કથાકાર ફાધર ઈગ્નાસ કાનીસના મૃત્યુ પ્રસંગે...

 પ્રથમ ખ્રિસ્તી કથાકાર ઇગ્નાસ કાનીસની કથા


હું સિંહ છું,

સિંહ હતો,

અને સિંહ જ રહેવાનો છું.

- આ શબ્દો બોલવાની હિંમત જોઈએ. ખૂબ જ સારી અને અનુકૂળ પરિસ્થિતિમાં જ નહીં પણ સાવ વિપરીત સંજોગો અને વેદનામય અનુભવોમાં પણ આવી ખુમારી રાખવી સહેલી નથી હોતી. એક પગમાં ગેંગરીન થતા અમુક ભાગ કાપવો પડ્યો હોય ; ચાલવાનું મુશ્કેલ બન્યું હોય અને ફરી પાછું બીજા પગમાં પણ ગેંગરીન થાય અને ચાલવું અઘરું જ નહીં અસંભવ બની જાય, ત્યારે પણ વ્હીલચેરમાં બેસીને હું સિંહ જ રહેવાનો... જેવી ગર્જના કરી શકવાને સામર્થ્યવાન એટલે ઇગ્નાસ કાનીસ, કથાકાર ઇગ્નાસ કાનીસ.

મરીયમપુરા,પેટલાદમાં શરૂઆતના વર્ષો બાદ ઇસુસંઘમાં જોડાવા ઇગ્નાસ કાનીસ અમદાવાદ પહોંચી ગયા. રમૂજી સ્વભાવના કારણે સહુ કોઈના અસ્તિત્વને હસું હસું બનાવી મૂકે. કોઈ પણ જાતના માનસિક કે ભાવાત્મક બોજ વગરનું જીવન એમની જીવવાની રીત. યુવાનો, બાળકો, પુખ્ત વ્યક્તિ કે જૂથના તેઓ સહેલાઈથી મિત્ર બની જાય. તેઓ ઉમેદવાર હતા ત્યારથી જ યુવાનો માટે રજાઓમાં વ્યક્તિત્ત્વ શિબિરનું આયોજન કરે. આ હલકો-ફુલકો આદમી "માળખા" બહારનો કહી શકાય કારણકે બોલી, રીતભાત અને દર્શનમાં એ ટોળાની બહારનો માણસ લાગે. કોઈ બનાવટ નહિ. કોઈ દેખાડો નહિ. કોઈ અંહકાર નહિ. જોકે ટોળું એકઠું કરી શકવાની તેઓ પાસે આવડત છે, ભાષા છે, વ્યવહાર છે. જ્યાં ઇગ્નાસ કાનીસ હોય જ્યાં ગંભીર વાતાવરણ પણ હળવુંફુલ થઈ જાય. એમને મળવાનું મન થાય અને મળવું પણ સરળ લાગે.

તેઓને મળેલું મિશન હતું - ઈસુને લોકો વચ્ચે લઈ જવા, ઈસુનો સંદેશ લોકો વચ્ચે લઇ જવો. ગુજરાતમાં સ્થાનિક ઇસુપંથીઓ કેટલા? બિન ખ્રિસ્તીઓ માટે ખાસ મહત્વ વગરનો આંકડો. ખ્રિસ્તી પ્રચારકોની પ્રચારની રીતો હંમેશા આયાતી રીતો રહી છે અને તેથી બિનખ્રિસ્તી સ્થાનિક સમુદાયો શુભસંદેશથી દૂર રહ્યા છે. ઇગ્નાસના જ શબ્દોમાં "ગુજરાતમાં બિનખ્રિસ્તીઓને ઈસુનો શુભસંદેશ આપવો હોય તો તેઓની રીતભાતમાં, તેઓની ભાષા અને સંસ્કૃતિમાં આપવો પડે. ભારતમાં કથાનું માધ્યમ પરંપરાથી ચાલતું આવેલું માધ્યમ છે. ઇસુકથા કરવાની શરૂઆત હું કેમ ના કરું"?  

ઇસુસંઘમાં તાલીમના વર્ષો દરમ્યાન તેઓ નાના સમુહોમાં "ઇસુકથા" કરતા રહ્યા ને ઇગ્નાસ કાનીસ "કથાકાર" તરીકે ઘડાતાં રહ્યા. અને ટૂંક સમયમાં એક જાણીતા "પ્રથમ ખ્રિસ્તી કથાકાર" તરીકે ખ્યાતિ પામ્યા. તેઓએ 500થી વધારે કથાગીતો રચ્યાં છે અને 3000થી વધારે કથા કરી છે.

