિક આયોજન તેમના ધર્મજનોને મોકલતા. *સૌરાષ્ટ્રની સંસ્કૃતિને સમજી તેમને હંમેશા લાગતું કે સૌરાષ્ટ્રમાં પ્રેષિતક કાર્યનો એકમાત્ર વિકલ્પ શૈક્ષણિક કાર્ય છે.* આમ મિશન  સંભાળ્યાના માત્ર પાંચ વર્ષ પછી જ ફા. ગદેઆએ ઈ.સ.૧૯૪૦માં રાજકોટમાં કોલેજ સ્થાપવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ ગયો. 

*ઈ.સ. ૧૯૪૯માં 'ટાટા કેમિકલ્સ' દ્વારા મીઠાપુરમાં હોસ્પિટલ ખોલવાનો પ્રસ્તાવ મુકાયો.* હોસ્પિટલમાં નર્સ તરીકેની સેવા માટે ફા. ગદેઆએ સિકન્દરાબાદથી સીસ્ટરોને આમંત્રણ આપ્યું હતું. ૧૯૪૯માં આવેલા ત્રણ સીસ્ટરો માટે માત્ર બે નાની ઓરડી અને ત્રણ ખાટલાની વ્યવસ્થા હતી. ખ્રિસ્તયજ્ઞ માટે ફાધર પણ ન હતા. સ્થાનિક લોકોમાં પણ હોસ્પિટલ અને સીસ્ટરો સામે અણગમો દેખાયો. છતાં ૧૫ ઓગસ્ટના દિને હોસ્પિટલ શરુ કરાઈ. ઈ.સ. ૧૯૬૫માં ટાટા કંપનીએ સીસ્ટરો માટે ક્વાટર્સની વ્યવસ્થા કરી આપી. ત્યારબાદ સીસ્ટરોએ બાલવાડી પણ શરુ કરી. ઈ.સ. ૧૯૪૯માં ફા, સ્ટીવન ડિસોઝા દ્વારા મીઠાપુરમાં પણ શાળા સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ તે નિષ્ફળ ગયો હતો. 

ઇસુસંઘનો આ પ્રથમ તબક્કો કટોકટીથી ભરપૂર હતો. ત્યાં ઇસુસંઘીઓ ખુબ ઓછા હતા અને કામ વધારે હતું. આ ઇસુસંઘીઓનું કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્રથી કચ્છ સુધી વિસ્તરેલું હતું. *લોકોની મુલાકાત માટે વાહનવ્યવહારની મુશ્કેલી તો ખરી પણ આર્થિક મુશ્કેલી પણ ખુબ હતી. ફા, ગદેઆ પોતાના સંપર્કો દ્વારા બને ત્યાં સુધી રેલ્વેનો ફ્રી પાસ મળે તેવી કોશિશો કરતા. કહેવાય છે કે કાઠિયાવાડી ઈસુસંઘીઓનું જીવન 'દિવસના ચાર આના' ના ખર્ચથી ચાલતું હતું.* 

  







        

        

*ઋણ સ્વીકાર*

*શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખીને નીચે માહિતી પુરી પાડનાર પુસ્તકોના નામ આપેલ છે.*

 ૧. ફા. કાર્લોસ સૂર્યા એસ.જે. - History of the Catholic Church in Gujarat

૨. ફા. ગારીઝ એસ.જે. -  History of North Gujarat 

૩. ફા. વર્ગીસ પોલ -   વિકાસના હમસફર

૪. સાથે સાથે *બ્ર. જિપ્સન એસ.જે.નો આભાર જેમણે ઉત્તર ગુજરાતની ધર્મસભા પર ઊંડાણથી અને સચોટ રીતે અભ્યાસ કરીને આપણને માહિતી પુરી પાડવામાં ખુબ મદદ કરી છે.* બ્ર. જિપ્સન હાલમાં સુબીર ખાતે હોસ્ટેલના ઇન્ચાર્જ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. પ્રભુ તેમને તેમના મિશન કાર્યમાં સહાય કરે એવી પ્રાર્થના.

૫. સાથે સાથે *બ્ર. રમણ દળવી એસ.જે.નો આભાર જેમણે દક્ષિણ ગુજરાતની ધર્મસભા પર ઊંડાણથી અને સચોટ રીતે અભ્યાસ કરીને આપણને માહિતી પુરી પાડવામાં ખુબ મદદ કરી છે.* બ્ર. રમણ દળવી હાલમાં રાધનપુર ખાતે હોસ્ટેલના ઇન્ચાર્જ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. પ્રભુ તેમને તેમના મિશન કાર્યમાં સહાય કરે એવી પ્રાર્થના.

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26