તાડપત્રનો રવિવાર અને ગધેડો
*પ્રભુને તેની જરૂર છે*
ગધેડાના અજાણ્યા માલીકે જો તેને આપવાનો ઇનકાર કર્યો હોત, તો આજે આપણે કેટલી અલગ વાર્તા કહી રહ્યા હોત? કદાચ “વિજય પ્રવેશ”ની એ અદભુત ઘટના આપણા સુધી આવી જ ન હોત. ઓછામાં ઓછું તો ઈસુએ જેમ ઇચ્છ્યું હતું તે સ્વરૂપમાં તો નહીં જ.
આમાંથી આપણને એક ઊંડો સંદેશ મળે છે: કોઈ વ્યક્તિ કેટલો અજાણ્યો કે સામાન્ય કેમ ન હોય, તે ભગવાનની યોજનામાં અતિ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગધેડાના તે અજાણ્યા માલિકની જેમ, પ્રભુને આપણા સહકાર, આપણા સમર્પણ અને આપણા વિશ્વાસની જરૂર છે.
વાંચનમાં ગધેડાના માલિકનું નામ નથી આપવામાં આવ્યું, પરંતુ તેણે “પ્રભુ” એટલે ઈસુને તેની જરૂર છે તે ઓળખીને સ્વેચ્છાએ ગધેડો અર્પણ કર્યો. આ કાર્ય સૂચવે છે કે તેઓ કદાચ તેમના ગુપ્ત અનુયાયીઓ કે હૃદયથી જોડાયેલા પ્રશંસકો હશે. નહિતર તેઓ પૂછતા, “આ પ્રભુ કોણ છે જેને મારા ગધેડાની જરૂર છે?”
તે સમયમાં ગધેડો માત્ર એક પશુ નહોતો, પરંતુ જીવનનો અગત્યનો આધાર હતો. તે કાર, ટ્રક અને ટ્રેક્ટર all in one સમાન ગણાતો. લોકો તેને મુસાફરી માટે વાપરતા, ભાર વહન માટે અને ખેતીના કામ માટે પણ તેનો ઉપયોગ થતો. અને ખાસ વાત એ કે આ ગધેડો ક્યારેય સવારી કરવાના ઉપયોગમાં આવ્યો ન હતો. “પ્રભુને તેની જરૂર છે” એટલા માટે તેને આપી દેવું એક મોટો ત્યાગ હતો. તે એક ઉદાર, નિર્ભય અને વિશ્વાસભર્યું સમર્પણ હતું.
હવે, આ ગધેડાના માલિકોના વિશ્વાસની તુલના આપણા સમયના શ્રદ્ધાળુઓ સાથે કરીએ. આપણે ઘણીવાર ઉત્સાહપૂર્વક મોટા મોટા શબ્દો બોલીએ છીએ, વિકાસ, સમર્પણ, સેવા પણ જ્યારે ત્યાગની વાત આવે છે, ત્યારે આપણું મન પાછું ખેંચાઈ જાય છે. આપણા વિશ્વાસ અને આપણા કાર્ય વચ્ચે ક્યારેક અંતર રહી જાય છે.
આ સંદર્ભમાં, એક નાની હાસ્યજનક ઘટનામાં પણ સત્ય છુપાયેલું છે. એક ચર્ચના પ્રચારક સભાને ઉત્સાહિત કરતા કહ્યું : “આ ચર્ચને પ્રગતિને પંથે ચાલવું પડશે!”—“ચાલવા માટે અમે મદદ કરીશું !” લોકોએ જવાબ આપ્યો. પ્રચારકે જુસસામાં આવીને આગળ કહ્યું “ચર્ચે દોડવું પડશે !” તેમણે સૌએ કહ્યું “દોડવા માટે અમે મદદ કરીશું!” પ્રચારકે જુસસામાં આવીને આગળ કહ્યું “ચર્ચે ઉડવું પડશે!” સૌએ કહ્યું “ઉડવા માટે અમે મદદ કરીશું!” પરંતુ જ્યારે પ્રચારકે તેમને કહ્યું કે “ઉડવા માટે પૈસાની જરૂર પડશે,” ત્યારે અચાનક શાંતિ છવાઈ ગઈ, અને અંતે પાછળથી અવાજ આવ્યો: “સારું એ છે કે ચર્ચને ચાલવા દો!” આ ઘટનામાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ત્યાગની વાત આવે છે, ત્યાં આપણો ઉત્સાહ ઘણીવાર ઘટી જાય છે.
મેક્સ લુકાડો નામનો ચિંતક આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિ પાસે પોતાનો એક “ગધેડો” છે. કોઈ પ્રતિભા, કોઈ સમય, કોઈ સાધન. જે જો ભગવાનને અર્પણ કરીએ, તો તે ઈસુના કાર્યને આગળ વધારી શકે. ક્યારેક આપણે અશંકામાં અટકી જઈએ છીએ, ક્યારેક સ્વાર્થમાં બંધાઈ જઈએ છીએ, અને ક્યારેક આપણાં નાનકડાં કાર્યોની કિંમત વિશે શંકા કરીએ છીએ. પરંતુ સત્ય એ છે કે નાનું સમર્પણ પણ ભગવાનના હાથમાં મોટું પરિણામ આપી શકે છે.
આપણે દરેકને પોતાનો “ગધેડો” ઓળખવો જોઈએ. કદાચ તે તમારી સંગીતની પ્રતિભા છે, તમારો સમય છે, તમારી સેવા છે, તમારું જ્ઞાન છે, કે પછી તમારું દાન છે. જે કંઈ છે, તે ભગવાનને અર્પણ કરવાથી ઈસુને આગળ લઈ જવામાં ઉપયોગી બની શકે છે.
અને યાદ રાખો આપણી પ્રતિભા અને આપણું બધું ભગવાનનું જ છે. ગધેડો પણ તેમનો હતો અને આજે પણ તેમનો જ છે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “જો કોઈ પૂછે કે તમે ગધેડો કેમ લઈ રહ્યા છો, તો કહો: ‘પ્રભુને તેની જરૂર છે.’”
અંતે પ્રશ્ન આપણા માટે છે: આપણા જીવનના “ગધેડા”નું નામ શું છે? અને શું આપણે તેને પ્રભુને અર્પણ કરવા તૈયાર છીએ?
આજના દિવસનો શુભસંદેશ આપણને એક જ આમંત્રણ આપે છે વિશ્વાસ, સમર્પણ અને પ્રેમથી આપણું જીવન અર્પણ કરીએ, કારણ કે પ્રભુને તેની જરૂર છે.
In Christ
___________________
Fr Nilesh Y Macwan SJ
Ahmedabad
Comments
Post a Comment