તેઓ કથાકારની સાથે એક મિશનરી હતા. લોકો ઈસુને જાણે, ઈસુના પ્રેમ સંદેશને સમજે એ એમને મળેલ મિશન હતું. પરંપરાગત મિશન પ્રદેશ નહિ પણ સાવ અજાણ્યા પ્રદેશને પોતાનો માતૃમિશન બનાવ્યું. ધંધુકા વિસ્તારમાં ફાધર ગોરસે, ઇગ્નાસના અધ્યાત્મિક ગુરુએ મિશનની શરૂઆત કરી હતી. દીક્ષા પછી પૂર્ણપણે ઇગ્નાસે ગુરુને સાથ આપવાનું નક્કી કર્યું પણ પોતાની આગવી સ્ટાઇલમાં. પોતાના સમાજ કરતા સાવ નોખો અને નવો સમાજ. ઇગનાસે નક્કી કર્યું હતું કે લોકો સાથે કોઈ બનાવટ નહિ, કોઈ દંભ નહિ. અને આશ્ચર્ય વચ્ચે ધંધુકાના લોકોએ આ લોકોમાં વસતા , લોકો જેવા, સાવ સામાન્ય લાગતા, બીજા સમાજ માંથી આવતા આ ખ્રિસ્તી ધર્મગુરુને પોતાના ધર્મગુરુ તરીકે સ્વીકારી લીધા. તેઓની કથાટીમમાં બધાજ બિનખ્રિસ્તીઓ હતા - સમય જતાં કેટલાક સ્નાનસંસ્કાર સાથે તો કેટલાક સ્નાનસંસ્કાર વગર પણ ખ્રિસ્તીઓ બની રહ્યા. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ 

ગુજરાતભરમાં લોકોની "ઇગ્નાસની કથા" માટે માંગ રહી છે. તેઓની કથા લોક બોલીમાં હોય, એમાં કહેવતો ને ઉદાહરણો હોય, સ્વઅનુભવો હોય, એમાં ખડખડાટ હસાવતા જોક્સ હોય, એમાં સાંપ્રત પરિસ્થિતિ ઉપર કટાક્ષ હોય, ભજનો હોય અને આ બધાની વચ્ચે એમાં ઈસુની ઓળખ અને ઈસુનો સંદેશ હોય. આ આમઆદમી "કથાકાર" માટે કોઈ વિશેષ પહેરવેશ અગત્યનો નથી -માત્ર એક શાલ ઓઢે, સાત-આઠ યુવાનોની એક સંગીત ટુકડી, કોઈ આધુનિક વાજિંત્રો નહિ પણ ભજનમંડળીમાં વપરાતા રોજિંદા વાજિંત્રો. હાર્મોનિયમ પોતે વગાડે. ભજનોમાં પણ ગામડાનો લહેકો ઉઠે. માનસિક ભાર લઈને આવેલ શ્રોતાઓ કથા પછી ભાર વગરના બનીને ઘરે જાય એ મારા મતાનુસાર ઇગ્નાસની કથાની મોટી સફળતા ગણી શકાય. 

ફાધર ગોરસનું મૃત્યુ ઇગ્નાસ કાનીસ માટે વેદનામય હોય એ સ્વભાવિક છે. ફાધર ગોરસ ઇગનાસના ગુરુ કરતાં મિત્ર વધારે કહેવા પડે. ધંધુકા અને ધર્મસભાને - એક સુંદર ઇસુમંદિર, એક સ્થાનિક સંસ્કૃતિમાં આરૂઢ એવો નાનો પણ મજબૂત ધર્મપરિવાર એ ગોરસ અને ઇગ્નાસે આપેલ અમૂલ્ય ભેટો છે. 

ધંધુકાની ધર્મસભાના પાયાની ઇટ કહેવા પડે એવા ઇગ્નાસની નગરા ખાતે બદલી સહુ માટે મોટો આંચકો હતો. આજ સમયે ફાધર ઇગ્નાસ માટે શારીરિક પીડાનો સમય પણ હતો - ગેંગરીનના કારણે તેઓનું હરવું ફરવું ઓછું થયુ હતું. પણ કથાકીર્તનને બંધ કરે તો ઇગ્નાસ શાના? તેઓની કથા હજારો લોકો રોજેરોજ youtube પર માણે છે. વર્ષો પછી, ગુજરાતને ફાધર વિનય મેકવાન, એક આગવી સ્ટાઇલ સાથેના "કથાકાર" મળ્યા છે જે એક શુભ અને આવકારદાયક ઘટના છે. 

ઇગ્નાસ કાનીસ પણ પોતાના સંઘના સ્થાપક સંત ઇગ્નાસની જેમ શારીરિક બીમારી સામે ઝૂકે એવા નથી. અસહ્ય વેદના વચ્ચે પણ સિંહ ગર્જના કરે એ ઇગ્નાસ. ગુજરાતની ધર્મસભા પોતાના ધરતીપુત્ર ઇગ્નાસ માટે ગૌરવ અનુભવે છે. તેઓએ આપેલ નોખું અને નોખી રીતે આપેલ પ્રદાન માટે ગુજરાત ઋણી રહેશે. ગુજરાતની ધર્મસભા તરફથી પોતાના નોખા ધરતીપુત્ર માટે સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ અને પ્રાર્થના ! 

સોર્સ :- ફા.અનિલ સેવરીન

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26